Thursday, 31 January 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ બહુ કમાયો નહીં, પણ આર્થિક મદદનો ધોધ અનુભવ્યો... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



બહુ કમાયો નહીં, પણ આર્થિક મદદનો ધોધ અનુભવ્યો!

ખેલ અને ખેલાડી-અજય મોતીવાલા

amdavadis4ever@yahoogroups.comસામાન્ય માન્યતા એવી છે કે ભારતીય ક્રિકેટરો કરોડો રૂપિયામાં આળોટતા હોય છે. એમાંના મોટા ભાગના ખેલાડીઓએ તો એટલો પૈસો બનાવી લીધો છે કે તેમની આવનારી ૧૦ પેઢીના વારસો કંઈ ન કમાય તો પણ ખાઇ-પીને સુખી રહી શકે. ભારતીય ક્રિકેટ બોર્ડ સમગ્ર ક્રિકેટ-જગતમાં સૌથી ધનિક છે અને આપણા ક્રિકેટરો વિશ્ર્વભરના ક્રિકેટ ખેલાડીઓમાં સૌથી શ્રીમંત છે. ૧૯૯૦ના દાયકાથી જોઈએ તો ખેલાડીઓને રમીને અને મૉડલિંગ કરીને પુષ્કળ કમાણી કરવા મળી છે અને ૨૦૦૮ની સાલમાં શરૂ થયેલી આઇપીએલ (ઇન્ડિયન પ્રીમિયર લીગ)ના આગમન પછીની તો વાત જ જવા દો. આઇપીએલે તો ઘણા અજાણ્યા, બિનઅનુભવી અને સાધારણ કરતાં પણ ઓછા ટૅલન્ટેડ હોય એવા પ્લેયરોની પણ તિજોરી છલકાવી દીધી છે.

ક્રિકેટરોની શ્રીમંતાઈની વાત ચાલતી હોય અને જો કોઈ કહે કે ફલાણા ક્રિકેટરને પૈસાની તાતી જરૂર છે તો થોડી ક્ષણો માટે તો એ વાત માનવામાં જ ન આવે. જોકે, હકીકતમાં આવું બન્યું છે. આપણે જેની વાત કરવાની છે એ કોઈ કરોડપતિ ભારતીય ખેલાડી કે આઇપીએલનો ધનિક પ્લેયર નથી. આ છે, વડોદરાનો ભૂતપૂર્વ બૅટ્સમૅન જૅકબ માર્ટિન.

જૅકબને ગત્ ૨૭મી ડિસેમ્બરે રોડ-અકસ્માત નડ્યો હતો જેમાં તેને ફેફસાં અને યકૃત પર ગંભીર ઈજા પહોંચી હતી. આ લેખ લખાઈ રહ્યો હતો ત્યારે તે વડોદરાની એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં લાઇફ-સપોર્ટ સિસ્ટમ પર સારવાર લઈ રહ્યો હતો. જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો હોવાથી તેના પરિવારજનો તેમ જ તેના મિત્રો, ચાહકો ખૂબ ચિંતિત તો હતા જ, જૅકબ પૈસાની તાતી જરૂર પણ અનુભવી રહ્યો હતો.

જોકે, ઘણી વાર એવું બન્યું છે કે કોઈ બાળકને કે કોઈ વ્યક્તિને જીવન બચાવવા કે જરૂરી સારવાર માટે પૈસાની તાબડતોબ જરૂર હોય ત્યારે તેના પર પૈસાનો ધોધ વહેતો હોય છે. ઘણી વાર આવી વ્યક્તિઓને પોતાની જ્ઞાતિમાંથી કે મિત્ર-સમુદાયમાંથી પૂરતા પૈસા મળી જતા હોય છે. આવો માનવતાનો અભિગમ ભારતીય ક્રિકેટરો અને સંચાલકોમાં પણ જોવા મળ્યો છે. જૅકબને જિંદગી બચાવવા સારવાર માટે લાખો રૂપિયાની જરૂર છે એ વાત બહાર પડી કે તરત તેના પર પૈસાની વર્ષા થવા લાગી હતી. જૅકબના અકસ્માતના બનાવ પછીના થોડા દિવસો દરમિયાન તેની પત્ની ખ્યાતિએ આર્થિક સહાય માટે આમતેમ ખૂબ ભટકવું પડ્યું હતું, પરંતુ સોમવાર, ૨૧મી જાન્યુઆરીએ સ્થિતિમાં સુખદ વળાંક આવ્યો હતો. ઘણા ક્રિકેટરોએ જૅકબ માટે આર્થિક મદદ ઑફર કરી હતી.

જૅકબ ૪૬ વર્ષનો છે. તે ૧૯૯૯થી ૨૦૦૧ દરમિયાન ભારત વતી ૧૦ વન-ડે ઇન્ટરનેશનલ રમ્યો હતો જેમાં તેણે કુલ ૧૫૮ રન બનાવ્યા હતા. તેણે ૧૯૯૯ની સાલમાં ભારત વતી ડેબ્યૂ કર્યું હતું અને ત્યારે સૌરવ ગાંગુલી ભારતનો કૅપ્ટન હતો. ટૂંકમાં, ગાંગુલી તેનો પહેલો અને છેલ્લો ભારતીય કૅપ્ટન હતો. ગાંગુલીએ જૅકબને પૈસાની મદદ કરી છે.

ગાંગુલી ઉપરાંત વડોદરામાં જ રહેતા ક્રિકેટરો ઇરફાન પઠાણ, યુસુફ પઠાણ અને ભરૂચ નજીકના મૂળ ઇખરના મુનાફ પટેલે પણ જૅકબને આર્થિક મદદની ઑફર કરી છે. ઝહીર ખાન પણ જૅકબને મદદ કરવા આગળ આવ્યો છે. બરોડા ક્રિકેટ એસોસિયેશનના ભૂતપૂર્વ સેક્રેટરી સંજય પટેલ, ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રીએ (ન્યૂ ઝીલૅન્ડથી) અને વીવીએસ લક્ષ્મણે તેમ જ મૅચ-રેફરી રાજીવ શેઠ અને અમ્પાયરો એમ. કુપ્પુરાજ તથા કે. એન. રમેશે પણ મદદની ઑફર કરી છે. ભારતીય ક્રિકેટ બોર્ડે પ્રાથમિક સહાયના રૂપમાં પાંચ લાખ રૂપિયાની મદદ કરી છે, જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સે ત્રણ લાખ રૂપિયા મોકલ્યા છે. વડોદરામાં જ રહેતા યુવાન ઑલરાઉન્ડર કૃણાલ પંડ્યાએ તો જૅકબના પરિવારને બ્લૅન્ક ચેક જ આપી દીધો છે.

જૅકબની ક્રિકેટ-કરિયર અને અન્ય રસપ્રદ અંગત વાતો જાણીએ. તેણે ૧૯૯૧માં બરોડાની ટીમ વતી પ્રથમ કક્ષાની ક્રિકેટમાં રમવાની શરૂઆત કરી હતી. તે ૨૦૦૯ની સાલ સુધી ક્રિકેટ રમ્યો હતો. તે મુખ્યત્વે બૅટ્સમૅન હતો, પરંતુ કરિયરની શરૂઆતમાં લેગ-બ્રેક ગુગલી સ્પેશિયલિસ્ટ તરીકે પણ જાણીતો હતો. તેણે ૧૩૮ ફર્સ્ટ-ક્લાસ મૅચોમાં માત્ર ૧૦ વિકેટ લીધી હતી જેમાંથી પાંચ વિકેટ રણજી ટ્રોફીમાં પોતાની પહેલી જ મૅચમાં લીધી હતી. રાઇટ-હૅન્ડ બૅટ્સમૅન જૅકબે ગુજરાત સામેની એ મૅચમાં એક દાવમાં પાંચ વિકેટ લેવા ઉપરાંત ૫૦ રન પણ બનાવ્યા હતા.

જૅકબ સમગ્ર કરિયર દરમિયાન આસામ અને રેલવે વતી રમેલી જૂજ મૅચોને બાદ કરતા મોટા ભાગે બરોડાની ટીમ વતી રમ્યો હતો. ૧૯૯૮-'૯૯માં એક તરફ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સચિન તેન્ડુલકરની બોલબાલા હતી ત્યારે ડોમેસ્ટિક ક્રિકેટમાં જૅકબ ક્રિકેટપ્રેમીઓના દિલ પર છવાઈ ગયો હતો. એ સિઝનમાં તેણે બરોડા વતી ૧૦૩.૭૦ની સરેરાશે અને પાંચ સદી સાથે કુલ ૧૦૩૭ રન બનાવ્યા હતા. ત્યારે તે એક રણજી સિઝનમાં ૧૦૦૦ કરતાં વધુ રન બનાવનારો છઠ્ઠો ખેલાડી બન્યો હતો. એ પર્ફોર્મન્સને લીધે જ તેને ૧૯૯૯ના સપ્ટેમ્બર મહિનામાં ભારતીય ટીમમાં જગ્યા મળી હતી. તેની ઇન્ટરનેશનલ કરિયર બહુ ટૂંકી રહી હતી જેમાં તેણે બ્રાયન લારાના નેતૃત્વવાળી વેસ્ટ ઇન્ડિઝની ટીમ વતી રમીને આંતરરાષ્ટ્રીય કારકિર્દી શરૂ કરી હતી અને સ્ટીવ ટિકોલોની ઝિમ્બાબ્વેની ટીમ સામે તે ૧૦મી વન-ડે રમ્યો હતો, જે તેની અંતિમ વન-ડે મૅચ બની હતી. જોકે, એ દરમિયાન તેને સ્ટીવ વૉના નેતૃત્વવાળી ઑસ્ટ્રેલિયાની ટીમ તથા વસીમ અકરમની કૅપ્ટન્સીવાળી પાકિસ્તાનની ટીમ સામે રમવાનો પણ સુવર્ણ મોકો મળ્યો હતો. તે ૧૦ વન-ડેમાં એક પણ હાફ સેન્ચુરી નહોતો ફટકારી શક્યો, પરંતુ ભારતના આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોની યાદીમાં તેનું નામ જરૂર અંકિત થઈ ગયું હતું. કમનસીબે તે ડોમેસ્ટિક ક્રિકેટમાં પોતાનું જે જબ્બર ફૉર્મ હતું એને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સુધી નહોતો લઈ જઈ શક્યો અને ૨૦૦૧માં જ તેની ઇન્ટરનેશનલ કરિયર સમેટાઈ ગઈ હતી.

---------------------------

ડોમેસ્ટિક ક્રિકેટમાં બનાવ્યા

૯૦૦૦થી વધુ રન

જૅકબ માર્ટિને ૧૯૯૧થી ૨૦૦૯ સુધીની (૧૮ વર્ષની) ડોમેસ્ટિક કરિયરમાં ૧૩૮ મૅચ રમીને ૨૩ સેન્ચુરી અને ૪૭ હાફ સેન્ચુરીની મદદથી ૯૧૯૨ રન બનાવ્યા હતા. ૨૭૧ રન તેનો હાઇએસ્ટ સ્કોર હતો. તેણે કુલ ૧૧૮ કૅચ પકડ્યા હતા અને વિકેટકીપરની ટૂંકી ભૂમિકામાં તેણે ચાર સફળ સ્ટમ્પિંગ પણ કરી હતી. તેની ૪૬.૬૫ની બૅટિંગ-ઍવરેજ જેવી સરેરાશ ભારતીય ક્રિકેટમાં બહુ ઓછાની જોવા મળી છે. તેણે પ્રથમ કક્ષાની મૅચોમાં કુલ ૧૦ વિકેટ લીધી હતી.

---------------------------

વર્ષ ૨૦૧૬માં જૅકબની ધરપકડ થયેલી!

જૅકબ માર્ટિને ક્રિકેટ-પ્લેયર તરીકેની કરિયર પૂરી કયાર્ર્ બાદ બરોડાની ક્રિકેટ ટીમને કોચિંગ પણ આપ્યું હતું. ૨૦૧૬-'૧૭ની રણજી સિઝનમાં તે બરોડાની ટીમનો હેડ-કોચ હતો. જોકે, એ પૂર્વે, ૨૦૧૧ની સાલમાં જૅકબની હ્યુમન ટ્રાફિકિંગના કેસ સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી. સામાન્ય રીતે હ્યુમન ટ્રાફિકિંગના ગુનેગાર પર માનવોની ગેરકાયદે હેરાફેરી કે સ્ત્રીઓના વેપાર કે શારીરિક શોષણના કેસો હોય છે. જૅકબની ૨૦૧૧ની સાલમાં ૨૦૦૩ના વર્ષના હ્યુમન ટ્રાફિકિંગ કેસ સંબંધમાં દિલ્હી પોલીસે પકડ્યો હતો. કહેવાય છે કે તે એક યુવાનને (તેના બોગસ પાસપોર્ટને આધારે) પૈસાના બદલામાં ક્રિકેટ રમાડવાના કારણસર બ્રિટન લઈ ગયો હતો. જૅકબને પકડવામાં આવ્યો એ પહેલાં તે ક્યાંક ગુમ થઈ ગયો હતો અને તેના માથા પર ૨૫,૦૦૦ રૂપિયાનું ઇનામ હતું.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Os072UvASE2Ony3gwWSodEa5t5oJzbCkrWBxPHmf0aezg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment