Wednesday, 30 January 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ સુપરપાવર રાષ્ટ્ર બનવા માટે કક્કાના ચાર એક્કા... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સુપરપાવર રાષ્ટ્ર બનવા માટે કક્કાના ચાર એક્કા: કેરેક્ટર, ક્વોલિટી, કોન્ફિડન્સ, ક્રિએટીવિટી!
જય વસાવડા

 

 

 


ટોપલામાં સડેલું ફળ કાઢી બીજાં સારા ફળો સુરક્ષિત રાખીએ, એમ જે પરંપરા નકામી હોય, એ છોડી પરિવર્તન અપનાવતા શીખો. વળગણ પ્રાચીનતાથી વધુ પ્રગતિનું રાખો.


૨૫મી જાન્યુઆરીએ જેમનો જન્મદિન આવશે એવા રમણલાલ સોનીએ લખેલી એક વાર્તા 'તલવારવાળો તપસ્વી' જયહિન્દ વાળા સુભાષબાબુના જન્મદિન ( ૨૩ જાન્યુઆરી) એ યાદ કરવા જેવી છે.


રામકથામાં કદાચ ક્ષેપક (પાછળથી ઉમેરાયેલો ભાગ)રૂપે આવેલી વાર્તા છે - સીતાજીએ દંડકારણ્યમાં રામને શસ્ત્રોનો સતત સંગાથ છોડવા માટે કહેલી બોધકથા છે, જરા લાંબી હોવા છતાં આજે આપણા માટે બહુ અગત્યની છે. કારણ કે આપણા આજના રાજકારણે પેદા કરેલા અગણિત પ્રશ્નાર્થો પાછળનું રહસ્ય તેમાં છુપાયેલું છે!


એક સાધુ મહારાજ વર્ષોથી વનમાં તપસ્યા કરતા હતા. ઝરણાકિનારે નાનકડી ઝૂપડીમાં રહે અને સહેલાઇથી મળતાં ફળો આરોગે. એમના તપના પ્રભાવથી આજુબાજુનું વાતાવરણ પણ ભારે સાત્વિક. જંગલના વેરઝેરના કાયદાઓ પણ એમના વનની અંદર સાવ ભૂલાય જાય! હરણ અને વાઘ સાથે રમતાં થઇ જાય...


રાબેતા મુજબ આ તપના પ્રભાવથી ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલવા લાગ્યું. ઇન્દ્રાસન બચાવવા ઇન્દ્રે અપ્સરાઓથી લઇને આભૂષણો સૂધીની અવનવી ભેટોના પ્રલોભનોથી તપસ્વીને લલચાવી જોયા, પણ આ સાધુ તો પરમાત્મામાં એવા લીન કે એમનું એ તરફ ધ્યાન પણ ન ગયુ! થાકી હારીને બેઠેલા ઇન્દ્ર પાસે પહોચીં ગયા નારદજી, અને નારદે કહ્યું, 'એમાં શી મોટી વાત, આ મામલો સુલઝાવવા માટે તો માત્ર તારી તલવાર જ કાફી છે!'


નારદે પઢાવેલા પાઠ ભણીને ઇન્દ્ર એક રાજાનો વેશ લઇ સાધુ પાસે પહોંચી ગયો. મહાત્માના ચરણોમાં બેસી ભારે ધીરજથી તેમની આંખો ઉઘડવાની પ્રતિક્ષા કરી. સાધુ ધ્યાનમાંથી જાગૃત થયા કે તરત જ બે હાથ જોડીને કહ્યું, 'બાપજી, હું બાર વરસની જાત્રાએ જવા માંગુ છુ.


મૂડીમાં આ એક તલવાર બચી છે અને આપનાથી વધુ યોગ્ય વ્યકિત બીજી કંઇ હોય કે જેને આ થાપણ સાચવવા આપુ? બીજો તો એનો માલિક થઇ બેસે!' સાધુએ કહ્યું, 'મારો તો કોઇ સ્વાર્થ નથી, તું ભલે તારી તલવાર અહી મૂકી જા.'


પણ ઇન્દ્રના ગયા પછી સાધુએ આંખો બંધ કરી ત્યાં ધ્યાનમાં પ્રભુના બદલે તલવાર પ્રગટ થઇ! સાધુએ વિચાર્યુ કે, હું ધ્યાનમાં ડૂબી જાઉ ને મારે ભરોસે મુકાયેલી પારકી થાપણ સચવાય નહી તો ભારે અપરાધ ગણાય.


સાધુએ તલવાર પોતાના આસન તળે મૂકી દીધી! પછી તો સાધુના મનમાં ભગવાનનું સ્થાન ખાલી થતું ગયું અને તલવારની ચિંતા વધતી ગઇ. પારકી અમાનત હતી, જીવની પેઠે જાળવવી પડે! એટલે સાધુ જયાં જાય ત્યાં તલવાર સાથે ને સાથે! સ્નાન કરવા જાય ત્યાં પણ તલવાર સાથે લેતા જાય અને વનમાં ફળ વીણવા પણ તલવાર સાથે.


સમય પસાર થતો ગયો અને પંડની ચિંતા ન કરનાર મહાત્માજી જવાબદારીની ફિકરમાં ડૂબતા ગયા. એક દિવસ યજ્ઞા માટે વડવાઇઓ લેવા ગયેલા સાધુથી વડવાઇઓ તૂટી નહી ત્યાં સાથે રહેલી તલવાર યાદ આવી. પારકી થાપણ છે પણ જરા ઉપયોગ કરશું તો કયાં બગડી જવાની છે, એમ માનીને તલવારથી ફટાફટ વડવાઇઓ કાપી નાખી! પછી તો સાફસફાઇથી લઇને ફળ-ફૂલ તોડવા માટે તલવારનો ઉપયોગ થવા લાગ્યો. કામ ફટાફટ પતી જતું હતુ.


એક વાર સાધુ વનમાં ફરતા હતા અને એક બિલાડાએ ગફલતમાં પોતાના નહોરથી ઉઝરડા કરી દીધા. સંયમની મુત સમાન સાધુએ અચાનક આવેશમાં તલવાર કાઢી બિલાડાનું ડોકું ઉડાડી દીધું!  સાધુ કહે, વાહ! તપસ્યા કરતા તો તલવારમાં વધુ શકિત છે!... બે ત્રણ વરસો સુધી તલવાર જંગલના જનાવરો પર ફરતી રહી અને ફળાહારી સાધુ મહારાજ માંસાહારી બની ગયા! એક વાર જંગલમાં એક શિકારી સામો મળ્યો.


સાધુએ તેને પડકાર્યો કે 'આ જંગલમાં દાયકાઓથી હું તપસ્યા કરૂ છુ, આ વનમાં મને પૂછયા વિના પ્રવેશનાર તું કોણ? અહી મારી હદમાં શિકાર કર્યો છે તો -' શિકારી સામો જવાબ આપવા ગયો ત્યાં તો તલવારથી તેનું ડોકું ધડથી અલગ પડી ચૂકયુ હતુ. હવે તલવાર સાધુની થાપણ મટીને તેનું ભૂષણ બની ગઇ!


બાર વરસે નારદે ઇન્દ્રને જંગલ બતાવ્યું. ત્યા સાધુનો તો પત્તોય નહોતો! હતો એક વિકરાળ લૂંટારો - જે માણસોને એક તલવારના જોરે મારતો, લૂંટતો અને પીડા આપતો. રાજી થઇને ઇન્દ્રને કહે, 'વાહ, માણસના પતનનો સહેલોસટ ઉપાય છે.' તેને સત્તા અને શકિત અમર્યાદિત પ્રમાણમાં આપી દો, એટલે માણસની માણસાઇ મરી જાય અને પશુતા જીવતી થઇ જાય!


સંપૂર્ણ સત્તાની ભ્રષ્ટતાની આટલી મોટી વાર્તા માંડવાનું કારણ એ કે, આપણા દેશ પર ઢગલામોઢે થતાં વિશ્લેષણો, સમીકરણો, હેડલાઇનમાં સતત ચમકતા અહેવાલો, નિષ્ણાંતોના તારણો - એ બધા બોજ તળે દબાતા વાચકને એક વાર્તા, ભારતની તાસીર સચોટ સમજાવી જાય છે. આપણે ત્યાં ચૂંટણી નજીક આવે એટલે પ્રજાસત્તાક દિને પણ વોટબેન્કની બધા ચિંતા કરે છે.


સાચી ફિકર તો સુપરપાવર બનવા માટે 'થોટબેંક'ની કરવાની છે! આપણે ત્યાં આઝાદી આવી ગઈ, પણ હજુ બધે જોઈએ તેટલી આબાદી નથી આવી. કારણ કે સ્વતંત્રતાની તલવારે આપણને જવાબદાર બનાવવાને બદલે ભ્રષ્ટ બનાવી દીધા. આઝાદ થયા પછી મહાસત્તા બનેલા દેશોએ જે ચાર પાયા પર એનું આસન ગોઠવ્યું, એમાં આપણે પાછળ રહી ગયા.


તો લેટ્સ ટોક, પોઈન્ટ બાય પોઈન્ટ.


(૧) કેરેક્ટર: દરેક દેશ કે પ્રજાને એની આગવી ઓળખ જેવું એક રાષ્ટ્રીય ચારિત્ર્ય હોય. એટલીસ્ટ, મહાન બનેલા દેશોમાં તો હોય જ. આપણી ય તાસીર છે તો ખરી, પણ એ જુગાડ, જૂઠ, જીદની છે. એને ચારિત્ર્ય ન કહેવાય.


આપણી વ્યાખ્યા કેરેક્ટરની કોઈ પેટની નીચેના અંગોથી માપવા જેવી સંકુચિત ધામક પણ નથી. પણ અઢળક અસ્મિતાઓના સમૂહને લીધે આપણું પ્રજા તરીકે એક કેરેક્ટર બનતું જ નથી. કેરેક્ટર એટલે સારી આદતો, જે સમાજમાંથી આપોઆપ આવે. જે ભણાવવી ન પડે. કેરેક્ટર આપોઆપ દેખાય, એનું પ્રદર્શન કરવું ન પડે.


આપણું આવું કેરેક્ટર ઘડવા માટે મોહન મુરલીધરથી મહાત્મા મોહનદાસ સુધીના મહાનુભાવોએ તનતોડ અને મનતોડ મહેનત કરી છે. ખૂબ બધા ઉપદેશો અપાયા, કેટલીય બ્લુપ્રિન્ટ બની. ખાસ્સો અમલ પણ થયો. ગાંધીયુગમાં સૌથી વધુ અસરકારક કામ એ માટે થયું.


બ્રિટીશ પ્રજા સીધા સંપર્કમાં અને શિક્ષણમાં હતી, જેમનામાં નેશનલ કેરેક્ટર હતું. આપણા વારસાની સાચી અને સારી સમજ રાખનારા ક્રાંતિકારી સુધારાવાદી મહાનુભાવો પેદા થવાનો એ કાળ હતો. પણ એ કામ પૂરું ન થયું, અધૂરું જ રહ્યું. એટલે તો સ્વચ્છતા જેવા પાયાના પાઠ ભણેલાઓને ય ભણાવવા પડે છે!


આ કેરેક્ટર એટલે એક બનો શ્રે બનો, કાસ્ટ કરતા રાષ્ટ્રને વધુ મહત્વનું ગણો. ધામકતાને ઈગો ઇસ્યુ બનાવ્યા વિના અંગત આસ્થા માટે રાખો, એનો જાહેર તમાશો ન બનાવો! નવું નવું શીખવા અને સર્જવાની જીજ્ઞાાસા કેળવો. ખોટા ગપ્પાને ફોરવર્ડ તો ન જ કરો પણ સત્ય બાબતે જાગૃત રહી એનો વિરોધ કરો. પોતાના વારસાના ઉત્તમ તત્વો બાબતે અહોભાવનાઓ સાથે અભ્યાસ કરો.


ટોપલામાં સડેલું ફળ કાઢી બીજાં સારા ફળો સુરક્ષિત રાખીએ, એમ જે પરંપરા નકામી હોય, એ છોડી પરિવર્તન અપનાવતા શીખો. વળગણ પ્રાચીનતાથી વધુ પ્રગતિનું રાખો. વૃધ્ધો, બાળકો અને સ્ત્રીઓ સાથેનું વર્તન જોરજબરદસ્તીનું ન રાખો. વિભાજનથી કોઈને ઊંચા ને કોઈને નીચા ન ગણો. વાણી, વર્તન, વિચારમાં પારદર્શકતા હોવી જોઈએ.


સગવડિયો દંભ નહિ. ખુદની એક આગવી ઓળખ તો હોવી જ જોઈએ. એનાથી શરમાવાનું નહિ. ભલે જગતનું બધું શ્રે માણી લો. પણ પોતાની ભાષા, સ્વાદ, ઉત્સવ, રહેણીકહેણી જેવા ઓરીજીનલ એલીમેન્ટ્સ જાળવી રાખો. અંગ્રેજી આવડે એટલે સંસ્કૃત નીચી પાયરીએ ઉતરી નથી જતી. પેસ્ટ્રી  ખાવ એટલે લાડવા નકામા નથી થઇ જતા.


એન્ડ ધ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ: ડિસીપ્લીન. જાહેર શિસ્ત. ટ્રાફિક હોય કે મોબાઈલ પરની વાતચીત. એ કેળવવી જ પડે. આપણો અવાજ કે આપણી હરકત આપણા માટે આનંદપ્રદ હોય ત્યાં સુધી બરાબર છે, પણ એ બીજા માટે પરેશાનીનું કારણ જાહેર જગ્યાઓમાં ના બને એનો વિવેક. સામાની અનુકુળતાને આદર આપવાનો સેલ્ફ કંટ્રોલ. ફોટો પડાવવા કે ફેસબુક કોમેન્ટમાં સમજ્યા વિના ધક્કામુક્કીનો ધસારો ન કરવો. એક્ચ્યુઅલી, હવે ટોપ લેવલ પર તો ઘણી સમજણ આવી ગઈ છે. નવી પેઢી પણ ભણે છે એ મોટે ભાગે ઘણી સીધીસાદી રીતે આજ્ઞાાંકિત છે. પણ પ્રજા એવી છે કે કોઈ એનઆરઆઈ મીટર એમની સીસ્ટમના બહુ વખાણ કરે તો કહેવું પડે કે અહીંની તમામ વસતિ ત્યાં લઇ આવો પછી જુઓ કે વ્યવસ્થા થાય છે કે અંધાધૂંધી!


(૨) ક્વોલિટી: દેશની આઈડેન્ટીટી માત્ર ઝંડો કે કોઈ ઈમારત જ નથી હોતી. ક્વોલિટી બાબતે પબ્લિકનો આગ્રહ અને વેપારીઓ, સત્તાધારીઓનું કમિટમેન્ટ પણ હોય છે. અમેરિકા, જાપાન, જર્મની, કોરિયા, ફ્રાન્સ જેવા દેશો એમની ઉચ્ચ સ્તરની પ્રોડકટસ એન્ડ બ્રાન્ડ્સના ભરોસા પર ઓળખાય છે. આપણે ત્યાં ગરીબી વધારે, એમાં પ્રોફિટ મોટીવ આવી ગયો. ગમે તેમ કરી પૈસા બનાવો.


ગુણવત્તામાં લોટ, પાણીને લાકડા ચાલે. ફૂડથી બૂક સુધી, મિલ્કથી સિલ્ક, ભણતરથી ચણતર સુધી બધું દે દાળમાં પાણી! નબળું હોય એ તો ખરું, પાછું એ કબૂલ ન કરવાનું ચીટિંગ પણ કરવાનું! એકાઉન્ટેબિલિટી સ્વીકારવાની વાત જ નહિ.


ભૂલ બતાવો , તો કબૂલ કરવાને બદલે કે માફી માંગવાને બદલે સામા થાય. બાપે માર્યા વેર બાંધી લે પણ સુધરે નહિ. તકલાદી માલ તો ઠીક સવસ પણ એવી. એક વાર વેંચી નાખ્યા બાદ કોઈ ઠેકાણા નહી. કોલ ડ્રોપ થાય કે નેટ ચાલે નહી તો અભણ લોકો ડાચાં વકાસી


પૈસા ખર્ચીને પણ જેમતેમ ચલાવી લેવાનું કહી દે. પ્રાઈવેટ સેક્ટરમાં આવી હાલત હોય તો સરકારી તંત્રમાં તો શિથિલતા આવે જ. લોકો પણ વધુ પડતું જતું કરે અને અન્યાય સામે અવાજ ન ઉઠાવે. અરે ગુનાની પોલીસતપાસમાં કે કોર્ટ પ્રોસેસમાં ય ક્વોલિટીનો અભાવ! રગશિયું ગાડું, લાગવાગીયો મેરિટ વિનાનો સ્ટાફ. યુનિફોર્મ સ્ટાન્ડર્ડ સતત મેઇન્ટેઇન સંસ્થાઓ પણ ન  થાય. એકાદ મજબૂત આગેવાન ગયો કે લાકડીની ભારી વેરવિખેર!


(૩) કોન્ફિડન્સ:ભારતમાં મોટો પ્રોબ્લેમ લડયા પહેલા જ અંજાઈ જઈને હાર સ્વીકારવાની લઘુતાગ્રંથિનો છે. આટલી હદે તો આપણાથી ઘણા 'લઘુ' કહેવાય એવા દેશો પણ દબાઈ ધરબાઈ નથી જતા !  ક્રિકેટમાં તો જરાક નવી જનરેશને સમો જવાબ દેવાનું શરુ કર્યું. પણ લાઈફમાં? આપણે તરત જ જે ટ્રેન્ડ ચાલતો હશે એમાં ઊંધું ઘાલીને ઘેટાંછાપ ફોલોઅર બની જશું.


પોતાની નવીન ઓળખ હોય એવું નહિ વિચારીએ. નામ પાડવામાં ય મોટા ભાગના લોકો ચાલુ ચીલાને અપનાવી લે. ખબર ના પડે એવા ફોરેનના શબ્દો રેસ્ટોરાંમાં ગોખે, પણ પોતાની અટક અંગ્રેજીમાં ખોટી બોલાય કે યોગનું યોગા ને રામનું રામા થઇ જાય તો સહન કરી લે! બિઝનેસમાં પણ કોપીકેટ માનસિકતા આત્મવિશ્વાસનો અભાવ બતાવે છે.


આપણે એટલે જ ગ્લોબલ બ્રાન્ડ નથી બની શકતા. આપણા સપના ય સંતોષના લીધે સંકોચાઈ જાય છે. આપણને એવું જ લાગે છે કે ઇન્ટરનેશનલ લેવલ પર આપણે ટૂંકા પડીએ.


અરે, ત્યાં માણસો છે. આપણે ય માણસો છીએ. એમનાથી ય ભૂલો થાય. આપણાથી પણ થાય. અને ક્યાંક ખરેખર બેહતર હોય તો બરાબર સમજી શિષ્યભાવે શીખો અહંકારી ગ્રેટનેસના મિથ્યાભિમાન વિના! આપણા મુંબઈ દિલ્હીના એરપોર્ટ કે પીવીઆર આઈનોક્સના મલ્ટીપ્લેકસ જગતમાં કોઈનાથી ઉતરતા નથી જ. મતલબ, આપણે ય બેસ્ટ કરી શકીએ છીએ. પણ નરેન્દ્ર મોદીએ જેમ ઓલરેડી વિકાસપ્રેમી ગુજરાતને એક કોન્ફિડન્સ આપ્યો, એ મહત્વનું પરિબળ હતું.


વાયબ્રન્ટના નામે માર્કેટિંગ તો થયું ગુજરાતનું છાતી કાઢીને. નવરાત્રિના કલ્ચરને ઓળખતી તો થઇ દુનિયા. આપણે તો આપણા શાક ખાવા બાબતે કે રંગબેરંગી કપડાં પહેરવા બાબતે કે સ્વદેશી સંગીત પર ઠુમકા મારવા બાબતે ય કોન્ફિડન્ટ નથી. પછી બધું ઉધાર લઇ આવવું પડે છે. વટથી, ઠાઠથી ક્વોલિટી પ્રોડક્ટનું પ્રેઝન્ટેશન કરો યારો.


એમાં શું શરમાવાનું? સડક પરની લુખ્ખાગીરીમાં આત્મવિશ્વાસ રાખવાનો, પણ પોતાના વિચાર વ્યક્ત કરવામાં કે આગળ વધવામાં નહી રાખવાનો? ડેવલપ થવા માટે 'યસ, આઈ કેન'ની ખુદબુલંદી તો પહેલા જોઇશે. હમ કિસી સે કમ નહીં. આપણે આપણે છીએ. એવા રે અમે રેવા રે.


ભારતે જરાક ખોંખારો ખાતા શીખવાની જરૂર છે જ. ઇન્દિરા કે મોદી જેવા સ્ટ્રોંગ લીડર બહારની દુનિયામાં પેકેજીંગ કરે એ ય સારું. ખંડિત આત્મવિશ્વાસ સદીઓની ગુલામી પછી હોય તો જગતમાં નંબર વન સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા ઇન્જેક્શન એને ય મળવા જોઈએ જ! આપણે આપણા જ માણસો કશુંક સારું કરે તો કર્ણના સારથી મામા શલ્યની જેમ એની ટાંટિયાખેંચ કરી ટીકા કરવાનું શરુ કરી દઈએ છીએ.


એનો જુસ્સો વધારી એને પ્રોત્સાહન આપતા નથી. સામી છાતીએ લડવામાં કોન્ફિડન્સ નથી, એટલે જ કોઈના પણ વિશે ગપ્પા ફોરવર્ડ કરીએ છીએ. પશ્ચિમની બેફામ ટીકા અને સરખામણી આપણે કરીએ છીએ, એ આપણી હતાશા અને હાર બતાવે છે.


ઈતિહાસના સત્યો બદલી ન શકાય એટલે ખોટા મેસેજીઝ ને એકાંગી શૂરાતનની ફેક્ટરીઝ આપણે નાખી છે. કરણ કે આપણા કર્મયોગ બાબતે આપણે કોન્ફિડન્ટ નથી, એટલે કોઈકની લીટી સતત નાની કર્યા કરવી પડે છે. ખુદની જ મોટી કરો. આવડત અને અભ્યાસ વિસ્તારો, આત્મવિશ્વાસ આવી જશે.


(૪) ક્રિએટીવિટી: નેશન બનાવવા માટે ય ઈમેજીનેશન અને ઇનોવેશન જોઈએ. કેવળ સૈનિક જ સરહદ પર દેશ બચાવે એવું નથી. શિક્ષક પણ સરહદની અંદર દેશ બનાવે!  સુપરપાવર દેશોમાં લિબર્ટી ખાસ્સી છે. ન હોય તો ચીનની જેમ ઉધાર લીધેલી ક્રિએટીવિટીમાં ગમે ત્યારે કોઈક ટ્રમ્પ ગાળિયો કસે! સતત સેન્સરશિપ ને લાગણીદુભાઉં ટોળાઓની વચ્ચે આઝાદીથી નવા વિચારો આવે નહિ.


માટે આર્ટસ ને સાયન્સમાં પેટન્ટ કે ટ્રેન્ડ આવે નહિ. કેવળ ટ્રેડિંગનું કોમર્સ જ રહે! પરીક્ષા અને માર્ક્સ શિક્ષણનું કેન્દ્ર ન હોય, પણ જ્ઞાાન અને માણસ હોય એવા દેશો મહાસત્તા છે જ. જ્યાં જીવવા બાબતે છૂટછાટ છે. સેક્સ કે વો બાબતે બહુ બધી સૂગ નથી, ત્યાં ઓલિમ્પિકના મેડલ્સ ને બ્રાન્ડ્સના ય ઢગલા છે. રિસર્ચ એન્ડ ઈન્વેન્શન છે. મોકળાશના ખાતર વિના સર્જકતાના બીજ વિરાટવૃક્ષ ન બને.


આપણે પરબારું રેડીમેઈડ કોઈકનું જ્ઞાાન ખરીદી લઈએ છીએ. યુએઈની માફક. પણ ઈઝરાએલની જેમ ખુદનું સર્જતા નથી. કળાની અભિવ્યકટી અને વિજ્ઞાાનની વ્યક્તિ જ મહાન રાષ્ટ્રનિર્માણ કરી શકે ,એ  સમજવા પરદેશ નહી, સ્વદેશના જ જૂના જમાનામાંથી ધડો લેવા જેવો છે. આપણી વાર્તાઓના પ્લોટ પણ મૌલિક નથી હોતા. સંગીતમાં કોપીરાઈટ આવી ગયા તો ફ્રેશ ટયુન્સ સુકાઈ ગઈ. સાયન્સમાં થિસીસ પણ કન્ટ્રોલ સી, કન્ટ્રોલ વી પર છપાય છે. બી ક્રિએટીવ, બી એક્ટીવ.

 


ઝિંગ થિંગ

''તમને ભારત છોડી જતાં રહેવાનું મન નથી થતું?''

''ના જરાય નહી. આ તો અદ્ભુત હરિતેજ અને હેરિટેજ ધરાવતો દેશ છે. એને છોડવાનું મન શ માટે થાય? હા, અમુક નડતર અનેડ કળતર જેવી 'પરજા' છે, એને મોકળી દેવાનું મન થાય જેથી દેશની બાકીની જનતા સુખેથી સુપરપાવર થઇ શકે! હીહીહી.''


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvERYHmwJ8H19fNZ%2BmuxzRT83hd541D1MA3KqbSSZTV_Q%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment