Wednesday 30 January 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ વક્રદૃષ્ટિ આપણને સાચું જોવા દેતી નથી... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



વક્રદૃષ્ટિ આપણને સાચું જોવા દેતી નથી!
જિનદર્શન - મહેન્દ્ર પુનાતર

 

 

 

કેટલાક માણસોને કશું સારું લાગતું નથી. તેમને હંમેશાં બીજા સામે ફરિયાદ રહે છે. બીજાની ભૂલો કાઢતા રહે છે. વાતવાતમાં વાંકુ પડી જાય છે. બીજાની વાત સાંભળતા નથી. હું કહું એ જ સાચું બીજું બધું ખોટું. આવા માણસો સમૂહમાં ભળી શકતા નથી. દરેક વાતમાં પોતાનો ચોકો અલગ રાખે છે.


આવી પ્રકૃતિના માણસોને મોટે ભાગે કોઈ વતાવતું નથી. આવા અળવિતરા માણસોને કશું કહેવા જઈએ તો આપણે સામી બે સાંભળવી પડે. લોકો તેમની આડે ઊતરવાનું પસંદ કરતા નથી. તેમની સામે દલીલ કરતા નથી. એટલે આવા માણસોને મોકળું મેદાન મળે છે અને તેઓ પોતાની વાત હાંક્યે રાખે છે. આવા સ્વભાવનું મૂળ કારણ નકારાત્મક વલણ છે.


જે માણસ નકારાત્મક હશે તેને માટે બધું નકારાત્મક થઈ જશે અને જે માણસ વિધાયક હશે તેને માટે બધું વિધાયક બની જશે. આપણી ચારે તરફ જે કાંઈ છે તેના સ્રોત આપણે પોતે જ છીએ. આપણું જેવું મન હશે તેવું આપણને દેખાશે. જેવી દૃષ્ટિ એવી સૃષ્ટિ. દુર્યોધનને કોઈ સારો દેખાતો નહોતો અને યુધિષ્ઠિરને કોઈ ખરાબ દેખાતો નહોતો.


દરેક વસ્તુમાં જો આપણને ખોડખાંપણ નજરે પડતી હોય, સારું દેખાતું ન હોય તો સમજવું કે આપણામાં વિધાયક કેન્દ્ર નથી. આપણી અંદર સ્વીકારની ભાવના નથી. જગત એક દર્પણ છે અને આપણે તેમાં આપણું પ્રતિબિંબ જોઈએ છીએ. જગત જો ખરાબ દેખાતું હોય તો તેમાં તેની ખામી નથી, પરંતુ આપણા પોતાનામાં ખામી છે, વક્રદૃષ્ટિ આપણને સાચું જોવા દેતી નથી.


કોઈ વસ્તુનો વિરોધ અને પ્રતિકાર કરીએ છીએ ત્યારે મનોમન આપણે શરતો નક્કી કરી નાખીએ છીએ. આમ થાય તો સાચું અને આમ ન થાય તો ખોટું. આપણે તેની સામે લડવાનું શરૂ કરી દઈએ છીએ. મોટા ભાગની નકામી વાતો સામે આપણે લડતા હોઈએ છીએ, ટકરાતા હોઈએ છીએ, આમ થાય કે ન થાય તેની સાથે આપણે બહુ સંબંધ હોતો નથી, પરંતુ માણસ પોતાના અહંકાર અને જીદને કારણે તેમાં કૂદી પડે છે.


આ જગત આપણી મરજી મુજબ ચાલવાનું નથી. અસ્તિત્વના પ્રવાહને આપણી ઈચ્છા મુજબ વાળી શકાય નહીં. તેના વહેણને ખાળવાનો પણ કોઈ અર્થ નથી. તેની સાથે વહેતા રહેવાની જ મજા છે. જીવનમાં જે કાંઈ બને તેનો સ્વીકાર કરી લઈએ તો મોટા ભાગની વિટંબણાઓ દૂર થઈ જાય. પરિસ્થિતિ, સમય અને સંજોગોને સ્વીકારી લેવાના હોય છે તેની સામે જેટલા લડતા રહીશું તેટલા નકારાત્મક બની જઈશું. તેની સામે લડવાનો વિધાયક માર્ગ છે તેનો સ્વીકાર. મહાવીર પ્રભુએ કહ્યું છે કે 'તમે જેવા છો તેવા તમારી જાતને સ્વીકારી લો' આ સ્વીકાર જ અહંકારને નાબૂદ કરી નાખે છે.


આપણે બધાની સામે લડીને એક નકારાત્મક દુનિયા ઊભી કરી લઈએ છીએ. લોકો આપણા વિરોધમાં હોતા નથી પણ આપણે તેની સાથે નથી એટલે આપણને એમ લાગે છે. સમયની ધારા સાથે ચાલીએ તો સમય આપણને સહયોગ આપે છે. સમય ખુદ સહારો બની જાય છે. જે વસ્તુની સાથે આપણે વિધાયક બની જઈશું તે આપણી શક્તિનો સ્રોત બની જશે. દુ:ખ, મુશ્કેલી અને પીડાને આપણે સહન કરી લઈશું તો તે એક તાકાત બની જશે. દુ:ખ સુખમાં, મુશ્કેલી સરળતામાં, યાતના સગવડતામાં અને પીડા રાહતમાં


ફેરવાઈ જશે.

અસ્તિત્વ, પરિસ્થિતિ, સમય, સંજોગો અને કાળનો સ્વીકાર એ જ જીવન છે અને તેનો અસ્વીકાર એ ધીમું મૃત્યુ છે. જીવનમાં નકારાત્મક ભૂમિકા માણસને કોરી નાખે છે અને છેવટે ખતમ કરી નાખે છે. માણસ ધીરે ધીરે તૂટતો જાય છે, પરંતુ તેને ખબર પડતી નથી. વિધાયક વલણ નવું જીવન, નવી ચેતના અને નવી શક્તિ આપે છે. આપણે જીવન પ્રત્યે શા માટે વિધાયક નથી? આપણું વલણ શા માટે નકારાત્મક છે.


જીવનની ધારામાં આપણે શા માટે સરળતાથી વહી શકતા નથી. તેનું પ્રથમ કારણ એ છે કે આપણે અહંકારમાં જીવી રહ્યા છીએ. પરિસ્થિતિનો અસ્વીકાર એટલે અહંકાર, જે કાંઈ છે તેમાં રાજી નથી એટલે અહંકાર બીજા કરતાં ચડિયાતા વિશિષ્ટ છીએ એવું માનવું એટલે અહંકાર. હું કહું એ જ સાચું એ આપણો અહંકાર છે. કોઈ પણ વસ્તુની વિપરીત જઈએ તો તેની સાથે લડવું પડશે.


અહંકાર આપણને દરેક વસ્તુ સાથે લડતા રાખશે. કેટલીક વખત આ લડાઈ બહાર દેખાશે નહીં, પરંતુ અંદરથી આપણે ભીંસાતા જઈશું. અસ્તિત્વ સાથેનો, જગત સાથેનો અને પરિસ્થિતિ સાથેનો સ્વીકાર હોય તો અહંકારને ટકવા માટેની કોઈ ભૂમિકા નથી. દૂધમાં સાકર ભળે તે રીતે અસ્તિત્વ સાથે ઓગળી જઈએ. જે સામેથી આવે તેનો સ્વીકાર કરીએ અને સમય પ્રમાણે વહેતા રહીએ તો હળવાફૂલ જેવા થઈ જઈએ. સ્વીકારમાં અહંકાર ઓગળે છે અને વિપરીતમાં અહંકારને ઈંધણ મળે છે.


નકારાત્મક વલણ અંગેનું બીજું કારણ જીવન અંગેનો ભય છે. જીવન અજ્ઞાત અને રહસ્યમય છે. કાલે શું થવાનું છે તેની કોઈને ખબર નથી. માણસ સલામતી શોધે છે. ધન શોધે છે. પદ-પ્રતિષ્ઠા શોધે છે. આ બધી વસ્તુઓને તે સુરક્ષા કવચ માને છે અને તેનો અહંકાર પ્રબળ બને છે. જીવન અનિશ્ર્ચિત છે તેનો સ્વીકાર કરવાને બદલે માણસ જીવનને બાંધી રાખે છે, સ્થિર અને જડ બનાવી નાખે છે. જીવન વહેતી નદી જેવું છે તેને બાંધી-પકડી રખાય નહીં. ખાડા ટેકરા બધું આવે પણ જીવન વહેતું રહેવું જોઈએ. જીવનને રુંધવાનો જે કોઈ પ્રયત્ન કરશે તે નકારાત્મક બની જશે. જીવનના સંબંધમાં કોઈ ધારણા રાખી શકાય નહીં. દરેક ક્ષણ નવું રૂપ ધારણ કરીને આવે છે.


જીવનમાં જેટલા પડકારો છે એટલો આનંદ. નકારાત્મક વલણનું ત્રીજું કારણ અસ્તિત્વ દ્વેત પર ઊભેલું છે. મન એક ભાગનો સ્વીકાર કરે છે અને બીજા ભાગનો અસ્વીકાર. માણસને સુખ જોઈએ છે દુ:ખ નથી જોઈતું. સારું જોઈએ છે ખરાબ નથી જોઈતું. શુભ જોઈએ છે અશુભ નહીં. પરંતુ આ બધું એક સિક્કાના બે ભાગો છે તેને જુદા પાડી શકાતા નથી. તેનો એક સાથે સ્વીકાર કરવો પડે છે.


સુખની સાથે દુ:ખ, સારાની સાથે નરસું, શુભની

સાથે અશુભ આવતું રહેવાનું છે, પરંતુ આપણે ઈચ્છીએ છીએ કે બસ જીવનમાં સુખ જ જોઈએ દુ:ખ નહીં એટલે જીવનની ટક્કર છે. સુખ અને દુ:ખ એક ચીજના બે છેડા છે. જે માણસ સુખ ચાહે છે તેને દુ:ખ માટે પણ


તૈયાર રહેવું પડશે. સુખ જેમ વધતું જશે તેમ તે દુ:ખમાં પરિણમતું જશે.


જીવન અને અસ્તિત્વના વાવાઝોડામાં જે લોકો ઝૂકી જાય છે, નમી જાય છે તેના પરથી વાવાઝોડું પસાર થઈ જાય છે, પરંતુ જે લોકો અક્કડ બનીને ઊભા રહે છે તે જડમૂળથી ફેંકાઈ જાય છે. જીવનના તમામ તત્ત્વોનો આપણે સ્વીકાર કરીએ છીએ ત્યારે સંઘર્ષ રહેતો નથી. જીવન જેવું છે તેવું સ્વીકારવું એનું નામ જ ધર્મ.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvYHGQzyUSndJLNY5zCukOiHxWBE2_GhS7W0SwmGA-22g%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment