Wednesday 30 January 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ બ્રાન્ડેડ...બ્રાન્ડેડ...બ’ઈની ઝાલર બ્રાન્ડેડ? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



બ્રાન્ડેડ...બ્રાન્ડેડ...બ'ઈની ઝાલર બ્રાન્ડેડ?
અશોક દવે

 

 

 


શૉપિંગ મૉલમાં એક સુંદર સ્ત્રી જરા વધારે પડતી સ્ટાયલિશ લાગતી હતી. (બહુ વહેમો મારતી હતી!) બમ્બઇયા ઇંગ્લિશ બોલવા ઉપરાંત એની રીતભાત મુંબઈ- દિલ્હીના 'પેઇજ-થ્રી' કલ્ચરની હતી. આવી સ્ત્રીઓ વારંવાર 'યૂ નો... યૂ નો...' બોલતી હોય છે, પણ વાતવાતમાં ખોટું હસવામાં કે ખોટી મેનર્સ બતાવવામાં ઝડપથી પકડાઈ જાય છે. હસવામાં જ નહિ, એમની પૂરી બૉડીલૅન્ગવેજ બનાવટી લાગે.


એની સામે મારા ખાડિયાની રીત-રસમો જુઓ તો ક્યાંય કશો મેળ પડે નહિ. મૉલમાં મારી સાથે ઊભેલા રાજીયાને (ખાડિયામાં 'રાજીયો' જ બોલાય. 'રાજુ' કે 'રાજેન્દ્ર' તો એના બાપા ય ના બોલે....! 'બાપા' શબ્દ ગામ આખામાં ભલે અવિવેકી લાગે, ખાડિયામાં તો અઠ્ઠાણું વાતો બાપાના સંદર્ભથી જ શરુ થાય, ''તારા બાપાને પૂછીને સૂટ સિવડાયો છે, બે?'' ગાળો મંત્રોની જેમ બોલાય, પણ એકે ય ગાળમાં ભાવની ગંદકી ન હોય, સુરતીઓની જેમ. સુરતમાં મેં સગી આંખે- આઇ મીન સગા કાને સારા ઘરની સ્ત્રીઓને પણ આપણને નઠારી લાગે એવી ગાળો પાણીના ભાવે બોલતા જોઈ છે, પણ એ તો તમે ઉપસ્થિત હો ત્યારે ખબર પડે કે, એ લોકોના મોઢામાંથી ગાળો સાહજીકપણે નીકળે છે, ઇરાદાપૂર્વક નહિ. તે એટલે સુધી કે એમને ખબરે ય ન હોય કે આ વાક્યમાં હું બે તો ગાળો બોલી ગઈ. મારામારી વખતે કે કોઈની ઉપર દાઝો કાઢવા માટે વપરાતી ગાળોમાં જે વિકૃત ભાવ હોય છે, તે અમારા ખાડિયામાં કે સુરતમાં ન મળે. ઇરાદો ખરાબ ન હોય આપણે ''કેમ છો?'' કહીએ, એને બદલે ત્યાં ''તારી તો...''થી શરુ થાય, એટલો જ ફેર. બીજાની માં ઉપરાંત બહેનો પણ આ ગાળોમાં વઘુ ઉપયોગમાં લેવાય છે, જેમાં અજાણપણે વર્ષોથી સંગ્રહી રાખેલા અરમાનો અને મહેચ્છાઓ બહાર આવે પણ ખરી!


વાત ગળે ઉતારતા ગમશે નહિ, પણ મને ગાળો બોલતા માણસો ગમે છે. સાલું, જે હોય તે ઓકી નાંખે. ડરવાનું હોય બહુ વ્યવસ્થિતપણે ચૂપ રહેનારાઓથી. બહુ મઘુરૂં- મઘુરૂં બોલનારાઓથી હું ખાસ્સો દૂર ભાગું છું. હા સ્પેલિંગની એકે ય ભૂલ વગર આઠેક ગાળો તો મને ય બોલતા આવડે છે. કહેતા હો તો અત્યારે બોલી બતાવું.. લખી બતાવાય એમ નથી. એ આઠમાંથી ત્રણને તો ગાળ કહેવાય, એની હજી હમણાં ખબર પડી.


આ શૉપિંગ-મૉલના કિસ્સામાં એવું થયું. પેલી સ્ત્રીનો નમૂનેદાર ડ્રેસ જોઈને મારાથી બોલાઈ જવાયું, ''સુનિયા, આનો ડ્રેસ બ્રાન્ડેડ લાગે છે!''


સુનિયો એટલે સુનિલ.. આપણા મહેશિયાનો છોકરો. આઇ મીન શ્રી. મહેશભાઈ સાહેબનો સુપુત્ર. મહિલો એના છોકરાને 'સુનિયો' કહે છે ને સુનિયો એના બાપાને 'ડોહા' કહીને બોલાવે છે. 'હમ નહિ સુધરેંગે....!!'


''સુનિયા, આનો ડ્રેસ બ્રાન્ડેડ લાગે છે...!'' એ પેલીને જોવામાં ખોવાઈ ગયેલો, એટલે મારે કુતુહલ રીપિટ કરવું પડ્યું.


''બ'ઈની ઝાલર બ્રાન્ડેડ...! અરે ઢાલગરવાડમાં જોઈએ એટલા આવા ગાભા મળે છે...!''


કચરો પેલી સ્ત્રીનો એકલીનો જ નહિ, મારો ય થઈ ગયો. કેમ જાણે પેલીને ડ્રેસ મેં અપાવ્યો હોય, એવો મારી ઉપર વહેમાયો. (જો કે, મને પાછી આવું અપાવવા- બપાવવાની ટેવ તો ખરી... હકીને ખબર ન પડે એમ! મન પહેલેથી મોટું... હકીનું!! ... ને એમ તો કોકવાર હકી માટે ય રસ્તામાંથી એકાદું ઝભલું લેતો આવું... છોકરું છાનું રહે!) બાહોશ અને સમજદાર ગોરધનોએ વાઇફોઝ માટે બજારમાંથી બેશક કંઈક લેતા જવું જોઈએ... લાઇફ-ટાઇમમાં એક જ વખત લઈ જવું પડશે ને...! પાનકોર નાકાની લારીમાંથી કન્ડમમાં કન્ડમ ડ્રેસ ઉઠાવવાનો. એનું મનમોહક પૅકિંગ કરાવી ઘેર આવીને 'ડીઝાઇનર્સ-વૅર' તરીકે પધરાઈ દેવાનો. ઝઘડો અડધી કલાકનો જ ને? પછી એના દેખતા જીવો બાળતા ક્યાં નથી આવડતા કે, ''સાલાએ પૈસા ડીઝાઇનર્સ- વૅરના લીધા...''


પેલી સામે ચાલીને કહી દેશે, ''ખબરદાર જો મારા હાટુ આજ 'દિ પછી બજારમાંથી કાંય પણ લાઈવા છો તો....! આમને તો કાંઈ લાવતા ય નો આવડે!'' મને યાદ છે, સન '૮૭ની સાલમાં હકીએ મારી પાસે શૅમ્પૂ મંગાવ્યું હતું. એ ચોંકી ગઈ હતી, ''અસોક... તમે આ સુઉં લાઇવા છો, એની તમને ખબર પડે છે? આ બાથરૂમના ટાઇલ્સ ધોવાનો એસિડ છે...'' આજે વર્ષો પછી એ માથે ધોળીધબ્બ રહી છે, અને મારી પાસે બીજીવાર શૅમ્પા-ફૅમ્પા મંગાવ્યા નથી... કોઈ પંખો ચાલુ કરો!


પણ શૉપિંગ- મૉલવાળી એ મહિલાને આ ડ્રેસ મેં નહતો અપાવ્યો. આ તો મોંઘો લાગતો હતો. અને અપાવ્યો હોય તો સાચું પૂછો તો મને એવું બઘું યાદ બી ન હોય. કોઈને ગીફ્‌ટ આપી દીધા પછી ભૂલી જવાનું. એકવાર ગીફ્‌ટ આપી દીધા પછી મને કહી બતાવવાની આદત નથી. એકની એકને ગીફ્‌ટ બીજીવાર આપવાની ભૂલ ન થઈ જાય અને મારી નમ્રતા બરકરાર રહે, એટલે બધા બેઠા હોય ત્યારે મારાથી એના ગોરધનના દેખતા બોલાઈ જાય ખરું કે, ''આ નૅકલેસ સાલો મેં ગીફ્‌ટમાં આપ્યો હશે, પણ યૂ સી... મને યાદ જ નથી... કહી બતાવવાની આદત નહિ ને...!'' પાર્ટીએ ખાસ કાંઈ વિરોધ વ્યક્ત ન કર્યો એટલે મેં એના ગોરધને પહેરેલો બેલ્ટ જોઈને, ''આ તમારી લાસ્ટ બર્થ-ડેમાં મેં આપ્યો હતો, એ રાઇટ...?'' ભોળાભાવે કહી દીઘું હજી હું બોલવા જ જઉં છું કે, ''બોલો, શીલાએ પહેરેલી ઘડિયાળ મેં એને ક્યારે આપી, તે ય આજે યાદ નથી,'' એટલીવારમાં તો શીલકીએ એની ત્રણ વર્ષની દીકરીને, ''જા બેટા... તું અંદર રહે...'' કહીને મહીં મોકલી દીધી, બોલો!... સાલો, સાચાનો જમાનો જ નથી.


પણ અચાનક મારું ઘ્યાન ગયું, સુનિયાના શબ્દો ઉપર, 'બ'ઇની ઝાલર' ઉપર! એટલે શું બ'ઇની ઝાલર??? ઓહ, આ ક્યાંક નઠારી ગાળ બનતી હશે તો? મને સાંભળવામાં મજો પડી ગયો હતો. 'બ'ઇની ઝાલર' કેવા ઝનૂનમાં લાવી દે એવા મર્દાના શબ્દો છે? હું આઠ દસ વખત તો ત્યાં ને ત્યાં બોલી ગયો. દરેક વખતે ટેસ પડતો હતો. અલબત્ત, હજી મને એનો અર્થ ખબર નહતો, એટલે એક લેખક દોસ્તને ફોન કર્યો. (લેખક દોસ્ત પણ હોય, એ વાક્યરચનામાંથી કાં તો 'લેખક'ને કાં તો 'દોસ્ત' બેમાંથી એક શબ્દ વાચકે અત્યારે જ કાઢી નાખવો) એ વળી ઉમાશંકર જોશીવાળું સાહિત્ય વાંચતા હતા એટલે આવા હાઇ-લૅવલના લિટરેચરમાં એમનું ગજું નહિ. મને સામુ પૂછ્‌યું, ''બ'ઇની ઝાલર...? એટલે શું? શું એ કોઈ વિદુષીના વસ્ત્ર સંબંધિત લાગુ પડે છે?''


તારી ભલી થાય ચમના... હું દેખાવમાં ગમે તેવો લાગતો હોઉં, પણ વ્યવસાયમાં દરજી નથી. મેં અસલી લહેજામાં જ જવાબ આપ્યો. 'ભ'ઈ.. 'બ'ઈની ઝાલર' એટલે 'બ'ઇની ઝાલર'... બીજું શું? પેલી ઝાલર ના હોય, ઝાલર...? ઝાલર, યાર.'


''હા, ઝાલર તો હોય... મંદિરમાં ભગવાનને પંખો નાંખવામાં વપરાય છે, એને પણ ઝાલર કહેવાય, પણ કોઈ મહિલાની ઝાલર વિશે મેં સાંભળ્યું કે લખ્યું નથી.''


''ઓકે... પણ આ 'બ'ઇની ઝાલર' એટલે કોઈ ગાળ તો થતી નથી ને?''


''આમ તો તાત્ત્વિક રીતે કોઈ મહિલાના ચણિયાની કિનાર એટલે કે બોર્ડરને પણ ઝાલર કહી શકાય, પણ એમાં ગાળની વ્યૂત્પત્તિ થાય છે કે નહિ, તેની મને ખબર નથી.''


સાલો 'બ'ઇની ઝાલર વાપર્યા વિના લેખક કેવી રીતે થયો હશે...? ઇશ્વરની ઝાલર એને ખબર છે, મહિલાની નહિ! હું તાબડતોબ એક ઓળખીતા દરજી પાસે ગયો ને પૂછી જ લીઘું, 'બ'ઇની ઝાલર સિવવાનું શું લો છો?''


''બ'ઇની ઝાલર?' કોને તમારે સિવડાવવી છે?' મને એની જ દુકાનનો દોરો વાપરીને એને એના જ પંખે લટકાવી દેવાનો સોટો ચડ્યો. હું કાંઈ 'ભ'ઇની ઝાલર નહોતો બોલ્યો, બ'ઇની બોલ્યો હતો, તો ય એ શેનો અવળો અર્થ કાઢે? મેં બીજા બે-ત્રણ સાહિત્યકારોને ય પૂછી જોયું, તો બ'ઇની ઝાલર કોઈ નઠારા અર્થમાં વપરાય છે, એવું તો એ ય નથી માનતા... ત્યારે મામલો મેં જાતે હાથમાં લેવાનું નક્કી કર્યું અને તારણ એ નીકળ્યું કે, તળપદી બોલીઓમાં ક્યારેક અવ્યક્ત ગુસ્સો, નફરત કે વિરોધ શબ્દોના આધારે નહિ, બોલવાના ટૉનને આધારે નક્કી થતો હોય છે. એમાં 'તું મને મૂરખ સમજે છે?' એટલું કહેવામાં પણ ભાવ ગંદી ગાળનો આવી શકે છે ને સુરતીઓની માફક આખેઆખી શુદ્ધ ગાળ જ બોલાય છતાં એમાં ભાવ બિભત્સતાનો ન હોવાથી ગાળ છતાં ગાળ લાગતી નથી. શબ્દોથી જ ગાળ બને એવું નથી એટલે જ તો, જન્મથી મૂંગો માણસ ગાળ દેતો હોય તો એના હાથ બાંધી રાખવા પડે.


બ'ઇની ઝાલર કોઈ હાથ બાંધી તો જુએ... એની માને... પણ મારી કોઈ ના માને...!

 

સિક્સર
ફોટોગ્રાફર મારો અને શશી કપૂરનો ફોટો પાડી રહ્યો હતો. શશીએ એને પૂછ્‌યું, 'મેરે એક્સપ્રેશન્સ બરોબર હૈ?'

મેં શશીના ખભે હાથ મૂકીને કહ્યું, 'દાદુ ચિંતા મત કરો... આપ કા ફોટો ભી અચ્છા આયેગા...!'


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvdMG3yr0xLqvCX8pGv2t2ZqO4p1LKsgu%2BLoEW8hqWsZA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment