પાંચ વરસની જીવલી હસે અને તેના અંગઅંગમાં જાણે જિંદગી ઉમટી પડે. ચહેરા પર સતત ફરકતું નરવું હાસ્ય એ જ જીવલીની સાચી ઓળખાણ..વાતવાતમાં કે વગર વાતે પણ એને હસતા વાર ન લાગે. લંબગોળ ચહેરો, ઘઉં વર્ણો વાન,જલદીથી ભૂલી ન શકાય તેવી મોટી મોટી પાણીદાર આંખોમાં વીજળી સેલારા મારતી હોય, તેલ વિના રૂક્ષ બની ગયેલા ભૂખરા, જીંથરા જેવા વાળને હાથથી ઉંચા કરવા મથી રહેતી જીવલી કયારે કયાં રખડતી હોય એનું કોઇ ઠેકાણું નહીં. અહીં આ વગડા જેવા અંતરિયાળ વિસ્તારમાં આસપાસમાં ખાસ કોઇ વસ્તી નથી. જીવલીની મા અને બાપુ સવારથી કામે જાય તે છેક સાંજ પડે પાછા ફરે. ઘરમાં વૃધ્ધ દાદીમા અને એક વરસનો ભાઇલો છે.. ભાઇલો દાદીમાને હવાલે છે. જીવલી તો પૂરી મનમોજી.. પોતાની મસ્તીમાં મશગૂલ..મન થાય ત્યારે એ પણ ભાઇલાને તેડીને ફરતી ..ગાતી રહે. બાકી એને તો રખડપટ્ટીમાંથી નવરાશ જ કયાં મળે છે ?
એને તો સાદ સંભળાતા રહે છે આસપાસ ઉગેલા જંગલના ઝાડવાના. અને એ નીકળી પડે છે. ઝાડ ઉપરના રહેવાસીઓ જીવલીને જોઇને કિલકિલાટ કરી મૂકે છે. સામેની નાની તળાવડીના કમળફૂલો જીવલીને જોઇને ખીલી ઉઠે.. એના ઉપર બે ચાર પાણીના છાંટા ઉડાડતી જીવલી એને હળવેથી પસવારી રહે. જીવલીની બાજ નજર ચારે બાજુ આંટા મારતી રહે. બોર, બદામ , આંબલીના કાતરા, વડના ટેટા, ગુલમહોરના ખટમીઠા લાલચટાક પાન.. કશું એની નજરમાંથી છટકી ન શકે. બેફિકરાઇથી તોડતી જાય.. વીણતી જાય..મોજથી ગાતી જાય અને ખાતી જાય.. એકલી એકલી ટેસડા કરતી જાય ..જોકે આમ કંઇ એ એકલી નથી હોતી.. એના ભાઇબંધ દોસ્તારોનો તૂટો નથી. મ્યાઉં મ્યાઉં કરતી કાબરચીતરી બિલાડી કે નાનકડું કાળિયું ગલૂડિયું તો એના પાક્કા ભાઇબંધો..કયારેક કયાંકથી આવી ચડતું એકાદ સસલું પણ એમની દોસ્તીમાં સામેલ થાય. આમતેમ ભાગમભાગ કરતી ખિસકોલીની પાછળ દોડવાની તો કેવી મજા પડી જાય..કોયલના ટહુકા સામે એના ચાળા પાડતી જીવલી પણ એવી જ ટહુકી રહે. બાજુના નાનકડા તળાવના છિછરા પાણીમાં મન થાય ત્યારે એને કાંઠે બેસીને નાહી લેવાનું કે છબછબિયા કરી લેવાના.
દુ:ખ એટલે શું એની જીવલીને ખબર નથી. ઉદાસ કેમ રહેવાય એની જીવલીને જાણ નથી.જીવલી એટલે વગડાઉ પંખી..
રખડીને થાકે કે ભૂખ લાગે એટલે દોડતી ઘેર આવે.દાદીમાએ રોટલો ને શાક ઢાંકી જ રાખ્યા હોય.. એમાંથી અડધો પોતે ખાય અને બાકીના અડધામાં પેલા કાળિયા ગલુડિયા કે કાબરચીતરી બિલાડીનો ભાગ હોય. જમીને ઝટપટ પાછી દોડે. સામેના વગડામાં જતા એને કોઇની બીક ન લાગે. બોરડી પરથી કાંટાની પરવા કર્યા સિવાય લાલ ચણોઠી જેવડા બોર તોડતા તો એ થાકે જ નહીં. બોર તોડતા આંગળીમાં કાંટો વાગે તો ફટાક કરતી આંગળી મોંમાં નાખી ચપ દઇને ચૂસી લેવાની..ઘેર પાછા ફરતી વખતે થોડા સાઠીકડાં..ડાળા ડાંખળા વીણતા આવવાનું.. ચૂલો પેટાવવા માટે..
થાકે એટલે ઘેર આવીને ફૂટેલ તૂટેલ ખાટલીમાં મોજથી લંબાવી દેવાનું. રાત પડે ભાઇલો માના પડખામાં ને જીવલી દાદીમાના પડખામાં ઘલાઇ જાય. દાદીમા પરીની, રાક્ષસની કે રાજાની એકાદી વાર્તા કરે ત્યાં તો આખા દિવસની રઝળપાટથી થાકેલી જીવલીની પાંપણો ચપ કરતી બિડાઇ જાય અને પછી બંધ પાંપણે પરીઓ ડોકિયા કરી રહે. રાત તો પરીઓના શમણામાં ચપટી વગાડતા પૂરી થઇ જાય.
ધૂન ચડે તો એકલી બેઠી બેઠી પાંચીકા રમ્યા કરે..એના પાંચીકા આભને આંબે એવા ઉંચા જાય.એની તાકાત છે કે જીવલીના હાથમાંથી છટકીને નીચે પડે ? જીવલીએ પાંચીકાને ઘસી ઘસીને લીસ્સા મજાના બનાવ્યા છે. એના પાંચીકા કંઇ નિર્જીવ પથરા નથી. જીવલીના હાથમાં આવે એટલે એ જીવતા બનીને હોંકારા પૂરતા રહે. જીવલી એની સાથે કેટકેટલી વાતો કરી શકે.
આજે પણ બહાર બેસીને જીવલી પાંચીકા સાથે રમવામાં પરોવાઇ હતી. એક પાંચીકો ઉંચે ખૂબ ઉંચે ઉછળ્યો અને...
જીવલીની નજર ક્ષણાર્ધ માટે ચૂકાઇ. પાંચીકો હાથમાં ઝિલાવાને બદલે નીચે પડયો. અને...અને પાંચીકા પર બેસીને કોઇ પરી આકાશમાંથી ઉતરી આવી. નીચે પડેલો પાંચીકો ઉઠાવવાનું ભૂલી જઇને જીવલી સામે ઉભેલી પરી તરફ ટગર ટગર જોઇ રહી બે હાથેથી આંખો જોશથી મસળી પછી આંખો ચપોચપ ભીડી દીધી.હાશ ! હવે ખોટું ખોટું કંઇ નહીં દેખાય.બે પાંચ પળ પછી હળવેથી આંખ ખોલી. પણ આ શું ? પરી તો હાજરાહજૂર.. અને હવે તો તેની સામે જોઇને એ ધીમું ધીમું હસતી પણ હતી.
ગોરી ગોરી..દૂધ જેવી ..ચળકતા..સોનેરી રંગના વાંકડિયા વાળ.. ભૂરી ભૂરી આંખો, પગમાં ચમચમાતા બૂટ મોજા, હાથમાં મોટું ધોળું ધોળું સસલું કે રમકડું ? અને આછા ગુલાબી રંગનું ફ્રોક તો કેવું લીસું લીસું.. ચળકતું... કાંડામાં એ જ રંગની ઘડિયાળ પહેરીને પોતાના જેવડી જ દેખાતી કોઇ છોકરી.. ના..ના.. સાચેસાચી કોઇ પરી જ મલકતી ઉભી હતી. જીવલી ઘડીકમાં તેના ફ્રોક સામે, તેના સોનેરી વાળ સામે, ઘડીકમાં તેની ઘડિયાળ સામે, તેના પગના બૂટ સામે... કયાં કયાં જોવું તે સમજાતું નહોતું.
એકાએક જીવલીની નજર પરીના ચળકતા ફ્રોક સામેથી હટીને પોતાના ફ્રોક પર પડી. સાવ મેલું ઘેલું.. બે ચાર કાણાવાળું..ચહેરા પર ફરકતી ભૂખરી લટને ઉંચી કરી તેણે વાળ સરખા કરવાની કોશિશ કરી..પણ તેલ વિના રુક્ષ બની ગયેલા વાળ જીવલીનું માને તેમ નહોતા. જીવલીને અચાનક મા ઉપર ગુસ્સો આવ્યો..મા રોજ વાળ ઓળી દેતી હોય તો..? પોતાને રોજ સરસ તૈયાર કરી દેતી હોય તો..? જોકે પોતાને જ વાળ ઓળાવવાનો કંટાળો હતો.. પોતે જ મા પાસેથી છટકીને ભાગી જતી..એ વાત અત્યારે તે સાવ ભૂલી ગઇ.
જીવલીની આંખો ફરીથી પરી પર સ્થિર બની. એકવાર પરીને અડકીને જોવાનું મન થઇ આવ્યું.. પણ ના...પરી કદાચ મેલી થઇ જાય..ડાઘ પડી જાય તો ?
પોતાની ઓરડીની બરાબર સામે આવેલા આ બંગલીમાં કયારેક કોઇ માણસો આવતા..થોડો સમય રોકાતા. કોઇ થોડા દિવસો, કોઇ એકાદ બે મહિના રોકાતું . પણ એ તો બધા સાહેબ લોકો..કોઇ છોકરીને.. પરીને તો પહેલીવાર જોઇ. પરી પણ જીવલી સામે જ જોઇ રહી હતી. બંને લગભગ સરખી જ વયની લાગતી હતી. ગોરી ગોરી પરીએ જીવલી સામે જોઇ સ્મિત ફરકાવ્યું. ને પોતાનો હાથ લંબાવ્યો..
' હાય..આઇ એમ જેના.. એંડ યુ ? ' જીવલી કંઇ સમજી નહીં.. આ તો મોટા સાહેબો બોલતા હોય છે એવી જ ભાષા બોલે છે. સાહેબોને એકબીજા સાથે આમ હાથ લંબાવીને મિલાવતા તેણે દૂરથી જોયા છે. પણ આવા મજાના હાથને પોતાનો મેલો હાથ કેમ અડાડાય ? તેણે ઘસીને હાથ ફ્રોકમાં લૂછયો. હાથ વધારે ગંદો થયો કે ચોખ્ખો થયો એની સમજ ન પડી. ડરતા ડરતા તેણે એ ગોરા હાથને અછડતો સ્પર્શ કર્યો. છોકરીએ તેનો હાથ ધીમેથી દબાવ્યો. અને ફરી પૂછયું..
' આઇ એમ જેના.. યોર નેમ ?
જીવલીને ન જાણે કેમ પણ સમજ પડી ગઇ કે એનું નામ જેના છે અને હવે તે પોતાનું નામ પૂછે છે. તેણે કહ્યું.. જીવલી..
જીવી તો કેમે ય ન સાંભર્યું. જી..વા .લી... જેના એક એક અક્ષર છૂટો પાડીને બોલવાની પ્રેકટીસ કરી રહી.
જી..વા..લી.. બે પાંચ મિનિટમાં તો જેના... અને જીવાલી.. એકમેકની ભાષા ન જાણનારી બંને છોકરીઓ ખડખડાટ હસતી હતી. ન જાણે કઇ વાત પર..કે કદાચ કોઇ વાત વગર જ...
જીવલીએ પોતાના ફ્રોકના ખીસ્સામાંથી હમણાં જ તાજા વીણી લાવેલા આંબલીના બે કાતરા કાઢયા..એક જેનાના હાથમાં મૂકયો. જેના તેની સામે જોઇ રહી.એનું શું કરવું એ સમજાયું નહીં..તેને સમજાવવા જીવલીએ પોતે મોઢામાં મૂકયો.. જેનાએ તેનું અનુકરણ કર્યું.
પહેલા તો સ્વાદ વિચિત્ર લાગ્યો. પણ પછી હોંશે હોંશે ખાવા લાગી..જીવલી સામે જોતી જાય અને ખાતી જાય.
ત્યાં સામેથી જેનાના ફાધરની બૂમ આવી.. ' જેના વ્હેર આર યુ ? લંચ ઇઝ રેડી..કમ ઓન..આઇ એમ ગેટીંગ લેઇટ.. ' યેસ ડેડી, કમીંગ' કહેતી જેનાએ જીવલીને બાય કર્યું
અને તે બંગલીમાં દોડી ગઇ. જીવલીને તેની પાછળ અંદર જવાનું મન તો બહું થયું. પણ એવી હિમત ન ચાલી. બે પાંચ મિનિટ એમ જ ઉભી રહી. પછી ધીમે પગલે ઘરમાં ગઇ. દાદીમા એનું ખાવાનું ઢાંકીને ભાઇને ઘોડિયામાં હીંચકાવતા હતા.
' જા, જલદી ખાઇ લે..' કયારની બોલાવતી હતી.
જીવલીએ થાળી ખોલી..તેનું ભાવતું બટાટાનું શાક હતું. રોજ આ શાક જોતા જ જીવલીના ચહેરા ઉપર ચમક ઉભરાતી અને તે શાક ઉપર તૂટી પડતી..પણ આજે ખબર નહીં કેમ ખાવાનું મન ન થયું.
ખાધા વિના જ તેણે ચૂપચાપ રોટલો ને શાક બિલાડી અને ગલુડિયાને ધરી દીધા. બંનેએ જીવલીને બોલાવવાની કોશિશ કરી જોઇ.. પણ આજે જીવલી ન જાણે કેવા વિચારોમાં ખોવાઇ હતી.
થોડીવારે જીવલીના મનમાં કોઇ ઝબકાર થયો. જોયું તો દાદીમા ભાઇલાને સૂવડાવીને પોતે પણ સૂઇ ગયા હતા.
જીવલીએ ધીમેથી ખૂણામાં પડેલી પતરાની એક પેટી ખોલી. એમાં એક સરસ મજાના પચરંગી ઘાઘરી અને પોલકું પડયા હતા..મોટા મોટા કાચવાળા.. ગયે વરસે બાપુ ગુજરીમાંથી લાવ્યા હતા. જે જીવલીએ જીવની જેમ જાળવ્યા હતા. આજે એ કાઢીને થોડીવાર એના ઝાંખા પડી ગયેલા કાચમાં જોયા કર્યું. પછી પોતે પહેરેલું મેલુંઘેલું ફ્રોક ઉતાર્યું. અને નવા કપડાં પહેર્યા. એકાદા આભલામાં પોતાનું મોઢું જોવા મથી રહી. છિ..પોતે કંઇ પેલી પરી જેવી સરસ નહોતી દેખાતી.
કયાંકથી સાબુની છપતરી શોધી તે તળાવ તરફ દોડી. તળાવને કાંઠે બેસી ઘસી ઘસીને હાથ, પગ, મોઢું ધોયા. ફરીથી ઘર તરફ દોડી. તેણે પહેરેલી ઘાઘરીના કાચમાંથી કેટલાયે ચાંદરણા તેની આસપાસ રમી રહ્યા. ત્યાં સામે તેનું માનીતું બિલાડીનું બચ્ચું ફરીથી આવ્યું. પણ જીવલીએ આજે તેને દાદ ન દીધી.. બચ્ચું નિમાણું થઇને મ્યાઉં મ્યાઉં કરતું રહ્યું. પણ જીવલીને સંભળાય તો ને ?
ઘરમાં જઇ તેણે ખૂણામાં પડેલી બીજી એક નાનકડી પેટી કાઢી. એમાં માની ચાંદલો કરવાની શીશી દેખાઇ. એક તૂટેલો કાચ...ઝાંખો પડી ગયેલો અરીસો પણ નજરે પડયો. જીવલીએ એમાં જોઇ પોતાના કપાળે નાનકડો ચાંદલો કર્યો. એક નાનકી આંજણની ડબ્બી પડી હતી આવડે એવું આંજણ આંજ્યું. પેટીમાં ખાંખાખોળા કરીને માથામાં નાખવાની પીન શોધી કાઢી. એક તૂટયો ફૂટયો કાંસકો લઇ જેમતેમ વાળ સરખા કર્યા. પીન વાળમાં ભરાવી. ભૂખરા જીંથરાની સ્વતંત્ર ઉડાઉડ બંધ થઇ.
પેટીમાં પોતાની લાલ રંગની બંગડીઓ પણ પડી હતી. એ હાથમાં ચડાવી. કાચની બંગડીઓ રણકી ઉઠી. હવે ? આગળ કંઇ સૂઝયું નહીં. હવે વધારે કંઇ હતું પણ નહીં. તેણે પેટી બંધ કરી. ઉભા થઇને ફરી એકવાર તૂટેલા અરીસામાં ચહેરો જોયો.. જરાક ઠીક લાગ્યું.
હવે તે દોડીને સામેના બંગલીના ઝાંપે પહોંચી. ચોકીદાર જીવલીનો જાણીતો હતો.
' કાકા.. અંદર .. બુઢ્ઢો કાકો હસ્યો. જીવલી સામે અચરજથી જોઇ રહ્યો. ' કાકા..જેના..જેના..' ગોખી રાખેલું નામ યાદ કરતા જીવલી બોલી.. ' છોટી મેમસાબ ? ઉપર સૂતા હશે. અત્યારે નીચે નહીં આવે. બહાર તાપ છે ને તાપમાં એ લોકો બહાર ન નીકળે.. સાહેબ કામે ગયા છે. જીવલી થોડી નિરાશ થઇ. હવે ? તૈયાર થવાની કેટલી મહેનત કરી હતી પોતે ! બધું નકામું.. પાછી વળવા જતી હતી..ત્યાં ઉપર બારીમાંથી જેનાએ જીવલીને જોઇ.
' કમ.. જી.. વા લી..કમ.. કમ અપસ્ટેર ..' એ મોટેથી બોલી.
જેનાને જોતા જ જીવલી આખ્ખે આખી હસી ઉઠી. પણ જેના શું કહે છે તે સમજાયું નહીં. તેણે મૂંઝાઇને કાકા સામે જોયું. વરસોના અનુભવને લીધે ભાંગ્યું તૂટયું અંગ્રેજી જાણતા કાકાએ કહ્યું, ' મેમસાબ તને ઉપર બોલાવે છે.'
' હું ઉપર જાઉં કાકા ? ' કાકો એક મિનિટ અચકાયો. આમ તો અત્યારે બંગલીમાં બીજું કોઇ નહોતું. વરસોથી પોતે જ આ બંગલીનો સર્વેસર્વા હતો. આ ટચુકડું અભયારણ્ય કંઇ એવું પ્રખ્યાત નહોતું.
ત્યાં જેના દોડતી નીચે આવી. ' કમ.. કમ..' જીવલીનો હાથ પકડી તે તેને લગભગ ખેંચી જ ગઇ.
જીવલીને ખેંચી જેના ઉપર આવી. આ સાવ અજાણી જગ્યાએ પોતાના જેવડી જ એક મિત્ર મળી જતાં તે ખુશ થઇ હતી. ડેડી તો આખો દિવસ બહાર રહેવાના એની તેને જાણ હતી જ..
રૂમમાં આવી જેના ધબ્બ કરતી પલંગ પર બેસી પડી. દોડવાથી તે થોડી હાંફતી હતી.જીવલી ચારે બાજુ નજર કરતી ઉભી રહી ગઇ. શું કરવું, કયાં બેસવું ?
' સીટ..સીટ..' કહેતી જેનાએ તેને પલંગ પર ખેંચી. જીવલી ધબ્બ દેતીકને પોચા પોચા ગાદલામાં છેક અંદર ઘૂસી ગઇ. તેને ગુદગુદ્દી થઇ આવી.
અચાનક જીવલી મોટેથી હસી પડી. કશું સમજાયું ન હોવા છતાં જેના પણ એ હાસ્યમાં સાથ પૂરાવી રહી. મૈત્રીનો સેતુ વણબોલ્યે પળમાં રચાઇ ગયો. બંને બહેનપણીઓ આંખમાં પાણી આવી ગયા ત્યાં સુધી બસ એમ જ હસતી રહી. શું કામ હસ્યા..કે શું સમજયા એની બેમાંથી નહોતી ખબર નહોતી.
જરા વારે શાંત થયા પછી જેના જીવલીના આભલાવાળા.. ભરતભરેલા રંગીન ચણિયા ચોલી તરફ જોઇ રહી.
'ઓહ..સો નાઇસ..ઓલ રૈનબો કલર્સ.. ફ્રોમ વ્હેર ડીડ યુ બાય ધીસ ?
જીવલી તેની સામે તાકી રહી.. જોકે જેનાને કંઇ જવાબની નહોતી પડી. જીવલી તરફ જોતા તેણે કહ્યું..
' યુ લૂક નાઇસ..' કંઇક સારું બોલે છે એટલું જીવલીને અચૂક સમજાયું. દિલની ભાષા શબ્દ કે અર્થની કયાં મોહતાજ હોય છે ?
જીવલીની નજર જેનાના ટેડી પર ખોડાઇ હતી. જેનાએ તે જોયું.. ' ડીડ યુ લાઇક ધીસ ? યુ કેન ટૈક ઇટ..આઇ હેવ સો મેની અધર ટુ.. પ્લીઝ..ટૈક..
જેનાએ ટેડી આ દોસ્ત સામે લંબાવ્યું. જીવલી અચકાઇ.. ટૈક..ટૈક.. કહેતા જેનાએ તેના હાથમાં પરાણે પકડાવ્યું.
જીવલીના હાથમાં જાણે સ્વર્ગનો ખજાનો આવી ચડયો હતો. જેના બાળસહજ વૃતિથી પોતાની વસ્તુઓ જીવલીને બતાવતી રહી. જીવલી તો ફાટી આંખે જેનાનો અદભૂત ખજાનો જોઇ રહી. રંગરંગની નેઇલપોલીશની બોટલો, પાઉડર, પરફયુમ, જાતજાતની ગેઇમ્સ, રમકડા, જીવલી તો શું જુએ ને શું ન જુએ ? એકાદ બે વસ્તુઓને અડકવાની હિમત પણ કરી લીધી.
હવે જેનાનું ધ્યાન જીવલીએ હાથમાં પહેરેલી લાલ રંગની કાચની બંગડીમાં ગયું. બંગડી પર હાથ ફેરવતા બંગડી રણકી ઉઠી.
ઓહ..વાઉ.. નાઇસ વોઇસ.. બંગડીનો રણકાર તેને ગમી ગયો. ' તારે પહેરવી છે ? ' જીવલીએ પૂછયું, ભાષા ન સમજવા છતાં ભાવ તો સમજાઇ જ ગયો. ' યેસ..યેસ..આઇ લાઇક ટુ સી ઇટ.. ઇફ યુ ડોંટ માઇંડ પ્લીઝ..'
જીવલીએ બંગડીઓ ઉતારીને જેનાના હાથમાં પહેરાવી. પોતાનું પણ કંઇક જેનાને ગમ્યું એ વાતે તેના ચહેરા પર ખુશીની લહેર ફરી વળી. જેના કુતુહલથી બંગડીઓ રણકાવી રહી.
કોઇ ભાષા વિના બંને વચ્ચે કેટલીયે વાતો ઉઘડતી રહી.
થોડીવારે તડકો ઓછો થયો એટલે બંને બહેનપણીઓ હાથમાં હાથ પરોવી નીચે આવી.
બે દિવસમાં તો જીવલીની સાથે સાથે જેના પણ આસપાસમાં રખડતી થઇ ગઇ. જીવલીની સાથે આંબલીના કાતરા ખાવામાં, ગુલમહોરના રતુંબડા ફૂલ ખાવામાં કે કાંટાની પરવા કર્યા સિવાય બોરડીમાથી બોર તોડવામાં દિવસ તો કયાંય અદ્રશ્ય થઇ રહેતો. જેનાના ડેડીએ પણ મા વિનાની દીકરી ખુશ રહે છે એ વિચારે વાંધો ન લીધો. દીકરી એકલી નથી પડી જતી તેને પણ કોઇ કંપની મળી તેથી તેણે હાશ અનુભવી..અને તે નિરાંતે પોતાના કામમાં પરોવાયો. પ્રોજેકટ તૈયાર કરવા માટે આનાથી વધારે અનુકૂળ જગ્યા તેને માટે બીજી કોઇ નહોતી.
આજે જીવલી જેનાને પાંચીકા રમતા શીખડાવી રહી હતી. ઉંચે ઉછળીને પછી જીવલીના હાથમાં ધીમેથી ગોઠવાઇ જતા પાંચીકાને જેના પરમ આશ્વ્રયથી નીરખી રહી. પોતાને તો જીવાલી જેવું કંઇ નથી આવડતું. તેણે ઘણીવાર પ્રયત્ન કરી જોયા..પણ તેનાથી કેચ નહોતા થતા.
ત્યાં કાબરચીતરી બિલાડીએ જીવલીના ખોળામાં કૂદકો માર્યો. જીવલીએ તેના શરીરે વહાલથી હાથ ફેરવ્યો.
વાઉ..પુસી કેટ.. પણ બિલાડીને જીવલીના ખોળામાં જોઇને કાળિયા ગલુડિયાનો જાણે ગરાસ લૂંટાઇ ગયો હોય તેમ તે પણ જીવલી સામે ઉભું રહી ગયું.. જેના તો હરખથી છલકાઇ પડી.. વાઉ..વોટ એ કયુટ ડોગી..યુ હેવ.. ! જેનાને આ ડોગી અને કેટ એવા તો ગમી ગયા..તેણે બે હાથે ગલુડિયાને ઉંચકી લીધું. ગલુડિયું કદાચ ગભરાઇ ગયું. જેનાના હાથમાંથી છટકીને દોડયું. જેના તેની પાછળ.. કમ..કમ..ડોગી કમ..
જીવલીના નાના ભાઇને હીંચકાવવાની તેને એવી તો મજા આવતી. જીવલીના દાદીમા જાતજાતના હાલરડાં ગાતા. જેના બે હાથે ભાઇલાને ઉંચકીને ફરતી. આ જીવંત રમકડું તો તેને બહું વહાલું લાગતું. દાદીમા તેને નવડાવે એટલે જેના ઉભી ઉભી પાણી રેડે. ભાઇલો હસે એટલે જેના પણ ખડખડાટ હસે..અને જીવલીનું હસવાનું તો ચાલુ જ હોય. હવે જીવલી મોમ, ડેડ, કેટ, ડોગી, ગ્રાંડમા જેવા શબ્દો શીખી ગઇ છે. તો જેના મા, બાપુ, દાદીમા, ભાઇલો મીની, કે ગલૂડિયું જેવા શબ્દોથી પરિચિત થઇ ગ ઇ છે. દાદીમાને હાય ગ્રાંડમા કહેતી તે વળગી પડે છે. દાદીમાને પણ આ ગોરી છોકરી માટે માયા બંધાઇ ગઇ છે. જેના આવે એટલે એને કંઇ ને કંઇ ખવડાવે છે. જેનાને તો રોટલો ને બટાટાનું શાક પણ હવે ભાવી ગયા છે.. ઇંડીઅન બ્રેડ..વાઉ.. હમણાં જીવલીની મા પણ ઘરમાં છે. થોડા દિવસ એને કામે નહોતું જવાનું. મા ઘરમાં છે એટલે જીવલી રાજી રાજી.. મા પણ બંને છોકરીઓને વહાલ કરે છે.જેનાને જીવાલીની મોમ પણ બહું ગમી ગઇ છે. આજે જેનાને થોડો તાવ હતો. ડેડીએ તેને દવા આપી હતી અને રૂમની બહાર નીકળવાની મનાઇ કરી હતી. પણ જીવાલીને ઘેર ન જાય એ તો કેમ ચાલે ? જેનાને જોતા જ જીવલીની માને થયું કે આજે છોડીને ઠીક નથી લાગતું. તેણે જેનાને અડી જોયું તો જેનાનું શરીર ધીખતું હતું. જીવલીની માએ જેનાને ખાટલીમાં સૂવડાવી. તેને માથે ઠંડા પાણીના પોતા મૂકવા માંડયા. જેનાના વાળમાં આંગળા ફેરવતી તે કંઇક ગણગણતી રહી. જેના આંખો મીંચી ગઇ. બહું સારું લાગ્યું. એક અપરિચિત હૂંફનો એહસાસ.. જીવલી પણ આજે કયાંય નથી ગઇ. તેની પાસે જ બેસી રહી છે. બંધ આંખે જેનાને પોતાની મોમ દેખાઇ. જેની ઝાંખીપાંખી સ્મૃતિ ભીતરમાં કદી દેખા દેતી રહી છે. એ મા તેને સપનામાં દેખાય છે. વચ્ચે વચ્ચે તાવની તંદ્રામાં બબડતી રહેતી. ' jivali, you are lucky.. you have nice famiy.. i have only busy dad..' જીવલી કશું સમજયા સિવાય બસ હસી રહી. બે દિવસમાં જેના ઠીક થઇ ગઇ. ફરીથી બંને બહેનપણીઓની રખડપટ્ટી ચાલુ.. મહિનો તો રીતસર ઉડી જ ગયો..જેનાના ડેડીનું કામ પૂરું થયું હતું. આજે તેઓ પાછા ફરવાના હતા. બેગમાં સામાન પેક કરતા ડેડીને જેના જોઇ રહી. પછી ધીમેથી ડેડીને પૂછયું,
' dad, can't we call mom back ? i am missing her.. ' જેનાના અવાજમાં અષાઢી વાદળો ઉતરી આવ્યા. થોડી પળૉ એક પિતા માસૂમ પુત્રીની તરલ આંખમાં જોઇ રહ્યો. કશુંક સમજાયું કે શું ? કશુંક ભીતરમાં ખળભળ્યું.
yes..my darling..we will definately call her back..તેના અવાજમાં આજે કોઇ અપરિચિત કુમાશ ઉભરાઇ આવી. જેના વહાલથી ડેડીને વળગી પડી. ડેડ, આપણે નેક્ષ્ટ યર અહીં પાછા આવીશું ને ? જી વાલી..ઇઝ માય બેસ્ટ ફ્રેંડ.. યેસ..વી વીલ.. પ્રોમીસ ? પ્રોમીસ..
થોડી ધરપત પામી જેના જીવલીને બાય કરવા ગઇ.જીવલી બંગલીના ઝાંપા પાસે જ ઉભી હતી. ' જી..વા..લી.. આઇ એમ ગોઇંગ.. બટ આઇ વીલ કમ નેક્ષ્ટ યર.. જીવલી બીજું કંઇ તો ન સમજી પણ જેના જાય છે એટલી તેને ખબર પડી. ચોકીદાર કાકાએ તેને કહ્યું..બેબી કહે છે કે આવતે વરસે તે પાછી અહીં આવશે. જીવલીના ચહેરા પરની ઉદાસી ગાયબ.. જેના પાછી આવશે.. ! જીવલીએ જેનાના હાથમાં કપડાની એક નાનકડી પોટલી મૂકી.એમાં તેના પ્રિય પાંચીકા, બે ચાર રંગીન લખોટીઓ, આંબલીના કાતરા અને લાલ બંગડીઓ હતી. થેંક્સ કહેતા જેનાએ પોટલી લીધી.. તેણે જીવલીના હાથમાં પેલું મોટું ટેડી બેર મૂકયું. પછી બંને એકી સાથે અચાનક હસી પડયા..કે પછી રડી ઉઠયા તેની સમજ ન પડી.પણ બંનેની આંખ ભીની હતી એટલું ચોક્કસ.. જેના ડેડી સાથે મોટરમાં ગોઠવાઇ.. બારીમાંથી હાથ હલાવતી રહી. મોટર અદ્રશ્ય થઇ ત્યાં સુધી જીવલી મોટરને તાકી રહી. ' કાકા, એક વરસ કયારે થાય ? ' એકાદ મિનિટ કાકા મૂંઝાયા. આ માસૂમ છોકરીને એક વરસનો ખ્યાલ કેમ આપવો ? તેની નજર સામેના ગુલમહોરના ઝાડ પર પડી. ' જો..બેટા, આ ઝાડમાં ફરીથી પાછા ફૂલ આવે ને ત્યારે એક વરસ થાય.' જીવલીએ ડોકું હલાવ્યું. હવે જીવલીની આંખો રોજ ગુલમહોરને તાકતી રહે છે. ( ઉદ્દેશમાં પ્રકાશિત વાર્તા )
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuVndYA2%2B9Hn9VBCRqYjxBA1Q7e4jTWst9VS%2B_0JdNaqA%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment