Tuesday 29 January 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ તમે અને તમારા સંજોગો... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



તમે અને તમારા સંજોગો!
તડકભડક:- સૌરભ શાહ

 

 

 

તમે પરિણીત સ્ત્રી છો અને તમારી જ ઉંમરની કોઈ સિંગલ સ્ત્રી છે. એ સ્ત્રીની રહેણીકરણી તમારા કરતાં જુદી છે, ઘણી જુદી છે અને તમે સતત એની ટીકા કરતાં રહો છો. તમને એની મુક્ત જીવનશૈલી કઠે છે. તમે તમારા પતિ આગળ, તમારી બહેનપણીઓ સમક્ષ એની સતત ટીકા કરતાં રહો છો. તમે સમજતાં નથી કે તમે જે ઉંમરનાં છો એ જ ઉંમરે એ સિંગલ (અર્થાત્ અનમેરીડ એટલે કે આઈધર કુમારિકા ઓર ડીવોર્સી ઓર વિડો) છે એ એની ચોઈસની કે એની ચોઈસ વિનાની પરિસ્થિતિ છે. તમે પોતે તમારી પસંદગીથી આવી પરિસ્થિતિ ઊભી કરી શક્યા નથી અથવા કોઈ મજબૂરીથી આવી પરિસ્થિતિ તમારી જિંદગીમાં સર્જાઈ નથી.


તમે ભૂલી જાઓ છો કે અત્યારે, આ ઘડીએ, જો તમારી પરિસ્થિતિ એવી હોત, તમે જો સિંગલ હોત, તો તમારી રહેણીકરણી પણ એટલી જ મુક્ત હોત જેટલી પેલીની છે.


ધારો કે તમે પુરુષ છો. તમારા મિત્રોમાં તમે દિલદાર તરીકે ઓળખાઓ છો, કારણ કે મિત્રો મળે ત્યારે તમે ક્યારેય ખર્ચ કરવામાં પાછી પાની કરતા નથી, ઓળખીતા-પાળખીતાઓને નાનીમોટી આર્થિક જરૂરિયાત હોય તો તરત છૂટા હાથે મદદ કરતા રહો છો. તમારી ઓળખાણમાં તમારા જેટલી જ આવક ધરાવતો બીજો એક પુરુષ છે જે એના મિત્રવર્તુળમાં કંજૂસ તરીકે ઓળખાય છે. એ ક્યારેય મિત્રો વતી રેસ્ટોરાંમાં બિલ ચૂક્વતો નથી. હંમેશા કહે છે કે જે બિલ થયું હોય તેને ભાગે પડતું વહેંચી લઈશું. એ ક્યારેય કોઈને આર્થિક મદદ તો શું હાથ-ઊછીના પણ આપતો નથી. એ ક્યારેય પોતાના ઘરે પાર્ટીઓ કે જમણવારો ગોઠવાતો નથી. એ ક્યારેય પોતાની કાર લઈને વીકએન્ડમાં લોનાવલા ઉપડી જતો નથી, માત્ર ઓફિસે જવા આવવા માટે જ કારનો ઉપયોગ થાય છે.


તમે જેને કંજૂસ કહો છો એની પરિસ્થિતિ તમને ખબર નથી. સ્વર્ગસ્થ મોટાભાઈના પરિવારને પોષવાની જવાબદારી એણે સ્વીકારી છે. એમનું ઘર ચલાવવું -એમનાં સંતાનોને ભણાવવાના- એમના ઘરમાં વાર તહેવારે આવતા પ્રસંગોનો વહેવાર સાચવવાનો- આ બધામાં એની કમાણી, જે તમારા જેટલી જ છે એ કમાણીનો, ઘણો હિસ્સો ખર્ચાઈ જાય છે. એણે પોતાની આ જવાબદારી વિશે ક્યારેય કહ્યું નથી અને એટલે કંજૂસ તરીકેની એની ઈમેજ સ્થાયી થઈ ગઈ છે.


માણસનો પોતાનો સ્વભાવ અને એની પરિસ્થિતિ બે જુદી જુદી વાત છે. તમારો સ્વભાવ મુક્ત બનીને જીવવાનો હોય પણ તમારી પરિસ્થિતિ તમને એવાં બનવાં દેતી ન હોય એવું બને. તમારો સ્વભાવ છુટ્ટે હાથે ખર્ચ કરવાનો હોય પણ તમારી પરિસ્થિતિ તમને 'કંજૂસ' બનાવી દેતી હોય એવું પણ બને.


મારામાં બદમાશ બનવાનું ફૂલ પોટેન્શયલ હોય પણ મારી પરિસ્થિતિ મને બદમાશ બનવા માટે સહાયભૂત ન થતી હોય અને તમે તમારાં દુર્ગુણો છોડવા માગતા હો પણ તમારી પરિસ્થિતિ તમને એનાથી મુક્ત ન થવા દેતી હોય. આવું બની શકે છે.


આપણે ક્યારેય આપણી પરિસ્થિતિનો, આપણા સંજોગોનો આપણી જિંદગીમાં કેટલો મહત્વનો હિસ્સો છે એ વાતને સ્વીકારતાં નથી. ફૂટપાથના ભિખારીની ગમે એટલી મહેચ્છા હોય સમાજ માટે મોટી હોસ્પિટલો કે શાળાઓ કે મંદિરો બાંધવાની, એ નહીં કરી શકે. એનામાં ધર્માદો કરવાની ભાવના, દાનત ઠાંસીને ભરેલી હશે તો પણ એ સખાવતનાં કાર્યો નહીં કરી શકે કારણકે એ પરિસ્થિતિથી બંધાયેલો છે, એના સંજોગોએ એને બાંધી દીધો છે.


મારી પરિસ્થિતિ જો એના જેવી હોય તો શું હું અત્યારે જે છું તે જ રહું? આ સવાલ બીજી વ્યક્તિના જીવનને જોઈને જાતને પૂછતા થઈ જઈએ તો બીજાને સમજવાનું ઘણું આસાન બની જાય. ઘણો બધો વિખવાદ મનમાંથી દૂર થઈ જાય. બીજી વ્યક્તિ માટેના અણગમાઓથી આપણે મુક્ત થઈ જઈએ.


આપણે અને આપણી પરિસ્થિતિ – આ બેઉ વાતો જુદી છે. આપણે આજે કંજૂસ છીએ. પરિસ્થિતિ પલટાય અને ઉદાર બની જઈએ. આપણે આજે અમુક સિદ્ધાંતો અને નીતિમત્તામાં માનીએ છીએ જેનું મૂલ્ય શાશ્વત છે, પણ પરિસ્થિતિ પલટાય તો આપણે સર્વાઈવ થવા માટે એ જ સિદ્ધાંતો કે નીતિમૂલ્યોનો સાથ છોડી દેવો પડે એવું બને.


બીજા વિશે કે આપણા પોતાના વિશે વિચારતી વખતે આપણે તે વખતની પરિસ્થિતિને નજરઅંદાજ કરીએ છીએ ત્યારે એકાંગી બની જઈએ છીએ, આપણે ટનલ વિઝન ધરાવતા થઈ જઈએ છીએ, બેઉ આંખોની પડખે ઘોડાના ડાબલા બાંધ્યા હોય એવી આપણી દૃષ્ટિ થઈ જતી હોય છે.


માણસમાં ગમે એવા ગુણ-દુર્ગણ હોય, એનામાં કશુંક કરવાની ગમે એટલી ઈચ્છા-અનિચ્છા હોય, એ કંઈ પણ કરવા માગતો કે ન માગતો હોય, છેવટે તો એ સંજોગોને આધીન હોય છે. આ સંજોગોને એ ધારે તો ક્યારેક બદલી પણ શકે પરંતુ જ્યાં સુધી એવી ક્ષમતા એનામાં ન આવે ત્યાં સુધી એ જે પરિસ્થિતિમાં છે તે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આપણે એની ટીકા કે પ્રશંસા કરવી જોઈએ. કાલ ઊઠીને એ વ્યક્તિ એની એ હશે છતાં એની પરિસ્થિતિ બદલાશે તો આપણો એના માટેનો અભિપ્રાય બદલાઈ જવાનો. કાલ ઊઠીને આપણે જેવા છીએ એવા જ રહીશું પણ સંજોગો જો બદલાઈ ગયા તો લોકોનો આપણા વિશેનો અભિપ્રાય બદલાઈ જવાનો. શાસ્ત્રોમાં કહ્યું છે કે, કાલાય તસ્મૈ નમઃ હે કાળ, તને વંદન કરું છું, તને નમું છું, તારે શરણે થઉં છું કારણકે માણસની પરિસ્થિતિમાં જે પલટાઓ આવે છે તે તારે કારણે આવે છે, સંજોગોને તું જ ઘડે છે એ અને આ સંજોગો માણસને ઘડે છે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ot8fFTaCe8rEcUaLbZ6GPcMio%2BsApHsGu5d6WW8m6q6XQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment