Wednesday 30 January 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ તમને નો ખબર પડે... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



તમને નો ખબર પડે!
ખોબામાં દરિયો :- રેખાબા સરવૈયા

 

 

 

 

ભર્યું-ભાદર્યું ઘર, છોકરાવ બધાં સંપથી રહે. બહોળું કુટુંબ, મહેમાનોથી ઉભરાતું ઘર, વિસ્તરેલી ખેતી અને વધારેલા વહેવારો…આખી નાત્યમાં ઘરની આબરૂની ધજા લહેરાય. કાકાબાપુના સ્વર્ગવાસ પછી છોટામાએ બધાયને એકસૂત્રતાથી બાંધી રાખ્યા હતા.


સિત્તેર-સિત્તેર દિવાળીનાં દીવડાઓમાં તેલ પૂરતાં-પૂરતાં છોટામાની છાતી ગજ-ગજ ફુલતી રહેતી.


ચાર-ચાર મસ મોટા ઓરડાની વિશાળ ઓસરીની વચ્ચો-વચ્ચ પિત્તળની સાંકળથી બાંધેલા હિંચકે ઝુલતાં-ઝુલતાં છોટામા પોતાના કાચા રજવાડાને સંતોષથી નિરખી રહેતા.


સાંકળનાં અવાજને અવગણીનેય તે એ ઘરમાં હરતા-ફરતા કામ કરતી વહુઆરૂઓ અને બહારનાં માણસો ઉપર પોતાની અનુભવી નજર તો નાખતા જ રહેતા.


કંઈ કહેવું કારવવું હોય કે ટોકવાનું હોય તો ચપટી વગાડતાં જ કહી દેવાનું….એમાં જરાય મોડું ન કરે…ઉંમરને લીધે હમણાં-હમણાંથી ગોઠણમાં 'વા' વર્તાતો હતો એના લીધે ફળિયા કે ઢાળિયામાં હરફર ઓછી કરી નાખી હતી, પણ આખા દિ'માં એકવાર બધાય ઓરડા, કોઠાર ને રસોડું પગતળેથી કાઢી જ નાખવાના.


મોટો દીકરો ટોકીને કહેતોય ખરોઃ 'મા, હવે તમે શાંતિથી બેસો. આ ઉંમરે ક્યાંક પાડશોને વાગશે તો ઉપાધિ થઈ પડશે. પણ બેસે તો એ છોટામા શાના?'


રાતે ઓસરીમાં સાંગામાચી પર બેસીને વાળુ કરતા સૌ દીકરાઓ વચ્ચે ધીમા સ્વરે થતી વાતો છોટામા સુધી પહોંચતી તો હતી, પણ એમને કંઈ સમજણ પડતી નહોતી કે કયા મુદની વાત ચાલી રહી છે દીકરાઓ વચ્ચે!


હિંડોળા ઉપર એ ઊંચા-નીચા થઈ રહ્યા હતા. કાન સરવા કરી રહ્યેથી થોડું-ઘણું સમજાયું એ કંઈક આવું હતું…


નાનકડો દીકરો નોખો થવા માગતો હતો.


વચેટની વહુને ગામડું ગમતું નહોતું. મોટો જમીનના ભાગ પાડવા રાજી નહોતો. સાસરેથી બેય જમાઈઓએ મિલકતમાં ભાગ માંગ્યો હતો. ખેતીના ખર્ચ બાબતે કંઈક કચવાટ હતો-મધમાખીનાં ગણગણાટ જેવો…સૌની વચ્ચે.


પિત્તળની મૂઠવાળી લાકડી જમીન પર ટેકવી, આસ્તેથી હિંડોળો થંભાવી દઈને છોટામા એ છોકરાઓ તરફ મક્કમ ડગ-ભર્યો.


માને પોતાના ભણી આવતાં જોઈ દીકરાઓના ચહેરાનાં હાવ-ભાવ બદલાઇ ગયા. ધીમો ગણગણાટ થોડો ઊંચો થાય ન થાય ત્યાં છોટામાએ કમર પર હાથ મૂકી સત્તાવાહી સ્વરે પૂછયું 'કે'મ અલ્યા…શું ઘુસર-પુસર કરો છો ક્યારના? ખાવાની થાળી માથે જ હાંભરે તમને? હું વાત એ…બોલો…એટલે મન ખબર્ય તો પડે કે હું હાલી રયુ'છ મારા ઘરની માલીપા?


થોડી ક્ષણોના મૌન પછી નાનકો બોલી ઊઠયોઃ 'છોટામા, ઇ નો ખબર પડે…હિંડોળે વયા જાવ, જારવીક લઈને…' પિત્તળની લાકડીનો જો ટેકો ન હોત તો છોટામા એ જ વખતે, જમીન પર ફસડાઇ જ પડયા હોત; નાનકાની વાત સાંભળીને.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ov_tW5A6u62mPjSbbReTCX2Lk6FQh1J4oes33LPGcSzLA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment