Thursday, 31 January 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ માતૃભાષાનું આયુષ્ય લંબાયું તેનો આનંદ ઓછો નથી... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



માતૃભાષાનું આયુષ્ય લંબાયું તેનો આનંદ ઓછો નથી!
ગુણવંત શાહ

 

 


ગુજરાતનો કોઈ તેજસ્વી વિદ્યાર્થી જરૂર સંશોધન કરી શકે. પાયથાગોરસ, હિરેક્લિટસ, સોક્રેટિસ, એરિસ્ટોટલ, પ્લેટો, ભગવાન બુદ્ધ, મહાવીર સ્વામી, લાઓ ત્ઝુ, કન્ફ્યુશિયસ, અશો જરથુષ્ટ્ર, ઈસુ ખ્રિસ્ત, મોહમ્મદ પયગંબર, કાર્લ માર્ક્સ, મહાત્મા ગાંધી, આઇન્સ્ટાઇન, સ્ટીફન હૉકિંગ ઇત્યાદિ મહામાનવો કયા માધ્યમમાં ભણ્યા હતા? હવે વાત આગળ ચલાવીએ સદ્ગત રાજાજી, રાજેન્દ્રપ્રસાદ, મોરારજી દેસાઈ, રવિશંકર મહારાજ, શ્રી મોરારિ બાપુ, કવિ ઉમાશંકર જોશી, રમેશ પારેખ, વિજ્ઞાની વિક્રમ સારાભાઈ, મહાદેવભાઈ દેસાઈ અને મોહમ્મદ અલી ઝીણા જેવા જાણીતા માણસો કયા માધ્યમમાં શિક્ષણ પામ્યા હતા? જવાબ મળે છે કે તેમના શિક્ષણનું માધ્યમ તેમની માતૃભાષા હતું. આ ‌વિષય સંશોધનનો છે એટલે વધારે લખવું નથી. લોકો કહે છે કે વિજ્ઞાન અને ટેક્નોલોજીના યુગમાં અંગ્રેજી વગર ન ચાલે. એમને એટલું જણાવવાનું કે જપાનમાં હજારે એક ડૉક્ટર, એન્જિનિયર કે પ્રોફેસર પણ અંગ્રેજી નથી જાણતો. આવું જ રશિયાનું. આવું જ ફ્રાન્સનું. આવું જ જર્મનીનું. શું આ દેશો ટેક્નોલોજીમાં પછાત છે? ફિનલેન્ડ જેવો નાનો દેશ જ્યાં અંગ્રેજી જાણનાર ભાગ્યે જ રસ્તે મળે તે દેશનો નોકિયા સેલફોન આપણા દેશમાં કેટલો વપરાય છે? જાણી રાખવા જેવું છે કે જૂનો કરાર (old testament) હિબ્રુમાં લખાયું હતું અને ન્યૂ ટેસ્ટામેન્ટ (નવો કરાર) ગ્રીક ભાષામાં લખાયું હતું. ઈસુ ખ્રિસ્તની માતૃભાષા koine (કોઈને) હતી. એક આદરણીય બિશપે મને જણાવ્યું કે ઈસુનો ઉપદેશ આર્મેઇક ભાષામાં થયો હતો, અંગ્રેજીમાં નહીં. આપણી લઘુતાગ્રંથિમાં આખું ને આખું કોલોનિયલ માઇન્ડ પ્રગટ થતું રહે છે. આવા બધા નીમપાગલ વિચારો એટલા માટે આવી ગયા કે ગુજરાતના શિક્ષણપ્રધાન શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ગુજરાત સરકારના નિર્ણયની જાણ મને અત્યંત વિનયપૂર્વક ટેલિફોન પર કરી. ગુજરાત વિધાનસભામાં સર્વાનુમતે પસાર થયેલા ઠરાવ મુજબ હવેથી ગુજરાતની કોઈ પણ માધ્યમની શાળામાં એકથી દસ ધોરણ સુધી ગુજરાતી વિષય ફરજિયાત રહેશે. મને ખૂબ હરખ થયો. મેં એમનો આભાર માન્યો અને સાથે અભિનંદન પણ આપ્યાં.


ઈ.સ. 1450ની સાલમાં જોહાનિસ ગુટેનબર્ગે લેટિન ભાષામાં બાઇબલ છાપ્યું હતું. આજે એ બાઇબલની માત્ર 49 નકલો બચી છે અને જગતનાં અત્યંત મૂલ્યવાન પુસ્તકોમાં એની ગણતરી થાય છે. બ્રિટનમાં ઘણા બધા ભારતીય પરિવારો વસે છે. ત્યાં એક પ્રયોગ કરવા જેવો છે. કોઈ અંગ્રેજ બાળકને જર્મન ભાષા કે ફ્રેન્ચ ભાષા કે રશિયન ભાષાના માધ્યમમાં ભણાવવાનો પ્રયત્ન કરવામાં આવે, તો બિચારાની શી વલે થાય? બધી વાત સમજાઈ જશે. અરે! બે-ત્રણ અંગ્રેજ બાળકોને અમદાવાદની ગુજરાતી માધ્યમની શાળામાં ભણાવી તો જુઓ! એમ કરતી વખતે એ બાળકની દશા દયનીય જણાશે. શું આપણાં બાળકોને આવી દશામાં મૂકવાની ઉતાવળમાં રહેનારાં મૂર્ખ વાલીઓને આટલું નહીં સમજાય?


ગુજરાત રાજ્યમાં લેવાયેલો સરકારી નિર્ણય અભિનંદનીય છે. એ ઠરાવ સર્વાનુમતે પસાર થયો તે માટે બધા રાજકીય પક્ષોનો આભાર માનવો રહ્યો. મને ફોન પર આ આખી વાત શિક્ષણપ્રધાન શ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ વિગતે જણાવી હતી. આપણા લાડકા હાસ્યલેખક શ્રી વિનોદ ભટ્ટે આપણી દૂધભાષાને ફરજિયાત કરવા માટે એક જાહેર સમારંભમાં રડતા અવાજે તત્કાલીન મુખ્યપ્રધાન શ્રી આનંદીબહેનને અને ભૂપેન્દ્રભાઈને જણાવી હતી. વિનોદભાઈની સંવેદનશીલતાની એ ક્ષણે હું પાસે જ બેઠો હતો. માતાનાં ધાવણ પછી બીજા ક્રમે માતૃભાષાનું સ્થાન છે એવું વર્ષો પહેલાં લખ્યું હતું. હજી માતૃભાષા માધ્યમ તરીકે સો ટચનો સ્વીકાર નથી પામી એ વાતનું દુ:ખ હોવા છતાંય એક વાત ચોક્કસ કે ગુજરાતી ભાષાનું આયખું લંબાયું છે. એક બાબતમાં ઊંડું સંશોધન થાય તે જરૂરી છે.


ગુજરાતી માધ્યમમાં ભણનારો મનુષ્ય મોટી ઉંમરે પણ નરસિંહ મહેતા, કલાપી કે મેઘાણીના પ્રેમમાં પડે એવું બને છે. અંગ્રેજી માધ્યમમાં ભણેલાં બાળકો ઉંમરલાયક થાય ત્યારે પણ વર્ડ્ઝવર્થ, શેક્સપિયર કે રોબર્ટ ફ્રોસ્ટની કેટલીક ઉત્તમ પંક્તિઓ ગણગણે એવું બનશે ખરું? વાત એમ છે કે માતૃભાષા સિવાયના માધ્યમમાં ભણેલાં બાળકો કવિતાથી જ કપાઈ જાય છે. સદ્્ગત નિરંજન ભગતે કહેલું કે: 'સંસ્કૃતિ કદી કવિતાસૂની ન હજો અને સમાજ કદી કવિસૂનો ન હજો.' આ વાત વડોદરામાં મળેલી સાહિત્ય પરિષદમાં અધ્યક્ષીય પ્રવચનને અંતે નિરંજનભાઈએ કરી હતી.


મને કોન્વેન્ટ સ્કૂલો પ્રત્યે કોઈ દ્વેષ નથી. માત્ર બે બાબતો અંગે ઊંડી વેદના છે. અંગ્રેજી માધ્યમની મોંઘીદાટ શાળાઓમાં મારા જ દેશનાં બાળકોને માતાનાં ધાવણથી વંચિત રાખીને ખબર ન પડે તેમ દેશની ધરતીની સુગંધથી અને માત્ર માતૃભાષા જ સમજી શકે એવાં ભણેલાં, ઓછું ભણેલાં તથા નહીં ભણેલાં પ્રેમાળ માતાપિતાથી અડધાપડધાં અળગાં કરી નાખે છે.


એક આફ્રિકન ખ્રિસ્તી જે ધર્માંતર પછી ચર્ચમાં હોદ્દો ધરાવતો હતો તેના શબ્દો સાંભળવા જેવા છે:


જ્યારે તેઓ આવ્યા
ત્યારે તેઓના હાથમાં બાઇબલ હતું
અને અમારી પાસે જમીન હતી.
અમે પ્રાર્થના કરી અને
જ્યારે અમે આંખ ખોલી
ત્યારે
અમારા હાથમાં બાઇબલ હતું
અને તેઓ પાસે અમારી જમીન હતી.


ન્યાય ખાતર કહેવું જોઇએ કે આપણી કોન્વેન્ટ હાઇસ્કૂલોમાં ક્યારે પણ ધર્માંતરનો રોગ જોવા મળતો નથી. એ રોગ તો ચર્ચ સાથે જોડાયેલો છે, નિશાળ સાથે નહીં. કોન્વેન્ટ સ્કૂલોમાં શિસ્ત બચી છે અને ગુણવત્તા પણ બચી છે. સિસ્ટર બાળકોને સ્મિતપૂર્વક બોલાવે છે અને થોડીક વાજબી કડકાઈ પણ બતાવે છે. એ શાળાઓમાં અક્ષરો અને ઉચ્ચારો પર કાળજી રખાય છે.


મને પાકી શ્રદ્ધા છે કે જ્યારે કોન્વેન્ટ સ્કૂલો ગુજરાતીને એક વિષય તરીકે મનપૂર્વક ભણાવશે ત્યારે અક્ષર, જોડણી અને ઉચ્ચારો પર પૂરતું ધ્યાન આપશે. આવું ધ્યાન આપવાનું ગુજરાતી માધ્યમની શાળાઓમાં ક્યારે શરૂ થશે? આપણે એ દિવસની રાહ જોઈએ. સમાધાન તરીકે ગુજરાતના લોકો એટલું નક્કી કરે કે ગુજરાતી માધ્યમમાં ઉત્તમ અંગ્રેજી ભણવાની વ્યવસ્થા હોય અને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં ઉત્તમ ગુજરાતી ભણાવવાની વ્યવસ્થા થાય તો ઘીના ઠામમાં ઘી પડી રહેશે.

 


પાઘડીનો વળ છેડે

અંગ્રેજી શિક્ષણના પહેલા જ કોળિયે
બત્રીસે દાંત હાલી ઊઠે છે.
મોંમાં જાણે ધરતીકંપ થાય છે.
જ્યારે ચારે તરફ જોરશોરથી
અંગ્રેજી ભણવાની ધૂન મચી હતી,
તેવે વખતે
જેમણે હિંમત કરી
અને
અમને
લાંબા સમય સુધી
માતૃભાષા શીખવવાની ગોઠવણ કરી આપી
એ સ્વ. ભાઈ હેમેન્દ્રનાથને
હું કૃતજ્ઞતાપૂર્વક પ્રણામ કરું છું.

-રવીન્દ્રનાથ ટાગોર


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsCUB8TW_90Fe4AgVhawHzEHmWRtc%2BiYE8QuGB%3DvrStNg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment