| 
ફસબુક, વોટ્સઍપ, ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ આ બધા શબ્દો આપણે થોડાંક વરસો પહેલાં મુદ્દલ જાણતા નહોતા. આ બધા શબ્દો વ્યવહારમાં શું સૂચિત કરે છે એની કલ્પના સુધ્ધાં આપણને નહોતી અને આમ છતાં આ શબ્દોનું ઘડતર કોઈક, ક્યારેક અને ક્યાંક કરી રહ્યું હતું. આ ઘડતર કરી રહેલાઓને અલ્લાઉદ્દીનના જાદુઈ ચિરાગની વાત ખબર હશે કે નહીં એ આપણે જાણતા નથી. માણસને કશુંક કશુંક અવનવું કરવાનો, જે થઈ શકે એમ ન હોય એની કલ્પનાઓ કરવાનો પણ ભારે શોખ હોય છે. અલ્લાઉદ્દીનનો જાદુઈ ચિરાગ માણસની આવી કલ્પનાઆનેે સાકાર કરવાનું એક ઉદાહરણ છે. એક રીતે જોઈએ તો જે કમ્પ્યુટર વિજ્ઞાન હવે આજે આપણી સામે છે એ આવતી કાલના માણસ માટે વરસદાન છે કે શાપ છે એની વિચારણા પણ આપણે કરવી જોઈએ.
ઋષિ શબ્દથી આપણે સહુ પરિચિત છીએ. ઋષિ શબ્દના મૂળમાં આર્ષ શબ્દ રહેલો છે. આર્ષ દર્શન એટલે ત્રિકાળ દર્શન. ભૂતકાળમાં જે કંઈ બન્યું હોય એ બધું કંઈ આપણે જાણતા નથી. થોડીક જાણકારી આપણી પાસે હોય છે, પણ મોટા ભાગનો ઈતિહાસ આપણે જાણતા નથી હોતા. એ જ રીતે ભાવિના ગર્ભમાં શું છે એ તો આપણે ભાગ્યે જ જાણતા હોઈએ છીએ. સ્થળ, કાળને પાર જઈને જે તત્કાળ દર્શન કરી શકે છે એ આર્ષ દર્શન છે અને આવું દર્શન કરી શકનાર ઋષિ કહેવાય છે.
વાલ્મીકિ રામાયણના આરંભે જ પિતામહ બ્રહ્માએ વાલ્મીકિને એવું કહ્યું છે કે હે કવિ, તમે જે લખશો એવું બનશે. જે બન્યું છે એ તમારે નથી લખવાનું. તમે ઋષિ છો અને ઋષિ ભાવિકથન કરી શકે છે. આમ કવિ અને ઋષિ બંને અહીં સમાનાર્થી શબ્દો છે. લેખક જે કંઈ લખે છે એ સમયાંતરે સર્જન બને છે અને આવું સર્જન કરનારો મુઠ્ઠી ઊંચેરો સર્જક કાળને પેલે પાર જઈને ઋષિ બને છે.
કમ્પ્યુટર અને ઋષિ આ બંનેને અહીં એકી સાથે સંભારવાનું એક વિશેષ કારણ છે. કમ્પ્યુટરે માણસના જીવનમાં જબરદસ્ત છલાંગ મારી છે એ વાત સાચી, પણ હજુ સુધી માણસના મનની વાત કોઈક પેન ડ્રાઈવમાં કે સીડીમાં અંકે થઈ જાય એવા સોફ્ટવેરની શોધ થઈ નથી. ઋષિ પાસે આવું સોફ્ટવેર હતું. કમ્પ્યુટર વિજ્ઞાન જે રીતે પ્રગતિ કરી રહ્યું છે એ જોતાં આવતી કાલે આવું કોઈ સોફ્ટવેર ફાઉન્ટન પેનના ટોપકામાં કે કાંડાઘડિયાળના કોઈક પટ્ટામાં ફિટ થઈ જાય એવી આશંકા રહે છે. જો આવું થાય તો-
આને વિજ્ઞાનની પ્રગતિ કહીશું કે દુર્ગતિ? વિજ્ઞાનમાં આપણે જેને પ્રગતિ કહીએ છીએ એ એક રીતે દુર્ગતિ સાથે સંકળાયેલી જ હોય છે. અણુની શોધ સંહાર માટે નહોતી થઈ. એક શક્તિ તરીકે વિજ્ઞાને એને માણસજાતને ભેટ ધરી હતી. માણસે આ શક્તિને વિનાશકરૂપ આપ્યું. કમ્પ્યુર વિજ્ઞાન પણ ક્યાંક આ દિશામાં જ નથી જઈ રહ્યુંને એ વિશે માણસજાતે શાંતિથી વિચારણા કરવી જોઈએ. બીજા વિશ્ર્વયુદ્ધના અંતે કોઈકે એવું કહ્યું હતું કે મહાયુદ્ધ શરૂ થયું એ પહેલાં જગતના દસ-વીસ મુઠ્ઠી ઊંચેરા પ્રતિભાવંત વિચારકોએ આવી રહેલા યુદ્ધને કળી જઈને જો સક્રિય વિચારણા કરી હોત તો યુદ્ધ નિવારી શકાયું હોત. (જોકે કૃષ્ણ જેવા કૃષ્ણ પણ ભવિત્વયોને રોકી શક્યા નહોતા એ વાત પણ આપણે યાદ રાખવી જોઈએ.)
કમ્પ્યુટર વિજ્ઞાને 'કર લો દુનિયા મુઠ્ઠી મેં' આ શબ્દોને માત્ર સૂત્ર તરીકે નથી રહેવા દીધા, પણ ચરિતાર્થ કરીને બતાવ્યા છે. આ સૂત્ર ચરિતાર્થ થયું એનો માત્ર આનંદ માણીને અટકી જવા જેવું નથી. આનો અર્થ એવો થાય છે કે આખી દુનિયાને હું મારી મુઠ્ઠીમાં કબજે કરી લઉં. તમે એ જ દુનિયાને તમારી મુઠ્ઠીમાં કબજે કરી લો અને પેલા અ, બ, ક, ડ સહુ કોઈ આ જ દુનિયાને પોતપોતાની મુઠ્ઠીમાં કબજે કરી લેે. દુનિયા તો એક જ છે અને મુઠ્ઠીઓની સંખ્યા પાર વિનાની છે. આનું પરિણામ લાંબા ગાળે શું આવે એ કલ્પના કરવી એક રીતે અઘરી છે અને બીજી રીતે સહેલી છે. માનવજાતનું ભાવિ આપણને આ વિચારણા કરવા મજબૂર કરે છે.
કંઈક હળવાશના અર્થમાં કોઈકે એવું કહ્યું હોવાનું વાંચ્યું હતું કે માણસને નિર્ભેળ અને સંપૂર્ણ સ્વાતંત્ર્ય માત્ર બાથરૂમમાં જ સાંપડે છે. કમ્પ્યુટર વિજ્ઞાન જે રીતે વિકાસ સાધી રહ્યું છે એ જોતાં તો એમ લાગે છે કે માણસને હવે આ સ્વાતંત્ર્ય પણ ઉપલબ્ધ રહ્યું નથી. થોડાં વરસો પહેલાં જે કંઈ લિખિત હોય એને પરસ્પરના કબૂલાતનામા જેવું માનવામાં આવતું - આજે સહજભાવે ટેલિફોન ઉપર થતી વાતચીત ક્યાંક સામા પક્ષે અંકિત તો નહીં થતી હોય એવો વહેમ આવ્યા વિના રહેતો નથી. આનું પરિણામ એ આવે છે કે આપણે આપણા સ્વજનો સાથે પણ મન મૂકીને કે દિલ ફાડીને વાતો કરતા હોઈએ ત્યારે અચાનક યાદ આવે છે - આ વાતચીત ક્યાંક રેકોર્ડ તો નહીં થતી હોય? અને રેકોર્ડ થતી હોવાની આશંકા સાથે જ વાતચીતના પ્રવાહમાં જે સહજતા હોય છે એ અચાનક સંકોડાઈ જાય છે.
અને ખરેખર એવું બન્યું પણ છે. રેકોર્ડ થયેલી આવી વાતચીતો લાંબા વખતે સંબંધોમાં પરિવર્તન આવે ત્યારે પરસ્પર વિરુદ્ધ રજૂ કરવામાં આવે છે. માણસ માણસના વિશ્ર્વાસ વચ્ચેનું જાણે કે સમાપન થઈ ગયું.
ઈશાવાસ્ય ઉપનિષદમાં ઈશ્ર્વરની ઓળખ આપતાં એવું કહ્યું છે કે તદ્ દૂરે તદ્વન્તિકે. કમ્પ્યુટર વિજ્ઞાનેે માનવીય સંબંધોને તદ્ દૂરે તદ્વન્તિકે કરી મૂક્યા છે. આજે અરસપરસ થતી સામાજિક મુલાકાતોમાં આપણે નિકટ બેઠેલા સાથે જેટલો સંવાદ કરીએ છીએ એથી અનેકગણો અધિક મોબાઈલ મારફતે સેંકડો માઈલ દૂર બેઠેલા કોઈક વ્યાવસાયિક સાથે વાત કરતા હોઈએ છીએ. દુર્ભાગ્યે નિકટ બેઠેલાની આ અવગણના મોટાઈમાં ખપાવાઈ રહી હોય એવું પણ લાગે છે.
પ્રાયવસી નામનો એક શબ્દ પણ આ સંદર્ભમાં આજકાલ ચારેય બાજુ ફંગોળાતો જોવામાં આવ્યો છે. આ પ્રાયવસી એટલે શું એ પણ સમજી લેવા જેવું છે. તમે ક્યાં આવો છો, ક્યાં જાઓ છો, દિવસ દરમિયાન ક્યાં અને કોને મળો છો, શું વાતચીત કરો છો ઈત્યાદિ રોજિંદું જીવન એક રીતે પ્રાયવસી કહેવાય, પણ આ રોજિંદા જીવનમાં પ્રાયવસીના નામ પર તમે જો કોઈ અસામાજિક પ્રવૃત્તિ કરી રહ્યા હો તો આ પ્રાયવસી આંતરવી અનિવાર્ય થઈ જાય છે. આથી વિપરીત, બળૂકાઓ પોતાના વિરોધીઓને કચડી નાખવા માટે આવા અંગત જીવનનું હનન કરે એ પણ સંભવિત છે. અહીં કોઈ વિવેકબુદ્ધિ કારગત નહીં નીવડે. વિજ્ઞાનના વિકાસના ઓઠા હેઠળ માણસના જીવનનો પ્રવાહ બદલાઈ જશે. માણસ માણસ વચ્ચેનો વ્યવહાર કુંઠિત થઈ જશે.
પરિવાર જીવનમાં તરુણ પેઢી જે રીતે કમ્પ્યુટરનો ઉપયોગ કરી રહી છે એ વિશે થોડીક વધુ ગંભીર વિચારણા કર્યા વિના ચાલે એમ નથી. આ પેઢીએ સાચા અર્થમાં દુનિયાને પોતાની મુઠ્ઠીમાં મુઠ્ઠીમાં પકડી રાખી છે. સમય પણ જાણે એમણે પોતાની મુઠ્ઠીમાં પકડી લીધો છે. ઇંળબળજ્ઞર્હ્ૈર્ર્રૂૈૈ રુણફમરુઢ રુમક્ષૂબળ ખ ક્ષૈણુમિ - મહાકવિ ભારવિ ભાખ્યું આ કથન જાણે ખોટું પડી રહ્યું છે. અફીણના બંધાણીઓની કસુંબા વિના જેમ રગો તૂટતી એમ આ તરુણ પેઢી થોડોક સમય પણ આ બંધ મુઠ્ઠી વિના રહી શકતી નથી.
કમ્પ્યુટર જે ઝડપે આપણા જીવનમાં પગ પહોળા કરી રહ્યું છે એના ફાયદા કંઈ ઓછા નથી પણ આ ફાયદાઓના ઓઠા હેઠળ નિર્મળ જીવનને જે રીતે મલિન કરી રહ્યું છે એ ભય પણ કંઈ ઓછો નથી. વિજ્ઞાન સેવક તરીકે અત્યંત આવકાર્ય છે, પણ સ્વામી તરીકે ભારે ભયાનક છે એ ભૂલવું ન જોઈએ. કમ્પ્યુટરને જો આપણે ઋષિ નહીં બનાવી શકીએ તો એ રાક્ષસ બની જશે અને પછી આ રાક્ષસ એવો ભસ્માસુર હશે કે એને નાથવા વિષ્ણુએ ફરી એક વાર મોહિની સ્વરૂપ ધારણ કરવું પડશે. |
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtjdLcN9-OZaekuieTr4cxfTYV04Vm_UNQpZJ22e-Y1fw%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment