Tuesday 29 January 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ આધુનિક સીતાની ટેકનિકલ અગ્નિપરીક્ષા... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



આધુનિક સીતાની ટેકનિકલ અગ્નિપરીક્ષા!
ઝીરો લાઈન:- ગીતા માણેક

 

 


આ વખતે તેનું નામ શોભા છે. સીતા અયોધ્યાની હતી, શોભા કેરળની છે. રાવણ અપહરણ કરી ગયો હતો પણ અગ્નિપરીક્ષા સીતાની લેવાઈ. શોભાને કલંકિત કરનાર કળિયુગના રાવણ પાસે ટેક્નોલોજીનું હથિયાર હતું. સીતાની જેમ જ અગ્નિપરીક્ષામાં શોભા પાર ઉતરી, પણ તેને સુધ્ધાં ત્યજી દેવાઈ.


આ વાત છે કેરળના એરનાકુલમમાં રહેતી શોભાની. તે ત્રણ બાળકોની મા છે. પંદર વર્ષથી પણ નાની ઉંમરનાં તેનાં આ બાળકો અને પતિના સુખી પરિવારમાં તે કોઈ પણ સર્વસામાન્ય ગૃહિણીની જેમ જીવતી હતી. પરંતુ અચાનક તેના પર ટેક્નોલોજીનું શસ્ત્ર ધરાવતો રાવણ ત્રાટક્યો. તેના પતિના મોબાઈલમાં એક વિડીઓ આવ્યો. એ પોર્ન વિડીયોમાં શોભાનો નગ્ન દેહ હતો અને તે કોઈ પુરુષ સાથે જાતીય ક્રીડા કરી રહી હતી. આ વિડીયો તેના પતિ સુધી પહોંચ્યો એ પહેલાં વાઇરલ થઈ ચૂક્યો હતો. પતિએ આ વિડીયો જોઈને તત્ક્ષણ શોભાને ચોટલો ઝાલી બહાર કાઢી મૂકી. રડતી-કકળતી શોભા પોતે નિર્દોષ હોવાનો અને આ વિડીયો કઈ રીતે બન્યો છે એનાથી સાવ અજાણ હોવાનું કહેતી રહી. બીજા શબ્દોમાં કહીએ તો કળિયુગની આ સીતા પર પણ આળ મૂકવામાં આવ્યું હતું. તેને વ્યાભિચારિણી અને કુલટા કહેવામાં આવી રહી હતી.


શોભાને ઘરની બહાર કાઢી મૂકવામાં આવી. તેનાં વહાલસોયા બાળકોથી તેને દૂર કરી દેવામાં આવી. પોતાના બાળકોના ચહેરાની એક ઝલક જોવા માટે તે કલાકો સુધી તેમના સ્કૂલ જવાના રસ્તા પર ઊભી રહેતી. પોતાના જ બાળકો સાથે વાત કરવાની, તેમને ગળે વળગાડવાની શોભાને પરવાનગી નહોતી.


તે જાણતી હતી કે પોતે નિર્દોષ છે, પણ ન તો સમાજ કે ન તો તેના પોતાના સ્વજનો આ વાત સ્વીકારવા તૈયાર હતા. પોતાને નિર્દોષ પૂરવાર કરવા માટે અને ખાસ તો પોતાના બાળકોના માથે કલંકિત માના સંતાનોનું લેબલ ન લાગે એ માટે તેણે લડત શરૂ કરી.


આ વિડીયોમાંની સ્ત્રી તે પોતે નથી એ સાબિત કરવા તેણે પોલીસમાં ફ્રિયાદ કરી. પોલીસના સાયબર સેલ વિભાગે ચકાસણી કરી. છેવટે એ સિદ્ધ થયું કે વાઇરલ થયેલા પોર્ન વિડીયોમાં કોઈ અન્ય નગ્ન સ્ત્રીના શરીર પર તેનો ફેટો ચિપકાવી દેવામાં આવ્યો હતો. આ સાબિત કરવા માટે પણ શોભાએ એક સ્ત્રી માટે સંકોચજનક એવી પ્રક્રિયામાંથી પસાર થવું પડયું હતું. આધુનિક ટેક્નોલોજીની મદદ વડે ફેરેન્સિક લેબમાં તેના ફેટો અને વિડીઓની તુલના કરવામાં આવી. વિડીયોમાંનું શરીર તેનું છે કે અન્ય કોઈ સ્ત્રીનું એ માટે તેના શરીર પરના નિશાનો અને ઝીણામાં ઝીણી વિગતો તપાસવામાં આવી. આ બધી તપાસ બાદ રિપોર્ટ આવ્યો કે એ વિડીયોમાં ચહેરો શોભાનો પણ શરીર અન્ય કોઈનું છે.


હિંદુસ્તાનમાં પોલીસ ફ્રિયાદ કર્યા પછી કેસનો ઉકેલ આવતા લાંબો સમય વિતી જાય છે. આ કિસ્સામાં શોભા નિર્દોષ પૂરવાર તો થઈ પણ એના માટે પૂરા ત્રણ વર્ષનો સમય લાગ્યો હતો. રામાયણ યુગની સીતાની જેમ શોભા નિષ્કલંક પૂરવાર થઈ હોવા છતાં તેની નિયતિ પણ એ જ રહી. તેના પતિએ તેને સ્વીકારવાનો ઇનકાર કરી દીધો. અત્યારે પતિ અને ત્રણ બાળકોનો ભર્યોભાદર્યો સંસાર હોવા છતાં શોભા એકલી લડી રહી છે.


આ આખો કેસ કેરળમાં મિડિયાના ધ્યાનમાં આવ્યો ત્યારે ટેલિવિઝન ચેનલો અને પત્રકારો તેની પાસે દોડી આવ્યા. એકલા હાથે લડત આપી રહેલી શોભાએ ક્યાંય પોતાનું નામ કે ચહેરો છુપાવ્યા વિના બેધડક માહિતી આપી. તે કહેતી રહી મેં કોઈ અપરાધ કર્યો નથી તો હું શા માટે મોં છુપાવું?


તે નિર્દોષ પૂરવાર થઈ હોવા છતાં તેના પતિ અને સાસરિયાંઓએ તેને પોતાના બાળકોથી દૂર કરી નાખી છે. આ વિડીયોમાં શોભા નથી એ પૂરવાર થયા છતાં પોલીસ એ શોધવામાં નાકામિયાબ રહી છે કે આવો વિડીયો બનાવ્યો કોણે અને શા માટે?


સંતાનો પોતાની મા માટે સંકોચ કે શરમ નહીં પણ ગર્વ અનુભવે એ માટે શોભાએ આ લડત ચાલુ રાખી છે. આ વિડીયો બનાવવાનું ઘૃણાત્મક કાર્ય કોણે કર્યું છે એની શોધ ચલાવવા તેણે કોચીના પોલીસ વિભાગ પાસે ફ્રિયાદ કરી. કોચીના સહાયક પોલીસ કમિશ્નર કે. લાલજીએ આ મહિલાની ફ્રિયાદને કાને ધરી અને આના માટે કેન્દ્ર સરકાર પાસે મદદ માગી. ટેક્નોલોજીના નિષ્ણાતોની મદદથી આ કૃત્ય કરનાર કયો રાવણ છે એની શોધ ચલાવવામાં આવી રહી છે.


જો કે અત્યારે તો પોતાની જાતને નિર્દોષ પૂરવાર કરવાની જંગમાં જીતવા છતાં સમાજની સામેના યુદ્ધમાં તો તે હારી છે. તેનો કોઈ પણ ગુનો ન હોવા છતાં તે પોતાના પરિવાર અને ખાસ તો સંતાનોથી દૂર એકલી જીવી રહી છે. પોતાના સંસારને ઉજાડી નાખનાર એ શખ્સને શોધીને તેને સજા કરાવવાના પ્રયાસો કરી રહી છે. જેથી ભવિષ્યમાં અન્ય સ્ત્રીઓના એવા હાલ ન થાય જેવા તેના પોતાના થયા છે.


યુગ બદલાયા છે પણ સીતા અને શોભાની સ્થિતિમાં ખાસ કોઈ ફ્રક નથી પડયો એ કદાચ સૌથી કમનસીબ બાબત છે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsiAA%2B-fBMnAz_bEkGmK%3DY1VfOLLouOwJSKbumjTgik_w%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment