Wednesday 30 January 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ આજે આપણા રાષ્ટ્રને જરૂર છે સાધુચરિત વ્યક્તિઓની... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



આજે આપણા રાષ્ટ્રને જરૂર છે સાધુચરિત વ્યક્તિઓની!
માનસ મંથન - મોરારિબાપુ

 

 


મારાં ભાઈ-બહેનો,કોઈ ઘટના સર્વ પ્રકારે ત્યારે સુંદર હોય છે, જ્યાં સંતત્વ હોય છે, સાધુતા હોય છે અને જ્યાં સંતત્વ જોડાય છે ત્યાં અભેદ હોય છે. આપણા જીવનના ઘાટને કોઈ સંત સ્પર્શે. રાષ્ટ્રને જરૂર છે સાધુચરિત વ્યક્તિઓની. આપણે ભલે વેશના સાધુ ન હોઈએ; આપણે બધું ત્યજીને વનમાં રહીએ એવી આપણામાં ઓકાત નથી, પરંતુ ગાંધીની માફક વૃત્તિના સાધુ તો બની શકીએ. અને મહિમા વૃત્તિના સાધુ બનવાનો જ છે. જીવનના પ્રત્યેક ઘાટને સુંદર બનાવવા માટે સાધુચરિતતા અનિવાર્ય છે. ભારત ધર્મગુરુ બને એવું બધાં ઈચ્છે છે. આપણે પણ ઈચ્છીએ. પરંતુ ભારત ધર્મગુરુ બને કે ન બને એની ચિંતા નથી; ભારત ગૌરવ લે કે ભારત સદ્ગુરુ છે. આખા વિશ્વના એ સદ્ગુરુ છે. ભારત એવાં રત્નો વારંવાર આપતું રહ્યું છે કે જેમાં આખા વિશ્ર્વએ સાધુતાનાં દર્શન કર્યા છે.


એક પ્રશ્ર્ન છે કે 'સંતની પરિભાષા શું?' હું તો ગાંધીને જોઈને સંતની પરિભાષા કરું. મારે અહીં બીજો કોઈ ગ્રંથ જોવો નથી, ગાંધી-ગ્રંથ જોવો છે. ગાંધી પોતે જ એક ગ્રંથ છે. 'માનસ'માં તો સંત-લક્ષણની ભરમાર છે.


નારદજીએ પંપા સરોવર પર રામજીને કહ્યું કે મને સંતોનાં લક્ષણો બતાવો. બહુ મોટું પ્રકરણ છે. રામરાજ્ય બાદ ભાઈઓ સાથે રામજી ઉપવનમાં ગયા ત્યારે ભરતજીએ પૂછ્યું કે પ્રભુ, મને સંતનાં લક્ષણો કહો. ત્યાં પણ રામે સંતનાં લક્ષણની ચર્ચા કરી છે. પરંતુ નારદજી સમક્ષ સંતલક્ષણની ચર્ચા કરી ત્યારે કહ્યું કે નારદ, સાંભળો, જે લક્ષણોને કારણે હું એમને વશ થઈ જાઉં છું, હું પરાધીન થઈ જાઉં છું. શાસ્ત્રોમાં તો સંતની ઘણી વ્યાખ્યાઓ છે. એનાં કેટલાંક લક્ષણ નિચોડરૂપે કહેતો રહું છું. સંત કોટ-પેન્ટમાં હોય; હાફ-પેન્ટમાં પણ હોય. અમારા ભાવનગરના માનદાદા ભટ્ટ-ગાંધી વિચારના સમર્થક-જિંદગી આખી હાફ-પેન્ટમાં ફર્યા. કોઈ ગણવેશ અપેક્ષિત નથી. અલબત્ત, ગણવેશનો પણ મહિમા છે.


હું મારી ભાષામાં કહું તો સંતનું એક લક્ષણ મને એ દેખાય છે કે જેમને મહંત બનવાની ક્યારેય પણ ઈચ્છા ન થાય એ સંત. મહંત બનવું પડે એ વાત જુદી છે. અને એ એટલા માટે કે કોઈ એવી વ્યક્તિ એ પદ ઉપર ન આવી જાય જે વિશુદ્ધ પરંપરાને બગાડી નાખે. જોકે શંકરાચાર્યજીએ 'સંત' અને 'મહંત' શબ્દનો બહુ પવિત્ર અર્થમાં ઉપયોગ કર્યો છે. બીજું, સંત એ છે જેનો કોઈ અંત ન હોય. 'ગીતા'માં ભગવાન કહે છે, 'ણ પૂ ધ્રુર્ટીં પ્ઞશ્રરુટ ' મારા ભક્તનો ક્યારેય નાશ નથી થતો. સંતત્વનો અંત નથી થતો. ભગવાન સ્વયં બોલ્યા છે, સંતોનાં લક્ષણોનો કોઈ અંત નથી. રામના શબ્દોમાં જોઈએ તો શેષ અને સરસ્વતી પણ સંતના ગુણોનો પાર પામી શકતાં નથી.


પાંચીકાના હોય, હોય નહીં કદી સંતના ઢગલા.

સંત સહુને મુક્તિ વહેંચે, નહીં વાઘાં, નહીં ઢગલાં.

દુર્લભ એ દરવેશ કે જેનાં કાળ સાચવે પગલાં.

- રમેશ પારેખ


સાધુ એ છે જે કંઠી નથી પહેરાવતો; એ કંઠ પકડી લે છે. અને આકંઠ અમૃત પિવડાવે છે, નિરંતર અમૃતનું દાન કરે છે. પ્રત્યેક વ્યક્તિને પોતાના ધર્મની સ્વતંત્રતા હોવી જોઈએ. એના પર કોઈ ધર્મ થોપવો ન જોઈએ.


ગાંધીબાપુ પાસે સ્વિત્ઝર્લેન્ડથી એક પાદરી આવ્યા. બોલ્યા, હું ધર્મપ્રચાર માટે બધી જગ્યાએ ફરું છું. આપની દરેક જગ્યાએ પ્રતિષ્ઠા છે. બધા લોકો આપને જાણે છે. ને આપની પ્રતિષ્ઠા એટલા માટે છે કે આપ ખ્રિસ્તી છો. ગાંધીજીએ કહ્યું, હું ખ્રિસ્તી નથી. હું સનાતની છું. પાદરીએ કહ્યું, આપ કામ તો ખ્રિસ્તીનું કરી રહ્યા છો ! બાપુ બોલ્યા, શુભ તો દરેક ધર્મમાં હોય છે. અને મારા હિંદુ ધર્મમાં વધુમાં વધુ શુભત્વ છે. મારા ધર્મમાં ઘણીબધી સારી બાબતો છે. અને કોઈ ધર્મમાં સમાન તત્ત્વ હોય તો એનો અર્થ એ નથી કે એનો પક્ષ લઈને આપણે આપણો ધર્મ એના પર સ્થાપવાની કોશિશ કરવી ! આ માણસ બહુ જ સ્પષ્ટ છે. હા, શરૂઆતમાં એમને ઈચ્છા થઈ હતી કે હું ઈસાઈ ધર્મમાં જોડાઉં, પરંતુ શ્રીમદ્ રાજચંદ્રએ બચાવી લીધા. ગાંધી બિલકુલ સમભાવના સંત છે. ગાંધી સ્પષ્ટ કહે છે કે મને સનાતની હોવાનું ગૌરવ છે. અને આજે ગાંધીને પગલે ચાલનારા ડરે છે કે આપણે સનાતની હિંદુ છીએ તો આપણી બિનસાંપ્રદાયિકતા ક્યાંક મેલી થઈ જશે ! ડરપોક લોકો રાષ્ટ્રનું શું કલ્યાણ


કરી શકે? ક્યારેક-ક્યારેક નાનાં લોકો મોટા પદ પર બેસી જાય છે !


ત્રીજું, સંત એ છે કે જે તંત ન કરે, જિદ્દ ન કરે. હા, બાપુ સત્યના આગ્રહી જરૂર હતા. એટલા માટે વિનોબાજી કહેતા હતા કે બાપુનો સત્યનો આગ્રહ ક્યારેક વધારે પણ રહેતો. સત્યગ્રાહી સાથે આપણે સત્યાગ્રહી રહીએ. જેનામાં પણ જેટલું સત્ય પડ્યું હોય, એને આપણે ગ્રહણ કરીએ. હું આટલાં વર્ષોથી 'રામાયણ' લઈને ઘૂમી રહ્યો છું. મેં એવો અનુભવ કર્યો છે કે મારા દેશમાં અનેક લોકો સત્યના પૂજારી છે, સત્ય બોલે પણ છે પરંતુ એમનાંમાં બીજાના સત્યને સ્વીકારવાની તૈયારી નથી ! ત્યાં એના અભિમાનને ચોટ લાગે છે ! સત્ય, પ્રેમ, કરુણા જ્યાંથી મળે ત્યાંથી લઈ લો. અને ગમે તેટલી કિંમતે લેવું પડે તો પણ લઈ લો. બાપુનો સત્યાગ્રહ આત્મશુદ્ધિ માટેનો હતો. એવા આક્ષેપો પણ થયા કે ગાંધીના તીવ્ર સત્યાગ્રહથી સૌને ઝૂકવું પડ્યું હતું. એ મુદ્દા પર અનેક બુદ્ધિમાનોએ ટિપ્પણી કરી છે !


યુવાન ભાઈ-બહેનો, તમારું સત્ય વિનમ્રતાથી રજૂ કરવું કે અમને આમ લાગે છે, બાકી જિદ્દ ન કરવી. 'મમ સત્યમ્' યુદ્ધનો પર્યાય થઈ જાય છે. સંત એ છે જે નિત-નૂતન છે, જીવંત છે. રાષ્ટ્રને આવા સંતની જરૂર છે.

 


સંકલન : જયદેવ માંકડ


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OthOXt6PX%3Dt_%3DXVedG1o1G_89uYALt3%2BC2VARt4TyqVsA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment