Sunday, 6 January 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ કાલગણનાને દંભી ઠેરવીને સમયચ્છેદન કરતો ડાલીનો સાપેક્ષ વાસ્તવવાદ (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



કાલગણનાને દંભી ઠેરવીને સમયચ્છેદન કરતો ડાલીનો સાપેક્ષ વાસ્તવવાદ!

amdavadis4ever@yahoogroups.comકોન્સ્ટન્સ વેબનું નામ ચિત્રકારોની દુનિયામાં પ્રખ્યાત થઇ ગયું અને હજુ વર્ષો સુધી યાદ કરવામાં આવશે, કારણ કે એ સ્ત્રીએ ડાલી માટે પોઝ આપેલો. સાલ્વાડોર ડાલી, ધ ગ્રેટ સરરિયાલિસ્ટ પેઈન્ટર માટે મોડેલ બનનાર કોન્સ્ટન્સ વેબ સાથે ડાલીનો એક બનાવ જાણવા જેવો છે. તે ઘટના એટલા માટે જાણવી જરૂરી છે કે તેના પરથી વીસમી સદીના મહાન કલાકાર ડાલીના મનોમસ્તિષ્કની અંદર ચાલતા વિચિત્ર તરંગોનો ખ્યાલ આવી શકે. થયું એવું કે ચિત્ર માટે કોન્સ્ટન્સ વેબ મોડેલ તરીકે અનાવૃત અવસ્થામાં અઢેલીને સૂતાં અને આંખો બંધ કરી. તેણે જ્યારે આંખો ખોલી ત્યારે તેને અનુભૂતિ થઇ કે સાલ્વાડોર ડાલી અભદ્ર સ્થિતિમાં હતા અને વિકૃત ચેષ્ટા કરી રહ્યા હતા. આ જોઈને કોન્સ્ટન્સ વેબને આઘાત લાગ્યો. ડાલીએ તેણીને કહ્યું, 'મેં તારી સાથે સમાગમ એટલા માટે ન કર્યું કેમ કે હું ગાલાને છેતરવા માંગતો ન હતો'. ગાલા એટલે મિસિસ સાલ્વાડોર ડાલી. કોન્સ્ટન્સ વેબ કપડાં પહેરીને ભાગ્યાં અને ડાલી તે જ જગ્યાએ બેઠા રહ્યા.

વીસમી સદીના મહાન નામો પૈકી એક એવા જીનીયસની આવી ચેષ્ટા તેમના પરિચય-પ્રસંગ તરીકે એટલા માટે પસંદ કરી કે ડાલીની કળાએ ચિત્રકારો, ફિલ્મમેકરો, લેખકો અને બીજા કલાકારોને ખૂબ પ્રેરણા આપી. ડાલી કદાચ એટલા હોશિયાર હશે કે તેના વિચિત્ર પણ અદ્ભુત ચિત્રોનું અર્થઘટન સ્કોલરો દાયકાઓ સુધી કર્યે રાખશે તેનો તેને ખ્યાલ હતો. માટે પોતાના વિચિત્ર ચિત્રોનો અછડતો ખુલાસો તે આપતા, બાકીનું કામ અભ્યાસુઓ ઉપર છોડી દેતા. એ સમયે મોડર્ન આર્ટનો માહોલ બરોબર હતો પણ ડાલીની કળાએ મોડર્ન આર્ટને એક-બે પગથિયા ઉપર ધકેલી અને પોસ્ટ મોડર્ન જમાનાની એક દિશા બતાવી.

જેના નામોલ્લેખ વિના ફક્ત હોલીવૂડનો જ નહિ પણ વર્લ્ડ સિનેમાનો ઈતિહાસ અધૂરો ગણાય એવા ફિલ્મ ડિરેક્ટર આલ્ફ્રેડ હિચકોકની ૧૯૪૫ની ફિલ્મ 'સ્પેલબાઉન્ડ'માં ડ્રીમ સિક્વન્સ ડાલીએ તૈયાર કરી હતી. સિનેમામાં સરરિયાલિઝમ એટલે કે અતિવાસ્તવવાદનો પાયો નાખનાર લુઈ બ્યુન્યુએલની ફ્રેન્ચ સરરિયાલિસ્ટ શોર્ટ ફિલ્મ 'એન એન્ડુલ્શીયન ડોગ (એ સે એદેલુ)' ડાલીએ લખી હતી. આવા મહાન ફિલ્મમેકરો ડાલીના બે મોઢે વખાણ કરતાં. અણિયાળી લાક્ષણિક મૂછો ધરાવતો આ આર્ટિસ્ટ ચિત્રકાર હતો, શિલ્પી હતો અને તરંગી હતો. તેના માનસિક તરંગો તેના ચિત્રોમાં દેખાઈ આવતા હતા અને તે ધૂનીપણાએ જ તેને પ્રસિદ્ધિ અપાવી.

છ વર્ષની ઉંમરથી ચિત્રકામ શરૂ કરી દેનાર ડાલીએ તેનું ચિત્ર 'ધ પર્સિસ્ટન્સ ઓફ મેમરી' સત્યાવીસ વર્ષની ઉમરે તો દોરી નાખ્યું હતું અને બે-ચાર કલાકમાં દોરાયેલું આ ચિત્ર જ તેની જિંદગીભરની સિગ્નેચર ઓળખ બની રહેવાની હતી. પેરિસ અને ન્યુયોર્કના માલેતુજારોનો ખૂબ લાડકો આ કલાકાર નામ ને દામ ખૂબ કમાયો. તે પોતાની કળા વેચી શક્યા એ જ તેની સૌથી મોટી સિદ્ધિ ગણાવી જોઈએ, કારણ કે એબ્સર્ડ એટલે કે વાહિયાત પણ લાગી શકે તેવી કૃતિઓની કદરદાની થાય તે મોટી વાત છે. 'મેલ્ટિંગ ક્લોક્સ/વોચીઝ'ના (ખોટા) નામે જાણીતું આ ચિત્ર ઘણી બધી જગ્યાએ દેખાતું હોય છે. ફૂલસ્કેપ નોટબુકના એક પાના જેટલી સાઈઝના આ ચિત્રએ આજ સુધી જગતભરના આર્ટ ક્રિટિક અને પેઈન્ટરોને મોહિત કરી રાખ્યા છે. યુટ્યુબ જેવા માધ્યમોમાં આ ચિત્રના એનાલિસિસના અમુક વિડિયો ઉપલબ્ધ છે.

પરંતુ ડાલી તેના પુરોગામીઓથી પ્રભાવિત હતા. ડાલીના કામમાં છેક ઈ.સ. ૧૪૫૦ માં જન્મેલા ચિત્રકાર હેરીનીમસ બેસના ચિત્રોની અસર છે. આ ચિત્રમાં પાછળ દેખાતો દરિયાકિનારો અને ટેકરીઓ આવા આકાર-રંગની ન હોત જો હેરીનીમસ બેસનું વિખ્યાત અને વિશાળ ચિત્ર 'ધ ગાર્ડન ઓફ અર્થલી ડીલાઈટ' ડાલીની નજરે ન ચડ્યું હોત. ડાલીના જન્મની સોળ વર્ષ પહેલા જન્મેલો અને તાત્ત્વિક મીમાંસા ઉપર અદ્ભુત કામ કરતો લેખક-ચિત્રકાર જ્યોર્જીયો ડી કીરીકોની કૃતિઓએ સરરિયાલિઝમની મુવમેન્ટને જન્મ આપવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો જેમાંથી ડાલી જેવા ઘણાં મહાન ચિત્રકારોએ પ્રેરણા મેળવી. છતાં પણ ડાલીનું મગજ એટલું પાવરફુલ હતું તથા ઘણે અંશે સ્વપ્નસૃષ્ટિમાં રાચતું હતું કે તેમાંથી બહાર નીકળતી કલ્પનાઓ કેનવાસ ઉપર ફ્રીઝ થઇ જતી અને જગત મોંમાં આંગળાં નાખી જતું.

'ધ પર્સિસ્ટન્સ ઓફ મેમરી' ચિત્રમાં સૌથી પહેલા ત્રણ ઓગળતી ઘડિયાળ નજરે પડે. થોડી વાર માટે આ ત્રણ વાદળી રંગની પીગળેલી ઘડિયાળોને બાજુ ઉપર રાખીએ તો પાછળ એક સમુદ્ર છે, ટેકરીઓને પખાળતો. આ દરિયાકાંઠો તો સ્પેન એટલે કે કેટલન પ્રદેશના કેપ ક્રૂસને મળતો આવે છે (જે ડાલીનું વતન હતું), પણ આ દરિયો ત્રણ ઘડિયાળ જેટલો કે તેનાથી વધુ રસપ્રદ છે. દરિયો હોવા છતાં તેમાં ઉછળતા મોજા નથી બતાવવામાં આવ્યા. દરિયો અને જમણી બાજુની ટેકરી જાણે એકરસ થઇ ગયા છે. ચિત્રના બેકગ્રાઉન્ડમાં પ્રવાહી પાણીનો મોટો જથ્થો બતાવવામાં આવ્યો હોવા છતાં તે સ્થિર છે અર્થાત્ અહીં પાણી એકદમ હાર્ડ ઓબ્જેક્ટ છે. સૂર્યનો પ્રકાશ જમણી બાજુ પાછળથી આવે છે. સૂર્યને ન બતાવીને અને બ્લ્યુ તથા ગોલ્ડન-યલો કલરને એકદમ શાર્પ લાઈનથી છૂટા પડતા બતાવીને બે રંગો જાણે કુદરતના સમરાંગણમાં એકબીજાની વિરુદ્ધ હિંસાએ ચડ્યા હોય તે પ્રતીતિ થયા વિના રહેતી નથી. હવે ડાલીએ આ ચિત્રમાં બેકગ્રાઉન્ડ આવું શું કામ બતાવ્યું એ સવાલનો જવાબ ચિત્રનો ફોરગ્રાઉન્ડ-અગ્રભાગ જોતા ખ્યાલ આવશે.

ઘડિયાળો કેમ આવી રીતે પીગળી રહી છે તેનું બાળસહજ અર્થઘટન એમ થતું આવ્યું છે કે સમય સરી રહ્યો છે. હવે આમાં મેથ્સ લગાડો. ઘડિયાળ ત્રણ છે. ભૂત-વર્તમાન અને ભવિષ્ય એમ કાળના ત્રણેય સેક્શનને રીપ્રેઝન્ટ કરતી ત્રણ ઘડિયાળો જાણે નીતરી રહી છે. સપનામાં સમયની આવી બધી અવસ્થાઓ સ્થિર દરિયાની જેમ નકામી બની જતી હોય છે. ઘટનાઓનો પ્રવાહ ચાલુ હોવા છતાં સપનામાં સમય સ્થિર રહી જાય છે, વાસ્તવિકતાની સાપેક્ષે. આ ચાલુ ફકરામાં સપનું અને સાપેક્ષતા, એમ બે વિભાવનાઓ ઉપર ભાર મૂકવામાં આવ્યો. આ ચિત્રનો સમયગાળો માર્ક કરો. ઈ.સ. ૧૯૩૧માં આ ચિત્ર બન્યું હતું અર્થાત્ આઈન્સ્ટાઇનની થીયરી ઓફ રીલેટિવિટી અને સિગ્મંડ ફ્રોઈડના એનાલિસિસ ઓફ ડ્રીમ્સ પછીનો સમયગાળો. ડાલીએ સ્વીકાર્યું નથી પણ તેના આ ચિત્રમાં ફ્રોઈડ અને આઈન્સ્ટાઈનના સિદ્ધાંતોની અસર અચૂક છે.

ડાલીએ પીગળતી ઘડિયાળો વિષે એવો ખુલાસો આપ્યો કે ચિત્ર દોર્યું તેના આગલા દિવસે તેમણે કેમેમબીઅર ચીઝની મજા માણી હતી. ગાયના દૂધમાંથી બનતું આ ચીઝ તડકામાં પણ ઓગળતું હોય. સમય પણ જાણે ઓગળી રહેલી ચીઝની સ્લાઈસ જેવો છે, એવું ડાલીનું કહેવું હતું. પણ ઘડિયાળને તડકે મૂકીને આ ચિત્રમાં રહેલા માનવસર્જિત ટેબલમાંથી ઉગી નીકળેલા નિર્જીવ થડ ઉપર ફોકસ કરવા જેવું છે. કૃત્રિમ વસ્તુમાંથી કુદરતી વસ્તુ ઉગતી બતાવીને તેણે વાસ્તવિકતાને ઘણે અંશે મરોડી. એ નિર્જીવ ડાળી ઉપર ડાલીએ એક ઘડિયાળ શું કામ ટીંગાડી? શું બીજા વિશ્ર્વયુદ્ધના ભણકારા વાગી રહેલા અને પહેલું વિશ્ર્વયુદ્ધ પતી ગયું હતું- એ મુદ્દો તે થડ ને ડાળી કહી રહ્યા હશે?

બાજુમાં રહેલી કેસરી વસ્તુ જે છે એ ઊંધી પડેલી પોકેટ વોચ છે જેની ઉપર કીડીઓ છે. જાણે એ સમયને ફોલી ખાઈ રહી છે. ક્ષય બતાવવા માટે ડાલી એના ચિત્રોમાં કીડીઓનો ઉપયોગ કરતાં. સૌથી વધુ રસપ્રદ બાબત હોય તો ચિત્રના મધ્યભાગમાં રહેલી ઘડિયાળ જેની નીચે એકદમ બેડોળ થયેલો ચહેરો છે. બંધ આંખ સાથે જોડાયેલી ખૂબ લાંબી પાંપણો ચાલુ સપનાનું પ્રતીક હશે. કદાચ આ ડાલીનો જ પ્રોફાઈલ ફેસ છે. પોતાના ચહેરા ઉપર એક ઘડિયાળ કેમ મૂકી? સમયના પ્રતીક જેવી ઘડિયાળના અસ્તિત્વને ઓગળતી હાલતમાં ડામાડોળ બતાવીને તેને પોતાના ચહેરા ઉપર ધૂળની જેમ કેમ ચડાવી? સમયને ફોલી ખાતી કીડીઓનો દ્વિ-નળાકાર આકાર શું રેતઘડીનો સૂચક છે? અર્થાત્ સમય જ સમયને ભરખી રહ્યો છે? પ્રવાહી પાણી સ્થિર અને વાદળી ઘડિયાળ પાણીની જેમ વહે? ૧૯૩૨માં ફક્ત અઢીસો ડૉલરમાં વેચાયેલા એવા સાડાનવ બાય તેર ઇંચના આ નાનકડા ચિત્રમાં સમય-અવકાશ અને વાસ્તવની ત્રિપરિમાણીય પરિસ્થિતિ હજુ કેટલી વિરાટ વિભાવનાઓ અને શક્યતાઓને જન્માવા માટે સક્ષમ છે?


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuP0t_%2BFGjnq8LOgpuY%3D%2BKN%2Ba2xMzb29F8mrrHDRppcug%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment