Sunday, 6 January 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ મનુષ્યની મૂર્ખતાનો કોઈ અંત નથી (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



મનુષ્યની મૂર્ખતાનો કોઈ અંત નથી!
ઝીરો લાઈન : ગીતા માણેક

 

 


ન્યૂયરની પાર્ટીમાં જવા માટે ઘણી મહિલાઓએ ડિઝાઈનર ડ્રેસ સિવડાવ્યા હશે, ડિઝાઇનર જ્વેલરી કે એક્સેસરીઝ ખરીદી હશે. પાર્ટી, લગ્ન પ્રસંગ, તહેવાર કે અવસર હોય સ્ત્રીઓ સજવાધજવા કે શૃંગાર કરવા અને ખાસ તો અન્યથી અલગ દેખાવા માટે જાતભાતના પ્રયાસો કરતી હોય છે. સુંદર હોવું, સુંદર દેખાવું એની સામે કોઈ વિરોધ હોઈ ન શકે. શૃંગારને તો નવરસમાંનો એક રસ ગણવામાં આવ્યો છે, પણ ફ્ક્ત આપણા સમાજમાં જ નહીં વિશ્વભરમાં બાહ્ય સૌંદર્યને અમર્યાદ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે. હવે એ બધી જ હદ વળોટી રહ્યું છે.


ડિઝાઇનર ડ્રેસ અને જ્વેલરી બાદ કોસ્મેટિક સર્જરી દ્વારા ડિઝાઇનર બ્રેસ્ટ, ડિઝાઇનર બોટોક્સ પછી હવે લેટેસ્ટ ટ્રેન્ડ છે- ડિઝાઇનર વજાઇના. સામાન્ય સ્ત્રીઓ કે સેલિબ્રિટીઝમાં બ્રેસ્ટ ઇમ્પલાન્ટ જેવી સર્જરીની કોઈ નવાઈ રહી નથી. નવો ટ્રેન્ડ ડિઝાઇનર વજાઇના એટલે કે ઓપરેશન કરીને 'ડિઝાઇનર યોનિ' બનાવવાનો છે. આ સર્જરીને લેબિયાપ્લાસ્ટી કહે છે. પશ્ચિમની બધી જ બેવકૂફીઓની ભારતીયો હોંશે-હોંશે નકલ કરે છે અને આમાં પણ તેઓ બિલકુલ પાછળ નથી. મુંબઈના એક ડોક્ટર કહે છે કે આ સર્જરી પશ્ચિમના દેશોમાં ૧૯૭૦ના દાયકામાં શરૂ થઈ અને ૨૦૧૫ અને ૨૦૧૬ની સાલમાં આ પ્રકારની સર્જરીમાં ૪૫ ટકાનો વધારો થયો હતો! વિદેશની ટેલિવિઝન પર્સનાલિટી જામા કોલિન્સ જેવી મહિલાઓ તો છડેચોક પોતે ડિઝાઈનર યોનિ માટેનું ઓપરેશન કરાવ્યા હોવાના બણગાં ફૂંકે છે. બે સંતાનોને જન્મ આપી ચૂકેલી એક સેલિબ્રિટી પોતે આવી સર્જરી કરાવી હોવાનું જાહેરમાં કહેતી ફ્રે છે.


એક જમાનામાં યુરોપમાં મહિલાઓ કોર્સેટ પહેરતી. કોર્સેટ એટલે કમરથી નિતંબ વચ્ચે ચપોચપ હોય એવો ગાઉન. આ પહેરવા માટે બે દાસીઓની જરૂર પડતી, કારણ કે બંને બાજુથી દોરીઓ એટલી કસી-કસીને બાંધવામાં આવતી કે જેનાથી કમર ૧૬ કે ૧૪ ઈંચની જ દેખાય. અમીર-ઉમરાવોના ઘરમાં મહિલાઓ માટે ફેઇન્ટિંગ રૂમ્સ બનાવવામાં આવતા. મતલબ કે આવા ચપોચપ ડ્રેસ પહેરીને ગુંગળામણનો અનુભવ કરતી મહિલાઓ આ ફેઇન્ટિંગ રૂમમાં જઈને ડ્રેસ કાઢીને રિલેક્સ થતી. સમાજનું અને ખાસ તો પુરુષોના આકર્ષણનું કેન્દ્ર બનવા અઢારમી કે ઓગણીસમી સદીમાં પણ મહિલાઓ આવા ગાંડપણ કરતી.


હવે ૨૧મી સદીની સુશિક્ષિત, પોતાની જાતને બોલ્ડ અને ફેમિનિસ્ટ ગણાવતી મહિલાઓ આનાથી પણ ચાર ચાસણી આગળ વધીને ડિઝાઇનર યોનિ મેળવવા માટે ડોક્ટરોની ક્લિનિકના ચક્કર મારે છે અને મોંઘા ભાવે આવી જીવ જોખમમાં પણ મૂકાઈ શકે એવી સર્જરી કરાવે છે.


મહિલાઓને લલચાવી તેમની પાસેથી રૂપિયા પડાવવા માગતા આવા ડોક્ટરો પાછા એવી થિયરીઓ આપે છે કે આવી સર્જરી કરાવવાથી તે મહિલાનો આત્મવિશ્વાસ વધે છે અને તે શયનેષુ રંભા બની શકે છે!


પરંતુ નિષ્ઠાવાન તબીબી સંગઠનો સોઈ ઝાટકીને કહે છે કે આ બધા તદ્દન પાયાવિહોણા દાવાઓ અને વાહિયાત થિયરીઓ છે. રોયલ કોલેજ ઓફ ઓબ્સ્ટ્રેશિયસન્સ એન્ડ ગાયનેકોલોજિસ્ટ તો ડિઝાનર વજાઇના માટેની સર્જરી કદાપિ ન કરાવવી એવી સલાહ આપે છે. આ સંગઠન ચેતવણી આપે છે કે આ પ્રકારના ઓપરેશનમાં ઇન્ફેક્શન થવાની, એ ભાગમાં સંવેદનશીલતા વધી જવાની અને કાયમી પીડા થવાની સંભાવના રહે છે. ઉપરાંત આ ઓપરેશન એનેસ્થેસિયા હેઠળ કરવામાં આવતું હોવાથી જીવનું જોખમ પણ છે.


ડોક્ટરો કહે છે કે ડિઝાઇનર વજાઈના માટે ઓપરેશન કરાવવા માગતી મહિલાઓનું પ્રમાણ વધ્યું છે કારણ કે એક તો લોકોમાં પોર્નોગ્રાફી જોવાનું ચલણ બહુ મોટા પ્રમાણમાં છે. આવા વીડિયો જોઈને પતિ કે પ્રેમીઓ મહિલાઓ પર ડિઝાઈનર વજાઈના માટે સર્જરી કરાવવા દબાણ કરતા હોય છે. બીજું, વિદેશમાં આવી જાણીતી મહિલાઓ ડિઝાઈનર વજાઈનાના ઓપરેશન કરાવ્યા પછી તેઓ આત્મવિશ્વાસ અનુભવે છે કે પાર્ટનરને વધુ જાતીય સુખ આપી શકે છે એવી વાતો જાહેરમાં કરવા માંડી છે. ઇન્ટરનેટને કારણે હવે કોઈ વ્યક્તિ માત્ર એક દેશ પૂરતો મર્યાદિત રહ્યો જ નથી અને ઓનલાઇન આવા બણગાંઓ સાંભળીને મહિલાઓ આ સર્જરી કરાવવા લલચાય છે અથવા તેમના પાર્ટનર તેમને આવું કરવા ધકેલે છે. મુંબઈના એક જાણીતા ડોક્ટર કહે છે કે અહીં પણ હવે આવી સર્જરી માટેની માગ વધવા માંડી છે.


વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિક અને ડાહ્યા માણસમાં જેમની ગણના થતી રહી છે એવા આલ્બર્ટ આઇન્સ્ટાઇને કહ્યું છે, "બે બાબતો અનંત છે. એક, બ્રહ્માંડ અને બીજી માનવીની મૂર્ખતા. પહેલી બાબત અંગે મને ખાતરી નથી." મતલબ કે બ્રહ્માંડ અનંત છે કે નહીં એની તેમને ખાતરી નથી, પણ માનવીની મૂર્ખતા ચોક્કસપણે અમર્યાદ છે. ડિઝાઈનર વજાઈના જેવી બાબતો વિશે જાણકારી મળે છે ત્યારે આઇન્સ્ટાઇનભાઈ સાથે સંમત થયા વિના રહી શકાતું નથી.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvMGjAUpXGEW4e9OKNNsaR6CJ5vnX3xhxFTYp_3DAEDag%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment