Sunday, 6 January 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ નાની શી વાત... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



નાની શી વાત
માવજી મહેશ્વરી

 

 


જીવ ચરચરે છે. જાત ઉપર ગુસ્સો આવે છે. નાનપણમાં મારી મા મને 'પાછમતિ' કહેતી ત્યારે મને સમજાતું નહીં. હું માને પૂછતી, મા પાછમતિ એટલે શું ? મારી મા છણકો કરીને કહેતી – તારા બાપાનું કપાળ, તને ખરા સમય પર કશું સુઝે છે ખરું ? જેને પાછળથી સમજાય તેને પાછમતિ કહેવાય સમજી ?


આજે ફરી એકવાર મા સાચી સાબિત થઈ. હું પાછમતિ જ છું. મને એ દિવસે જ વચ્ચે પડવાની જરૂર હતી. ઈન્દુબેનને અટકાવવા હતા. ઈન્દુબેનનો તો સ્વભાવ જ, લડ કાં લડનાર દે એવો. વાત વાતમાં ઉકળી ઉઠે. નાની વાતને એવી તો મોટી કરી નાખે કે સામેવાળો મુંઝાઈ જાય. એમને ઓળખનારા એમનાથી દૂર રહે છે. સારું છે એ શિક્ષક નથી નહીંતર છોકરીઓનો મરો થઈ પડત. ઈન્દુબેન જો પોતાની સાચી રોજનીશી લખે તો એવો કોઈ દિવસ ન હોય કે એ કોઈથી બાખડ્યા ન હોય. તે દિવસે તો એવું કંઈ હતું જ નહીં. વાત એટલી હતી કે, એ બિચારો મને તાકીને જોતો હતો. જોકે એ મારી સામે શા માટે તાકી રહ્યો હતો તે વાતનો તાળો આજે છ મહિને મળ્યો છે, ત્યારે જાત ઉપર શરમ આવે છે. એ દિવસનું પ્રાયશ્ચિત કરવું તોય કરી રીતે ? અને વળી એણે જે કહ્યું તે સાંભળીને જે કંઈ થાય છે તે ઈન્દુબેનને કેમ કહેવું ?


અને ઈન્દુબેન ?


એ તો ટાંકણીથી દાંત ખોતરતા બેઠા હશે પોતાની ખુરશી પર. આવતા જતાને તાક્યા કરતા હશે. જો કોઈ એકલો ગયો તો મર્યો. મેં એમને કેટલીય વખત સમજાવ્યું છે કે આ સારું ન કહેવાય. તમે સ્કુલમાં મોટે મોટેથી રાડો પાડો, શિક્ષકો સામે ગમે તેમ બોલો એનાથી છોકરીઓ ઉપર ખરાબ અસર પડે. તમે ગૃહમાતા પણ છો. વાત વાતમાં ઝગડી પડો તે કંઈ સારી વાત કહેવાય ?


તેમ છતાં ઈન્દુબેનની થીયેરી જ ન્યારી છે. એમને ઝગડો કરવામાં, તેમાંય પુરુષ સાથે બાખડવામાં કોઈ જુદો જ આનંદ મળે છે. હું એમનાથી ઉમરમાં નાની. મારી વાત તો એ સાંભળે જ નહીં. એમનું એક જ સુત્ર – જોરથી બોલો તો જ કામ થાય, તો જ તમારું કોઈ સાંભળે. હું શાંત મગજની છું. સ્ટાફ મને સરળ ગણે છે. ઈન્દુબેનને એ પણ ગમે નહીં. એ મારી હાજરીમાં જ કહે.


આ જગતમાં સીધા માણસોનું કામ જ નથી


એમણે મને અનેકવાર સમજાવ્યું છે. બેન સ્ત્રીઓએ અવાજ ઉંચો જ રાખવો પડે. નહીંતર આ લડધાઓ ખાઈ જાય. એ મારાથી મોટા હું એમનું સાંભળી લઉં. એ ભાવાવેશમાં મને તુંકારે પણ બોલાવે. એકવાર કહેલુંય ખરું. સુનિતા તુ બહુ ભોળી છો. ધ્યાન રાખજે, દુનિયા તારા જેવી સરળ નથી. હું તો કહું છું કે કોઈ સારું પાત્ર મળે તો પરણી જા. તુ પાંત્રીસની છો પણ લાગે છે હજુ નાની. તને તો પચ્ચીસ વરસનો છોકરોય પસંદ કરી લેશે. મને તારી બહુ ચિંતા થાય છે. તારી ટેવો મને ગમતી નથી. તુ ગમે તેની સાથે ગપાટા મારવા ઉભી રહી જાય છે તે સારું ન કહેવાય. પુરુષ જેવું ઠગ પ્રાણી આ જગતમાં બીજું એકેય નથી.


બાપ રે ! ઈન્દુબેન તોબા. એક વાર ચાલુ થઈ જાય પછી બંધ ન થાય. મારે એમની સાથે નોકરી કરવી એટલે નિભાવ્યે જ છુટકો. તેમાંય હું પ્રિન્સિપાલ અને એ ક્લાર્ક. બેસેય મારી બાજુની કેબીનમાં


મારી શાળા એક ચોક્કસ જ્ઞાતિની ખાનગી શાળા છે. શાળા અને હોસ્ટેલ એક જ પરિસરમાં આવેલી છે. ઈન્દુબેન ક્લાર્ક અને ગૃહમાતા એમ બે કામ સંભાળે છે. છસો જેટલી છોકરીઓની હોસ્ટેલ એટલે નાણાકીય વ્યવહાર બહુ મોટો. આમ તો એ કામ ઈન્દુબેનનું ગણાય પણ બેંકના વ્યવહારમાં અમારી બેયની સહીઓ જોડાયેલી એટલે મોટી લેવડ-દેવડ વખતે મારે એમની સાથે જવું પડે. તે દિવસે પણ હું એમની સાથે એવા જ કામે ગઈ હતી. ઈન્દુબેને ત્યાં જે બખેડો કર્યો એનું મૂળ કારણ આજે જાણવા મળ્યું ત્યારે અફસોસ સિવાય મારા હાથમાં કંઈ નથી. થાય છે કે ઈન્દુબેનને જઈને કહું કે, આજ પછી તમારે મારી કોઈ ચિંતા કરવી નહીં. તે દિવસે તમે પેલા છોકરા જોડે બાખડ્યા ન હોત તો મને તે દિવસે જ ખબર પડી હોત કે તેને શું કહેવું હતું.


આજે બેન્કમાં તેને ભેટીને જાહેરમાં રડી પડવાની ઈચ્છા થઈ આવી હતી.


એ દિવસે હું લાઈનમાં ઉભી હતી. ઈન્દુબેનને હું લાઈનમાં ઉભા રહેવા ન દઉં. પણ ઈન્દુબેન એક જગ્યાએ બેસે જ નહીં. એમની આંખો મારી ચોકી જ કરતી હોય. શી ખબર કયા ભવનું હેત ચુકવવાનું બાકી રાખ્યું છે તે મારી સતત ખબર રાખે. એમના મતે હું ભોળી છું. મને માણસની નિયત પારખવાનું ભાન જ નથી. પાંત્રીસ વર્ષની થઈ છતાં હજુ મારામાં બાળપણ જ છે. મારા કુંવારા હોવાની, રુપાળા હોવાની ચિંતા મારી માએ કદી કરી નથી, પણ ઈન્દુબેનને એ વાતની જ  ચિંતા છે. ક્યારેક હું એમની રખેવાળીથી અકળાઈ જાઉં છું. કોઈ મને જુએ તેય એમને ન ગમે. તે દિવસે વાત એટલી જ હતી કે પેલો યુવાન મને તાકી તાકી ને જોઈ રહ્યો હશે. મને તો એની ખબર નહોતી. જેવો મેં ઈન્દુબેનનો ઘાંટો સાંભળ્યો કે તરત થયું, મર્યો બિચારો કોઈક !


એ યુવાન શિયાંવિંયાં થઈ ગયો હતો. ઈન્દુબેન તો મશીનગન લઈને ફાયરીંગ કર્યે જતા હતા. તેમની રાડારાડ સાંભળી સીક્યુરીટી ગાર્ડ દોડી આવ્યો પેલો યુવાન સમજી ગયો કે હવે ભાગી છૂટવામાં જ માલ છે. સીક્યુરીટી ગાર્ડે પુછ્યું, મેડમ ક્યા હુઆ ?


ઈન્દુબેન ઝાંસીની રાણીની મુદ્રામાં હતા. તેમણે છેલ્લું ફાયરીંગ કરતાં કહેલું, નાલાયક સાલ્લાઓ, જરા રુપાળી છોકરી જોઈ નથી કે ઘૂરક્યા નથી. આવાઓની તો આંખો ફોડી નાખવી જોઈએ.


મનેય રહી રહીને સમજાયું કે કોઈ મને તાકી રહ્યું હતું તેનો આ બખેડો છે. જોકે કોઈ મને તાકી રહે કે જુએ એનાથી મને કશું અજુગતું લાગ્યું નથી  આજે થાય છે કે ઈન્દુબેન આવે તો તેમને ધમકાવી નાખું. કહી દઉં કે, આજ પછી મારી ચિંતા કરતા નહીં. ઈજ્જત માત્ર સ્ત્રીની જ હોય છે શું ? તમારા કારણે તે દિવસે પેલા યુવાનની ફજેતી થઈ. એ તો સારું થયું કે તે ચાલ્યો ગયો. નહીંતર તમે એને માર્યા વગર મુક્યો ન હોત.


આજે ઈન્દુબેન મારી સાથે હોત તો આટલી મોટી વાત ક્યારે જાણવા મળી હોત ?


હું આજે બેન્કમાં ગઈ હતી. મારે થોડી રકમ ઉપાડવાની હોવાથી ટોકન લઈ મારું નામ બોલાય તેની રાહ જોઈ રહી હતી. ઈન્દુબેન ભલે એવું માનતા હોય કે મને કોઈ સુધ નથી. પણ એક સ્ત્રી સહજ સજાગતા મારામાં છે જ. મારી છઠ્ઠી ઈન્દ્રીયે મને જાગૃત કરી. મને થયું કે કોઈ મને તાકી રહ્યું છે. આવું પહેલીવાર નથી બન્યું. મેં માથું ઉંચું કર્યું. મારી આંખો બરાબર ત્યાં જ પહોંચી જ્યાં એ યુવાન ઉભો હતો. મને જરા નવાઈ લાગી. આ યુવાન એ જ હતો જે ઈન્દુબેનની માર ખાતા ખાતા બચ્યો હતો. પહેલી ક્ષણે એમ લાગ્યું કે ઈન્દુબેન સાચા હતા. મારા મનમાં બીજો કોઈ વિચાર આવે તે પહેલા એ યુવાનના હોઠ પર કોઈ જુની ઓળખાણનું સ્મિત રેલાયું. તે મારી નજીક આવીને  ઉભો રહેતાં બોલ્યો, તમે સુનિતાબેન જ છો ને ?


હું તેના મોં સામે જોઈ રહી. આ પહેલા મેં તેને જોયો નહોતો. મને થયું કે મારું નામ જાણનાર આ છે કોણ ? મેં પણ સ્મિત આપીને પૂછ્યું, હું તમને ઓળખી નહીં ભાઈ. તમે કોણ ?


એ ક્ષણેક ખંચકાયો. કદાચ ઓળખાણ કઈ રીતે આપવી તેની મુંઝવણ હતી, અથવા જે રીતે ઓળખાણ આપવાની હતી તે ગમ્યું ન હતું. તે ખાસ્સો ઊંચો હતો. હું ખુરશી પરથી ઉઠીને એની નજીક ઉભી રહી. તેણે આંખો પરથી ગોગલ્સ ઉતાર્યા. એનો સ્વર જરા બદલાઈ ગયો. મારી સામે જોઈ રહેતાં બોલ્યો.

બેન આમ તો ઘણો સમય થઈ ગયો છે એટલે તમે મને ન ઓળખો તે સ્વાભાવિક છે. તમે ચંદાને ઓળખો ને ? તમારી કોલેજ ફ્રેન્ડ ચંદા ? યાદ છે તમે અમારા ઘેર આવતા. હું ત્યારે નાનો હતો એટલે તમારા ધ્યાને નહીં આવ્યો હોઉં. તમે પાંચેક જણી ચંદાની ફ્રેન્ડ હતી. હું એ ચંદાનો ભાઈ અજય છું. તે દિવસે જ તમને ઓળખી ગયો હતો. મારે તમારાથી વાત કરવી હતી, પણ પેલા માજીને શી ખબર શું થયું તે એકદમ મારા પર તુટી પડ્યા. સારું થયું હું ચાલ્યો ગયો નહીંતર તેમણે મને માર્યો હોત. કોણ હતા એ માજી ? આજે તો સાથે નથી આવ્યા ને ?


મને એની વાત સાંભળી હસવું આવ્યું. જોકે ઈન્દુબેનની ઉંમર એટલી નથી કે તે માજી જેવા લાગે. કદાચ આ છોકરો માજી કહીને તે દિવસની ચીડ ઉતારી રહ્યો હતો. પણ જેવું તેણે ચંદાનું નામ લીધું કે મને એકાએક લાઈટ થઈ. અરે ! આ ચંદાનો ભાઈ છે ? ત્યારે તો કેટલો નાનો હતો.


ચંદા મારી ફ્રેન્ડ. મારી સાથે બી.એડ કરતી ચંદા, એક બિન્દાસ છોકરી હતી. અમારી બેચના છોકરાઓ એને બ્યુટી ક્વીન કહેતા. પાતળી, ઊંચી, જરા વાંકડિયા વાળવાળી ચંદા અમારી બેચમાં સૌના આકર્ષણનું કેન્દ્ર હતી. શું એનો ઠસ્સો હતો ! હું હોસ્ટેલમાં રહેતી. અમારું પાંચ સહેલીઓનું ઝૂમખું હતું. મને ચંદાની વાત કરવાની અદા ખૂબ ગમતી. તેનો અવાજ જરા જાડો હતો. એ બોલતી ત્યારે તેના પાતળા ગળાની એક નસ ઉપસી આવતી. મને એની ઉપસી આવતી નસ ગમતી. એક વાર એની નસ પર આંગળી ફેરવતા મેં તેને કહેલું, ચંદા જોજે તારો પતિ તારા ગળા ઉપર આફ્રીન થઈ જશે. તે વખતે ચંદા મારી સામે જોઈ રહેલી.


આ છોકરો એ ચંદાનો ભાઈ નીકળ્યો. જોકે એ વખતે મારું ધ્યાન એના તરફ ગયું જ નહોતું અને જોયો હોય તોય હવે તો યાદ ન હોય તે સ્વાભાવિક છે. તેમ છતાં નવાઈની વાત એ હતી કે અજયે મારો ચહેરો બરાબર યાદ રાખ્યો હતો. મને મનોમન શરમ આવી કે તે દિવસે મારા કારણે તેનું અપમાન થયું હતું અને હું એનો બચાવ કરી શકી નહોતી.


મેં વાતને જુદી દિશામાં વાળતાં કહ્યું
અરે ભાઈ કેટલા બધાં વર્ષો થઈ ગયા નહીં ? તમે આટલાં વર્ષો પછી પણ મને ઓળખી શક્યા અને સોરી કે હું તમને ઓળખી ન શકી. અમે એક બીજાથી છૂટા પડ્યા પછી મળ્યા જ નથી. કોણ ક્યાં છે, શું કરે છે તેની મને કશી ખબર નથી. બાય ધ વે ચંદા ક્યાં છે ? હવે તો તેના લગ્ન પણ થઈ ગયા હશે. એના પતિ શું કરે છે ?


મારો પ્રશ્ન સાંભળી અજય આડુંઅવળું જોવા લાગ્યો. મને સમજાયું નહીં કે તે શા માટે બારી બહાર જોઈ રહ્યો છે. તેણે ઉતારેલા ગોગલ્સ ફરી પહેરી લીધા. હવે હું તેની આંખો જોઈ શકતી ન હતી, પણ મને નાની એવી ફાળ પડી. આ યુવાન, જે કહે છે તે ચંદાનો ભાઈ છે. તો ચંદા વિશે બોલતા શા માટે અચકાય છે ? શું થયું હશે ચંદાને ? મેં જરા ધીમેથી પૂછ્યું, ઈઝ એનીથીંગ રોંગ અજય ?


એનું ગળું સુકાતું હોય એવું લાગ્યું. તેણે વિલાયેલા સ્વરે કહ્યું.
ટોટલી રોંગ, સુનિતાબેન ટોટલી રોંગ. તમે તો ચંદાને ઓળખતા જ હતા. તમને લાગે છે એ સુસાઈડ કરે ?
વ્હોટ ? મતલબ ચંદાએ ?.........


હા બેન. ચંદાએ શા માટે ઝેર પીધું તે અમને સમજાતું નથી. જોકે આ લગ્ન પહેલા એની સગાઈ થઈ હતી તે તુટી ગઈ હતી. બીજા ઠેકાણે તેણે પોતાની મરજીથી કર્યું હતું. છતાંય........


હવે મારાથી ઊભા રહેવાય તેમ નહોતું. હું ખુરશી પર બેસી પડી. અજય પણ મારી બાજુની ખુરશી પર બેસી ગયો. મારાથી અનાયાસે અજયના ખભા પર હાથ મુકાઈ ગયો.


ભાઈ, ચંદા હવે આ દુનિયામાં નથી  અને મને એની ખબર પણ નથી. માય ગોડ આઈ કાન્ટ બીલીવ.


હા બેન ચંદા હવે આ દુનિયામાં નથી. જોકે તમને ખબર ન હોય તે સમજી શકાય  તેવી વાત છે. તમને જ નહીં એની કોઈ ફ્રેન્ડને ખબર નથી. પહેલી સગાઈ તુટ્યા પછી તેણે કોઈથી સંપર્ક રાખ્યો નહોતો. તમને એવું લાગ્યું પણ હશે.


હું થોડીવાર ચુપ થઈ ગઈ. શબ્દો સુઝતા ન હતા. ચંદાના મૃત્યુના, ખબર તે પણ અપમૃત્યુના અચાનક મળેલા ખબરથી હું ક્ષુબ્ધ થઈ ગઈ હતી. મારાથી પૂછાઈ ગયું.


ભાઈ કંઈક તો કારણ હશે ને ?

ચોક્કસ ખબર નથી. હા, મારા જીજાજી શંકાશીલ ખરા. તમે તો જાણો છો કે ચંદા બોલ્ડ હતી. તેની બોલ્ડનેસને કારણે જ કદાચ.........

મને લાગ્યું કે બેન્કનું મકાન ગોળ ગોળ કરી રહ્યું છે. આખુંય બિલ્ડીંગ નીચે પડે છે. હું એક બીમ નીચે દબાઈ ગઈ છું. મારી બાજુમાં ચંદા ઊભી છે. તે જોર જોરથી હસતાં હસતાં કહે છે, સુનિતા સારું કર્યું તેં લગ્ન જ ન કર્યા. કદી ન કરતી. આ લોકો છે ને તો બસ ........


મને ફરી ઈન્દુબેન યાદ આવી ગયા. શા માટે ઈન્દુબેનને પુરૂષો તરફ આટલો રોષ છે ? મેં અનેકવાર તેમને એમના લગ્ન વિશે, એમના પતિ વિશે પુછ્યું છે. પણ ઈન્દુબેન દરવખતે પુરૂષજાતને બેચાર ચોપડાવી જવાબ આપ્યા વગર ઉઠી ગયા છે.


બેન્કનો કેશીયર મારા ખાતાંનું નામ જોરથી બોલ્યો એવું મને લાગ્યું.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuMePHCut_CGKuV%2BWswAkGaXLcYh1SaFH3VWQ4ByDZj6Q%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment