દેશના મહામહીમ રાષ્ટ્રપતિશ્રી હાલ જે નિવાસસ્થાનમાં રહે છે તે રાષ્ટ્રપતિભવન તરીકે ઓળખાય છે. તેનું અધિકૃત સરનામું રાષ્ટ્રપતિભવન, પ્રેસિડેન્ટસ એસ્ટેટ, નવી દિલ્હી ૧૧૦૦૦૪ છે. આ ઇમારત નવી દિલ્હીના રાયસીના હિલ્સ પર ઊભી કરવામાં આવેલી છે. એ જમાનામાં અહીં રાયસીના અને માલ્યા નામના બે ગામો અહીં હતા. ભારતનું રાષ્ટ્રપતિભવન વિશ્વના વિવિધ રાષ્ટ્રોના વડાઓના નિવાસસ્થાનો પૈકી બીજા નંબરનું સૌથી મોટું વિશાળ નિવાસસ્થાન છે. તેમાં ૩૪૦ જેટલા ઓેરડા છે.
આ ભવ્ય ઇમારત પણ બ્રિટિશ રાજ દરમિયાન નિર્માણ પામી હતી. તે વખતે તેનું નામ 'વાઇસરોય હાઉસ' હતું. આ ઇમારત જ્યાં છે તે એસ્ટેટ ૩૨૦ એકર જમીનમાં પથરાયેલું છે. આ સંકુલમાં આવેલો ભવ્ય બગીચો મોગલ ગાર્ડન તરીકે જાણીતો છે.
રાષ્ટ્રપતિભવન કે જે એક જમાનામાં અંગ્રેજ વાઇસરોયના નિવાસ માટેનું 'વાઇસરોય હાઉસ' હતું. તેનો ઇતિહાસ રસપ્રદ છે. બ્રિટિશ રાજ વખતે શરૂઆતમાં દેશનું પાટનગર કલકત્તા હતું. ઇ.સ. ૧૯૧૧માં દિલ્હી દરબારનું આયોજન થયું ત્યારે બ્રિટિશ વાઇસરોય માટે નવું નિવાસસ્થાન નવી દિલ્હીમાં બાંધવાનો નિર્ણય લેવાયો હતો. એ વખતે જૂનું દિલ્હી હતું. પરંતુ જ્યારે નવી દિલ્હી બનાવવાનું આયોજન થયું ત્યારે ભારત ખાતેના બ્રિટિશ વાઇસરોય માટે પણ વિશાળ જગા ફાળવવા નિર્ણય લેવાયો હતો.
શરૂઆતમાં નવી દિલ્હી ખાતે ૪,૦૦૦ એકર જમીન સંપાદિત કરવામાં આવી. એ વખતે અહીં રાયસીના અને માલ્યા ગામમાં ૩૦૦ પરિવારો રહેતા હતા. તેમને અન્યત્ર વસાવવામાં આવ્યા.
આ ઇમારતની ડિઝાઇન તૈયાર કરવાનું કામ બ્રિટિશ આર્કિટેક્ટ એડવીન લેન્ડસીર લ્યૂટન્સને સોંપવામાં આવ્યું હતું. આ ડિઝાઇન સિમલામાં રહેતા હર્બટ બેકરે તા. ૧૪ જૂન, ૧૯૧૨ના રોજ જે સ્કેચ મોકલ્યા હતા તેના જેવી જ હતી. હર્બટ બેકરની ડિઝાઇન ભારતીય સ્થાપત્ય કળાથી પ્રભાવિત હતી. તે પછી લ્યૂટન્સ અને બેકરે સાથે મળીને કામ કર્યું. બંને વચ્ચે કેટલીક બાબતોમાં મતભેદ પણ થયા. એ અંગે એક કમિટી પણ રચાઇ.
વાઇસરોય હાઉસના નિર્માણ માટે લ્યૂટન્સ અવારનવાર ઇંગ્લેન્ડથી ભારત આવતા રહ્યા. ૨૦ વર્ષ સુધી તેઓ આ પ્રવાસ કરતા રહ્યા.
નોંધપાત્ર વાત એ છે કે એ વખતે નાણાંની તંગીના કારણે વાઇસરોય હાઉસની ઇમારતની મૂળ સાઇઝ ૧૩,૦૦૦,૦૦૦ ક્યુબિક ફિટ હતી તે ઘટાડીને ૮,૫૦૦,૦૦૦ ક્યુબિક ફિટ કરી નાંખી. આ બજેટ નિયંત્રણો લોર્ડ હાર્ડિગે મૂક્યાં હતા.
છેવટે ચાર માળની આ ઇમારત માટે ૩૪૦ ઓરડાઓ તૈયાર કરવાનું નક્કી થયું. તેના બાંધકામમાં એક બિલિયન ઇંટો વપરાઇ. જે પથ્થરોની બનેલી હતી. એ વખતના બ્રિટનના રાજાઓ તેમની અસાધારણ શક્તિ અને સત્તાનું પ્રદર્શન થાય તે પ્રકારની ઇમારતો બનાવવા માગતા હતા અને એ પ્રકારનું જ મટીરિયલ્સ વપરાય તેવો તેમનો આગ્રહ હતો.
લ્યૂટન્સની શરૂઆતની ડિઝાઇન યુરોપિયન શૈલીની હતી અને તેમાં ભારતીય સંસ્કૃતિની છાયા ઊપસે તેવું તેઓ ઇચ્છતા નહોતા. પરંતુ પાછળથી બ્રિટિશ સત્તાવાળાઓને લાગ્યું કે સ્થાનિક વાતાવરણ પ્રત્યે પણ સંવેદનશીલતા દાખવવી જરૂરી છે. તેમાં પણ અંગ્રેજોની રાજકીય ચતુરાઇ હતી. એ હેતુથી વાઇસરોય ભવનની ડિઝાઇનમાં ભારતીય શૈલીની છાંટ આવે તેવી ચીજવસ્તુઓ ઉમેરવી પડી. દા.ત. ભારતીય શૈલીના છજાં ઉમેરવામાં આવ્યા, જે સીધા સૂર્યપ્રકાશને રોકે.
રૂફ લાઇન પર છત્રીઓ મૂકવામાં આવી. વિશાળ ડોમ પણ બનાવવામાં આવ્યો. દીવાલો પર હાથીઓની પ્રતિમાઓ મૂકવામાં આવી. ક્યાંક કમળ ઊપસાવવામાં આવ્યા. રાજસ્થાની ડિઝાઇનની જાળીઓ મૂકવામાં આવી. છેવટે આ બધું કામ લ્યૂટન્સે જ કર્યું. ભારતના દેવ મંદિરોમાં મુકાતા ઘંટને પણ અહીં સ્થાન મળ્યું.
એટલું જ નહીં પરંતુ વાઇસરોય હાઉસને મોગલ શૈલીની પણ છાંટ અપાઇ. બૌદ્ધ ધર્મના સાંચીના સ્તૂપ જેવા વિશાળ ડોમને સ્થાન મળ્યું. છેવટે જે વાઇસરોય હાઉસ તૈયાર થયું તે એ સમયના બ્રિટિશ સામ્રાજ્યના બીજાં સ્ટ્રક્ચર કરતાં સહેજ જુદુ બન્યું.
નોંધપાત્ર વાત એ છે કે નવી દિલ્હીનું વાઇસરોય ભવન (હવે રાષ્ટ્રપતિભવન) બનતાં કુલ ૧૭ વર્ષ લાગ્યાં. એ દરમિયાન કુલ ૨૯,૦૦૦ મજૂરો અને કારીગરોએ આ ઇમારતના બાંધકામ માટે કામ કર્યું. આ ભવ્ય ઇમારતનું બાંધકામ ૧૯૧૨માં શરૂ થયું અને ૧૯૨૯માં પૂરું થયું. એ પછી આ ભવનમાં બ્રિટિશ વાઇસ રોયઝ રહેતા હતા.
આ ઇમારતમાં આમ તો કુલ ૩૫૫ ડેકોરેટેડ રૂમ્સ છે. તેનો ફ્લોર એરિયા ૨,૦૦,૦૦૦ ચોરસ મીટર છે. તેમાં ૭૦૦ મિલિયન બ્રિક્સનો ઉપયોગ થયો છે. તેમાં જયપુર કોલમનો ઉપયોગ થયો છે. આ પ્રોજેક્ટની ચીફ એન્જિનિયનર સર તેજા સિંહ મલિક હતા.
ભારતના છેલ્લા ગવર્નર જનરલ ચક્રવર્તી રાજગોપાલાચારીને આ જ ભવનમાં પણ નાની અતિથિગૃહની વિંગમાં રહેવાનું પસંદ કર્યું હતું. તે પછી બાકીના રાષ્ટ્રપતિશ્રીઓ પણ તેમને અનુસર્યા. જ્યારે બ્રિટિશ વાઇસરોય જે એપાર્ટમેન્ટમાં રહેતા હતા તેને વિવિધ રાષ્ટ્રોના વડાઓ માટે ગેસ્ટ વિંગ બનાવી દેવામાં આવી છે.
તા.૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ ભારતના રાજેન્દ્રપ્રસાદ દેશના પહેલા રાષ્ટ્રપતિ બન્યા અને તેઓ અહીં રહેવા આવ્યા. તે પછી આ ઇમારત રાષ્ટ્રપતિભવન તરીકે ઓળખાઇ.
રાષ્ટ્રપતિભવનમાં જે બે મુખ્ય હોલ છે તેમાં એક અશોક હોલ છે અને બીજો દરબાર હોલ છે. આ બંને હોલનો રાષ્ટ્રના મહત્ત્વપૂર્ણ સમારંભો માટે ઉપયોગ થાય છે. દરબાર હોલની ક્ષમતા ૫૦૦ વ્યક્તિઓને સમાવવાની છે. દેશના પહેલા વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ તા. ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ સવારે ૮-૩૦ વાગે આ હોલમાં લોર્ડ છેલ્લા બ્રિટિશ વાઇસરોય લોર્ડ માઉન્ટ બેટનના હાથે આ હોલમાં વડા પ્રધાન તરીકેના શપથ લીધા હતા.
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsU%2BjXor8TXBgYiHKhy6Nncg%3Dxw8t-JMFkgNjfJ0CWwxg%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment