Sunday, 6 January 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ પ્રવાસ : નિજાનંદ માટેની રખડપટ્ટી... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



પ્રવાસ : નિજાનંદ માટેની રખડપટ્ટી!
રવિ ઈલા ભટૃ

 

 


રસ્તાનો આનંદ માણતા શીખીએ તો મંઝિલનો આનંદ આપોઆપ બેવડાઈ જાય છે. આપણે મંઝિલનો આનંદ માણવાની ઉતાવળમાં રસ્તાનો આનંદ તો માણી શકતા જ નથી. ક્યાંય નથી પહોંચવાનું તેવો ભાવ પણ આનંદ આપતો હોય છે. આ આનંદ મેળવવા માટે સાહસ કરવું પડે છે. પર્વતનું ટ્રેકિંગ કે નદી તરવી તેના કરતા મનને ફેરવવું તે વધારે સાહસ માગી લેનારું કામ છે. (પેટા)


દિવાળી વેકેશન પૂરું થઈ ગયું છે. લોકો ફરી પાછા જીવનની રોજિંદી ઘરેડમાં જોડાઈ ગયા છે. મિત્રો, પરિવાર, નોકરી-ધંધા, એજ્યુકેશન વગેરે ઘટમાળ પોતપોતાની રીતે પોતપોતાના સ્થાને ગોઠવાઈ ગયા છે. આમ તો આપણા વાઈબ્રન્ટ ગુજરાતમાં નવરાત્રીનું પણ વેકેશન હતુંKઅને હવે દિવાળીનું વેકેશન પણ આવ્યું. થોડા સમય પછી અંગ્રેજી માધ્યમની સ્કુલમાં ક્રિસમસ વેકેશન પણ આવશે. ફરી પાછું બે-ત્રણ મહિના એજ રોજિંદી ઘટમાન અને સમર વેકેશન આવશે. આ વેકેશન અને પ્રવાસને ખૂબ જ ગાઢ સંબંધ છે. જેવી જેની શક્તિ અને ક્ષમતા એ રીતે લોકો વેકેશનમાં ફરતા હોય છે. ઘણા અઠવાડિયું ફરી આવે અને તોય કહે કે યાર આ તો છોકરાઓને રજા હતી તો બે દિવસ બહાર આંટો મારી આવ્યા અને ઘણા બે દિવસ ફરી આવે તો જાણે કે અઠવાડિયું ફરી આવ્યા હોય તેમ કહે... યાર બે દિવસ બહાર જઈ આવ્યા.


આ વેકેશન, આ પ્રવાસ, આ ફોરેન ડેસ્ટિનેશન વિઝિટ કે ડોમેસ્ટિક ડેસ્ટિનેશન વિઝિટ કે પછી ફેમિલિ પિકનિક વગેરે શબ્દો સાંભળવામાં અત્યંત આધુનિક અને સોહામણા લાગે છે પણ તેની ભીતર ઉતરો ત્યારે વાસ્તવિકતાનો ખ્યાલ આવે છે. હાલમાં કરવામાં આવતા મોટાભાગના પ્રવાસ સોશિયલ મીડિયા અને સોશિયલ કમ્પેરિઝન માટેના હોય છે. સ્ટેટસ અપલોડ કરીને પોતાનું સ્ટેટસ બતાવવા માટે પ્રવાસ કરવામાં આવતા હોય તેમ વધારે લાગે છે. ઘણા નવરાત્રી શરૂ થતાની સાથે જ ચર્ચા કરવા લાગે, આ દિવાળીમાં ક્યાં જવાના છો, શું દિવાળીનું કોઈ પ્લાનિંગ છે કે નહીં.... આ સવાલમાં અન્ય વ્યક્તિનું પ્લાનિંગ જાણવા કરતા પોતાનું કહેવાનો વધારે આનંદ હોય છે. સામેની વ્યક્તિ ના પાડે તો તરત જ પોતાનું પ્લાનિંગ જણાવી દેવાનું. કેમ આ વખતે નથી જવાના.... અમારે તો આના પપ્પાએ શિમલા-કુલુ-મનાલીનું પેકેજ લીધું છે. એમણે જાતે બુક કરાવી દીધું પછી ક્યાં ના પાડવી... આવા સમયે જો સામેની વ્યક્તિ એમ કહે કે અમે તો દુબઈ જવાના કે સિંગાપુર જવાના... તો... તો... આવી જ બને.... ઘરે જઈને કકળાટ શરૂ...


પ્રવાસનો દિવસ આવે ત્યારથી માંડીને ઘરે પરત ફરવા સુધી સતત વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર સ્ટેટસ અપલોડ થતા રહે. ફોટા અપલોડ થતાં રહે. મુવિંગ ટોવર્ડ્ઝ એરપોર્ટ, ફ્લાઈંગ ફોર દિલ્હી, ફ્લાઈંગ ફોર દુબઈ... સિંગાપુર.... બેંગકોક... ફલાણું... ઠિકણું.... અમેઝિંગ એટમોસફિયર... લવલિ નેચર.... ઓસમ સિટી... નાઈસ પ્લેસ.... #ફેમિલ... #ફોરન ટૂર... #લવ ટ્રાવેલિંગ... #ફેમિલ ફન... #ડેસ્ટિનેશન વિઝિટ... #ફન... #દુબઈ કોલિંગ... #બેંગકોક વિઝિટ... જેવા જાતભાતના હેઝટેગ હોય અને હજારોની સંખ્યામાં ફોટા મુક્યા હોય. મોટાભાગના લોકો માટે જ પ્રવાસ કે પિકનિક કે વેકેશન એન્જોયમેન્ટ હોય છે.


મિત્રો વેકેશન એટલે નિજાનંદને મળવાનો અને માણવાનો સુવર્ણ અવસર. આપણે આ અવસરને કોલાહલમાં પરિવર્તિત કરી દઈએ છીએ. નિજાનંદ કેવી રીતે અને ક્યારે મળે કે માણવો તે વ્યક્તિ ઉપર આધારિત છે. ઘણાને એકલા એકલા ફરવામાં કે રહેવામાં નિજાનંદ આવતો હોય છે તો ઘણાને પરિવાર, મિત્રો સાથે રહેવામાં કે ફરવામાં આનંદ આવતો હોય છે. નિજાનંદનો પ્રકાર પોતાના પ્રકૃતિ ઉપર આધારિત છે. મહત્વની વાત એ છે કે, પ્રવાસ એટલે ફરવું નહીં પણ રખડપટ્ટી કરવી. નકશામાં જોઈને ફરવું કદાચ પ્રવાસ હોઈ શકે પણ આનંદ આપનારી યાત્રા ન હોઈ શકે. ગુગલ મેપ દ્વારા જગ્યાએ પહોંચવાનો આનંદ મળી જાય પણ જગ્યાએ પહોંચ્યા પછીનો આનંદ તો મનથી જ આવે છે. આ આનંદ માટેની કોઈ એપ નથી કે કોઈ સોફ્ટવેર નથી.


આપણે કોઈપણ જગ્યાએ પહોંચીએ પછી મોટી સંખ્યામાં તસવીરો ખેંચવા લાગીએ છીએ. તેમાંય સેલ્ફિઓએ તો કેર વરતાવ્યો છે. દરેક કામ કરે તેમાં સેલ્ફિ. બહાર જવા માટે તૈયાર થાય ત્યારથી માંડીને ઘરની અંદર પાછો પગ મૂકે ત્યાં સુધી હજારએક સેલ્ફિઓ તો લઈ લીધી હોય. ફેમિલિ પિક્ચર્સ, ડેસ્ટિનેશન પિક્ચર્સ બધા અલગ ગણીએ તો ઘણી તસવીરો કેમેરામાં કેદ થઈ ગઈ હોય છે. આપણે તસવીરો ખેંચવા માટે દ્રશ્યો બદલીએ છીએ પણ આ દ્રશ્યો પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલતા નથી. બધું કેમેરાની મેમરીમાં સેવ કરવું છે પણ મનની મેમરી તો ઘરેથી નીકળ્યા ત્યારે પણ ખાલી હતી અને પાછા જઈએ ત્યારે પણ ખાલી જ હોય છે. આવા પ્રવાસનો કોઈ અર્થ હોતો નથી. મનને આનંદ મળે, રાહત મળે, શાંતિ મળે તેવો પ્રવાસ જ ન થાય તો તેનો અર્થ શું. કેમેરાને બહારની દુનિયામાં ફેરવવાની સાથે સાથે મનની અંદર પણ ફેરવવો જોઈએ. જાતની તસવીર લેવાની સાથે સાથે મનની તસવીર પણ લેવી જોઈએ. તેમાં જ ખ્યાલ આવશે કે મન તો એકલું જ છે. તેને આ તસવીરો ખેંચવાનો હજી આનંદ આવ્યો નથી.


માહિતી ભેગી કરવી તે હોબી હોઈ શકે પણ માહિતી વહેંચવી તેનો આનંદ કંઈક અલગ જ છે. પ્રવાસી બનવામાં આનંદ હોય તો ફરવામાં પણ રાખવો પડે. રસ્તાનો આનંદ માણતા શીખીએ તો મંઝિલનો આનંદ આપોઆપ બેવડાઈ જાય છે. આપણે મંઝિલનો આનંદ માણવાની ઉતાવળમાં રસ્તાનો આનંદ તો માણી શકતા જ નથી. ક્યાંય નથી પહોંચવાનું તેવો ભાવ પણ આનંદ આપતો હોય છે. આ આનંદ મેળવવા માટે સાહસ કરવું પડે છે. પર્વતનું ટ્રેકિંગ કે નદી તરવી તેના કરતા મનને ફેરવવું તે વધારે સાહસ માગી લેનારું કામ છે. આપણે ક્યાંક જઈએ તો પ્રવાસી હોઈએ છીએ પણ ક્યારેક તે જગ્યા આપણી જ છે તેવી ભાવના સાથે સ્થાનિક બનીને તેનો આનંદ માણીએ તો વધારે આનંદ આવશે. પ્રવાસ ઈન્દ્રિયો માટે ઉત્સવ અને મન માટે મહોત્સવ હોય છે. આ બાબત પ્રત્યે સભાનતા રાખીએ તો જ પ્રવાસનો સાચો આનંદ આવે છે.


આપણે પર્વત પર ચડીએ છીએ અને તસવીરો ખેંચીએ છીએ પણ પર્વતની આપસપાસ આવેલી ખીણને ક્યારેય ધ્યાનથી જોઈ છે. તેમાં જતી કેડીઓ અને નાનકડા રસ્તાઓને શોધવાનો પ્રયાસ કર્યો છે. ગીરના જંગલમાં કે કોર્બેટ પાર્કમાં જઈને સિંહ અને વાઘને જોવા તલપાપડ રહીએ છીએ પણ ત્યાંની વનરાજીમાં રહેલા અન્ય જીવોને પણ જોવાનો આનંદ માણવો જોઈએ. ત્યાંના પ્રાણીઓનું વર્તન, તેમના હાવભાવ, પક્ષીઓ, વૃક્ષો બધું જોવું જોઈએ, પણ આપણે તે કરી શકતા જ નથી. આપણે મનથી નક્કી કરીને જઈએ છીએ કે આટલું જ જોવું છે અને આટલું જ કેમેરામાં ક્લિક કરી લેવું છે. બાકીના દ્રશ્યો તો એમનેમ પસાર થઈ જાય છે. આપણે જે દિવસે સ્વીકારી લઈશું કે પ્રવાસ માત્ર તબક્કો કે આયોજન નહીં પણ મન-મસ્તિસ્કનો ઉપચાર છે, નિજાનંદ છે તે દિવસે રસ્તા ઉપર પણ મજા આવશે અને ડેસ્ટિનેશનનો આનંદ બેવડાઈ જશે. રસ્તે જવાનું સાહસ જ મંજિલ સુધી પહોંચવાનો આનંદ આપતો હોય છે. તેના કારણે જ સહબા લખનવીએ કહ્યું છે કે,

कितने दीप बुझते हैं कितने दीप जलते हैं
अज़्म-ए-ज़िंदगी ले कर फिर भी लोग चलते हैं
कारवाँ के चलने से कारवाँ के रुकने तक
मंज़िलें नहीं यारो रास्ते बदलते हैं


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Otgoc%2ByzS8pO1sddMprGv6d6DaeKqDhFJgsd%3D96DWmY5Q%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment