Sunday, 6 January 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ સત્ય જૂતાં પહેરે ત્યાં સુધીમાં જૂઠ અર્ધી દુનિયામાં ફરી વળે છે (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સત્ય જૂતાં પહેરે ત્યાં સુધીમાં જૂઠ અર્ધી દુનિયામાં ફરી વળે છે!
વાઈડ એન્ગલ : જયેશ ઠકરાર

 

 

 

મૈં સચ કહુંગી મગર ફિર ભી હાર જાઉંગી

વો જૂઠ બોલેગા ઓર લા-જવાબ કર દેગા…

પરવીન શાકિરનો આ શેર વર્ષ-૨૦૧૮માં સોશિયલ મીડિયાએ બિલકુલ સાર્થક કરાવી દીધો છે. આખ્ખા વર્ષમાં સૌથી વધુ પ્રચલિત બનેલો શબ્દ હોય તો એ ફેઈક ન્યૂઝ રહ્યો… સમાચારો અને તસવીરો ધડાધડ કરોડો લોકો સુધી પહોંચાડી દેતા સોશિયલ મીડિયામાં આડઅસર તરીકે એવી પણ ઘટનાઓ સત્યના લિબાસમાં શેર થઈ જે બદઈરાદા સાથે વહેતી થયેલી અફવા જ હતી…

કોઈની મજાક ઉડાવવા અને ચારિત્ર્યહનન માટે વાંદરાના હાથમાં દારૂ દઈ દેવાયો હોય તેવો ઘાટ થયો છે. ગુજરાતના ડીઆઈજી ભાજપના અધ્યક્ષના પગ પકડતા હોય તેવી તસવીરો વાયરલ થયેલી જે હકીકતમાં મોર્ફ કરવામાં આવેલી… આખું દ્રશ્ય સાચું હતું, પરંતુ બે મુખ્ય પાત્રોના ચહેરા બદલી દેવાયેલા…

આ જ રીતે એક તસવીરમાં સોનિયા ગાંધીને ચરણસ્પર્શ કરતાં મહાનુભાવનો બેક સાઈડ ફોટો મૂકી કેટલાક સ્થળે તેના ઉપર મનમોહનસિંહની સોનિયાભક્તિ તો ક્યાંક નવજોતના નમન એવું કેપ્શન મૂકાયેલું…. નવેમ્બર-૨૦૧૧ની આ તસવીર હતી. જેમાં ન હતા મનમોહન કે ન નવજોત! છતાં સત્ય બહાર આવે તે પહેલાં આ તસવીર લાખ્ખો લોકો સુધી પહોંચી ગયેલી.

હાલમાં જ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ સ્વ. રાજીવ ગાંધીની કાર ચલાવતા હોય તેવો ફોટો વાઈરલ થયો છે. કમલનાથ ગાંધી પરિવારના નિકટતમ છે. સંજય ગાંધીના પરમ સખા અને સ્વ. ઈન્દિરા ગાંધીએ છિંદવાડામાં પ્રચારમાં તેને પોતાના ત્રીજા પુત્ર ગણાવેલા, પરંતુ એ રાજીવના ડ્રાઈવર હતા એ વાત ખોટી છે.

સોશિયલ મીડિયા હવે લોકોની જીવનશૈલી સાથે જોડાઈ ગયું છે. 'સુદર્શનના ચક્ર જેવો ઘાટ મારો, ધારો તો ધર્મ છું, ફેંકો તો ધ્વંશ છું' તેવા આ શક્તિશાળી માધ્યમમાં હવે સૌથી મોટો દુકાળ સર્જાયો હોય તો તે વિશ્વસનીયતાનો છે.

પીકેમાં આમિર કહે છે, 'હમ બહુત હી કનફૂઝિયા ગયા હું… હમરા ગોલા પર લોગ જૂઠ નહીં બોલતા હૈ…'

ક્રુરતાની ચરમસીમા તો એ છે કે ૨૦૧૮માં દિલીપકુમાર, લતા મંગેશકર, મનોહર પારિકરના નિધનના પણ ખોટા સમાચારો એકથી વધુ વખત વહેતા થયેલા… મનોહર પારિકરના નામે અમેરિકાની હોસ્પિટલના બિછાનેથી એક સંવેદનાસભર સંદેશો વાઈરલ થયેલો 'મને પ્રત્યેક પળે હવે મૃત્યુ નજીક દેખાય છે ત્યારે જીવનના દરેક યાદગાર પડાવો મારી સામે તરવરે છે, પ્રસિદ્ધિ અને સંપત્તિ કરતાં પણ જીવનમાં ઘણી બાબતો મહત્ત્વની છે…' આ પ્રકારનો સંદેશો પ્રથમ વખત વાંચીએ તો તે સાચો જ લાગે, પરંતુ પારિકરે પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ ઉપરથી આ સંદેશાને ખોટો ગણાવેલો…

હમણાં 'સ્ટેચ્યૂ ઓફ યુનિટી' દર્શાવી તેની બાજુમાં ગરીબ પરિવાર રસ્તા પર ચૂલો જલાવી પેટ ભરતો હોય તેવી ઈમેજ વહેતી થયેલી. હકીકતમાં ગરીબ ભૂલકાની તસવીર રોઈટરે અલગ સ્થળેથી લીધેલી જેને કોઈએ સુપર ઈમ્પોઝ કરી દીધી…

ગુજરાતમાં ધારાસભ્ય સોમા ગાંડાને માર મારતાં ટોળાનો વીડિયો ખૂબ ચગેલો વાસ્તવમાં જેને માર પડે છે એ કોઈ બીજું જ હતું…

'રાજકોટમાં ભાજપના સાંસદ પરેશ રાવલને ભાગવું પડયું' આવા વાક્યો મોબાઈલ સ્ક્રીન પર જોવા મળે તો પ્રથમ દ્રષ્ટિએ તે ખોટા હશે તેવું કોણ કહી શકે? પરંતુ એ ખોટા છે એવું સાબિત થતાં કલાકો નીકળી જાય અને ત્યાં સુધીમાં તો કોઈનો બદઈરાદો સિદ્ધ થઈ ગયો હોય છે

દોપહર તક બિક ગયા બાઝાર કા હર એક જૂઠ

મૈં એક સચ કો લેકર શામ તક બેઠા હી રહા.

ફીફાના પ્રેસિડેન્ટ વડાપ્રધાન મોદીને જી-૨૦ની જરસી આપી સન્માન દર્શાવે છે એ જ સમયે જરસીનો નંબર બદલીને માનહાનિ કરવામાં આવે છે – રાહુલ ગાંધીએ તેને 'પપ્પુ'નું વિશેષણ અપાય છે તે વિશે કેલિફોર્નિયામાં બાર્કલે યુનિવર્સિટીમાં કહેલું કે ૧૦૦૦ લોકો મારા વિશે બેહૂદો પ્રચાર કરવા કમ્પ્યૂટર ઉપર ર૪ કલાક કાર્યરત રહે છે.

હદ તો ત્યારે થઈ જ્યારે સાઉદી અરેબિયા મુસ્લિમ બિરાદરો માટેના ટેન્ટ સિટીને કુંભ મેળાની તૈયારીના ફોટો તરીકે મૂકવામાં આવ્યો…

સૌથી ખતરનાક બાબત એ છે કે ખાણી, પીણી, દવા, વ્યાપાર-ધંધામાં કે જ્યાં વિશ્વસનિયતા મોટી શાખ હોય છે, તેમાં જ જો દુષ્પ્રચાર થાય તો એ નુકસાનની ભરપાઈ થઈ શકતી નથી.

સોશિયલ મીડિયા ઉપર જવાહરલાલ નહેરુથી લઈ જેટલી સુધી ભાત ભાતના જૂઠ્ઠાણાં વહેતા રહે છે . ૨૦૧૮માં અમેરિકન ન્યૂઝના નામે અભિનેતા ડેન્ઝલ વોશિંગ્ટનનો ડોનાલ્ડ ટ્રમ્પને સપોર્ટ હોવાનો મેસેજ એવા સમયે વહેતો થયેલો જ્યારે ચૂંટણી નજીક હતી. ટ્વીટરને ટેઈક ઓવર માટે ૩૧ બિલીયન યુએસ ડોલરની ઓફર મળી… આ સમાચારને પગલે તેના શેર ૮ ટકા ઊંચકાઈ ગયો, પણ વાત સાવ ખોટી હતી. શિકાગોમાં ઈમરજન્સી ડિક્લેર કરી દેવાય અને સુરતમાં ટોળાના તોફાનની વાતો વહેતી થાય…

આવી અસંખ્ય ઘટનાઓ અને તેના બિહામણા પ્રત્યાઘાતો પછી હવે પૂરા વિશ્વમાં આ ડિજિટલ માયાને નાથવાનો પડકાર ઊભો થયો છે.

ઝૂમ ઈન  

જિધર જાતે હૈ સબ જાના ઉધર

અચ્છા નહીં લગતા

મુજે પામાલ રાસ્તોં કા સફર

અચ્છા નહીં લગતા

ગલત બાતોં કો ખામોશી સે

સૂનના, હામી ભર લેના

બહુત હૈ ફાયદે ઈસ મેં મગર

અચ્છા નહીં લગતા

ઝૂમ આઉટ  

હમારે શોક કી યે ઈંતિહા થી

કદમ રખ્ખા કિ મંઝિલ રાસ્તા થી

જિસે છૂ લું મૈં વો હો જાએ સોના

તુઝે દેખા તો જાના બદદુઆ થી


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Os248Fg42wEVS24VOT-TSgQpueGs%3D2%3DqCJMCu1UoGcjJw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment