Sunday, 6 January 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ આખી દુનિયા ફ્ક્ત એક સિંગલ સજીવ હોય તો? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



આખી દુનિયા ફ્ક્ત એક સિંગલ સજીવ હોય તો?
અભિમન્યુ મોદી

 

 

 

હવામાં દોરેલું ચિત્ર અને કેલેન્ડરથી પાડેલા સમયના ચોસલા બંને એક રીતે સરખા છે કારણ કે બંને નકામા છે. પોતાની સગવડતા માટે જુદા-જુદા કેલેન્ડર બનાવીને માનવે સમયના ભાગલા પાડવાની શરૂઆત કરી. સમયના સંદર્ભે ભાગલાને માપણી કહે છે. એટલે આમ જોઈએ તો સમયમાપણીનો કોઈ અર્થ નથી કારણ કે બહુધા વિશ્વ માટે અત્યારે ૨૦૧૯ નું વર્ષ ચાલે છે તો આંદામાન નિકોબારના પેલા સેન્ટીનેલ ટાપુના લોકો કદાચ એકત્રીસમી સદીમાં પણ જીવતા હોય એવું બને. પણ એકસાથે અબજો લોકો જ્યારે એકવીસમી સદી નામની પારદર્શક-અદ્રશ્ય ફ્રેમના ઓગણીસમાં તબક્કે પહોચે છે ત્યારે તેની કંઇક તો અસર થવાની, ભલે હવામાં તો હવામાં.


જગતના મોટા ભાગના દેશમા યુવાનોને સેક્સ કરવા માટે કે લગ્ન કરવા માટે કે ડ્રાઈવિંગ લાયસન્સ માટે અઢાર વર્ષ પછી પરવાનો મળતો હોય છે. કાયદાની સુચના જે હોય તે પણ અઢાર વર્ષનો માણસ હવે યુવાન ગણાય છે. તેની પાસેથી પુખ્તતાની અપેક્ષા રખાય છે. નસોમાં લોહી જ્યારે હિલોળા લઇ રહ્યું હોય ત્યારે પરિપક્વતાનો ઇંતેઝાર આ જગત કરે છે. આપણું શરીર જે કરોડો-અબજો કોષોથી બનેલું છે તે દરેક વ્યક્તિગત કોષ અને અમીબા જેવા એકકોષી જીવમાં પાયાગત ફેરફર નથી. કહી શકીએ કે આપણે એવા અનેક જીવોના જોડાણથી બન્યા છીએ. અસંખ્ય જીવો એકબીજા સાથે સંકળાઈને માણસ જેવો એક સિંગલ સજીવ બનાવે. એક સાથે આઠ અબજ માણસો ને બીજા નિખર્વો જીવો એકબીજાની લગોલગ રહે છે; બની શકે કે પૃથ્વી નામનો ગોળો ખુદ એક સિંગલ સજીવ હોય. જો એવું હોય તો તેની એકવીસમી સદીને અઢાર પુરા થઇ ગયા છે. આ સદીમાં બાળપણ કહેવાતી જાહોજલાલીમાંથી માનવજાત પસાર થઇ ગઈ છે.


દરેક સદીની શરૂઆત કરતાં આ સદીની શરૂઆત બિહામણી થઇ હતી. આજ સુધી ઈતિહાસમાં કોઈ પણ માણસે સૌથી વધુ વખત કોઈ વિડીયો ક્લીપીંગ જોઈ હોય તો તે વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરના હુમલાની છે. એકવીસમી સદીને નવ મહિના માંડ થયા હતા ત્યાં આ વિસ્ફેટ થયો હતો. આવનારા ભવિષ્યના જોખમોએ જાણે એક દુર્ઘટનામાંથી જન્મ લઇ લીધો હતો. ચીનના લોકો આજથી સેંકડો વર્ષ પહેલા પેપીરસની છાલ ઉપર લખતા અને વિશ્વભરની કરોડો લાઈબ્રેરીમાં અબજો પુસ્તકોમાં કેટકેટલું લખાયું; અને મોટાભાગનું સચવાયેલું પડયું છે. આપણે ફ્ક્ત છેલ્લા અઢાર વર્ષમાં પાના ઉપર લખાયેલા શબ્દોને ઇન્ટરનેટ ઉપર મુકાયેલા શબ્દો દ્વારા ઓવરટેક કરી લીધા. ફ્ક્ત અઢાર વર્ષ અઢાર ગુણ્યા બે સદી ઉપર ભારી પડયા!


જુના જમાનામાં માણસના વિકાસના માપદંડમાં સરેરાશ આયુષ્ય મહત્વનો ભાગ ભજવતું. પાછલા અઢાર વર્ષમાં એ વ્યાખ્યા ફ્રી ગઈ છે. હવે વિકાસની માપણીની ફૂટપટ્ટી જ આપણે બદલી કાઢી છે. ઓગણીસમી સદીમાં કોઈ પણ માણસને પ્રખ્યાત થતા (દા.ત. નેપોલિયન) તેતાલીસ વર્ષ જેટલો સમય લાગતો, વીસમી સદીના મધ્યભાગ સુધી ઓગણત્રીસ વર્ષની આયુ ધરાવતો માણસ પ્રખ્યાત થઇ શકતો. હવે તૈમુર જેવા ઘણાં સેલિબ બાળકો જન્મ પહેલાથી પ્રસિદ્ધ છે. હવે દુનિયાના કોઈ પણ અંધારા ખૂણે બેઠેલી વ્યક્તિ અચાનક વિશ્વવિખ્યાત થઇ શકે છે (અને થોડા સમયમાં ભુલાઈ પણ જાય છે). કોમ્યુનીકેશન-વાતચીત સાવ સરળ અને સોંઘી બની, પણ મોટા ભાગની ભાષા હવે લુપ્ત થવા મંડશે.


વીસમી સદીમાં ચાલીસ ટકા લોકો પર માર્ક્સીસ્ટ સરકારે રાજ કર્યું. આજે લગભગ મોટા ભાગના નકશા ઉપર લોકશાહી છે (ડેમોક્રેસી) અને એ જ લોકશાહીથી લોકો સંતુષ્ટ પણ નથી. માનવ ઈતિહાસમાં ક્યારેય એવો સમય ન હતો જેવો આજે છે જેમાં સૌથી વધુ લોકો પોતાની સરકારથી નારાજ છે. અકુદરતી રીતે મૃત્યુ થવાના મુખ્ય કારણ કરતાં વધુ લોકો સરકાર દ્વારા મર્યા છે (ડેમોસાઈડ). એક સમયે અબજો લોકો ફટી આંખે વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરના હુમલાને જોઈ રહ્યા હતા, આજે એવો સમય છે કે અબજો લોકો ચુચી આંખોએ અને સોજેલા હોઠોએ પોતાની સેલ્ફી તસવીર જોઈ રહ્યા છે. સોશ્યલ મીડિયાએ દુનિયામાં એક નવું પરિમાણ ઉમેરી દીધું જે પરિમાણ કરતાં મોટા કદની જેલ વધુ લાગી શકે એમ છે. ફેસબુક કે એપલ જો અલાયદા દેશ હોત તો સુપરપાવર દેશો તેની જીહજુરી કરતા હોત. સરકાર બનવામાં પોતાનો ફળો હોય કે નહિ પણ વૈશ્વિક ટ્રેન્ડમાં લોકોનો ફળો હોય છે. ત્રીજી દુનિયાના ગણાતા દેશોએ સૌથી વધુ એનર્જીનો વપરાશ કર્યો અને હવે ભવિષ્યની ડીઝાઈનના ચીફ એન્જીનીઅર તેઓ પોતે છે.


આપણા આજ સુધીના સમયમાં પહેલી વખત એવું થયું છે કે ભવિષ્ય કેવું હશે તેના ઘણાં બધા અંદાજો અને આગાહીઓ થઇ હશે પણ કોઈને ખબર નથી કે ભવિષ્ય કેવું છે. પાંચ વર્ષ પછી દુનિયા કેવી હશે એ ખુદ વડાપ્રધાન કે પ્રેસિડેન્ટ કહી શકતા નથી. બાળકોને વીસ વર્ષ પછીની દુનિયામાં ટકવા માટે અને વિકસવા માટે શું શીખવવું તેના વિષે આખી દુનિયા દિશાહીન છે. ભાવીનો ગર્ભ બધા લોકો પોતપોતાની રીતે તૈયાર કરી રહ્યા છે પણ એ ગર્ભમાંથી સુવાવડ કેવા સમયની થશે તેના વિષે બધા ગાફેલ રહી જવાના છે એ જાગૃત નાગરીકોને પણ ખબર છે. એકવીસમી સદીના બાળપણના અઢાર વર્ષ જો આટલા બધા તોફનમાં, ધમાલમાં ને જબરદસ્ત તડાફ્ડીમાં વીત્યા હોય તો જુવાની કેવી હશે? માનવજાત પોતે પોતાની જુવાની સંભાળવા માટે સક્ષમ હશે ખરી? સક્ષમ બનવા માટે શું તૈયારીઓ કરવી પડશે? નો વન નોઝ.


આખી દુનિયા વધુને વધુ સેલ્ફ સેન્ટર્ડ થતી જાય છે. આખી દુનિયા વધુને વધુ બહિર્મુખ થતી જાય છે. આખી દુનિયા વધુને વધુ એકરસ થતી જાય છે. પોતાનો ખુદનો ભાર સહન ન થાય એવો સમય આવવાની વકી છે. બોજ સહન ન થાય ત્યારે પાયો પડી ભાંગે, પણ જો એ પડી પણ ન શકે અને ભાર ઉંચકાય પણ નહિ તે સૌથી વધુ વિષમ સ્થિતિ હોય. દરેક માણસે હવે પોતાના અસ્તિત્વ માટે નહિ વ્યક્તિત્વ માટે જીવવું પડશે. જો સાચે જ આખી દુનિયા ફ્ક્ત એક સિંગલ સજીવ હોય તો એ મહામેગા વિશાળ સજીવનો આપણે કયું અંગ હોઈશું?


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Otzip%2Bu1ynOML58t32gFPLOF0UCW38uCpQ6OZntG%2B00pg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment