Wednesday, 2 January 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ મોહમ્મદઅલી ઝીણા, ઝીણા જ રહ્યા તેઓ મોટા મનના બની ન શક્યા (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



મોહમ્મદઅલી ઝીણા, ઝીણા જ રહ્યા તેઓ મોટા મનના બની ન શક્યા!
ગુણવંત શાહ
 

 

 

 

આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘ 1945ના વર્ષમાં પેશાવરની કૉલેજમાં ભણતા હતા, ત્યારે એક મજાની ઘટના બનેલી. કૉલેજના ગ્રાઉન્ડ પર હૉકી રમતી વખતે એમનો દડો એક સજ્જન સાથે અથડાયો. એ સજ્જનનું નામ મોહમ્મદઅલી ઝીણા હતું. મનમોહનસિંઘજી ઝાઝું બોલતા નથી. ચૂંટણીના દિવસોમાં પણ એમની રેલી યોજાતી નથી. કર્ણાટકમાં ચૂંટણી થઇ એ ઝીણા કદી મોટા મનના બની ન શક્યા. ફિરોઝ ખાને 'ગાંધી માય ફાધર' ફિલ્મમાં ગાંધીજી પાસે આ શબ્દો બોલાવડાવ્યા છે: 'હું બે જણાને મારી વાત સમજાવી ન શક્યો, એક ઝીણાને અને બીજા હરિલાલને.'

દિવસોમાં બેંગ્લોરમાં મળેલી પ્રેસ કૉન્ફરન્સમાં એમણે ઉપરનો પ્રસંગ કહ્યો હતો. તેઓ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં ઝીણાની છબી રાખવી કે નહીં તે અંગેના વિવાદ વિશે બોલી રહ્યા હતા. ગાંધીજીનો જન્મ જ ન થયો હોત, તોય આપણને 1947માં નહીં તો 1970-75 સુધીમાં પણ મોડું કે વહેલું સ્વરાજ મળ્યું હોત એ નક્કી, પરંતુ જો ઝીણા પેદા ન થયા હોત, તો પાકિસ્તાન સર્જાયું ન હોત, એ વાત સ્વીકારવી રહી. ઝીણા એક વિચિત્ર વ્યક્તિત્વ ધરાવનારા સમર્થ નેતા હતા. તેઓ ન હોત, તો પાકિસ્તાન ન હોત. ઝીણાસાહેબને 'મુસલમાન' કહેવા એ તો ઇસ્લામની મશ્કરી ગણાય. તેઓ શરાબ લેતા હતા અને સુવ્વરનું માંસ (pork) ખાતા હતા. તેઓ હજ માટે મક્કા જવા જરાય તૈયાર ન હતા અને મસ્જિદમાં જઇ નમાજ પઢવાની ફુરસદ એમની પાસે ન હતી. તેઓ અને કુરાન વચ્ચે ક્યારેય અસ્પૃશ્યતા-નિવારણ થયું ન હતું. એમની વિચિત્રતા તો જુઓ! તેઓ પોતે પારસી સ્ત્રી રુતીને પરણ્યા હતા, પરંતુ પોતાની અર્ધ મુસ્લિમ દીકરી મુસલમાનને જ પરણે એ માટે હઠાગ્રહી હતા. આવા ઝીણાને સમજવાનું સહેલું નથી. તેઓ ગુજરાતી હતા એ વાત ખરી, પરંતુ ગુજરાતી બોલવાની ફાવટ એમની પાસે ન હતી. ગાંધીજીએ 1917ના વર્ષમાં ગોધરામાં રાજકીય પરિષદ મળી ત્યારે આગ્રહપૂર્વક એમની પાસે ગુજરાતીમાં પ્રવચન કરાવ્યું હતું. મારી અંગત લાઇબ્રેરીમાં ઝીણાસાહેબે ગુજરાતીમાં કરેલી સહી સચવાયેલી છે. એમણે મુંબઇના ગુજરાતી સાપ્તાહિક 'વતન'ને ગુજરાતીમાં સંદેશો આપ્યો તેને અંતે ગુજરાતીમાં હસ્તાક્ષર કર્યા છે. કાઠિયાવાડે રાષ્ટ્રીય કક્ષાના બે નેતાઓ આપ્યા: ગાંધીજી અને ઝીણા. ઝીણાની નાની બહેન ફાતિમા ડેન્ટિસ્ટ હતી અને લગભગ 1920 સુધી મુંબઇમાં ડેન્ટલ ક્લિનિક ચલાવતી હતી. ઝીણાની પત્ની રુતીના દેહવિલય પછી ફાતિમાએ ક્લિનિક બંધ કર્યું અને જીવનભર મોટાભાઇની સંભાળ રાખી. ભાઇ અને બહેનની આવી સ્નેહાળ જોડી બ્રિટનમાં પણ યાદગાર બની હતી. કવિ વર્ડ્ઝવર્થ અને એમની બહેન ડોરોથી વચ્ચે પણ આવો જ સ્નેહાળ સંબંધ હતો. ઝીણાની સાથે સતત રહેનારી બહેન ફાતિમા ઘણુંખરું સાડી જ પહેરતી. નવાઇની વાત એ છે કે આયેશા જલાલે ઝીણા પર લખેલા પુસ્તક, 'The Sole Spokesman' માં ફાતિમાનો ઉલ્લેખ વિષયસૂચિમાં પણ નથી થયો. વર્ષ 1965માં ફાતિમા સરમુખત્યાર ઐયુબ ખાન સામે ચૂંટણી લડી હતી. એણે ઐયુબ ખાનને જબરી ટક્કર આપેલી. ઐયુબ ખાન પાસે પૈસા હતા અને વળી સરકારી તંત્ર પણ હતું. તેમણે મુલ્લાઓ પાસે ફતવો જારી કરાવેલો કે ઇસ્લામ સ્ત્રીઓને રાજ્યના વડા બનવાની પરવાનગી આપતો નથી. (આ વિગતો રામચંદ્ર ગુહાએ લખેલા લેખમાંથી લીધી છે. આઉટલૂક, તા.22-8-2005, પેજ-44)
ઝીણાએ ગાંધીજીની ભલમનસાઇની કસોટી અનેક પ્રસંગોએ કરી હતી. લંડનમાં ગાંધીજીના નિવાસે મળવા જવાની સંમતિ આપતાં પહેલાં ઝીણાએ ખૂબ આકરી શરત મૂકેલી. સરોજિની નાયડુના આગ્રહને કારણે ઝીણાસાહેબ બાપુને નિવાસે મળવા ગયા ત્યારે શું બન્યું? શ્રી ચંદુભાઇ દલાલે પોતાના પુસ્તકમાં 1931ના ડિસેમ્બરની નોંધ આ પ્રમાણે કરી છે: 'વિલાયતના વસવાટ દરમિયાન એક વખત ઝીણાને જમવા નોતર્યા. ગાંધીજીના ગરીબ નિવાસસ્થાન ઇસ્ટ એન્ડમાં આવવું એમને ફાવે તેમ નહોતું. એટલે એમની સગવડ ખાતર ફેશનેબલ વેસ્ટ એન્ડમાં ગોઠવાયું અને એમને માંસ અને મદિરા પીરસવામાં આવ્યાં.' ('ગાંધીજીની દિનવારી', પાન-323)

આ વિગત શ્રી ચંદુભાઇ દલાલે ન નોંધી હોય, તો કોઇ સાચી માને ખરી? ગાંધીજી ઝીણાસાહેબ માટે વધારાનો માઇલ ચાલવા માટે સદાય તૈયાર રહ્યા, પરંતુ ઝીણા ઝીણા જ રહ્યા અને મોટા મનના બની ન શક્યા. ફિરોઝ ખાને 'ગાંધી માય ફાધર' ફિલ્મમાં ગાંધીજી પાસે આવા શબ્દો બોલાવડાવ્યા છે: 'હું બે જણાને મારી વાત સમજાવી ન શક્યો, એક ઝીણાને અને બીજા હરિલાલને.'

 

'Our legacy the Dwarkadas Family of Bombay' લેખિકા Sifra Lentin. આ પુસ્તક અત્યંત ન જાણીતી એવી હકીકતો લઇને આવ્યું છે. એક જ અજાણ્યો કિસ્સો અહીં પ્રસ્તુત છે. વર્ષ 1908માં લોકમાન્ય ટિળક સામે સરકારે મુકદ્દમો ચલાવ્યો હતો. 'કેસરી'માં કેટલાક લેખો લખવાના ગુના માટે કલમ 124-A, 153-A હેઠળ કોર્ટમાં કેસ ચલાવ્યો. પહેલી જ સુનાવણી વખતે લોકમાન્યને માંડલે (બર્મા)ની જેલમાં મોકલવામાં આવ્યા અને એક હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો. વર્ષો પહેલાં શ્રી દ્વારકાદાસ નામના મુંબઇના શેરિફે લોકમાન્યના જામીન પેટે રૂપિયા 15 હજાર સરકારને 1898માં ચૂકવ્યા હતા. આ જ કુટુંબમાં જન્મેલા શ્રી કાનજી દ્વારકાદાસ શ્રી મોહમ્મદઅલી ઝીણાના ખાસમખાસ મિત્ર હતા અને માંદગી દરમિયાન કાનજીભાઇએ ઝીણાનાં પત્ની રુતીની સંભાળ છેક છેલ્લી ક્ષણ સુધી રાખી હતી. ઉપરોક્ત પુસ્તકમાંથી આ લેખમાં ઝીણાના ખાસ મિત્ર કાનજી દ્વારકાદાસ પર જ ભાર મૂક્યો છે. કેટલાક યાદગાર મુદ્દાઓ ખૂબ જ ટૂંકમાં અહીં પ્રસ્તુત છે:

વર્ષ 1914માં કાનજી દ્વારકાદાસ પ્રથમ વાર શ્રીમતી એની બેસન્ટને મુંબઇમાં મળ્યા. તેઓ ગાંધીજીને 1917માં મળ્યા. એની બેસન્ટે સ્થાપેલી હોમરૂલ લીગમાં સક્રિય બનેલા કાનજીભાઇ ચંપારણના સત્યાગ્રહ પછી ગાંધીજીને લગભગ રોજ મળતા રહ્યા. તેઓ ક્યારે પણ ગાંધીજીની જાદુઇ અસરમાં ન જ આવ્યા. એમણે કદી પણ કૉંગ્રેસમાં જોડાવાનું ઉચિત ન માન્યું. એમણે પોતાના રાજકીય અને આદ્યાત્મિક ગુરુ તરીકે શ્રીમતી એની બેસન્ટનો જ પ્રભાવ ઝીલ્યો.

 

કાનજીભાઇ મજૂરોના કલ્યાણ માટે સતત સક્રિય રહ્યા. 1917માં તેઓ હોમરૂલ લીગના માનદ મંત્રી બન્યા. ઝીણા પણ હોમરૂલ લીગમાં જોડાયા અને પ્રમુખ બન્યા. એક વાર ઝીણાએ શ્રીમતી બેસન્ટને કાનજીભાઇ માટે કહ્યું: 'શ્રીમતી બેસન્ટ! આ મારો સૌથી શ્રેષ્ઠ વર્કર છે. એ કામ કરે છે અને બીજાઓ બોલે છે.'

 

એક પ્રસંગે ગાંધીજી મઝગાંવ નજીક આવેલી વાલ્મીકિ કોલોનીમાં એક મંદિરના ઉદ્્ઘાટન માટે જવાના હતા. કોઇના માન્યામાં નહીં આવે, પરંતુ હકીકત સાચી છે. એ વેળાએ સવર્ણ લોકોના મનમાં ઝાડુ કામદારો માટે એટલો જબરો પૂર્વગ્રહ હતો કે ગાંધીજીના મિત્રો કે પ્રશંસકોમાંથી કોઇએ પોતાની કાર ગાંધીજીને ન આપી. એ જ વખતે કાનજીભાઇએ ગાંધીજીને પોતાની કાર આપી. કાનજીભાઇને મજૂરો માટે જબરો પક્ષપાત હતો.

 

1919નું વર્ષ ઐતિહાસિક હતું. તે વર્ષે રૉલેટ એક્ટનો કાયદો અંગ્રેજોએ અમલમાં મૂક્યો. એ કાયદા હેઠળ બ્રિટિશ સરકાર કાયદાનુસાર લડતમાં જોડાયેલા માણસ સામે કોર્ટમાં કામ ચલાવ્યા વિના કહેવાતા ગુનેગારને પકડીને જેલમાં પૂરી શકે. ગાંધીજીએ કાયદાનો વિરોધ કરવાનું નક્કી કર્યું અને કાયદા સામે સત્યાગ્રહનું શસ્ત્ર અજમાવ્યું. શ્રીમતી એની બેસન્ટ મર્યાદિત અસહકાર માટે સંમત થયાં, પરંતુ લોક આંદોલન માટે તૈયાર ન થયાં. એની બેસન્ટના દેહવિલય પછી કાનજીભાઇ રાજકારણમાંથી નિવૃત્ત થયા. એમણે પુસ્તક લખ્યું: 'Gandhiji through my diary leaves (1918-1948)'. ગાંધીજી સાથેનો એમનો સંબંધ ઉષ્માપૂર્ણ રહ્યો, પરંતુ વિચારો અંગે પ્રામાણિક મતભેદ કાયમ રહ્યો.

 

1946માં અમેરિકાની સરકારે કાનજીભાઇને અમેરિકાના મજૂરોની સમસ્યાના અભ્યાસ માટે છ મહિના માટે અમેરિકા આવવાનું આમંત્રણ આપ્યું. કાનજીભાઇ જ્યારે ગાંધીજીના આશીર્વાદ માટે દિલ્હીની વાલ્મીકિ કોલોનીમાં ગયા ત્યારે શું બન્યું? સંવાદ સાંભળો:

ગાંધીજી: તો વાત એમ છે કે તમે મારા આશીર્વાદ લેવા અને અમેરિકા જવાની અનુમતિ માટે મને મળવા આવ્યા છો. હવે હું જો તમારા પ્રવાસ કે આશીર્વાદ માટે અનુમતિ ન આપું, તો તમે ત્યાં જવાનું માંડી વા‌ળશો ખરા?
કાનજીભાઈ: વાત સાચી છે. જો એમ બને, તો હું તમને કરેલી મારી વિનંતી પાછી ખેંચી લઉં. (આ જવાબથી ગાંધીજી હરખાયા)


ગાંધીજી: વાત સાચી છે... તમને મારી અનુમતિ પણ છે અને મારા આશીર્વાદ પણ છે. તમે મારા માટે અમેરિકાથી શું લાવશો?


કાનજીભાઈ: હું ત્યાંથી શુભકામનાઓ, મૈત્રીભાવ, જ્ઞાન અને અનુભવ લેતો આવીશ, જે આપણે ત્યાં ચાલતા રચનાત્મક કાર્યમાં ઉપયોગી થઇ શકે.


ગાંધીજી: એક ચીજ વધારાની પણ લાવશો? અનાજ ભરેલી મોટી સ્ટીમર પણ લેતા આવજો.

 

આ પુસ્તક મને પરિવારના સંતાન અને કાનજીભાઇના ભત્રીજા ઉદય દ્વારકાદાસે મુંબઇથી મોકલી આપ્યું છે. મુંબઇમાં મારું પ્રવચન ગમે ત્યાં હોય, તો પણ ઉદયભાઇ અચૂક તેમાં ઉપસ્થિત રહે જ. તેઓ મારા જબરા ફૅન છે. કાનજીભાઇ મુંબઇમાં મોરારજી દેસાઇ, એસ. કે. પાટીલ, એમ. સી. ચાગલા અને કે. કે. શાહ જેવા કૉંગ્રસી આગેવાનોના પરિચયમાં આવેલા પરંતુ એમનો ગાઢ સંબંધ તો એ વખતના કૉંગ્રેસી નેતા મોહમ્મદઅલી ઝીણા સાથે જ રહ્યો.

 

 

 

પાઘડીનો વળ છેડે

ગાંધીજી એમ કહે કે
હું અને ઝીણા બંને
હિંદીઓ છીએ.
એ ગાંધીજી માટે સારું છે,
પણ, ઝીણા એ કબૂલ નહોતા કરતા.
જો તેમણે (ઝીણાએ) એ કબૂલ કર્યું હોત,
તો પાકિસ્તાનની વાત જ ઉદ્્ભવી ન હોત.
ગાંધીજીને ઘણી વાર ઉપેક્ષા કરવાની ટેવ હતી.

-આચાર્ય કૃપાલાની ('આચાર્ય કૃપાલાનીની આત્મકથા' અનુવાદક: નગીનદાસ પારેખ, પાન. 58)


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Osq42Hro-9hyKat2QQpjiSDehCxgnVv5A%3D6JkP_TCDbmA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment