Wednesday, 2 January 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ આંગળીનાં ટેરવાંનું પાદર (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



આંગળીનાં ટેરવાંનું પાદર!
અંકિત ત્રિવેદી

 

 


ઘણા માણસો એવા હોય છે જે વારેઘડીયે સલાહ આપીને સામેવાળાને પોતાનો ખાલીપો દેખાડી જાય છે. એમના દર્પણમાં લાંબા ગાળાના સંબંધો નામની કોઈ અવસ્થા જ નથી હોતી. એ તો ફક્ત અત્યારે કયો, શેનો ટ્રેન્ડ છે? એની ઉપર પોતાની મોબાઇલ અને જીભ વ્યસ્ત રાખે છે. એવા માણસોની આઇડેન્ટરી એમના સિવાય કોઈને ખબર નથી હોતી. પોતાનું મહત્ત્વ સાબિત કરવા ગેરહાજર રહેલી વ્યક્તિની ટીકા કરીને એ લોકો મનની ભૂખ ભરાઈ ગયાનો સંતોષ માને છે.


કેટલાક પાસવર્ડ જેવા હોય. છુપાઈને રાખવા પડે. વળી, કાયમ યાદ રાખવા જ પડે. ગણેશપાઠ બેસાડીને અવસરની શરૂઆત કરીએ એમ એમનું નામ-કામ એન્ટર કર્યા પછી જ આગળ વધી શકાય. વળી, એમનું નામ ભૂલી ગયા હોઈએ તો 'ડિવાઇસ' પોતે દોઢડાહી થઈને યાદ કરાવડાવે. એમને બદલતા બહુ વાર લાગે. અનેક પ્રશ્નોનો સામનો કરવો જ પડે. પાસવર્ડ જેવા મિત્રો ગુણકારી પણ છે. એક વાર એન્ટર થાય પછી સરળતાનું 'એ.પી.સેન્ટર' બની જાય.


ઘણા માણસો એવા હોય છે જેમને બીજાની ભૂલો કાઢવામાં વધારે રસ પડે છે. બીજો માણસ તો ભૂલો પણ કરે છે. પોતે તો કશું જ નથી કર્યું એની ખબર એને છે, પણ અંદરના માણસને જાણ નથી કરતો. રાજાના વેશમાં ભિખારી રહેવું એના કરતાં પોતે જેવા છીએ એવા રહીને દુનિયામાં કશું જ સાબિત નહીં કરીને પોતાની જાતને સાર્થક કરવી એ વિશેષતા છે, જે પછી કાલાંતરે ઉપલબ્ધિ બને છે. હંમેશાં દર વખતે વારંવાર સામેવાળા ઉપર 'બળાપો' કાઢવો એના કરતાં પોતાની વિચારસરણીને કાચા કાનની કર્યા વગર પોતાનો લય શોધવો અને જીવનની કવિતા લખવી એ અગત્યનું છે. ગોખલાનું અજવાળું ગોખલાને તો અજવાળે છે. સૂરજ થવામાં પોતાનું આકાશ જોઈએ અને જેમની પાસે પોતાનું આકાશ છે એ કદી ફરિયાદ નથી કરતા, પોતાનું કામ કરે છે. ઘણા માણસો એવા હોય છે જે કાયમ 'એવા' જ રહે છે.


કેટલાક માણસો What's app જેવા હોય છે. બેટરીને વધુ નુકસાન થાય અને વળતરમાં કશું જ વળે નહીં. માત્ર હાજરી પુરાવે અને કામ કરવાના સમયે મોબાઇલને પ્રાધાન્ય આપવું પડે. અડોઅડ બેઠેલા માણસો પણ What's appથી જ વાતો કરે છે. સુવિધાનો લાભ લે છે અને મૌનની તરફદારી કરે છે. આવા માણસો જાહેરાતના પાટિયાની આડ સર્વિસ છે. સારું ઓછું આવે અને નકામું વારંવાર સહન કરવું પડે. કામના ભારણ નીચે એમની રિંગ અસ્તિત્વને લોહી ચુંબકની જેમ ખેંચે છે અને પછી બાવાના બેય બગડે છે. પાદરમાં વડીલો ભેગા મળીને વાત વહેતી કરે એમ What's app જાણે આંગળીનાં ટેરવાંનું પાદર છે.


'ના' અને 'નકાર'ના માણસ થવું એના કરતાં સ્વીકાર અને હકારના માણસ થવું વધારે ગમે. આ વાક્ય ધાર્યું હોત તો પોતાનાથી શરૂ કરી શક્યો હોત, પરંતુ વારેઘડીયે જાતને Prominence આપવાનું નથી પાલવતું. જિંદગી નવું શીખવા માટે છે, સરસ જીવવા માટે છે, અસંતોષ વ્યક્ત કરવા માટે નથી. બધા જ ગ્રહો હડતાળ પર ઊતર્યા હોય પછી આપણો જન્મ થયો હોય એવું આપણી કુંડળીને તો ના જ લાગવું જોઈએ. સારું જીવવું એ વિશેષતા છે, આગ્રહ નથી, પરંતુ વિશેષતા આગ્રહ બની જાય છે ત્યારે 'જીવન' સુગંધની જેમ ઊડી જાય છે.


ઘણા માણસો એવા હોય છે જે જીવનની પરીક્ષામાં ધર્મગ્રંથોને ગાઇડો અને અપેક્ષિતો ગણીને પાસ થવા મથતા હોય છે. એમનો ફોટો મર્યા પછી દીવાલે લટકતો હોય છે ત્યારે પણ તેઓ હસવાનું ભૂલી જાય છે. જીવન પરીક્ષા છે જ નહીં એની ખબર ઘણા બધાને હોય છે, પણ એમાં એ લોકોનો સમાવેશ થતો નથી. એમને તો પોતાના ખાબોચિયાને દરિયો માનવાની ટેવ પડી ગઈ હોય છે. ઘણા માણસો એવા હોય છે. ખરાબ જીવવાની લત એમના માટે 'સવલત' હોય છે.

 

ઓન ધ બીટ્સ:

'Learning is a movement from moment to moment.'
- J. Krishnamurti


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OssGKg%3DKhwC9DqKy%3DPZxH%2B6W1rWHjHUW9v85_7Hwmkp3A%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment