ટ્રાન્સપ્લાન્ટ એક જટિલ પ્રક્રિયા છે, જેને સરળ બનાવવાની પ્રક્રિયામાં મેડિકલ સાયન્સ ઘણું આગળ વધી ગયું છે. ટ્રાન્સપ્લાન્ટ માટે કિડની અને દરદી તથા ડોનર બન્નેનું બ્લડ-ગ્રુપ મળવું જરૂરી હતું, પરંતુ આજની તારીખે જો એ બન્ને વસ્તુ પણ ન મળતી હોય તેમ છતાં ટ્રાન્સપ્લાન્ટ શક્ય છે.
ગયા અઠવાડિયે મુંબઈની એક હોટેલમાં એક નાટક ભજવાયું, જેમાં ફક્ત બાર વર્ષના છોકરાનો પર્ફોર્મન્સ જોઈને લોકો દંગ રહી ગયા હતા. આ છોકરો એટલે મુલુંડમાં રહેતો કેદાર પલણ. આજે તેને જોઈને કોઈ સમજી ન શકે, પરંતુ આ બાળકે બાર વર્ષમાં ઘણું ભોગવી લીધું છે. તે જન્મ્યો ત્યારે જન્મથી જ તેને મૂત્રાશયમાં બ્લૉકેજ હતું. આ પ્રકારના પ્રૉબ્લેમ્સ સોનોગ્રાફીમાં પકડાઈ જાય છે, પરંતુ ડૉક્ટરની ભૂલને કારણે એ પકડાયું નહીં. એથી તકલીફ એ થઈ કે જન્મ પછી બાળક દૂધ પીએ પછી સતત ઊલટી કરતું અને તેનું વજન બિલકુલ વધતું જ નહીં. એટલે તપાસ કરાવી ત્યારે ખબર પડી. એક મહિનાના બાળકનું ઑપરેશન થયું અને એ ઑપરેશન પછી પણ એકદમ ઠીક થવા માટે તેનાં બીજાં ત્રણેક ઑપરેશન થયાં. જન્મ પહેલાંથી જ મૂત્રાશયમાં જે ખામી હતી અને એ જન્મ પછી પણ એક મહિનો રહી એને લીધે તેની કિડની પહેલેથી જ ડૅમેજ્ડ હતી. એ ડૅમેજ્ડ કિડની ઉંમર વધવાની સાથે વધુ ને વધુ ડૅમેજ થતી ચાલી. લગભગ દોઢ વર્ષ તે ડાયાલિસિસ પર રહ્યો. ત્યાર પછી પણ પ્રૉબ્લેમ એ હતો કે તેનો ગ્રોથ જ અટકી ગયો હતો. ડૉક્ટરે સજેસ્ટ કર્યું કે બાળકને કિડની-ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડશે. પહેલાં તો કેદારના દાદા કિડની દેવા તૈયાર હતા, પરંતુ તેમની ઉંમર અને અમુક ઉંમરલાયક રોગોને લીધે ડૉક્ટરે ના પાડી. કેદારની મમ્મી રીટાબહેન અને પિતા જતીનભાઈએ નિર્ણય લીધો કે રીટાબહેન પોતે જ કિડની આપશે. જોકે તકલીફ એ પડી કે રીટાબહેન અને કેદારનું બ્લડ-ગ્રુપ અલગ-અલગ હતું, પરંતુ ડૉક્ટરે બાંહેધરી આપી કે બ્લડ-ગ્રુપ અલગ હોવા છતાં ટ્રાન્સપ્લાન્ટ શક્ય છે અને એમાં કોઈ તકલીફ પડશે નહીં. ૨૦૧૪માં કેદારનું ટ્રાન્સપ્લાન્ટ થયું અને આજે કેદાર સ્કૂલ જાય છે, ડ્રામા શીખે છે અને લગભગ નૉર્મલ કહી શકાય એવી લાઇફ જીવે છે. ભાગ્યે જ લોકો જાણે છે કે ડોનર અને દરદી બન્નેનું બ્લડ-ગ્રુપ અલગ હોય તો પણ કિડની ડોનેટ થઈ શકે છે. કેદારના કિસ્સામાં એવું જ બન્યું હતું. આજે જાણીએ એ કઈ રીતે શક્ય છે.
સૌપ્રથમ સમજીએ કે જ્યારે કોઈ પણ વ્યક્તિની કિડની ફેલ થાય અને તેને ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડે છે ત્યારે બે પ્રકારે તેનું ટ્રાન્સપ્લાન્ટ શક્ય બને છે. કોઈ મૃત વ્યક્તિ તેને કિડની ડોનેટ કરે ત્યારે અથવા તો એ વ્યક્તિનાં સગાંસંબંધીમાંથી કોઈ જીવિત વ્યક્તિ તેને કિડની આપે ત્યારે. કોઈ પણ કિડની મળે ત્યારે એને મૅચ કરવાની પણ એક પ્રક્રિયા છે, જેમાં મુખ્યત્વે બે પરિબળો જોવામાં આવે છે. નર્મદા કિડની ફાઉન્ડેશનના મૅનેજિંગ ટ્રસ્ટી અને ગ્લોબલ હૉસ્પિટલ, પરેલના નેફ્રોલૉજિસ્ટ ડૉ. ભરત શાહ કહે છે, 'એક છે ટિશ્યુ-મૅચિંગ. એક જ મા-બાપનાં સંતાનોમાં ટિશ્યુ મૅચ થવાની શક્યતા વધુ રહે છે. એટલે કે દરદીને પોતાનાં ભાઈ-બહેનની કિડની મળે તો એ મૅચ થવાની શક્યતા વધુ રહે છે. એમાં પણ જો જોવા જઈએ તો પચીસ ટકા ભાઈ-બહેનોના ટિશ્યુ ૧૦૦ ટકા મૅચ થતા હોય છે, જ્યારે પચાસ ટકા ભાઈ-બહેનોના ટિશ્યુ મૅચ થવાની શક્યતા પચાસ ટકા જ રહેલી છે. બાકીના બચેલા પચીસ ટકા ભાઈ-બહેનોના ટિશ્યુ બિલકુલ મૅચ થતા નથી. આમ એવું જરૂરી નથી કે ભાઈ-બહેન હોય તો ટિશ્યુ મૅચ થાય જ. ટિશ્યુ મૅચ થવાનો ફાયદો એ છે કે ટ્રાન્સપ્લાન્ટનું રિઝલ્ટ ઘણું સારું આવે છે, પરંતુ જો ટિશ્યુ મૅચ ન થાય તો પણ ટ્રાન્સપ્લાન્ટ શક્ય છે જેમાં ટ્રાન્સપ્લાન્ટ પછી ઇમ્યુનોસપ્રેશન્ટ દવાઓ આપવામાં આવે છે. એથી ઇન્ફેક્શનનું રિસ્ક ઘટી જાય છે. જોકે ક્યારેક કોઈ કેસમાં એવું બને કે ટ્રાન્સપ્લાન્ટ સક્સેસ ન જાય, પણ એ શક્યતા તો કોઈ પણ કેસમાં રહેલી છે જ.'
કેદારના કેસમાં તેનાં મમ્મી સાથે તેનું ટિશ્યુ મૅચ થતું હતું, પરંતુ બીજું પરિમાણ એટલે કે દરદી અને ડોનર બન્નેનું બ્લડ-ગ્રુપ પણ મળવું જોઈએ એ પરિમાણ મળતું નહોતું. એના વિશે સમજાવતાં ડૉ. ભરત શાહ કહે છે, 'દરદી અને ડોનર બન્નેનું બ્લડ-ગ્રુપ મેળવવું એટલા માટે જરૂરી છે કે વ્યક્તિના શરીરમાં જે ટાઇપનું બ્લડ-ગ્રુપ હોય એ ટાઇપનાં ઍન્ટિબૉડીઝ પણ એમાં હોય જ છે. એટલે કે જો વ્યક્તિમાં બ્લડ-ગ્રુપ A હોય તો તેના શરીરમાં બ્લડ-ગ્રુપ ગ્નાં ઍન્ટિબૉડીઝ હોય. બ્લડ-ગ્રુપ B હોય તો બ્લડ-ગ્રુપ Aનાં ઍન્ટિબૉડીઝ. જો બ્લડ-ગ્રુપ ૦ હોય તો તેના શરીરમાં બ્લડ-ગ્રુપ A અને B બન્નેનાં ઍન્ટિબૉડીઝ હોય છે અને જો બ્લડ-ગ્રુપ AB હોય તો કોઈ પણ પ્રકારનાં ઍન્ટિબૉડીઝ હોતાં નથી. આમ બ્લડ-ગ્રુપ AB હોય તો એ યુનિવર્સલ રેસિપિઅન્ટ બને છે. હવે જ્યારે બ્લડ-ગ્રુપ મૅચ થતું હોય તો ટ્રાન્સપ્લાન્ટ ઘણું સરળ અને સારું થાય છે. એટલે કોશિશ એવી જ કરવામાં આવે છે કે બ્લડ-ગ્રુપ મૅચ થાય. પરંતુ જ્યારે એવું થતું નથી ત્યારે બીજા ઉપાયો કરવામાં આવે છે.'
ઉપાય : બે વ્યક્તિનું બ્લડ-ગ્રુપ મૅચ ન થાય ત્યારે શું ઉપાય કરી શકાય એ બાબતે ડૉ. ભરત શાહ કહે છે, 'સૌપ્રથમ તો આવું થાય ત્યારે દરદીના શરીરમાં કેટલાં ઍન્ટિબૉડીઝ છે એ જાણવું પડે છે. જો ઍન્ટિબૉડીઝ ખૂબ જ ઓછાં હોય તો કોઈ પ્રોસીજર કરવી ન પડે, સીધું ટ્રાન્સપ્લાન્ટ તરફ આગળ વધી શકાય અને જો ખૂબ જ વધારે હોય તો પણ પ્રોસીજર કરવાથી કોઈ ફાયદો નહીં થાય એટલે ટ્રાન્સપ્લાન્ટ શક્ય નહીં બને. પરંતુ જો ઍન્ટિબૉડીઝ પ્રમાણસર હોય તો પહેલાં પ્લાઝમા ફોરેસિસ એક્સચેન્જ નામની પ્રક્રિયા કરીને ઍન્ટિબૉડીઝનું પ્રમાણ ઘટાડવું પડે છે અને પછી જ્યારે એનું પ્રમાણ એકદમ ઘટી જાય પછી ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે છે.'
ટ્રાન્સપ્લાન્ટ બન્યું સરળ ૧૯૮૯માં દુનિયાના આ પ્રકારના ટ્રાન્સપ્લાન્ટની શરૂઆત થઈ, જેમાં બ્લડ-ગ્રુપ મૅચ થતું નથી. ૨૦૦૫માં એને ધીમે-ધીમે સમગ્ર દુનિયામાં સ્વીકૃતિ મળી. ૨૦૧૨માં જપાનના એક જાણીતા સજ્ર્યન પ્રોફેસર તનાબે ભારત આવ્યા અને અહીંના મેડિકલ પ્રોફેશનલ્સને એ વિશે સમજાવ્યું અને ટ્રેઇનિંગ આપી. જપાનમાં આ પ્રકારના ટ્રાન્સપ્લાન્ટ અત્યંત સહજ છે, કારણ કે આ દેશના નિયમો મુજબ જીવિત વ્યક્તિની કિડની જ સ્વીકાર્ય રહે છે. મૃત વ્યક્તિ દાન કરી શકતી નથી. એ પછી ધીમે-ધીમે આ પ્રકારના ટ્રાન્સપ્લાન્ટ ભારતમાં થોડાં-થોડાં સેન્ટરમાં શરૂ થયાં છે. આમ જોવા જઈએ તો કિડની મૅચ થાય કે ન થાય, બ્લડ-ગ્રુપ મૅચ થાય કે ન થાય; કોઈ પણ વ્યક્તિ દરદીને કિડની ડોનેટ કરી જ શકે છે. એનો અર્થ એ થયો કે કોઈ પણ દરદી પોતાનાં સગાંસંબંધી પાસેથી કિડની મેળવીને એક નવી જિંદગી શરૂ કરી શકે છે. જો મૅચ થાય તો બેસ્ટ, પરંતુ મૅચ ન થાય તો પણ ટ્રાન્સપ્લાન્ટ શક્ય છે જે મેડિકલ સાયન્સની એક મોટી સિદ્ધિ છે જે ટ્રાન્સપ્લાન્ટ જેવી જટિલ પ્રક્રિયાને સરળ બનાવે છે. મહત્વની વાત એ છે કે જ્યારે કશું મૅચ નથી થતું ત્યારે તકેદારી અને કાળજી વધુ લેવી પડે છે એટલે એ દરેક ટ્રાન્સપ્લાન્ટ સેન્ટરમાં શક્ય બનતું નથી. અમુક ખાસ સેન્ટર્સમાં જ એ શક્ય બને છે.
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ov8HWEOoUKzS3kypRc5fKJi9K95wM-_vRP%3D2SiHQRT1MQ%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment