Saturday, 26 January 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ મોબાઇલ સ્ક્રીન પર જ નહીં ચહેરા પર પણ 'ઇમોજી' ધારણ કરો... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



મોબાઇલ સ્ક્રીન પર જ નહીં ચહેરા પર પણ 'ઇમોજી' ધારણ કરો!
ભવેન કચ્છી

 

 

 

નાહકની ચર્ચા અને દલીલના દરવાજે ઢસડી જનારો વર્ગ વધતો જાય છે

ગઘેડાએ વાઘને સજા અપાવી... આપણે પણ વાઘ જેવા જ લાગીએ નહી તેની તકેદારી રાખવી પડશે

નાપાક દેશો યુદ્ધ લાદવાનો પ્રયત્ન કરે તેમ આપણા ચિત્તની શાંતિને  ડહોળતું સોશ્યિલ મીડિયાનું વાતાવરણ

સોશિયલ મીડિયાના યુગમાં વિચારોના આક્રમણ અને પ્રતિ આક્રમણનો મારો

ગધેડાએ વાઘને કહ્યું 'ઘાસ પીળા રંગનું હોય છે.'

વાઘે કહ્યું: 'નહીં ઘાસ તો લીલું હોય છે.'

પછી તો પૂછવું જ શું ? બંને વચ્ચે ચર્ચા જામી પડી. બન્ને પોતપોતાની વાતમાં મક્કમ રહ્યા. આ વિવાદના અંત માટે બંને જંગલના રાજા સિંહની પાસે ગયા. પ્રાણી દરબારમાં બધા પ્રાણીઓને ફરતે વચ્ચે સિંહાસન પર સિંહ ભારે ખુમારી સાથે ન્યાય આપવા બેઠો હતો.

વાઘ કંઈક કહે એ પહેલાં તો ગધેડાએ કહેવાનું શરુ કર્યું: 'બોલો વનરાજ ઘાસ, પીળું હોય છે ને ?'

સિંહે ગધેડા સામે આંખ મિલાવ્યા વગર ભારે ઠંડકથી બેફિકરો જવાબ આપ્યો કે, 'હા, ભઈલા તે એમાં નવું શું કહ્યું... ઘાસ તો પીળું જ હોય ને...' ગધેડો ફૂલાયો તેણે સિંહરાજને ફરિયાદ કરી કે, 'રાજન આ વાઘ માનતો જ નથી. ક્યારનો ખોટો પ્રચાર કરે છે કે ઘાસ લીલું હોય. તેને સજાનું ફરમાન કરો.'

સિંહ રાજાએ ઘોષણા કરી કે, 'વાઘને એક વર્ષ જંગલ બહાર રહેવાની સજા કરું છું.' ગધેડો તો પોતે કેટલો જ્ઞાાની છે, આખા જંગલમાં ફરતો જાય અને ગર્દભવાણી ફેલાવતો રહ્યો કે 'જુઓ મેં વાઘને શાસ્ત્રાર્થમાં હરાવી દીધો. વાઘને રાજા દ્વારા સજા અપાવી.' ગધેડો તો ઉછળતો કૂદતો નીકળી ગયો હતો પણ હજુ વાઘ સહિત અન્ય વન્યસૃષ્ટિ સિંહ ફરતે જ ઊભી હતી.

વાઘે દયામણી અરજની મુદ્રા સાથે સિંહને કહ્યું, 'રાજાધિરાજ, ઘાસ તો લીલું જ હોય ને... તમે પણ ?'

સિંહરાજે કહ્યું કે, 'હા, ઘાસ તો લીલું જ હોય છે.'

વાઘે કહ્યું: '..તો પછી મને જંગલની બહાર રહેવાની સજા શા માટે ?'

સિંહે અન્ય તમામ પ્રાણીઓ પણ બોધ ગ્રહણ કરે તેમ જોરથી કહ્યું કે,

'તને એટલા માટે સજા નથી આપી કે ઘાસ પીળું હોય છે કે લીલું. તારી સજાનું એકમાત્ર કારણ એ છે કે તારા જેવા બહાદુર અને ઉચ્ચ કોટિના જ્ઞાાની પ્રાણીએ ગધેડા સાથે વિવાદ કર્યો અને અહીં સુધી ન્યાય મેળવવા આવ્યો.'

ગધેડાના આવા બેહૂદા પ્રશ્ન અને વિવાદ કે અજ્ઞાાની સંસ્કારનો જવાબ આપવા કરતા તારે શાણપણ વાપરીને એમ જ કહેવાનું હતું કે, હા, ભાઈ ઘાસ પીળું હોય છે.'

૧૦૦ વર્ષના એક વૃદ્ધને જોઈને પંચાતિયા યુવાને તેને પૂછ્યું કે, 'તમારી લાંબી આવરદાનું રહસ્ય શું ? આજે પણ ફૂલગુલાબી, મેદ વગરની કાયા સાથે ફીટ લાગો છા.'

વૃદ્ધે કહ્યું કે, 'કંઈ નહીં બેટા, બે ટંકનું ભોજન, છ- સાત કલાકની ઊંઘ અને હકારાત્મક જીવનશૈલી અને જીવનમાં કોઈ જોડે ક્યારેય દલીલ નથી કરી.'

પંચાતિયો યુવાન એમ ટૂંકમાં થોડુ પતાવે, તેને તો પ્રશ્નમાંથી પ્રશ્ન કાઢી પીલ્લામાંથી દોરી બહાર કાઢતા રહેવાની આદત હતી, તેણે કહ્યું કે, 'દાદા તમારી એ વાત તો સાચી પણ કસરત કરતા હશો બાકી આવી આવરદા અને ચુસ્તી ના મળે.'

દાદાએ કહ્યું, 'ના ભાઈ કસરત નથી કરતો.' પંચાતિયા યુવાનની આંખોમાં ચમક આવી તેને લાગ્યું કે લાંબી ચર્ચાનું પ્લેટફોર્મ ઘડી નાખ્યું છે. હવે તેણે કહ્યું કે, 'દાદા કસરત નહી કરતા હો પણ ત્રણ- ચાર કિલોમીટર રોજ ચાલતો તો હશો જ તે વગર...'

દાદાએ યુવાનનું વાક્ય કાપી નાખતા કહ્યું કે, 'હા ભાઈ બોલ રોજ કસરત પણ કરું છું અને ચાર કિલોમીટર ચાલું છું પણ ખરો...' યુવક ખાસિયાણો પડીને બીજા કોઈ ચર્ચાના ચોતરાબાજની શોધમાં આગળ ચાલવા માંડયો.

સોશિયલ મીડિયાના આ જમાનામાં ઉપરોક્ત બે પ્રસંગોનો બોધપાઠ જીવનમાં ઉતારવા જેવો છે જો તેને નહીં અનુસરો તો તમારા જીવનની ઊંઘ અને શાંતિ બંને હણાઈ જશે. બધા નાગરિકો અખબારો વાંચતા, ટી.વી.ની ન્યૂઝ ચેનલો જોતા થઈ ગયા છે. તેઓ ધારે તો તેમના સ્માર્ટ ફોનથી ગુગલ સર્ચ કરીને કે જુદી જુદી પોર્ટલ, બ્લોગ પર જઈને તેમના વિષયમાં વધુ ઉંડાણમાં જઈ શકે તેમ હોય છે પણ તેઓને તેમાં રસ જ નથી.

એક બહોળા વર્ગને માહિતીના આદાનપ્રદાનમાં રસ જ નથી તેનો પૂર્વઇરાદો  જ વાતની શરૂઆત ઉગ્ર ચર્ચામાં પરિવર્તિત થાય તેમાં છે. આ વ્યક્તિ પણ તમારા તર્ક કે યોગ્ય- સચોટ મુદ્દાસભર  મંતવ્ય મેળવવા નહી પણ શરૂથી જ તેના પૂર્વગ્રહ, માન્યતાઓને તમારા દિમાગમાં ઠસાવવા માટે જ દલીલોની જમાવટના ઇરાદાથી પીચ પર બોલ ફેંકે છે.

તેની વાતમાં પૂર્વઅભ્યાસ કે તારણો નથી હોતા. ઉદાહરણ તરીકે આવી વ્યક્તિ તમને છેડે કે, 'મોદી છે જોરદાર હો... ભલે વિપક્ષો ઉધામા નાખે પણ છેલ્લે તો તે જ વડાપ્રધાન બનશે.' આપણો વાંક એ હોય છે કે તરત જ ચર્ચાનો દોરને વેગ આપતા 'મોદીને માટે લોકસભાની ચૂંટણીમાં તકલીફ પડશે' તેવી દલીલ કરવા માંડીશું ખરેખર જેવી આવી વ્યક્તિ એમ કહે કે, 'મોદી જ જીતશે' તે સાથે જ તમારે તે સ્વીકારી લઈને પૂછવાનું હતું કે, 'હા બિલકુલ સાચી વાત પણ કઈ રીતે તે તમે સમજાવો.' શક્ય છે કે આ ભાઈને લોકસભાની કેટલી બેઠકો છે તે પણ ખબર ના હોય.

જો તમે ભાજપને ૧૦૦ બેઠકોના પણ ફાંફા પડશે તેમ કહો તો તમે જાળમાં ફસાયા. મોદીના શાસનની ખુદ ભાજપ હાઇકમાન્ડ નહીં જાણતું હોય તેવી યશોગાથા આવી વ્યક્તિ ગાઈ બતાવશે. તમે મોદીની વિરૂદ્ધમાં કહેશો તો તે એ પણ ખરૂ તેમ ઉમેરતા જશે. ખરેખર આવી વ્યક્તિનું કોઈ સ્ટેન્ડ જ નથી હોતું અથવા કલાક પછી બીજી વ્યક્તિને 'મોદીની હાર નક્કી છે' તેવી વાત વહેતી મૂકશે.

ન્યૂઝ ચેનલોમાં રાત્રે ૯થી ૧૦ જે વિષય પર પેનલ ચર્ચા ચાલે છે તેનો નાગરિકોમાં વ્યાપક ચેપ ફેલાયો છે. જેઓએ લોન લીધી નથી કેે લેવા માંગે તો હપ્તા ભરી શકાય તેવી આર્થિક સ્થિતિ નથી તેઓ એમ જ અદ્ધર તાલ રિઝર્વ બેંકની નીતિઓ અને રેપો રેટની વાત માંડે છે.

'ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઇક'નો માની લો કે રિવ્યૂ ખરાબ આવ્યો હોય  અને આપણને તે ગમ્યું હોય તો આપણે ખોંખારીને તેમ નથી કહી શકતા કે મને તો ફિલ્મ બહુ ગમી. હું બીજાને પણ ભલામણ કરીશ. કમ સે કમ ભારતીય સેનાનો જોશ તો બતાવ્યો છે. હોલીવુડની કાલ્પનિક વોર ફિલ્મ જોઈને કેવી દંભી દાદ આપીએ છીએ !

આપણે કોઇપણ વિષય પર મૌલિક વિચારવાની કે મંતવ્ય આપવાની આદત ગુમાવી દીધી છે. આપણી વાતો, મંતવ્યો, તર્ક અને જ્ઞાાન બધું જ અધકચરૂં તો છે જ પણ તે મીડિયા અને સોશિયલ મિડીયા નક્કી કરે છે. આપણા પર લાદે છે આપણને તેને જ સ્વીકારી તેને આપણું જ્ઞાાન માનીએ છીએ.

આપણું પોતાનું મંતવ્ય શું છે ? આજે મમતા બેનરજી રેલી મેદની જમાવે તો તેમને વડાપ્રધાન તરીકે અજમાવવા જોઇએ તેમ સ્વીકારીશું અને બીજા દિવસે માયાવતી અખિલેશના ગઠબંધનને તક તો આપવી જોઈએ... ત્રીજા દિવસે રાહુલ ગાંધીના ગાલમાં ખંજન પડતું હોય તેવો ચહેરો જોઈને તેના માટે સોફ્ટ કોર્નર રાખીશું.

અગાઉના વર્ષોમાં નાગરિકો પાસે આવા રોજેરોજ 'ડાયવર્ઝન' પામતા ન્યુઝ, ઘટના અને માધ્યમો નહોતા. રાત્રે ઓટલા પર નાગરિકો મળતા અને ગામની પંચાત થતી. આજે તો રોજેરોજ ૨૪ કલાક નોકરી- ધંધા કામ દરમ્યાન અને સવારે ઉઠીને, રાત્રે મધરાતે પણ બેચેનીને લીધે જાગી જઇને આ જ મનોદુનિયામાં રહીએ છીએ.

રાજકારણ, મોદી તરફ, મોદી વિરૂદ્ધ, અર્થતંત્રના ડરામણા આંકડા કે ખુશામતી ગુલાબી ચિત્ર, અખબારોની લિંક, કોઈ ધર્મની તરફેણ કે વિરૂદ્ધનો ઝેર ઓકતી પોસ્ટ, અકસ્માત- ગુનાખોરી- હત્યા, કૌભાંડ, રાષ્ટ્રવાદી, રાષ્ટ્રદ્રોહી, હિંદુ- હિદું વિરૂદ્ધ સોશિયલ મીડિયા પર પોસ્ટનો મારો સુઆયોજિત રીતે થતો હોય છે.

આવી પોસ્ટ આપણા દિમાગ પર કબજો મેળવી લે છે અને તે પછી આપણે જ આવી ચર્ચામાં જોડાઈ જઇ તેને ફોરવર્ડ કરીશું. જે મળે તેની જોડે ચર્ચાઓ દલીલો માટેનો તખ્તો ઘડીશું. આ હદે આપણે બધા પૂર્ણ સમય પાયાહીન રાજકારણ, ધર્મ- વાદ, રાષ્ટ્રવાદ, અર્થતંત્ર, સમાજ, ગુનાકીય ઘટનાઓ, ગોસિપ પાયા વગરના ટ્વિટ, તેના ઉત્તરો વ્યક્તિ કે સમાજની હાંસી ઉડાવવામાં જ વ્યસ્ત રહીએ છીએ.

તમારા મનની શાંતિને ડહોળવાનું જ એક વર્ગનું જાણે મિશન હોય તેમ લાગે. જેમ એક નાપાક દેશ તમારા પર યુદ્ધ લાદવાના પ્રયત્ન કરે તેમ એક વર્ગ તમારા શાંત અને દિવ્ય સુખને ડહોળવા જાણી જોઈને અમુક વર્તન, શબ્દો, ચર્ચા છેડતી હોય છે.

તમને કંઈક સફળતા સંદર્ભે શુભેચ્છા આપવાની હોય ત્યારે પ્રતિભાવ ન આપીને પણ આ વર્ગ વિકૃત મજા માણતો હોય છે. ઘણી વખત એવું વર્તન તમને જાણી જોઈને ઉશ્કેરવા કરે કે તમારી જોડે ચડભડ કરી તમને તેમના સ્તરે લાવવાનો પ્રયત્ન થાય.

આપણે માનીએ છીએ તેટલું ભોળપણ હવે નાગરિકોમાં નથી રહ્યું. ટીનએજથી જ ચાલાકીની વસંત બેસી જતી હોય છે. તમે હૃદયથી પેશ થઇને થાકી જાવ અને સામી વ્યક્તિ તેની જડ અને સંકુચિત બુદ્ધિથી જ તમને વેતરે રાખે.

સરવાળે હૃદયની નિર્મળ વ્યક્તિને એવી હતાશા જાગે કે, 'શું હું આ સમાજમાં 'મિસફિટ' કે મૂર્ખ શિરોમણી તો પુરવાર નથી થઈ રહ્યો ને ?''

ઘર, કુટુંબ, સમાજ, ઓફિસ, ધંધાના સ્થાને કે સોશિયલ મિડિયામાં સંયમ અને સ્વસ્થતાથી રહેવાનો સમય છે. તમારી શાંતિના ઉંડાણમાં ઇરાદા સાથે કે ઇરાદા વગર લંગસિયાઓ નખાતા જ રહેવાના... કંઈ પણ ઉત્તર આપ્યા વગર, ચર્ચામાં પડયા વગર મોબાઇલ સ્ક્રીન પર જ નહીં ચહેરા પર પણ ઇમોજી ધારણ કરો.. વાઘની જેમ સજા ના કાપવી હોય તો... ૧૦૦ વર્ષ જીવવું હોય તો.

તેમની પ્રકૃતિ બદલતા બદલતા

હું વિકૃત થઈ ગયો.. હતો પહેલા

સ્વીકૃત હવે તિરસ્કૃત થઈ ગયો

- રંગરેજ


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Os%3DEX%3Dev8KqqZTBt5tUUaN%3DsaC-rh9Ejx2SQZd%3Dg5rrSQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment