Saturday, 26 January 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ આજનો વિશ્ર્વ ધર્મ દિવસ કેવી રીતે ઊજવશો? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



આજનો વિશ્ર્વ ધર્મ દિવસ કેવી રીતે ઊજવશો?
સમજણ-મુકેશ પંડ્યા

amdavadis4ever@yahoogroups.com

ધર્મ એટલે 'ધારણ કરવું તે' થી માંડીને 'વિવિધ ઉપાસના પદ્ધતિ' આ બે વ્યાખ્યાઓની વચ્ચે સેન્ડવીચ થઈ ગયેલો શબ્દ. આજનો દિવસ વિશ્ર્વ ધર્મ દિવસ (વર્લ્ડ રિલિજિયન ડે) તરીકે ઓળખાય છે ત્યારે પહેલાં તો આપણે ધર્મને એના ખરા અર્થમાં સમજવાની જરૂર છે. ચાલો જરા, ધર્મરૂપી નદીમાં ડૂબકી મારીને આપણે પણ જ્ઞાનના સ્નાનનો લાભ લઈએ.

ધર્મ શબ્દ મૂળ તો સંસ્કૃત શબ્દ 'ધૃ' પરથી આવ્યો છે અને ધૃ એટલે ધારણ કરવું તે. ધર્મની મૂળભૂત વ્યાખ્યા તો તમારા જન્મ વખતે શરીરે જે પ્રકૃતિ ધારણ કરી હોય તે. મતલબ કે તમે સ્ત્રી હોવ કે પુરુષ - એ તમારી જન્મજાત પ્રકૃતિ છે. સ્ત્રી તરીકે જન્મીને જે કાર્ય કરો એ સ્ત્રી ધર્મ, પુરુષ તરીકે જન્મીને જે કાર્ય કરો તે પુરુષ ધર્મ.

જન્મીને મોટી થયેલી વ્યક્તિ જે જે કાર્યપ્રણાલીમાં દાખલ થાય છે અથવા તો જે કાર્યોને એ ધારણ કરે છે તે થયો વ્યવસાયરૂપ ધર્મ. બ્રાહ્મણ ધર્મ, ક્ષત્રિય ધર્મ, વૈશ્ય ધર્મ, શુદ્ર ધર્મ - વિગેરે. જોકે આ ચાર ધર્મ - તેમને સોંપવામાં આવેલાં કાર્યોને અનુરૂપ હતા. તેમાં કાઈ ઊંચનીચના ભેદભાવ ન હતા. (આ ભેદભાવ - ધર્મ આધારિત ન હતા. પણ કર્મ આધારિત હતાં એ પછી સમજાવશું). આજના સમયમાં અગર કર્મો આધારિત ધર્મનો ઉલ્લેખ કરવાનો હોય તો એમ કહી શકાય કે રાજકારણીઓએ રાજધર્મ નિભાવવો જોઈએ તો વેપારીઓએ વેપારી ધર્મ નિભાવવો જોઈએ. ડૉક્ટરે દાક્તરી ધર્મ નિભાવવો જોઈએ તો સર્વિસમેને સેવા ધર્મ નિભાવવો જોઈએ. મતલબ સીધો ને સાદો છે. ધર્મ એટલે જન્મ સમયની પ્રકૃતિ - ધર્મ એટલે કર્મ સમયની પ્રવૃત્તિ. ધર્મ એટલે જે પ્રકૃતિમાં જન્મ્યા હો કે જે પ્રવૃત્તિમાં જોતરાયા હો તેને અનુકૂળ રહી નિષ્ઠાપૂર્વક બજાવાતી ફરજ. આ વ્યાખ્યા ત્યારની હતી જ્યારે ભારતમાં શક, હૂણ, મોગલ કે અંગ્રેજ શાસન આવ્યું ન હતું. આ એ કાળની વાત છે જ્યારે 'હિંદુ' શબ્દ પણ આપણા શબ્દ કોષમાં ન હતો. ચાલો દાખલા - દલીલથી આ વાત સમજીએ.

'જેસલ-તોરલ' યુગમાં એક લોકગીત બહુ પ્રચલિત થયું હતું એ તો તમને ખબર જ હશે. આ ગીતના શરૂઆતના શબ્દોનું વિશ્ર્લેષણ કરીએ.

ગીતના શબ્દો હતા,

'પાપ તારું રે પરકાશ જાડેજા,

ધર્મ તારો સંભાળ રે...

તારી બેડલીને બૂડવા નહીં દઉં...'

હવે છસો વર્ષ પહેલાની આ વાત. ત્યારે અત્યારે છે એવા અર્થમાં વિવિધ ધર્મો સંપ્રદાયો હતાં જ નહીં તો આ ધર્મ શબ્દ કેમ વપરાયો હશે? આ ધર્મ શબ્દ વપરાયો છે. જેસલને તેના મનુષ્યરૂપ કાર્યોની યાદ દેવા માટે. અહીં જાડેજા શબ્દ વપરાયો છે એટલે તે વખતના ક્ષત્રિય કુળ રાજઘરાનાનાં કુટુંબોની એક અટક - એક ઓળખ. હવે ક્ષત્રિય ધર્મ તો એમ શીખવે છે કે નિ:શસ્ત્ર હોય, અબળા હોય, બાળક હોય તેની રક્ષા કરવી, પરંતુ આ જેસલ જાડેજાએ શું કર્યું હતું. એણે તો કુંવારી જાનો લૂંટી હતી, બેન-ભાણેજને માર્યા હતા. મતલબ કે ક્ષત્રિય ધર્મની વિરુદ્ધનું કાર્ય તેણે આખી જિંદગી કર્યું હતું. બસ તોરલ સતી, તેને આ કાર્યોને યાદ કરીને પ્રાયશ્ર્ચિત્ત કરવાનું કહે છે અને મૂળભૂત ક્ષત્રિય ધર્મ સંભાળવાનું કહે છે. અહીં ધર્મ શબ્દ તેને (એટલે કે ક્ષત્રિયને) સોંપાયેલા કર્મ માટે પ્રયોજાયો છે.

બીજો એક કિસ્સો સાંભળવા જેવો છે જેમાં સાધુ ધર્મ અને પ્રાણી ધર્મની વાત આવે છે.

એક નદી કિનારે પાણીમાં તણાઈ જતા વીંછીને જોઈને સાધુ એને બચાવવા દોડે છે. સાધુ એને હાથમાં લે છે, પરંતુ વીંછી એને ડંખ મારે છે અને વેદનાથી સાધુના હાથ છૂટા થઈ જાય છે. વીંછી પાછો પાણીમાં પડે છે. ફરીથી એ વીંછીને બચાવે છેે, પણ ફરીથી એ સાધુને ડંખ મારીને પાણીમાં પડે છે. આવું વારંવાર થાય છે ત્યારે બાજુમાં કપડાં ધોતો ધોબી પૂછે છે.

'બાબા' આ વીંછીને તમે બચાવો છો, પણ એ તમને દુશ્મન સમજીને ડંખ મારે છે અને પાછો પાણીમાં પડે છે. તમે આ પ્રયત્ન છોડી કેમ નથી દેતા?

ત્યારે એ સાધુ બહુ સરસ જવાબ આપે છે. કરડવું કે ડંખ મારવો એ વીંછીનો ધર્મ છે, પણ પ્રાણીમાત્રને મુસીબતથી બચાવવા એ સાધુ-સંતોનો ધર્મ છે. એ એનો ધર્મ નિભાવે છે, હું મારો ધર્મ નિભાવું છું.

આખરે સાધુ-મહારાજ વીંછીને બચાવીને જ જંપે છે.

મતલબ સીધો સાદો અને આંખે ઊડીને વળગે એવો સ્પષ્ટ છે. અત્યાર સુધી જન્મથી જે પ્રકૃતિ મળી છે એટલે કે નર, નારી, પશુ-તે પ્રકૃતિ અને પછી પ્રવૃત્તિ વડે જે કર્મ થતાં એ જ ધર્મ કહેવાતો. પણ જ્યારથી વિદેશીઓ ભારતમાં આવ્યા ત્યારથી ધર્મ - એ કર્મ નહીં પણ વિવિધ લોકોની વિવિધ ઉપાસના પદ્ધતિમાં ફેરવાઈ ગયો, મોગલો અરબસ્તાનથી લાવ્યા એ ઈસ્લામ ધર્મ, ખ્રિસ્તીઓ યુરોપથી લાવ્યા એ ખ્રિસ્તી ધર્મ અને આ બંને સિંધુ નદીને કિનારે આવેલા લોકો જે ધર્મ પાળતા હતા તેને હિંદુ ધર્મ તરીકે ઓળખવા લાગ્યા.

આમ જુઓ તો અરબસ્તાનમાં જે સભ્યતા ઉછરી તે લોકોના ત્યાંના સ્થળ, કાળ અને વ્યક્તિગત અનુભવોને આધારે સાચો હતો. તો યુરોપમાં જે સભ્યતા ફેલાઈ તે પણ ત્યાંના દેશ, કાળ અને આબોહવા પ્રમાણે સુસંગત હતો. ભારતમાં જે સભ્યતા ફેલાઈ એ ભારતના હવામાન, સ્થળ અને કાળને અનુકૂળ હતી. દરેક ધર્મનું મૂળ તો અંતે 'સત્ય'ને પામવાનું જ હતું. વિવિધ ઉપાસના પદ્ધતિ છેવટે તો એક સત્ય તરફ જ લઈ જાય એવી હતી. પરંતુ મોકાણ ત્યારથી શરૂ થઈ જ્યારથી દરેકને પોતાનો સંપ્રદાય શ્રેષ્ઠ લાગવા લાગ્યો અને બીજાનો ધર્મ ભયાવહ લાગ્યો. પોતપોતાના ધર્મ - કે સંપ્રદાયને શ્રેષ્ઠ ગણાવવાની ચડસા-ચડસીમાં - ધર્મનો મૂળભૂત આશય જ લાપતા થઈ ગયો. રહી ગયા માત્ર આડંબર, રીતરિવાજો, રહેણીકરણી અને ઝઘડા. આજકાલ બીજી એક ફેશન શરૂ થઈ છે. ભગવદ ગીતામાં શ્રીકૃષ્ણે કહ્યું છે કે

'પોતાનો ધર્મ કષ્ટદાયક હોય તો પણ તે જ પાળવો

બીજાનો ધર્મ સરળ હોય છતાંય તે સર્વનાશ નોતરે છે.'

હવે આ લોકોને કેવી રીતે સમજાવવા કે ૫૦૦૦ વર્ષ પહેલાં ગવાયેલી આ ગીતામાં જે ધર્મની વાત આવે છે એ અર્જુનને કર્મની કે ફરજની યાદ કરાવે તેવા ધર્મની છે. તે વખતના ક્ષત્રિય ધર્મની વ્યાખ્યા એ હતી કે શસ્ત્રો હેઠા મૂકીને અન્યાય સામે ઝૂકી જવા કરતાં, મોત આવે તો ભલે આવે પણ અન્યાય સામે લડતા રહેવું. એ વખતનો ધર્મ શબ્દ - દરેકનાં કર્મો દરેકની પ્રવૃત્તિ સૂચવતો. પણ આજે આપણે ધર્મને ઉપાસના પદ્ધતિ સમજીએ છીએ. આપણી ઉપાસના પદ્ધતિમાં

કષ્ટ પડે તો પણ સહન કરવાની. એમાં ફેરફાર કરીએ તો 'પાપ' લાગે એવા ભયને કારણે લોકો રૂઢિચુસ્ત બનતા ગયા. બીજા ધર્મમાં પણ સારી વાતો હોઈ શકે કે પોતાના ધર્મમાં પણ સમય પ્રમાણે બદલાવ લાવી શકાય કે લાવવો જોઈએ એવું આ રૂઢિચુસ્તોને ગળે ઉતારવું એટલે ઘાસની ગંજીમાં સોય શોધવા બરાબર છે.

જોકે, ભગવદ ગીતામાં શ્રીકૃષ્ણના મુખે મુકાયેલા ઉપરોક્ત સંદેશમાં આજની હિન્દુ પેઢીએ જ અર્થનો અનર્થ કર્યો છે, એવું નથી. આવું જ એક વાક્ય ઈસ્લામ ગ્રંથમાં પણ છે 'તેમાં એમ કહેવામાં આવ્યું છે કે જે ઈસ્લામ ધર્મ નથી પાળતા એ બધા કાફિર છે.' યા અલ્લાહ આ વાક્યને લીધે પણ આજના મુસ્લિમોમાં એવી ગેરસમજ ફેલાઈ જેવી રીતે હિંદુઓને ભગવત ગીતામાં ફેલાઈ હતી. ઈસ્લામ એટલે ભાઈચારો અને પ્રેમ, જે લોકો પ્રેમથી હળીમળીને નથી રહેતા વેરવૃત્તિ ધરાવે છે એ કાફિર હોઈ શકે. પણ લોકો એવું સમજવા લાગ્યા કે જે લોકો 'ઈસ્લામ સંપ્રદાય નથી પાળતા એ બધા કાફિર છે.'

સાલ ૨૦૦૮માં મુંબઈમાં હુમલો કરવાવાળા કસાબે કામા હૉસ્પિટલના કર્મચારી પાસે પાણી માગ્યું. પેલા કર્મચારીએ પ્રેમથી એને પાણી આપ્યું. કસાબ એન્ડ કંપનીએ એને જ ગોળી મારી દીધી. કર્મ પ્રમાણે તો પેલો કર્મચારી ઈસ્લામ હતો. (કારણ કે એણે તો ભાઈચારો અને પ્રેમ નિભાવ્યો) પણ જન્મ પ્રમાણે એ ઈસ્લામ નહોતો એમાં જાનથી હાથ ખોઈ નાખવા પડ્યા. શું માણસ પોતાના ધર્મનો હોય તો જ સારો. બાકીના બધા જ માણસ ખરાબ હોય?

અરે હવે તો ધર્મ શબ્દ વધુને વધુ સંકુચિત થતો જાય છે. એક જ ધર્મમાં જરાક વિચારભેદ આવે એટલે નવો પંથ, નવો સંપ્રદાય, નવા વાડા, નવા ફિરકા અને એ પણ એવાં કે એકબીજાથી ઊંધા જ ચાલે. અને જેમ જેમ માણસ આવા વાડાબંધીમાં ફસાતો જાય છે તેમ તેમ તેને ડરાવીને કે લાલચ આપીને પોતાની મતબૅંક ઊભી કરવા માગતા રાજકારણીઓ પણ અધર્મ આચરે છે.

દરેક જણ આ વાત સમજે અને ધર્મ એટલે પોતે જેમાં જન્મ લીધો છે એ જ્ઞાતિ, એ જાતિ, એ કોમ નહીં પણ, ધર્મ એટલે નિષ્ઠા, ધર્મ એટલે કર્તવ્ય, ધર્મ એટલે સત્કર્મ, સદ્વિચાર અને સદ્વૃત્તિ. ધર્મ એટલે પરમેશ્ર્વર (સત્ય)ને પામવાનો પરમ પ્રયત્ન એવું વિચારતો થાય. એ આજના વિશ્ર્વ ધર્મ દિવસની સાચી ઉજવણી હોઈ શકે.

---------------------------

વર્લ્ડ રિલિજિયન ડે

વર્લ્ડ રિલિજિયન ડેની શરૂઆત અમેરિકામાં ૧૯૫૦માં બહાઈ પંથના આધ્યાત્મિક વિભાગે કરી હતી. દરેક જાન્યુઆરી મહિનાના ત્રીજા રવિવારે આ દિવસ ઉજવાય છે તે મુજબ આજના રવિવારનું અનેરું મહત્ત્વ છે. વિશ્ર્વમાં નાના-મોટા સેંકડો ધર્મો પાળવામાં આવે છે. આ દરેક ધર્મો વચ્ચે એકતા અને તાલમેળ જળવાય. માનવતાનો સંદેશ ફેલાય એ જ આ દિવસ ઉજવવા પાછળનો હેતુ છે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ovxqq2UGgXcXux3%2BBJT%2BxaURY8%2BSNHGCgEG_Df%2BM4Nrgw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment