Saturday, 26 January 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ અમારો ધોબી અને ગુજરાતી ફિલ્મ... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



અમારો ધોબી અને ગુજરાતી ફિલ્મ!
હસ તું હરદમ - દિલીપ રાવલ
 

 

 
સવાર સવારમાં ફોનની ઘંટડી રણકીને સામે છેડે મારા મિત્ર આફૂસના વેપારી કાનજીભાઇ લંગડા વર્તાયા. "લંગડો વાત કરું છું...કેમ છો? થોડી ક્ષણ તો સમજતા વાર લાગી કે "કોઇ વ્યક્તિ લંગડી હોય તો પણ પોતાને લંગડા તરીકે કઇ રીતે ઓળખાવી શકે? મારા મૌન પછી તરત એમણે શરૂ કર્યું..."અરે મને નહીં ઓળખ્યો. કાનજી લંગડો...આફૂસનો વેપારી...તમારો જૂનો મિત્ર...યાદ છે ને મારા લગનમાં રિટર્ન ગિફ્ટમાં બધાંને આફૂસની પેટીઓ આપી'તી ને તમારી આખી પેટી સડેલી નીકળી'તી.
મેં કહ્યું...."કાનજીભાઇ, (હવે લંગડાભાઇ કહીને કેવી રીતે બોલાવાય?) પેટી તો એકદમ પરફ્ેક્ટ હતી...પણ અંદરની કેરીઓ સડેલી નીકળી'તી... અને મારા જોક પર 'હોહો' કરીને એટલું જોરથી એ હસ્યા કે મારે રિસીવર કાનથી થોડું દૂર લઇ જવું પડ્યું... "અને યાદ છે ને મારા લગનમાં વરઘોડામાં બધાંને કેરીનો રસ પીવડાવ્યો'તો ને તમારા સફેદ રંગના સિલ્કના ઝભ્ભા પર રસ ઢોળાયો'તો ને આખો ઝભ્ભો કેસરી થઇ ગયો'તો. કેસર કેરીના રસથી કેસરી થયેલો ઝભ્ભો... બોલીને પાછું હો હો હો પાછું રિસીવર કાનથી દૂર...
"હા યાદ આવી ગયું આગળ બોલો!ભાભી કેમ છે? મેં વિવેક કર્યો... તો સામું કે છે. "કોના ભાભી, મારા કે તમારા? મને એટલી તો દાઝ ચડી કે ન પૂછો વાત..."અરે હું બદામ ભાભીની વાત કરું છું... "અરે રાવલ સાહેબ, તમને ખબર નથી...બદામ સાથે તો આપણાં ક્યારના છૂટાછેડા થઇ ગયા એને કેરીની એલર્જી હતી. અને આપણો તો કેરીનો જ બિઝનેસ. જે વેચાઇ ન હોય અને સડવા માંડે એ બધી કેરી ઘરમાં જ આવે ને? શરૂઆતમાં તો દૂધ કેરી, કેરીનો રસ, કેરીનો આઇસક્રીમ, કેરીનો હલવો બધું હોંશે હોંશે બનાવતી'તી...પછી એક દિવસ મેં એને 'સંજીવ દલાલની વાનગીઓની એક ચોપડી' લાવી આપી. બસ એ દિવસે ઘર છોડીને જતી રહી.
"કઇ ચોપડી હતી? મેં કુતૂહલવશ પૂછ્યું. તો કાનજીભાઇ લંગડો બોલ્યા...એ ચોપડી હતી. "કેરી માંથી બનતી સાતસો વાનગીઓ. બસ જતી રહી...અત્યારે આંદામાન માં અંગ્રેજી માધ્યમનાં બાળકોને ગુજરાતી ભણાવે છે...
"બોલો શું કામ હતું કાનજીભાઇ? મને થયું આ લપ લાંબી ચાલશે તો...એણે તો ધડાકો કર્યો... આપણે એક ગુજરાતી ફિલ્મ બનાવવી છે... "મારા હાથમાંથી રિસીવર પડતા પડતા રહી ગયું. નવમી દસમીથી આગળ ભણી ન શકેલો... આખો દિવસ દાંત ખોતર ખોતર કરતો આફૂસનો આ વેપારી. એને ને ગુજરાતી ફિલ્મને શું લાગે વળગે? હાલી નીકળ્યો છે ફિલ્મ બનાવવા!
વાચકો,લંગડો અટક એ કેરીની એક જાત 'લંગડો' પરથી પડેલી અટક નથી. આ લોકની મૂળ અટક તો હતી 'ભીમવદરીયા' પણ એમના કોઇ પરદાદા નાનપણમાં નટખટ હશે...ઘડપણમાં પણ નટખટ રહ્યા 'શામજીભાઇ.' એક દિવસ ગામની ભેંસ ઉપર ચોકથી ચિત્ર બનાવવા માંડ્યા... ભેંસને ગલીપચી થઇ હશે કે કોણ જાણે? એણે કચકચાવીને 'શામજી'ને લાત મારી...શામજીના હાથમાંથી ચોક ઊડીને ઉત્તરમાં પડ્યો ને શામજી દક્ષિણમાં પડ્યો. બસ...ત્યારથી લંગડાતો ચાલવા માંડ્યો. અને મશ્કરીમાં આખા ગામે 'શામજી લંગડો' કહેવા માંડ્યું...એમાં પેલી "ભીમવદરીયા અટક ભુલાઇ ગઇ. 'શામજી લંગડા'નું આ ચોથું જનરેશન એટલે કાનજી લંગડો.જેને ગુજરાતી ફિલ્મ બનાવવી છે.
"ગુજરાતી ફિલ્મ કેમ બનાવવી છે તમારી ? "મેં પૂછ્યું તો મને કહે.. "કારણ કે તેલુગુ આપણને આવડતી નથી ને?પાછું હો હો હો. પાછી કાન અને રિસીવરની જુદાઇ.
આપણી પાસે ટાઇટલ તૈયાર છે. 'રસીલો દિવસ.' મને આશ્ર્ચર્ય થયું. 'રસીલો દિવસ.'? આવું કેવું ટાઇટલ? અને પછી એણે મને ફિલ્મનો જે કોન્સેપ્ટ કીધો એ સાંભળીને મને ચક્કર આવી ગયા..."એક આખા દિવસની ફિલ્મ છે. સવારથી લઇને રાત સુધી હીરોના જીવનમાં જુદા જુદા રસ આવે છે... જેમકે દોડવા જાય છે ત્યારે આમળાનો રસ...નાસ્તામાં ગાજરનો રસ...જમવામાં કેરીનો રસ...અને નોકરીની શોધમાં રખડતો હોય છે અને તરસ લાગે છે ત્યારે 'શેરડીનો રસ.ત્યાં જ એને હીરોઇન ભટકાય છે...જે રસની દુકાનની માલકણ હોય છે...લીંબુની ટોપલી લઇને જતી હોય છે...હીરો સાથે ભટકાય છે અને બધાં લીંબુ...જમીન પર હડિયા પાટુ કરવા માંડે છે...હીરો એની મદદે આવે છે. એક એક લીંબુ વીણી વીણીને એની ટોપલીમાં નાખે છે...બન્નેની આંખો ચાર થાય છે અને 'બચ્ચનના દસ અને જયાના આઠ' લખેલા બોર્ડ નીચે ઊભા રહીને બન્ને સેલ્ફી પડાવે છે...
હું મારી જાતને બેહોશ થતા બચાવું છું અને પૂછું છું "બચ્ચનના દસ અને જયાના આઠ એટલે? 'પાછું હો હો અને પાછું એકવાર 'જમણા કાનથી રિસીવરના રિસામણા... "બચ્ચન એટલે ફુલ ગ્લાસ અને જયા એટલે અડધો ગ્લાસ...! સાહેબ, કોમેડી પણ નાખવી જોઇએ ને...? બસ, પછી હીરોઇન હીરોને લીંબુનો રસ ચટાડે છે...બન્ને વરસાદમાં ભીંજાઇને ગીત ગાય છે...હીરોને શરદી થઇ જાય છે...તો એની બા રડતી આંખે એને મધ નાખીનો આદુનો રસ ચટાડે છે. આમ આખો દિવસ 'રસસભર' જાય છે અને ટાઇટલ જસ્ટિફાય થાય છે. 'રસીલો દિવસ' કેવો લાગ્યો કોન્સેપ્ટ સાહેબ? છેને એકદમ ઓરિજીનલ ? આવું તમે આના પહેલા ક્યાંય સાંભળ્યું નહિ હોય...!
હું નકારમાં ડોકું ધુણાવું છું ને બોલું છું...'ના આવું તો મેં ક્યાંય નથી સાંભળ્યું...અરે પણ કાનજીભાઇ. આખી વાતમાં તમને મારું શું કામ પડ્યું? "અરે રાવલ સાહેબ, હીરો હીરોઇન વરસાદમાં ભીંજાય છે ને... એ વખતે જે ગાય છે એ ગીત તમારે લખવાનું છે. પહેલી પંક્તિ પણ તૈયાર છે. અને કેરીનો આ વેપારી ટ્રેનમાં ફરતા ભિખારીઓ ગાતા હોય એમ ગાવા માંડે છે... "દિવસ રસીલો, રસીલો દિવસ, દિવસ રસીલો દિવસ...!!
સરસ મજાનો.મજાનો સરસ...સરસ મજાનો સરસ...
મને આખું બ્રહ્માંડ હલતું હોય એમ લાગવા માંડે છે. "આપણે પછી વાત કરીએ...મારી ફ્લાઇટનો ટાઇમ થઇ ગયો છે. આવું ઉતાવળમાં બોલીને હું ફોન કટ કરી નાખું છું...અને મારી હાંફ અને વધી ગયેલા ધબકારાને કંટ્રોલ કરવાની મથામણ કરું છું ત્યાં અંદરથી પન્ના આવે છે... આજ ખાનેમેં રસ પૂરી ઔર ફજેતા બનાતી હું....ચલેગાના બાબુ... કહીને ચાલવા માંડે છે. અટકીને ટર્ન થાય છે "અરે હાં...આપ ફ્લાઇટમેં કહાં જા રહે હો બાબુ...આપને બતાયા નહિ બાબુ...હમ ભી તો રાહોંમેં પડે હૈં બાબુ...'(મને ક્યાંકથી બાંબુ શોધી કાઢવાનું મન થાય છે.)
"મૈં 'રસીલો દિવસ'નામકી બ્લોક બસ્ટર ફિલ્મ દેખને જા રહા હું ભાભી.શશીકલાની જેમ મોઢું મચકોડીને પન્ના 'તકલીયા'થઇ જાય છે. હું માંડ સ્વસ્થ થાઉં છું ત્યાં એક અવાજ સંભળાય છે. "કપડે નીકાલ કે તૈયાર હૈ ના સાહબ... આઇ એમ શોક્ડ...પછી સમજાય છે...અમારો ધોબી ધતિંગ કનોજિયા છે...આવતાવેંત કહે છે.
"સાહબ એક પરસનલ બાત બતાતે હૈ...કિસીકો બતાના મત. હમ એક ગુજરાતી ફિલ્મ બના રહે હૈં...'દીકરી ચાલી બિહાર.બસ આટલું જ યાદ છે...(કારણ મારી બેહોશી..)
 

--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ou6-T6yGqevA%2Bd9Ct9KkLpSQqV-%3DEdZUFQ%3DsgZFbzALmw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment