Sunday, 6 January 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ બહેરાશ એક આશીર્વાદ,,, (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



બહેરાશ એક આશીર્વાદ!
મસ્તરામની મસ્તી-મિલન ત્રિવેદી

amdavadis4ever@yahoogroups.com

કહેવાય છે કે પહેલું સુખ તે જાતે નર્યા, બીજું સુખ તે સુશીલ ભાર્યા. પહેલી વાતમાં મને ઘણી શક્યતાઓ દેખાઈ રહી છે પણ હજુ સુધી બીજી વાતમાં કોઈ સુખી થયો હોય એવો મરદ બાયનોક્યૂલરમાં પણ દેખાણો નથી. તાવથી માંડીને હાર્ટ એટેક સુધી કંઇ પણ થાય એને તબિયતનો લોચો જ કહેવાય, પરંતુ કાઠિયાવાડમાં કહેવત છે કે 'જેનો ઉપલો માળ ખાલી હોય એ શરિરે લોઠકાં હોય' એટલે જ અમારે ચૂનિયાની તબિયત કાયમ એવરગ્રીન રહે છે. આજકાલ બહુ સામાન્ય દેખાતો રોગ જે ઉમર સાથે સંકળાયેલો છે અને એ છે બહેરાશ. આ એક જ રોગ એવો છે જેનાથી પોતાના કરતાં સામેવાળાને વધારે તકલીફ થાય. આ જ સવાલ મેં ચૂનિયાને પૂછ્યો હતો કે એવો ક્યો રોગ જેનાથી પોતાના કરતાં સામેવાળાને વધારે તકલીફ થાય? તો ચૂનિયાએ તરત જ જવાબ આપેલો કે 'એઇડ્સ' હવે જેવા જેના વિચાર. મને તો બહેરાશ જ એવો રોગ લાગ્યો છે. કાનને અને જીદ્દને કંઇક જૂનું લફરું હશે કારણ, બહેરો માણસ એ જીદ્દ છોડી જ નથી શકતો કે પોતે સાંભળતો નથી.

સામાન્ય રીતે આપણે સૌ એક જ પ્રકારનો રોગ જાણીએ છીએ કે કાને ન સાંભળતા હોય એ બહેરા પણ બહેરાશમાં પણ પ્રકારો હોય છે. કાન બહેરો, ધ્યાન બહેરો અને સાન બહેરો. આ ત્રણેય પ્રકારના બહેરાઓ બહુ ઇન્ટરેસ્ટિંગ હોય છે અને સમાજમાં જુદા જુદા પ્રકારે આતંક ફેલાવવાનું કાર્ય કરે છે! કાન બહેરો એટલે જેને કાયદેસર ઓછું સંભળાય છે કે નથી સંભળાતું. આવા લોકોએ હીયરિંગ એડનો ઉપયોગ કરવો જોઈએ પણ એ લોકોનું દૃઢપણે માનવાનું છે કે મશીન લગાવવાથી ઉમર મોટી લાગે છે. આ જ કારણે માઇક્રો મશીનની શોધ પણ થઈ પણ અમુક માણસોના કાન જ એટલા મોટા હોય કે માઇક્રો મશીન અંદરથી શોધવા માટે ખાસ ડૉક્ટરની ટીમ ઉતારવી પડે! અમુકના કાનમાં મેલ એટલો ભર્યો હોય કે બીજા દિવસે મશીન અંદર જવાની જ ના પાડી દે કે આ કાનમાં હું નહીં રહું. સ્વચ્છતા અભિયાન જેવું કંઈ હોય કે નહીં? ચૂનિયાના બાપાને ૫૦% જેવી બહેરાશની અસર છે. બહેરાશ નહોતી ત્યાં સુધી ચૂનિયાએ તેના બાપાને થકાવી નાખ્યા અને એના બદલા સ્વરૂપે જ જાણે બહેરાશ આવી હોય એમ હવે ચૂનિયાના બાપા વાતે વાતે ચૂનિયાને થકાવે છે. ચૂનિયો એના બાપાને બાપુ કહીને બોલાવે પણ જ્યારથી બહેરાશ આવી ત્યારથી એણે પપ્પા કહેવાનું ચાલુ કરી દીધું. ચૂનિયો એકાએક કેમ સુધરી ગયો તેની તપાસ કરતા ખબર પડી કે ચૂનિયો જેટલી વાર બાપુ બોલે એટલી વાર એના બાપા છાપું લઈને હાજર થઈ જતા. ચૂનિયાએ બે હાથ જોડીને તેના પપ્પાને કહ્યું કે પપ્પા, તમને સંભળાતું નથી એટલે તરત જ એના બાપાએ કહ્યું કોણ કહે છે નથી સંભળાતું? સામું જોઈને બોલ હોઠના ફફડાટ પરથી વાત સમજી લે પણ બહેરા છે એ ન સ્વીકારવું એટલે ન જ સ્વીકારવું! છેવટે ચૂનિયાએ રસ્તો કાઢ્યો. એક અઠવાડિયું મશીન લગાવવા મનાવી લીધા અને શરત રાખી કે આ અઠવાડિયા દરમિયાન મશીન લગાવીને બધાં જ મિત્રોને ત્યાં જઈ આવવાનું પછી નહીં પહેરે તો ચાલશે. મને પહેલા તો લોજિક નહોતું સમજાયું પણ ચૂનિયાએ ખુલાસો કર્યો કે એક વાર બધાને ખબર પડી જાય કે બહેરા છે એટલે બધા આપોઆપ મોટેથી બોલવા લાગશે. ચૂનિયાના બાપાએ મશીનના રોકડા ચૂનિયા પાસેથી લઈ લીધાં અને પછી છોકરાની જૂની હેન્ડ્સ ફ્રીમાંથી વાયર કાઢી ખિસ્સામાં બાકસ સાથે જોડી, કાનમાં ભરાવીને ચૂનિયાને બતાવતા કહ્યું કે આપણે તો બતાવવાથી જ કામ છે ને તો આ રૂપિયા મને ખર્ચવા કામ લાગી જશે. આ સમયે આપણને એમ લાગે કે વાહ બાકી આ ચૂનિયાના બાપા જ છે.

બહેરાશનો બીજો પ્રકાર છે ધ્યાન બહેરો. આમ તો ધ્યાન બહેરા એ મહાન વ્યક્તિઓ માટે સંશોધિત થયેલો શબ્દ છે. ઘણા મહાપુરુષો જ્યારે ધ્યાનમાં બેસતા ત્યારે એકચિત્તે સમાધિ લગાવતા અને આજુબાજુમાં શું થઈ રહ્યું છે તેનું તેમને કંઇ જ ધ્યાન નહોતું રહેતું પણ આજકાલના છોકરાઓ આ પ્રકારની બહેરાશની કલા પોતાના લાભ માટે વિકસાવી રહ્યા છે. મા-બાપની કોઈ પણ સલાહમાં ધ્યાન ન આપવું. એવું સાબિત કરી દેવું કે પોતે વાંચવામાં એટલા મશગૂલ થઇ ગયા છે કે આજુબાજુ શું સલાહો દેવાઇ રહી છે, શું શિખામણો અપાઇ રહી છે એ પર તેમનું ધ્યાન જ નથી! આ પ્રકારની બહેરાશને કામચોરી સાથે સીધો સંબંધ છે. નીચલા કર્મચારીઓ તેમના બોસની વાતમાં ધ્યાન ન આપે, પતિદેવો પત્નીની વાતમાં ધ્યાન ન આપે. હમણા એક પત્નીએ તેના પતિને ઘરનું એક કામ સોંપ્યું અને છેલ્લે કહ્યું કે 'પિંકીએ યાદી આપી છે' તરત જ પતિદેવના કાન ચમક્યા અને પિંકી વીશે પૂછી લીધું એટલે પત્નીએ તક ઝડપી 'પિંકી કોઈ નહીં, બસ આગલી વાત તમે સાંભળી લીધી કે નહીં તેનું ક્ધફર્મેશન લીધું' આવા ધ્યાન બહેરા લોકો માટે પત્નીની જેમ તેમના રસનું એક વાક્ય ઉમેરી દેવું એટલે આ બહેરાશનો ઇલાજ થઈ જાય.

ત્રીજો પ્રકાર છે સાન બહેરા. જે બધું જ સમજતા હોય, સાંભળતા હોય પરંતુ ચહેરાના હાવભાવ બદલ્યા વગર વાતને ઉડાડી શકે અને સાવ અતરંગ વાતો કરી સામેવાળી વ્યક્તિને પણ મૂળ વાત ભુલાવી શકે. આ બહેરાશ સાસુ-વહુના સંબંધમાં, સાસુ-જમાઇના સંબંધમાં કે દેરાણી-જેઠાણીના સંબંધમાં આશીર્વાદરૂપી સાબિત થાય છે. મહેણાટોણા સાંભળવા કરતા એક કાનેથી સાંભળી સોંસરવું બીજા કાનમાંથી કાઢી નાખવું અને મીંઢા-પણાની ચરમસીમાએ પહોંચવું. આ ગુણ રાજકીય પ્રવકતાઓ ખૂબી ધરાવે છે. ટી.વી. પર મહાસંગ્રામમાં ધાણીફૂટ ગોળીબારની જેમ પોતાનો કક્કો ઘૂંટે રાખે. બીજા કોઈ બોલે છે, ટોકે છે, એંકર રોકે છે આ કોઈ વસ્તુ તેમને નડતી નથી. રાજકીય નેતાઓ પણ ચૂંટણી પહેલાના ભાષણમાં ચાર ચાર વાર બોલેલા વચનો લોકોના મગજમાં ઠસાવી દે છે. જીત્યા પછી પ્રજા ૧૦ વાર યાદ કરાવે તો પણ તે સાંભળતા નથી. આ બહેરાશને જાડી ચામડી સાથે સીધો સંબંધ છે. ગેંડા જેવી ચામડીના લોકો આ પ્રકારની બહેરાશમાં ઉત્તીર્ણ થયેલા હોય છે.

આ તો વાત થઈ બહેરા અને સાંભળતા વચ્ચેના ફર્કની પણ જ્યારે બે બહેરાઓ વગર મશીને સામા મળે અને વાતો કરે ત્યારની મઝા કંઈક જુદી જ હોય છે. 'પેન્શન વધ્યું?' તો જવાબ આવે કે 'ના ના આપણે ક્યાં ટેન્શન જ છે' સામેવાળો કહે કે મારે 'ટેન્શન વધુ' તો જવાબ આવે કે 'બહુ સારું કહેવાય. વધવું જ જોઈએ' સરવાળે એટલું કહીશ કે અત્યારની પરિસ્થિતિમાં ચારેબાજુથી અંધાધૂંધીના જ સમાચાર સાંભળવા મળે છે. આવા સંજોગોમાં તો બહેરો માણસ જ સૌથી સુખી સાબિત થાય. પ્રાર્થના તો ન થાય કે ઇશ્ર્વર તમને બહેરા કરે પણ બહેરાશ માણી શકો એટલી ઇશ્ર્વર તમને શક્તિ આપે અને એક્ટિંગની ક્ષમતા આપે એટલે સુખી થશો. વિચારવાયુ: લ્યો બોલો 'મન કી બાત' માટે આટલો ખર્ચો કર્યો અને મેં તો જોયું કે ૩૧મીની રાતે ૮ પછી બધાં મન કી બાત કરતા હતાં અને એ પણ ઈંગ્લિશમાં.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Osj88U%3D9T31YZ9jQT4Cf6Bxo8A5FLZrH-kDZ5%2BKWE6WfQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment