Sunday, 6 January 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ છૂટાછેડાનાં પેપર્સ મોકલ્યાં છે, તારે એમાં સહી કરવી પડશે, તકલીફ તો પડશે, પણ મારી પાસે એનો કોઈ ઉપાય નથી... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



છૂટાછેડાનાં પેપર્સ મોકલ્યાં છે, તારે એમાં સહી કરવી પડશે, તકલીફ તો પડશે, પણ મારી પાસે એનો કોઈ ઉપાય નથી!
મહેશ યાજ્ઞિક

 

 

 

નિહાલચંદનો જવાબ સાંભળીને મદનલાલની કમાન છટકી. એણે સીધી ધમકી આપી."આ ફાઈનલ જવાબ છે વેવાઈ? બહુ લોભ કરવામાં પસ્તાવું પડશે. ઉદેપુરમાં મેં બધાને પાલીતાણાનું વચન આપી દીધું છે. કોઈ આકરો નિર્ણય લઉં એ પહેલાં વિચારી લો.".

 

"મારે કંઈ વિચારવાનું નથી. ધીસ ઈઝ ફાઈનલ.".

 

"તો પછી જાન નહીં આવે." મદનલાલે ફેંસલો સંભળાવ્યો."એકવીસ કન્યાઓ તૈયાર છે. એમાંથી ગમે તેને પસંદ કરીને લગ્નની તારીખે પ્રીતેશને પરણાવી દઈશ, પણ તમારી છોકરી રખડી પડશે.".

 

"છોકરી એનું નસીબ લઈને જ આવી છે, શેઠ! આપણો આ સંબંધ ફોક! તમે મુક્ત અને અમેય ફ્રી. એન્ડ ઑફ ધ ચેપ્ટર!" ઉત્તેજનાથી ધ્રૂજતા અવાજે આટલું કહીને નિહાલચંદે ફોન કાપી નાખ્યો..

 

ભારેખમ વાતાવરણ વચ્ચે બંને ભાઈઓ સામે જોઈને નિહાલચંદ ફિક્કું હસ્યો. "હાશ! છૂટ્યા! નિરાલીનું નસીબ હશે તો એ લાલચુથીયે સારું ઘર મળી જશે.".

 

"સાંભળો છો?" રાત્રે નિહાલચંદની પત્ની લીલાએ કહ્યું."તમે જે કર્યું એ નિરાલીને જરાયે ગમ્યું નથી. આખો દિવસ રડી છે. સાંજે રૂમ બંધ કરીને રડતી રડતી પ્રીતેશ સાથે પણ વાત કરતી હતી.".

 

"શાંતિથી એને સમજાવજે કે મગજમાંથી અને મોબાઈલમાંથી એનું નામ અને નંબર ભૂંસી નાખે. હવે આ સંબંધ કોઈ કાળે શક્ય નથી." બાપના અવાજમાં કરડાકી ભળી. "એ નહીં માને તો એનો મોબાઈલ હું લઈ લઈશ, એ પણ કહી દેજે.".

 

લીલાએ હકારમાં માથું તો હલાવ્યું પણ દીકરીની દશા એ સમજતી હતી..

 

ચોથા દિવસે બપોર પછી નિહાલચંદને છાતીમાં મૂંઝારો થતો હતો એટલે એ ઘેર આવ્યો. એ સોફા પર બેઠો એ સમયે નિરાલીનો મોબાઈલ રણક્યો. હાથમાં મોબાઈલ લઈને એ તરત ઊભી થઈને એના ઓરડામાં ગઈ. ઠપકાભરી નજરે લીલા સામે જોઈને નિહાલચંદ ઊભો થયો. કાન સરવા કરીને ઓરડાના બારણાં પાછળ લપાયો. એ સાંભળતો હતો એ દસ મિનિટ દરમિયાન લીલાના ધબકારા વધી ગયા હતા..

 

નિરાલી બહાર આવી કે તરત બાપે સખ્તાઈથી પૂછ્યું."કાલે સવારે નવ વાગ્યાની શું વાત કરતી હતી? મેં બધું સાંભળ્યું છે. તારા મોંઢે જ સાચેસાચું કહી દે.".

 

બાપનું રૌદ્ર રૂપ જોઈને નિરાલી ગભરાઈ. એ છતાં, બીજી જ પળે ગરદન ઊંચી કરીને એણે મા-બાપ સામે જોયું. "એના પપ્પાએ જે કર્યું એ પ્રીતેશને જરાયે ગમ્યું નથી. બાપ-દીકરા વચ્ચે ટસલ પણ થઈ ગઈ." નિરાલીએ સ્વસ્થતાથી જાણકારી આપી. "વડીલોએ ગમે તે કર્યું, પણ અમારી એકબીજા માટેની લાગણી અકબંધ છે. એના પપ્પાથી છાનોમાનો એ એના ભાઈબંધો અને એક વકીલ સાથે નવ વાગ્યે અહીં આવીને ટાવર પાસે કાર ઊભી રાખશે. હું ત્યાં જઈશ.આર્યસમાજમાં લગ્ન કરીને કોર્ટમાં રજિસ્ટ્રેશન કરાવી દઈશું.".

 

એ બોલતી હતી ત્યારે નિહાલચંદનો ચહેરો ગુસ્સાથી લાલઘૂમ થઈ ચૂક્યો હતો. નિરાલીના હાથમાંથી મોબાઈલ ઝૂંટવીને એણે ત્રાડ પાડી. "બેવકૂફ છોકરી! તારામાં અક્કલ નથી? એ લોભિયાના ઘરમાં જવું છે તારે? મેં ના પાડી એટલે બાપ-દીકરાએ સાથે મળીને તને મૂરખ બનાવવાનો પ્લાન બનાવ્યો છે. લગ્ન પછી તારો સસરો મને નિચોવી નાખશે. તને ત્રાસ આપીને મારી પાસેથી પૈસા ઓકાવશે.".

 

નિરાલી રડતી હતી એની પરવા કર્યા વગર નિહાલચંદે પત્નીને આદેશ આપ્યો. "ખબરદાર! નિરાલી ઘરની બહાર નીકળશે તો હું પંખે લટકી જઈશ. એને એના રૂમમાં જ પૂરી રાખવાની છે તારે!".

 

હવે મા-દીકરી એકમેકને વળગીને રડતાં હતાં ને નિહાલચંદે બંને ભાઈઓ અને ભાભીઓને ધ્યાન રાખવાની સૂચના આપી દીધી. બંધ ઓરડામાં નિરાલી રડતી રહી..

 

મદનલાલે વટ જાળવ્યો. વીસમી ફેબ્રુઆરીએ ઉદેપુરની જ એક રૂપાળી કન્યા સાથે પ્રીતેશને પરણાવી દીધો. એ સમાચાર મળ્યા પછી નિહાલચંદે મુરતિયો શોધવાની દોડધામ વધારી દીધી. એક તો નિરાલીનો ઉચ્ચ અભ્યાસ નડતો હતો. વળી, પ્રીતેશના પ્રભાવમાંથી એ હજુ મુક્ત નહોતી થઈ. બાપની પેઢી પર બેઠેલા, ઓછું ભણેલા, માલેતુજાર મુરતિયાને પણ નિરાલી ના પાડી દેતી હતી.અંતે, એક સગાએ આંગળી ચીંધી. "સેલ્વાસમાં સ્વર્ગવાસી શાંતિલાલ શેઠનું ઘર ઘસાયેલું છે પણ આબરૂ અડીખમ છે. એમનો દીકરો હિતેશ ફર્સ્ટ ક્લાસ એમ.ફાર્મ. થયેલો છે અને વાપીમાં એક દવાની કંપનીમાં સારો પગાર મેળવે છે. મા અને દીકરો કન્યા શોધે છે પણ સેલ્વાસમાં રહેવા કોઈ કન્યા તૈયાર નથી એટલે મેળ પડતો નથી." નિહાલચંદ કુશળ ધંધાદારી હતો. પેલા સજ્જન જે બોલ્યા એ સાંભળતી વખતે જ એનું મગજ સક્રિય બની ચૂક્યું હતું. પાંચ મિનિટમાં તો એણે દીકરીના ભવિષ્યની રૂપરેખા વિચારી લીધી હતી..

 

ચાર-પાંચ જગ્યાએ ફોન પર લાંબી વાત કરીને પાકા પાયે પ્લાન બનાવીને પેલા સંબંધીની સાથે એ સેલ્વાસ પહોંચી ગયા. સૌમ્ય અને સંસ્કારી હિતેશ એમને ગમ્યો એટલે એમણે સમજાવ્યું. "તમારી બુદ્ધિ અને શક્તિથી બીજા માટે મહેનત કરવાને બદલે તમારું હિત વિચારો. નોકરીને લાત મારીને પોતાનો ધંધો શરૂ કરો. અહીંનું આ મકાન વેચીને અમદાવાદ આવી જાવ. શાહીબાગમાં ત્રણસો બેડની મારવાડી હોસ્પિટલ છે. અમદાવાદ ઉપરાંત આખા રાજસ્થાનમાંથી આવતા પેશન્ટોને લીધે કાયમ ભરચક રહે છે. એના ટ્રસ્ટીઓ મારા અંગત મિત્રો છે. ત્યાંનો જે મેડિકલ સ્ટોર છે એ બે મહિના પછી તમારા નામે થઈ જશે. રોજનું ચાલીસેક હજારનું કાઉન્ટર છે. મારી નિરાલીને પણ નોકરી કે બિઝનેસ કરવાની હોંશ છે એટલે તમે બંને મળીને આ મેડિકલ સ્ટોર ચલાવશો તો મજાની જિંદગી બની જશે." પોતાની સામે આશ્ચર્ય અને અહોભાવથી તાકી રહેલા મા-દીકરાને એમણે ખાતરી આપી. "ઈશ્વરે ઘણું આપ્યું છે એટલે આ સ્ટોર માટે મૂડી રોકવાની જવાબદારી મારી. શાહીબાગમાં ફ્લેટ ખરીદવામાં ખૂટતી રકમની ચિંતા ના કરતા, હું બેઠો છું." એક શ્વાસે આટલું કહ્યા પછી એ હસી પડ્યા. "બાપ તરીકે મારી આટલી તૈયારી છે,પણ બધો આધાર નિરાલી ઉપર છે. તમે પાલનપુર પધારો. વાતચીત કરો. એકમેકને પસંદ કરો તો ગંગા નાહ્યા.".

 

પ્રીતેશ પરણી ગયો એ આઘાતને પચાવીને નિરાલી હવે ઠાવકી બની ચૂકી હતી. હિતેશની સાદાઈ ઉપરાંત પપ્પાની ગોઠવણને લીધે પતિ અને સાસુ ઉપર પોતાનું પ્રભુત્વ રહેશે એ સમજણ સાથે એણે હા પાડી. બહુ ધામધૂમ વગર શાંતિથી લગ્ન પતાવીને નિરાલીને વિદાય આપી ત્યારે નિહાલચંદ અને લીલાની આંખમાં હર્ષનાં આંસુ છલકાતાં હતાં. બે મહિના સેલ્વાસમાં રહ્યા પછી એ લોકો અમદાવાદ આવી ગયાં. મારવાડી હોસ્પિટલનો મેડિકલ સ્ટોર હિતેશના નામે થઈ ગયો હતો. પૂરી ધગશ અને ઉત્સાહથી હિતેશ અને નિરાલીએ મહેનત શરૂ કરી દીધી હતી. સવારે સાત વાગ્યે જ હિતેશ સ્ટોર પર આવે. એનું ટિફિન લઈને નિરાલી અગિયાર વાગ્યે આવીને કાઉન્ટર સંભાળી લે. રાત્રે દસ વાગ્યા સુધી બંને વ્યસ્ત રહે. એક વાગ્યે જમ્યા પછી હિતેશ દોઢેક કલાક આરામ કરવા માટે ડૉક્ટર્સના રૂમમાં જાય ત્યારે નિરાલી એકલા હાથે બધું સંભાળી લે..

 

ત્રણ વર્ષ કઈ રીતે વીતી ગયાં એની ખબર પણ ના પડી. એક સવારે હિતેશ હોસ્પિટલ ગયો,પણ નિરાલી ટિફીન લઈને ના આવી.એનો મોબાઈલ સ્વીચ ઑફ આવતો હતો. ચિંતાતુર હિતેશે સાડા બાર વાગ્યે ઘેર ફોન કર્યો તો ખબર પડી કે નિરાલી તો રોજના સમયે જ ઘેરથી નીકળી ગઈ હતી. એ ક્યાં ગઈ હશે? રસ્તામાં ક્યાંક અકસ્માત થયો હશે? જાતજાતની શંકાકુશંકા વચ્ચે અટવાયેલો હિતેશ બેબાકળો બનીને વિચારતો હતો કે હવે શું કરવું?.

 

એ જ વખતે એક માણસ આવ્યો. એક મોટું પરબીડિયું એના હાથમાં પકડાવીને ફટાફટ રવાના થઈ ગયો. કવર ઉપર નિરાલીના અક્ષર જોઈને હિતેશે તરત ખોલ્યું. લખાણ વાંચીને એ કાઉન્ટર પર ફસડાઈ પડ્યો. દસેક મિનિટ પછી સ્વસ્થ થઈને એણે પાલનપુર ફોન કરીને સસરાને તાત્કાલિક અમદાવાદ આવવા કહ્યું. નિહાલચંદ એના બંને ભાઈઓ સાથે ત્રણ કલાકમાં આવી ગયો..

 

"તમે કારણ બતાવ્યા વગર તાબડતોબ આવી જવાનું કહ્યું એટલે ટેન્શનથી બીપી વધી ગયું."નિહાલચંદે આજુબાજુ નજર ફેરવીને ઉચાટથી પૂછ્યું."નિરાલી ક્યાં? " કશો જવાબ આપ્યા વગર હિતેશે પેલું પરબીડિયું પકડાવી દીધું. નિરાલીએ લખેલી ચિઠ્ઠી અને જોડે બીડેલા પેપર્સ સામે નિહાલચંદ તાકી રહ્યો..

 

 

"પ્રિય હિતેશ,.

તારી સજ્જનતા અને ખાનદાનીને મનોમન વંદન કરું છું. પહેલા પ્રેમને ભૂલી શકી નથી એ મારી નબળાઈ બદલ હ્રદયપૂર્વક માફી માગું છું. વડીલોના વાંકે પ્રીતેશ સાથેનો સંબંધ ધરમૂળથી કપાઈ ગયેલો, એ છતાં હૈયાના કોઈ અગોચર ખૂણે એક ધરુ જીવંત હશે એનો મને ખ્યાલ નહોતો. રાખની અંદર ધરબાયેલો અંગારો આઠ મહિના અગાઉ અચાનક ઝબકી ઊઠ્યો. પ્રીતેશની પત્નીને સાતમો મહિનો ચાલતો હતો અને કમળો થઈ ગયેલો. એમાંથી કમળી થઈ ગઈ એટલે ઉદેપુરના ડૉક્ટરે એને અહીં મોકલી. દવા લેવા આવ્યો ત્યારે મને જોઈને એ થીજી ગયો. મને પણ આશ્ચર્ય થયું. પત્નીની ચાકરીમાં પ્રીતેશે પાંચ દિવસ ઉજાગરા કર્યા, ડૉક્ટરોએ પણ તમામ પ્રયત્ન કર્યા,એ છતાં એ બાપડી બચી નહીં..

 

એના અવસાનના સાત મહિના પછી એટલે કે પંદરેક દિવસ અગાઉ પ્રીતેશ મને મળવા અહીં આવ્યો. અમારા બ્રેકઅપ અગાઉ એના પપ્પા સાથે લડીને એ તો મારી સાથે લગ્ન કરવા તૈયાર હતો, પણ પપ્પાની જોહુકમીને લીધે હું ફસકી ગયેલી, એ ડંખ મારા મનમાં હતો. પ્રીતેશને એના પપ્પાએ ઈમોશનલ બ્લેકમેઈલિંગ કરીને માંડવામાં બેસાડી દીધેલો. એણે અને મેં બંનેએ જાતને છેતરેલી. અંતરાત્માને અવગણીને સામાજિક સમાધાન માટે લગ્ન કરેલાં. અત્યારે પ્રીતેશ કરગર્યો ત્યારે પહેલા પ્રેમના પ્રલોભન પાસે લાચાર બનીને એને ના પાડવાની શક્તિ કે વૃત્તિ ગૂમાવી બેઠેલી. આપણે સાથે રહ્યા એ દરમિયાન તેં દર્શાવેલી લાગણી બદલ ઋણી છું. એક ઉમદા માણસ તરીકે જિંદગીભર તને યાદ રાખીશ. આ સાથે છૂટાછેડા માટેના પેપર્સ મોકલ્યા છે. પ્લીઝ, મને કે કમને તારે એમાં સહી કરવી પડશે. તને તકલીફ તો પડશે, પણ મારી પાસે એનો કોઈ ઉપાય નથી ; અને તારા માટે સહી કર્યા વગર છૂટકો નથી. અલબત્ત, આટલી સેવા કરીશ એનું વળતર તને મળી જશે. તારા જેવા સજ્જન પાસે કોઈ કામ મફતમાં કરાવવાની મારી દાનત નથી. આ પેપર્સ સહી કરીને મોકલાવી આપીશ, એની સામે આ આખો મેડિકલ સ્ટોર તારો. મારા પપ્પાએ અપાવેલા આ સ્ટોર ઉપર મારે કોઈ અધિકાર નથી જોઈતો. બધુંય તારું. શાંતિથી દવાઓ વેચજે અને જલસાથી જીવજે...".

 

દીકરીએ લખેલી ચિઠ્ઠી બાપ વાંચી રહ્યો હતો અને લાચાર જમાઈ સસરા સામે તાકી રહ્યો હતો.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ovv3%3D1qveNSyDJJcBNwPgAbFHK9tcNVLeJ3ruyNXJTCiw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment