Sunday, 27 January 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ એક દેશ, એક ઘડિયાળ... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



એક દેશ, એક ઘડિયાળ!
ફોકસ-લોકમિત્ર ગૌતમ

 

 

 

૧૯મી ડિસેમ્બર, ૨૦૧૮ના રોજ સાયન્સ ઍન્ડ ટેક્નોલોજી તેમ જ પર્યાવરણ ખાતાના કેન્દ્રીય પ્રધાન ડૉક્ટર હર્ષવર્ધને પૂર્વોત્તર અને પશ્ર્ચિમ ભારત માટે બે જુદા જુદા ટાઇમ ઝોન નહીં બનાવવામાં આવે એ વાત સ્પષ્ટ કરી દીધી હતી. ઉલ્લેખનીય છે કે પૂર્વોત્તર રાજ્યોમાં સૂર્યોદય દેશના અન્ય રાજ્યો કરતાં જલદી થાય છે અને પશ્ર્ચિમ ભારતમાં મોડેથી સૂર્યાસ્ત થાય છે. બે ટાઇમ ઝોન નહીં બનાવવાનું સ્પષ્ટ કરી દેતા કાશ્મીરથી માંડીને ક્ધયાકુમારી સુધી ભારતની દરેક ઘડિયાળનો કાંટો એક જ સમય બતાવશે.


તમને જણાવી દઇએ કે અરુણાચલ પ્રદેશ અને પૂર્વોત્તરના મોટાભાગના ભાગોમાં દેશના અન્ય ભાગોની સરખામણીમાં સૂર્યોદય ઘણો જ જલદી થાય છે. ઉનાળાના દિવસોમાં તો અરુણાચલ પ્રદેશમાં સવારે સાડા ચાર વાગ્યે જ સૂરજ ઊગી જાય છે. જ્યારે ગુજરાતના કચ્છમાં અરુણાચલ પ્રદેશમાં સૂર્યોદય થયાના દોઢ કલાક બાદ સૂર્ય ઊગે છે. જોકે, સૂર્ય ભલે જલદી ઊગે કે મોડો, આખા દેશની ઘડિયાળના કાંટા એક જ સમય બતાવે છે. જોકે આમાં ઉત્તરપૂર્વમાં ઓફિસે જનારા લોકોને અને સ્કૂલમાં જતા બાળકોને એક નુકસાન થાય છે. તેઓ સ્કૂલ કે ઓફિસ સૂર્યોદય થયાના ઘણા સમય બાદ જાય છે અને જ્યારે પાછા આવે ત્યારે સાવ અંધારુ થઇ ગયું હોય છે.


કદાચ એટલા માટે જ પૂર્વોત્તરના લોકો, સંસ્થાઓ અને સંગઠનો દ્વારા દેશમાં બે ટાઇમ ઝોન બનાવવાની માગણી કરવામાં આવે છે. આ ઉપરાંત પશ્ર્ચિમના રાજ્યોમાં સૂર્ય અહીંની કરતાં મોડો ઊગે છે તેના કારણે આર્થિક નુકસાન થતું હોવાનો દાવો પણ બીજૂ જનતા દળના સાંસદ ભતૃહરિ મહતાબે લોકસભામાં ઉઠાવ્યો હતો. આર્થિક નુકસાન કઇ રીતે થાય છે એ સમજાવતા તેમણે કહ્યું હતું કે સૂર્યોદયમાં દોઢ કલાકનો ફરક હોવાના કારણે દર વર્ષે ખરબો યુનિટ કારણ વિના બળે છે અને કામના લાખો કલાકો પણ બગડે છે. ઘણા વર્ષો પહેેલા આસામના એક પ્રખ્યાત ફિલ્મકાર જાહનુ બરુઆએ ગણતરી કરીને કહ્યું હતું કે જો દેશમાં બે ટાઇમ ઝોન થાય અને પૂર્વોત્તર ભારતના માટે અલાયદો ટાઇમ ઝોન બનાવવામાં આવે તો દર વર્ષે ૯૪,૯૦૦ કરોડ રૂપિયાની બચત થઇ શકે.


આ સિવાય અન્ય કારણો અને આંકડાઓ પણ દેશમાં બે જુદા ટાઇમઝોનની માગણી કરનારાઓ દ્વારા રજૂ કરવામાં આવે છે. આ બધી માગણીઓને ધ્યાનમાં રાખીને ૨૦૦૧માંં કેન્દ્ર સરકારે આ સમસ્યાના જુદા જુદા પાસાંઓ ઉપર વિચાર કરવાનું નક્કી કર્યું હતું અને તે માટે એક સમિતિની રચના કરી હતી. જોકે, લાંબા અભ્યાસ બાદ સમિતિએ બે ટાઇમ ઝોન વિષે પોતાનો નકારાત્મક મત દર્શાવ્યો હતો. ૨૦૦૩માં આ સમિતિ દ્વારા રજૂ કરવામાં આવેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યા અનુસાર બે ટાઇમ ઝોન બનાવવાથી વીજળીના વપરાશ ઉપર કોઇ ખાસ અસર નહીં પડે. ૨૦૦૬માં યોજના આયોગે કામકાજમાં વધુ તકેદારી રાખી શકાય એ માટે બે ટાઇમઝોન દેશમાં હોવા જોઇએ, એવી ભલામણ કરી હતી. જોકે, આ ભલામણ ફગાવી દેવામાં આવી હતી. કારણ કે જો દેશમાં બે ટાઇમ ઝોન રાખવામાં આવે તો અનેક સમસ્યાઓ ઊભી થઇ શકે, એવું આ ભલામણ બાદ બે ટાઇમ ઝોન વિશે અભ્યાસ કરનારી સમિતિને જણાયું હતું. દાખલા તરીકે જો બે ટાઇમ ઝોન હોય, તો રેલવેના પાટાઓ બદલવાના મેન્યુઅલ ઉપર અસર થઇ શકે. આ સિવાય ટ્રેનોની અવરજવર ઉપર અને તેના ટાઇમ ટેબલમાં પણ સમસ્યા ઊભી થઇ શકે, જેના કારણે અકસ્માતો વધી શકે છે. ૨૦૧૫માં ગુવાહાટી હાઇ કોર્ટે પણ આ વિશેની એક અરજીને ફગાવી દીધી હતી અને તેમાંની તમામ દલીલો રદ કરી દીધી હતી. પૂર્વોત્તર રાજ્યોની સમયની સમસ્યા દૂર કરવા અન્ય વિકલ્પો ઉપર વિચાર કરી શકાય છે, એવો મત હાઇ કોર્ટે ઉપસ્થિત કર્યો હતો. આ ઉપરાંત અલગ ટાઇમ ઝોનના કારણે રેડિયો, ટેલિવિઝન અને એરલાઇન્સ જેવી સેવાઓ ઉપર પણ અસર પડી શકે છે અને અનેક મુશ્કેલીઓ ઊભી થઇ શકે છે, એવું સમિતિએ જણાવ્યું હતું.


કદાચ એટલા માટે જ ૨૦૦૭માં સમિતિએ સંસદને ભલામણ કરી હતી કે બે ટાઇમ ઝોન બનાવવાને બદલે પૂર્વોત્તર રાજ્યોમાં કામકાજનો સમય એક કલાક આગળ કરી દેવામાં આવે, જેથી સૂર્ય જલદી ઊગવાની અને અસ્ત થવાની સમસ્યાનો વ્યવહારીક ઉકેલ આવી શકે. જોકે, આ બધા ઉકેલ અને વિકલ્પો આપવામાં આવ્યા હોવા છતાંં છેલ્લાં એક દાયકાથી અવારનવાર બે ટાઇમ ઝોનની માગણીઓ થતી રહે છે. ૨૦૧૨માં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એડ્વાન્સ સ્ટડીઝના સંશોધકોએ આ વિશે ફરી વિચાર કરવામાં આવે, એવી ભલામણ કરી હતી, ત્યારબાદ એક સમિતિની રચના ફરી કરવામાં આવી હતી. જોકે, આ સમિતિએ ભારતમાં રાજકીય કારણોસર બે ટાઇમઝોન રાખવા વ્યવહારીક નહીં હોય, એવું સ્પષ્ટ કર્યું હતું. જેને પગલે હાલ દેશમાં કાશ્મીરથી માંડીને ક્ધયાકુમારી સુધી અને કચ્છથી માંડીને આઇઝોલ સુધીની તમામ ઘડીયાળો એક સરખો જ સમય બતાવશે.


---------------------------

ટાઇમ ઝોન એટલે શું?


ટાઇમ ઝોન એટલે ભારતના ધોરણો અનુસારનો સમય જે ૮૨.૫ ડિગ્રી પૂર્વીય દેશાંતર ઉપરથી નક્કી કરવામાં આવે છે. ઘણા વર્ષો પહેલા બીજૂ જનતા દળના સાંસદ ભતૃહરિ મહતાબે સરકારને આ માપદંડ બદલીને ૯૦ ડિગ્રી પૂર્વીય દેશાંતર કરવાનું સૂચન કર્યું હતું. ત્યારે જ આ રેખા આસામ અને પશ્ર્ચિમ બંગાળથી પસાર થશે. તેના કારણે સમયમાં અડધા કલાકનો વધારો થઇ જશે, જેના કારણે દેશમાં લગભગ એક જેવો ટાઇમ ઝોન થઇ જશે. જોકે, તેના કારણે ભારતનો હાલનો ટાઇમ ઝોન ગ્રીનવિચ મીન ટાઇમ (જીએમટી) સાડા પાંચ કલાકના બદલે છ કલાક થઇ જશે. જેના કારણે અનેક આંતરરાષ્ટ્રીય ટાઇમ ઝોનની સાથે તે બંધબેસતો નહીં હોય. પરંતુ આઝાદી પછી દેશને એક સૂત્રમાં પરોવી રાખવા માટે એ દેશમાં એક ટાઇમ ઝોન રાખવું પણ જરૂરી હતું. કારણ કે અંગ્રેજોએ ભારતનો અલગ અલગ ટાઇમ ઝોન રાખીને બટવારો કર્યો હતો. અંગ્રેજોના સમયે હિંદુસ્તાનમાં બોમ્બે ટાઇમ ઝોન, કોલકતા ટાઇમ ઝોન અને બાગાન ટાઇમ ઝોન આમ ત્રણ ટાઇમ ઝોન હતા, જે ખાસ કરીને આસામના ચા ના બચીચા માટે તૈયાર કરવામાં આવ્યો હતો. ભારત માટે આઝાદી બાદ એક જ ટાઇમ ઝોન રાખવો એટલા માટે જરૂરી હતું કારણ કે લગભગ આપણી જ સાથે આઝાદ થયેલા ચીનમાં પણ એક જ ટાઇમ ઝોન છે.


અલબત્ત, દુનિયાના એવા અનેક દેશો છે જ્યાં જુદા જુદા ટાઇમ ઝોન છે. દાખલા તરીકે રશિયામાં ૧૧ ટાઇમ ઝોન છે, અમેરિકામાં ૯ ટાઇમ ઝોન છે, કેનેડામાં ૪ ટાઇમ ઝોન છે. જોકે, આ બધા જ દેશો ટેક્નિકલ દૃષ્ટિએ ઘણા એડ્વાન્સ છે અને ત્યાં વધારે પડતા કામકાજો એડ્વાન્સ ટેક્નિકથી કરવામાંં આવે છે, જેના કારણે કોઇ પ્રકારની સમસ્યા ઊભી નથી થતી. જોકે, ભારતમાં અલગ અલગ ટાઇમ ઝોન હોય તો ઘણી તકલીફો ઊભી થઇ શકે છે.


ધારો કે નવી દિલ્હીથી ભારતીય સેનાના નોર્થન કમાન્ડને કોઇ આદેશ આપવામાં આવે, તો એ આદેશનો અમલ કરવામાં અલગ ટાઇમ ઝોનના કારણે મોડું થઇ શકે અથવા અન્ય સમસ્યા ઊભી થાય એવું બની શકે. આ બધી વાતોને ધ્યાનમાં રાખીને ટાઇમ ઝોન વિશે અભ્યાસ કરવા માટે તૈયાર કરવામાં આવેલી સમિતિઓએ ભારતમાં એક જ ટાઇમ ઝોન રાખવાનો મત પ્રગટ કર્યો છે. સૂરજ પહેલા ઊગવાની અને પહેલા અસ્ત થવાની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે પૂર્વોત્તર રાજ્યોના તમામ સરકારી કામકાજો એક કલાક વહેલા શરૂ કરી દેવામાં આવે, એવી ભલામણ કરવામાં આવી છે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvwjUni0PLkM-NcPW5qdJyYFdrhYiFROaceSndPXKBu9A%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment