Sunday, 27 January 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ જીવન ચલને કા નામ... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



જીવન ચલને કા નામ...
આશુ પટેલ

 

 


- ઉત્તર પ્રદેશનો એક માણસ લકવાને કારણે પથારીવશ થઈ ગયો એ પછી...


પાંચ વર્ષ અગાઉ ઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લાના બનવારી તોલા ગામના ધ્રુવ નારાયણને અચાનક પેરેલિસિસ (લકવો) થઈ ગયો એના કારણે તેના કુટુંબ પર આર્થિક આફત આવી પડી. ધ્રુવ નારાયણની આઠ દીકરીઓ હતી અને કોઈ દીકરો નહોતો. તેના ઘરનું ગુજરાન તેની આવક થકી જ ચાલતું હતું. તેને લકવો થઈ ગયો એ વખતે તેની છ દીકરીઓના લગ્ન થઈ ચૂક્યા હતા. તેની બે દીકરી જ્યોતિ અને નેહા ભણતી હતી. જ્યોતિ બારમા ધોરણમાં ભણતી હતી અને નેહા દસમા ધોરણમાં ભણતી હતી.


ધ્રુવ નારાયણની આવક બંધ થઈ ગઈ એટલે થોડા સમય પછી તેના કુટુંબને ખાવાના પણ ફાંફા પડવા લાગ્યા. આવી સ્થિતિમાં ધ્રુવ નારાયણની અઢાર વર્ષીય દીકરી જ્યોતિએ અભ્યાસ પડતો મૂકીને પિતાનો વ્યવસાય સંભાળી લેવાનો નિર્ણય કર્યો.


પરંતુ કોઈ છોકરી શેવિંગ કે હેર કટિંગ કરે એ વાત કોઈ પચાવી ન શકે એટલે જ્યોતિએ પોતાના લાંબા વાળ કપાવીને બોયકટ કરી નાખ્યા અને દીપક નામ ધારણ કરીને પિતાનો વ્યવસાય સંભાળી લીધો. લોકો તેને રાજુના હુલામણા નામથી ઓળખવા લાગ્યા. જ્યોતિએ પુરુષના વેશમાં પિતાનું હેર કટિંગ સલૂન સંભાળી લીધું. તેની નાની બહેન નેહાને એ વ્યવસાય કરવામાં શરમ આવતી હતી, પણ થોડા સમય બાદ નેહાએ સંકોચ છોડી દીધો અને તે પણ જ્યોતિની સાથે પિતાના વ્યવસાયમાં જોડાઈ ગઈ.


પાંચેક વર્ષ સુધી તો કોઇને ખ્યાલ ન આવ્યો કે જ્યોતિ અને નેહા પુરુષોના વેશમાં તેમના પિતાનો વ્યવસાય સંભાળી રહી છે, પરંતુ થોડા સમય અગાઉ કોઈને એ વાતની ખબર પડી ગઈ. એ વાત ફેલાઈ ગઈ એના કારણે જ્યોતિ અને નેહાના સગાં-વહાલાંઓ રોષે ભરાયા. તેમણે કહ્યું કે આ તો શરમજનક વાત છે. કોઈ છોકરીઓ કઈ રીતે આ વ્યવસાય કરી શકે? તેમણે પથારીવશ બની ગયેલા ધ્રુવ નારાયણ અને તેની બન્ને દીકરીઓ પર હેર કટિંગ સલૂન બંધ કરી દેવા માટે દબાણ કર્યું.


જ્યોતિએ તેમને રોકડું પરખાવી દીધું કે અમે કોઈ ગુનો નથી કરી રહ્યા. અને અમે પણ અમારી પસંદગીથી આ વ્યવસાય નથી અપનાવ્યો. અમારે આર્થિક મજબૂરીને કારણે આ કામ સ્વીકારવું પડ્યું છે. અને તમને તો આમ પણ કોઈ સલાહ આપવાનો અધિકાર નથી. તમે અમારા મુશ્કેલીના સમયમાં અમારી સાથે ઊભા રહ્યા નહોતા અને સમ ખાવા પણ મદદ કરવાની તૈયારી બતાવી નહોતી! અત્યારે અમને કયા મોઢે સલાહ આપવા આવી ચડ્યા છો?


જ્યોતિ અને નેહાએ સગાં-વહાલાંની પરવા કર્યા વિના પિતાનો વ્યવસાય ચાલુ રાખ્યો. હવે બંને બહેનો દરરોજ આશરે ૪૦૦ થી ૫૦૦ રૂપિયા કમાઈ લે છે. જ્યોતિ કહે છે કે અમે અમારા સલૂનને બદલે હવે બ્યુટીપાર્લર શરૂ કરવા માગીએ છીએ જેનાથી અમે વધુ આવક કરી શકીએ.


ધ્રુવ નારાયણ કહે છે કે મને મારી દીકરીઓ પર ગૌરવ છે, જેમણે મુશ્કેલીના સમયમાં મારા કુટુંબને સંભાળી લીધું.


જ્યોતિ અને નેહાની વાત થોડા સમય અગાઉ ઉત્તર પ્રદેશના ગોરખપુર શહેરના એક અખબારના પત્રકાર સુધી પહોંચી. તેણે આ અનોખી યુવતીઓ વિશે લખ્યું. એ પછી તો ઉત્તર પ્રદેશના અનેક અખબારોમાં આ બંને અનોખી બહેનો વિશે ખૂબ લખાયું.


જ્યોતિ અને નેહા એ વાતનો પુરાવો છે કે જીવનમાં ચેકમેટ જેવી સ્થિતિ આવી પડે ત્યારે માણસ હાર ન માની લે તો તે ગમે એવી મુશ્કેલીઓમાંથી પણ રસ્તો કાઢી શકે છે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Osh6_uF4vB2yqJWRyj%3DJueVV%3DEe5W83oinNvq05DDAVLw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment