Sunday, 27 January 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ટીનેજમાં આવતા ડિપ્રેશનને એનાં લક્ષણો દ્વારા ઓળખી કાઢીએ,,, (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ટીનેજમાં આવતા ડિપ્રેશનને એનાં લક્ષણો દ્વારા ઓળખી કાઢીએ!
જિગીષા જૈન

 

 

 

ડિપ્રેશન કોઈ પણ ઉંમરે આવી શકે છે અને ખાસ કરીને ટીનેજ ઉંમરનો એ ગાળો છે જ્યારે ડિપ્રેશન આવવાનું રિસ્ક વધી જાય છે

એક અમેરિકન આંકડા મુજબ ત્યાંના ૨૦ ટકા તરુણો વયસ્ક બને એ સમયગાળા દરમ્યાન ડિપ્રેશનનો ભોગ બને છે. આપણે ત્યાં પણ આ આંકડો નાનો તો નહીં જ હોય એમ માની શકાય, કારણ કે આપણે ત્યાં ૧૦-૨૪ વર્ષનાં બાળકોનાં મૃત્યુનાં કારણોમાં આત્મહત્યા ઘણું મહત્વનું કારણ ગણાય છે. આત્મહત્યા પાછળ ૯૯ ટકા ડિપ્રેશન જવાબદાર હોય છે. એ પણ ખાસ કરીને ઇલાજથી વંચિત રહેલા દરદીઓમાં આ પ્રમાણ જોવા મળે છે. ઘણી વાર ડિપ્રેશન અને દુ:ખને લોકો એક જ સમજી લે છે. જો એમાં ભેદ સમજવો હોય તો કહી શકાય કે ડિપ્રેશન એ દુ:ખનો એ પડાવ છે જે વ્યક્તિનાં રોજિંદાં કામોમાં ખલેલ પાડી શકે છે. વળી આ જ અવસ્થા બે અઠવાડિયાંથી વધુ ખેંચાય તો એને ડિપ્રેશનની કૅટેગરીમાં ગણી શકાય છે. સામાન્ય રીતે લોકો આટલા ગાળામાં દુ:ખથી ઊભરી આવે છે. આવી કોઈ વ્યક્તિ તમારી આસપાસ હોય તો તેને મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ પાસે લઇ જઈને ચેક કરાવવું જરૂરી છે. તે જ ખરું નિદાન આપી શકે છે કે વ્યક્તિને ડિપ્રેશન છે કે નહીં.

લક્ષણોને ઓળખો અને પ્રોફેશનલ મદદ લો
સૌથી પહેલી બાબત જે જરૂરી છે એમાં સૌથી મોખરે છે ડિપ્રેશનનો સ્વીકાર. નાની ઉંમરમાં પણ ડિપ્રેશન જેવી તકલીફ આવી શકે છે એ શક્યતાનો સ્વીકાર જો માતા-પિતા નહીં કરે તો બાળકને તેઓ આ તકલીફમાંથી બચાવશે કઈ રીતે? ઘણા પેરન્ટ્સને એવું લાગે છે કે આટલી નાની ઉંમરમાં તેમને શું ચિંતા હોય કે શું તકલીફ હોય? પરંતુ હકીકત એ છે કે તકલીફ હોય જ છે. માતા-પિતા તેમની પૂરી કાળજી રાખતાં હોવા છતાં ટીનેજ બાળકોને ચિંતાઓ હોય જ છે. તો પહેલાં આ બાબતને માનસિક રીતે અપનાવો. બીજું એ કે જે વ્યક્તિ ડિપ્રેશનમાં હોય તે ખુદ સમજી શકતી નથી કે તે ડિપ્રેશનમાં છે. માટે જરૂરી છે કે તેની આસપાસની વ્યક્તિઓ એ સમજીને તેને સમયસર પ્રોફેશનલ હેલ્પ અપાવડાવે. આમ બાળકની અંદર આવેલા બદલાવોને ઓળખો અને તેને તમારી મદદની જરૂર છે માટે તેનો સાથ આપો.

કેમ આવે ડિપ્રેશન?
ટીનેજ ડિપ્રેશન પાછળ એ સમયે તેમના શરીરમાં આવતા બદલાવો, તેમની સાઇકોલૉજી, તેમની આજુબાજુનો માહોલ આ બધું કારણભૂત હોય છે. આમ એક નહીં ઘણાં કારણો એની પાછળ જવાબદાર હોઈ શકે છે. ટીનેજમાં આપણે જાણીએ છીએ એમ શરીરમાં જરૂરી ફેરફાર આવતા હોય છે. આ દરમ્યાન જો મગજમાં સેરેટોનિનની કમી સર્જા‍ઈ હોય અને ન્યુરો-ટ્રાન્સમીટર્સનું ઇમ્બૅલૅન્સ થયું હોય તો ડિપ્રેશન આવી શકે છે. ઘણાં રિસર્ચ એ સાબિત કરી ચૂક્યાં છે કે મગજના કોઈ એક ભાગની સાઇઝમાં આવતા ફેરફાર ડિપ્રેશન સાથે સંકળાયેલા છે. આ સિવાય જેમના પેરન્ટ્સ ડિપ્રેશનનો શિકાર હોય એવાં બાળકોમાં ડિપ્રેશનનું પ્રમાણ જોવા મળે છે. બાયોલૉજિકલ ફૅક્ટરમાં તેમનાં બદલાતાં હૉર્મોન્સ પણ એક મહત્વનો રોલ ધરાવે છે. આ સમયમાં હૉર્મોન્સમાં આવતો બદલાવ ડિપ્રેશન માટેનું એક રિસ્ક ફૅક્ટર ગણી શકાય છે. આ સિવાયનાં કારણો જણાવતા ડૉ. અશિત શેઠ કહે છે, 'જો સાઇકોલૉજિકલ રિસ્ક ફૅક્ટર્સની વાત કરીએ તો આત્મવિશ્વાસની કમી, પોતાની જાતને હંમેશાં વખોડવાની આદત, નકારાત્મક બાબતો સામે લડી ન શકવાની નબળી માનસિકતા, પોતાના શરીર માટેની સતત રહેતી ફરિયાદો, ભવિષ્ય માટેનો ડર, અસુરક્ષિત માનસિકતા, બદલાતા સંબંધો આવી શકે છે. આ સિવાયની પરિસ્થિતિઓ પણ અસર કરી શકે છે અથવા કહીએ કે ટ્રિગર સાબિત થઈ શકે છે જેમાં કોઈ સાથે થયેલો ઝઘડો કે કોઈએ બોલેલા કોઈ ચોટદાર શબ્દો, હાથાપાઈ, સ્કૂલમાં કોઈ તકલીફ, રૅગિન્ગ, નજીકના કોઈનું મૃત્યુ, એકબીજાની સરખામણીથી આવેલી મુસીબતો, પ્રેમમાં નિષ્ફળતા, ફૅમિલી પ્રૉબ્લેમ્સ, પેરન્ટ્સના ઝઘડા, પરીક્ષામાં ગરબડ વગેરે બાબતોને ગણી શકાય. આ બધી બાબતોની અસર તેમનાં ઇમોશન્સ પર થાય છે જે તેમને ડિપ્રેશન તરફ ધકેલી શકે છે.'

લક્ષણો
ટીનેજમાં જો ડિપ્રેશન આવે તો બાળકમાં કયા પ્રકારનાં ચિહ્નો દેખાય એ જાણીએ ડૉ. અશિત શેઠ અને ડૉ. કેરસી ચાવડા પાસેથી ડિપ્રેશનનાં લક્ષણો જાણીએ

- સતત દુ:ખી કે ઉદાસ રહેવું.
- સતત કે પછી વાત-વાતમાં રડ્યા કરવું.
- રોજિંદા કામોમાં મન ન લાગવું.
- એકદમ જ ભૂખ વધી જવી અથવા ઘટી જવી.
- એકદમ થોડા સમયમાં જ ખૂબ વજન વધી જવું કે એકદમ ઘટી જવું.
- ઊંઘમાં બદલાવ આવવો. ઊંઘી જ ન શકવું અથવા તો બસ ઊંઘતા જ રહેવું.
- સતત ચીડ ચડવી કે ગુસ્સો આવ્યા કરવો.
- એનર્જી‍ ઓછી થઈ જવી, ખૂબ થાક લાગ્યા કરવો.
- કોઈને મળવાની ઇચ્છા જ ન થવી. મિત્રો અને સગાંસંબંધીઓથી દૂર થઈ જવું.
- કોઈ એક જગ્યાએ ધ્યાન ન લાગવું.
- ખૂબ જ અપરાધભાવ આવી જવો અથવા હું કોઈ વસ્તુને લાયક નથી એમ લાગવું.
- મૃત્યુના સતત વિચારો આવ્યા કરવા અથવા એવી વાતો કરવા લાગવી.
- આ બધાં જ ડિપ્રેશનનાં ક્લાસિક લક્ષણો છે ટીનેજ બાળકોમાં અમુક જુદા પ્રકારનાં લક્ષણો પણ જોવા મળે છે જે આ મુજબ છે:
- સ્કૂલમાં વ્યવસ્થિત ભણે નહીં, માર્ક્સ ન લાવે, સ્પર્ધાઓમાં ભાગ ન લે.
- સતત કંટાળ્યા કરે.
- કોઈ ને કોઈ શારીરિક તકલીફ વિશે વાત કરે. માથું દુખે છે, પેટ દુખે છે વગેરે.
- જાતને કોઈ ને કોઈ રીતે નુકસાન પહોંચાડે અથવા રિસ્ક જેમાં વધુ હોય એ પ્રકારનું વર્તન કરે. જેમ કે હાથ કાપી નાખવો, બાળી નાખવો, ડ્રાઇવિંગ ખરાબ કરવું, સ્મોકિંગ, આલ્કોહૉલ કે ડ્રગ્સમાં પડવું, અસુરક્ષિત સેક્સ વગેરે.
- મોટા ભાગે એકલવાયા જ રહેવા લાગે. કોઈની સાથે રહેવું તેમને ગમે નહીં.
- અમુક સંબંધો પર વધુપડતી નર્ભિરતા આવી જવી. એના વગર ચાલે જ નહીં. દરરોજ એની સાથે વધુ ને વધુ સમય વિતાવવો, એ વ્યક્તિ વગર જીવન દુર્લભ લાગે વગેરે.
- જે ટીનેજર આત્મહત્યા કરવાનું વિચારી રહ્યો હોય તેનામાં કયા પ્રકારનાં લક્ષણો જોવા મળી શકે છે એ જાણીએ. આ લક્ષણોને તાત્કાલિક ઓળખીને આપણે તેનો જીવ બચાવી શકીએ છીએ.
- વર્તનમાં અચાનક જ મોટો બદલાવ જોવા મળે.
- કોઈ પણ કાર્ય માટે પ્રેરણાનો સદંતર અભાવ તેનામમાં જોવા મળે. આમ, કાં તો એ કાર્ય કરે જ નહીં અને કરે તો ફક્ત કરવા ખાતર કરતા હોય એવું લાગે
- કોઈ પણ વ્યક્તિ ભલે તે નજીકની કેમ ન હોય તેનાથી એ દૂર ભાગતા ફરે. તેમને એકલા જ રહેવું ગમે. લોકોનું ટોળું તેમને બહુ મૂંઝવે.
- તેમની જમવાની પૅટર્નમાં કોઈક મોટો બદલાવ દેખાય.
- સતત તેને મૃત્યુના અને મરવાના જ વિચારો આવ્યા કરે, જેને કારણે તમે તેની સાથે વાત કરો તો એ જ પ્રકારની વાતો તે કરે.
- તેમની અંગત ગમતી વસ્તુઓ તેઓ જતી કરે અથવા કોઈને આપી દે.
- તેમની વાતમાં કે કાર્યમાં કોઈ આશાવાદ દેખાય નહીં.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuR%2Bn1gxHWLLcoi4v%2BZ-WzwjSdtCF2q4zN4N0qM7C-11A%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment