નર્સરીમાંથી સુંદર મજ્જાનાં બાળકો છૂટતાં હોય ને ડેડી લેવા આવ્યા હોય, ત્યારે સ્કૂલના ગેટમાંથી એક પછી એક નીકળતાં બધાં બાળકો ઉપર એની ચાંપતી નજર હોય ને જેવું પોતાનાવાળું આવે એવું જ, બહુ મોટું કામ કરી બતાવ્યું હોય એમ ચહેરા ઉપર વિજયી સ્માઇલ સાથે બાળકને ઉપાડી લેવાનું. જરાય ફેરફાર વગર આ જ પદ્ધતિ એરપોર્ટ ઉપર ઊતર્યા પછી 'કન્વેયર બેલ્ટ' પર આવતો આપણો સામાન ઊંચકી લેવા માટે વપરાય છે. સ્કૂલના ગેટમાંથી બહાર આવતા છોકરાઓ તો સો–બસ્સોની સંખ્યામાં હોય. બધા સરખા લાગતા હોય ને આપણે ધ્યાન રાખીને આપણાવાળું આવે એટલે એને ઊંચકી લેવાનું. ક્યારેક બે–ત્રણ બેગો પણ હોય અને આગળ–પાછળ ન પણ આવતી હોય, ત્યારે એકને ઉઠાવી લીધા પછી તાબડતોબ એલર્ટ થઈ જવું પડે કે, આપણાવાળી બીજી જતી ન રહે. કાશી–મથુરા જઈએ ત્યારે લાઇનસર ઊભેલા પંડાઓ આપણા કપાળે તિલક કરવા બેતાબ હોય એમ અહીં આપણી આજુબાજુ, વાંકા વળીને આઘા ખસેડી પોતાના બેગેજ માટે રાહ જોવા અધીરા હોય. ફ્લેટના ટેરેસ પર સમડી ચાંપતી નજરે નીચે પસાર થતી ઉંદરી ઉપર બાજ નજર રાખે, એમ એક એક બેગ ઉપર આ લોકો કાતિલ નજર રાખે છે. કોલેજના દિવસોમાં કોલેજની બહાર ઊભા રહી એક પછી એક ભવિષ્યની ફુલફટાક માતાઓ–બહોનોને નીકળતી જોવામાં જે પદ્ધતિ અપનાવાતી, એ બદનસીબે અહીં વાપરી નાખવી પડે છે. એક પછી એક જતી તાત્કાલિક જોતા રહેવાની. આ બેલ્ટ ઉપર વિવેકથી કામ નથી ચાલતું. અહીં તો બેગ આવે એટલે ઝાપટ મારીને લઇ લેવી પડે છે. 'પહેલે આપ' વાળી સભ્યતા અહીં નક્કામી. આપણી બેગો આપણી સાથે પણ રિક્ષા જેવો વ્યવહાર કરે છે. એક વાર ગઇ, પછી બીજી વાર આવતા બહુ રાહ જોવડાવે. ઐક વાર ચૂકી ગયા, તો પટ્ટો બીજું રાઉન્ડ લઇને આવે ત્યાં સુધીની રાહ જોવી પડે છે.
બેગેજ બેલ્ટ ઉપર આવતી ઘણી બેગો આપણી બેગો જેવી એકસરખી લાગે છે. મેરેજના રિસેપ્શનની જેમ અહીં ધ્યાન બહુ રાખવું પડે કે, આપણાળીનો જ ખભો પાછળથી હલાવવો પડે, 'ક્યાં હતી તું?' એમ જોયા–જાણ્યા વગર અડાય–પૂછાય નહીં. બા ખિજાય, પણ સરકતી બેગ પકડી લેવામાં નજર ચાંપતી રાખવી પડે. અત્યાર સુધી તો દુનિયાભરની બેગોના કલર કાળા આવતા, પણ હવે રેડ, પર્પલ, ગ્રીન કે યલો કલરની બેગો પણ બેલ્ટ ઉપર ફરવા નીકળી હોય છે. એમાંથી આપણી કઈ, એ શોધવું અઘરું જ પણ સાંભળવું પડ, 'ભઈ, જરા જોઈને તો હાથ અડાડો.'
હાથ અડાડવાના આક્ષેપ કરતાં એ આપણને ભઈ કહે, એ બહુ આકરું લાગે છે. એમ અહીં ભૂલથી કોઇ બીજાની બેગ ઉઠાવી લીધી ને એનો અસલી માલિક જોઈ ગયો તો આપણને સ્ટૂપિડને બદલે ચોર સમજી બેસે એનો વાંધો છે. સ્ટૂપિડ તો આપણને ઘણા કહેતા હોય (રોજનું થયું) પણ કોઇ ચોર કહી જાય, એ સહન ન થાય. સુઉં કિયો છો?
મજ્જા પડે એવી વાત એ છે કે, વિમાન એરપોર્ટ પર આવે અને ઊભું રહે, ત્યારે કઇ કમાણી ઉપર લોકો લાઇનબદ્ધ ઊભા રહી જાય છે, એની સમજ પડતી નથી. 'તમે લઈ ગયા ને અમે રહી ગયા' જેવો મામલો અહીં નજર સામે દેખાય છે. સાંકડાં વિમાનોમાં તો એટલી જગ્યાય હોતી નથી કે 'એક્સક્યૂઝ મી' કહીને આગળવાળાને ખસેડીને ગેટ પર પહેલાં પહોંચી જવાય. એકબીજાના ખભા સૂંઘતા આજુબાજુ લેવાદેવા વગર જોયે રાખતા ઊભા રહે છે. આવે વખતે રાષ્ટ્રગીત વગાડવું જોઈએ. આ એક જ તબક્કો ઐવો છે કે, કોઇ પોતાનો સેલફોન વાપરતું નથી. પહેલી ઉતાવળ વિમાનમાંથી બહાર નીકળવાની છે. ખભે બેગ લટકતી હોય ને બીજા હાથે સીટનો ટેકો પકડ્યો હોય. આવી વ્યસ્તતામાં મોબાઈલ ક્યાંથી વપરાય? અર્થાત્ અહીં 'છુટ્ટા હાથના' મોબાઈલો નથી વપરાતા. ભણેલા તો બધા હોય, પણ બહાર નીકળવાની ઉતાવળ કરવાનું કારણ શું, એ ન સમજાય. અહીંથી વહેલા ઊતર્યા તો બેગેજ બેલ્ટ ઉપર લટકવાના છો. ત્યાં ગમે એટલા વાંકા વળી વળીને જુઓ, તોય બેગ તો આવવાની હોય ત્યારે જ આવે. અહીંથી નસીબદાર નીકળ્યા તો કસ્ટમ્સ ચેકિંગમાં ધબેડાઈ જવાના. ત્યાં 'પપ્પા' કહીને કલાક સુધીય હખણા ઊભા રહેવું પડે. એ તો ઘેર પહોંચીને બધી બેગો ખોલીએ ત્યારે ખબર પડે કે, કેટલો સામાન આખો આવ્યો છે. એરપોર્ટના મજૂરો વિમાનમાં સામાન ચઢાવતી વખતે આ સરકતા 'કન્વેયર બેલ્ટ' ઉપર જે મસ્તીથી આપણી બેગો ફેંકે છે, એટલી ઝડપથી આપણને વિમાનમાં ફેંકીને બેસાડતા નથી. એ પદ્ધતિ એમની 'ડ્યૂટી'માં હજી સુધી તો નથી આવી. નહીં તો આપણી બાનેય એવી રીતે ફેંકીને વિમાનમાં ચઢાવે. આમાં જોકે બાને બદલે વાઇફને આ પદ્ધતિથી વિમાનમાં ચઢાવી શકાય કે નહીં, એ તો આવનારો સમય જ બતાવશે. અલબત્ત, બેલ્ટ ઉપર મુસાફરોનો સામાન આ ફેંકું–પદ્ધતિથી દુબઈના એરપોર્ટ ઉપર મેં પણ જોયો છે, એટલે ફક્ત ગુજરાતના એરપોર્ટ્સના મજૂરોએ જ આ કલા વિક્સાવી છે, ઐવાં અભિમાનો કરવાની જરૂર નથી. ખુદ આપણે પણ બગીચામાંથી ફૂલ ચૂંટીએ, એવી નાજુકાઈથી બેગેજ બેલ્ટ ઉપરથી બેગ લેતા નથી. આપણે પણ બેગ ખેંચી લેવામાં ઝટકા પદ્ધતિ અપનાવીએ છીએ ને એ ઉતાવળમાં કોઇ બીજાની બેગ ઉપાડી લઈએ છીએ.
અફકોર્સ, ફિલ્મોમાં તો એવાં અનેક દ્રશ્યો જોયાં છે, કે એરપોર્ટ પર હીરો–હિરોઇન એકબીજાની બેગો ગલતીથી ઉપાડીને ઘેર પહોંચી જાય. હીરોની બહેન ખુશીથી ઝૂમતી, 'ભૈઈઈઈઈ...યા, મેરે લિયે ક્યાં લાયે હોઓઓઓઓ?' ના ફુદાકા મારતી હોય ને એનો ભૈયોય બહુ મોટો પ્રોજેક્ટ પતાવીને આવ્યો હોય, એમ બહેનનો કાન ખેંચીને કહેશે, 'તુમ ખુદ હી દેખ લો ના !' બહેન બેગ ખોલે તો છોકરીઓની બ્રા–પેન્ટી જેવો... હાય હૈ... આપણાથી તો અડાય બી નહીં એવો સામાન બહાર નીકળવા માંડે અને પેલીના ઘેર બેગમાંથી સ્વામી વિવેકાનંદ કે રોમા રોલાનાં પુસ્તકો નીકળે. તારી ભલી થાય ચમના, તું કોને ઉલ્લુ બનાવે છે? અમને તો બધી ખબર છે, તું ક્યાં ખેલ ખેલી આવ્યો છું. હિરોઈન પણ વિવેકાનંદનાં પુસ્તકો જોઇને હીરો ઉપર કુરબાન થઇ જાય વગેરે...
મસ્ત મજાની વાત એ છે કે, બેલ્ટ ઉપર આપણી બેગ આવે, એ પહેલાં એરપોર્ટ પર પડેલી ટ્રોલી જાતે લઇ આવવાની હોય છે, જેની ઉપર સામાન મૂકીને ગેટની બહાર નીકળાય. બુદ્ધિમાન અમદાવાદીઓ કદી આવો પરિશ્રમ જાતે કરતાં નથી. ટ્રોલી લઈ આવનારનું ધ્યાન તો દૂર દૂરથી સરકતી આવતી બેગો ઉપર હોય, એટલે ટ્રોલી ઉપર એનું ફોકસ ન હોય. સ્માર્ટ અમદાવાદી કદી જાતે ટ્રોલી લેવા જતો નથી. બીજાઓ આપણા માટે તો લઈ આવે છે. એ આપણા ફાધરનો માલ હોય એમ લઈને ઊભા રહી જવાનું. ટ્રોલી ઉપર આરસની તખ્તી તો જડાવેલી હોતી નથી કે, 'અમારા સ્વર્ગસ્થ પિતાશ્રી સાંકળચંદ બુલાખીદાસના સ્મરણાર્થે.' (આંચકો લાગે છે કે, આવી ટ્રોલીઓ ઉપર 'ધારાસભ્યશ્રીના બજેટમાંથી' એવી તખ્તીઓ ચોડવાનો વિચાર આપણા માનનીય નેતોને હજી કેમ નથી આવ્યો?)
પણ કિસ્સો અમારા મધુભઈનો જગમશહૂર થાય એવો છે. મધુભઈએ કન્વેયર બેલ્ટ પર એમનો સામાન આવવાની રાહ જોઈ. એક જ બેગ હતી, એ આવી એટલે મને કહે, 'ચલો, આવી ગઈ.' પણ એ ઉપાડીને પાછળ ઊભી રાખેલી બેગેજ ટ્રોલી ઉપર મૂક્યા પછી ખ્યાલ આવ્યો કે, 'આ ટ્રોલી તો મારી છે, પણ બેગ મારી નથી. મારીય આવી ગ્રીન બેગ જ હતી, પણ આમાં તાળું માર્યું નથી. મારા વાળીમાં તાળું મારેલું છે.' એમણે બેલ્ટ ઉપર બેગ પાછી મૂકી અને પોતાની આવવાની રાહ જોઈ. એય આવી, એટલે આ વખતે તાળું મારેલી બેગ ચોક્સાઈ કરીને લઈ લીધી. સિકંદર પહેલું યુદ્ધ જીત્યો ને મોઢા પર જે આનંદ છલકતો હતો, એ મધુભઈના મોઢા પર છલક્યો. અમે ટ્રોલી લઈને એરપોર્ટની બહાર નીકળ્યા. ઘેર જવા એમની ગાડીમાં નીકળ્યા અને ઠેઠ નવાવાડજ પહોંચ્યા ત્યારે ઐરપોર્ટની મહિલા ઓફિસરનો ફોન આવ્યો. 'સોરી સર. ઉમ્મીદ હૈ, આપકી યાત્રા સફલ રહી હોગી. લેકિન ક્ષમા કીજિયેગા, ગલતી સે આપ અપને બેગ યહાં છોડ આયે હો ઔર દૂસરે પેસેન્જર કી બેગ આપ કે પાસ આ ગઈ હૈ.'
દુનિયાભરની એરહોસ્ટેસો પેસેન્જરોને ફિક્કા સ્માઇલ સાથે પૂછતી હોય છે, કોફી ઓર ટી, સર? 'મીટૂ' પહેલાં 'કોફી, ટી ઓર મી?' પૂછાતું તું. હવે પેસેન્જરો સુધર્યા છે.
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsQfv3FN0Jrvk-cD%3DiahttiKsLqM2WYSDFvEKaS5rSp4g%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment