આપણા સમાજની એ સૌથી મોટી કમનસીબી છે કે પુરુષ જાહેરમાં સિગરેટ, તમાકુ કે આલ્કોહોલ લઈ શકે છે પણ રડી શક્તો નથી. રડવા માટે એને એકાંત જોઈએ છે. જાહેરમાં દુઃખ અભિવ્યક્ત કરવામાં જો અહંકાર નડતો હોય, તો એ વધારે દુઃખની વાત છે. જેઓ રડી શકે છે, તેમને ક્યારેક તો છાના રાખી જ શકાય છે. જેઓ આંસુઓ નથી પાડી શક્તા, તેમને છાના રાખવા બહુ અઘરા હોય છે.
જન્મ થયા પછી દરેક બાળકને મળતો પહેલો અધિકાર રડવાનો હોય છે. રુદન ફક્ત અભિવ્યક્તિ નહિ, ક્યારેક જરૂરીયાત હોય છે. આંસુઓ આંખોનું ઓશિયાળાપણું નથી, તેઓ આંખોની જાહોજલાલી છે.
જાહેરમાં રડી શકવાની લક્ઝરી દીકરાને બહુ મર્યાદિત ઉંમર સુધી જ મળે છે. ત્યાર બાદ અચાનક એને એવું પ્રતીત કરાવવામાં આવે છે કે પુરુષ તરીકેની ઓળખાણ પ્રસ્થાપિત કરવા માટે આંખો કોરી રાખવી જરૂરી છે. રડવું એ ફક્ત દરેક વ્યક્તિનો મૂળભૂત અધિકાર જ નથી, એ આંખોનો વૈભવ છે. આપણી અંદર રહેલી ખીચોખીચ સંવેદનાઓમાં જ્યારે વેદના કે દુઃખનો ભડકો થાય છે ત્યારે આંખોમાંથી નીકળેલા આંસુઓ એ આપણી ઈમરજન્સી એક્ઝીટ છે. સમયસર નીકળેલા આંસુઓ મનને નવો ઓક્સીજન પૂરો પાડે છે.
કોઈની પણ શરમ રાખ્યા વિના અનૂભૂતિના આવેગોને વશ થઈને જાત નીચોવીને રડી શકવું, એ નબળાઈ નથી. એ સંવેદનાઓ જીવતી હોવાનું સર્ટીફીકેટ છે. કોઈ ચોક્કસ પ્રસંગે કે અનૂભૂતિએ ન રડી શકાયાનો રંજ અને અફસોસ, આપણને ભીતરે જિંદગી આખી રડાવતો હોય છે.
આંખો સુધી આવીને રોકી લીધેલું રુદન સ્વાસ્થ્ય ઉપર ગંભીર અસર કરે છે. દરેક પુરુષને કોરુંકટ્ટ રડવાની કળા હસ્તગત હોય છે. પણ ક્યારેક આપણે કોરા અને સુક્કા વચ્ચેનો ભેદ પારખી નથી શક્તા. કોરું રડવાની કુટેવ ક્યારેક આપણી અંદર એવું સુક્કું વાતાવરણ ઉભું કરી નાખે છે જ્યાં ભેજનો કાયમી દુકાળ રહ્યા કરે છે.
વેદનાના ઓવર-લોડીંગથી ફાટ ફાટ થતી જાતને હળવી કરવાનો રસ્તો આંખોમાંથી પસાર થાય છે. મનમાં ચાલી રહેલી પીડાએ લાંબી સફર કાપવી ન પડે, એ હેતુથી જ ઈશ્વરે આંખોનું લોકેશન ચહેરા પર રાખ્યું છે.
આંસુઓ આવવા, એ ફક્ત વેદનાનું લક્ષણ નથી. એ ભીતર રહેલી અસ્થિર સંવેદનાઓનું આધાર કાર્ડ છે. વહેતું પાણી ચોખ્ખું હોય છે. કોઈપણ અનૂભૂતિ કે અભિવ્યક્તિની સુંદરતા તેના વહી જવા સાથે જ સંકળાયેલી છે. લાગણીઓ પ્રવાહી હોય છે અને માટે તેને વહેવા દેવાની પ્રક્રિયા જ કુદરતી છે. પાણી હોય કે મનોભાવ, કૃત્રિમ રીતે એકઠું થયેલું અને વહી ન શકનારું કાંઈ પણ અંતે ગંદકી અને રોગચાળો જ ફેલાવે છે.
જરૂરીયાત સમયે કોઈને રડવામાં મદદ કરવી, એ પુણ્યનું કામ છે. રડતી વ્યક્તિની સગવડતા માટે ક્યારેક હાથરૂમાલની જગ્યાએ આપણો ખભો પણ ઓફર કરી શકાય. રાતે એકાંતમાં ઓશિકા પલાળવા કરતા જાહેરમાં કોઈના ખભા પલાળવા, એ સ્વાસ્થ્ય માટે વધારે હિતાવહ છે.
લાફ્ટર ક્લબની જેમ હવે રડવા માટેના ક્લબ પણ શરૂ થયા છે. ધીમે ધીમે આપણને રીયલાઈઝ થઈ રહ્યું છે કે જીવતરની ફળદ્રુપ પણ સુક્કી જમીન પર જો સંબંધો ઉગાડવા હશે, તો ભીનાશ તો જોઈશે જ.
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuAxDraZV9j7E2Oonbv4C8xtMUj-DPtR1RA2PrQtF0%2BqA%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment