તાજેતરમાં એક રિસર્ચમાં આ વસ્તુ સાબિત થઈ છે. સંશોધકોનું કહેવું છે કે ભારતીય બાળકો મોટા ભાગે પોતાના પેરન્ટ્સ સાથે સૂતાં હોય છે. પેરન્ટ્સ મોડા સૂએ એટલે તે પણ મોડાં સૂએ છે. આ એક મુખ્ય કારણ છે જેને લીધે ૧-૩ વર્ષનાં નાનાં બાળકોમાં પણ અપૂરતી ઊંઘની સમસ્યા જોવા મળી રહી છે. આ સમસ્યા પાછળનાં કારણો, લક્ષણો અને ઉપાય વિશે આજે સમજીએ. તાજેતરમાં એશિયા પૅસિફિક પીડિયાટ્રિક સ્લીપ અલાઇન્સ નામની એક સંસ્થા દ્વારા થયેલા એક રિસર્ચ અનુસાર ભારતીય બાળકોમાં ખાસ કરીને ૧-૩ વર્ષની ઉંમરનાં બાળકોમાં વયસ્ક લોકો જેવાં અપૂરતી ઊંઘનાં ચિહ્નો જોવા મળ્યાં હતાં જેની પાછળ રાત્રે મોડું સૂવું, સવારે વહેલું ઊઠવું, સૂવાનો અનિયમિત સમય અને ઊંઘમાં વારંવાર પડતી ખલેલ જેવાં કારણો જવાબદાર જોવા મળ્યાં હતાં. આ સ્ટડીમાં ભારતીય બાળકોની સરખામણી નૉન-એશિયન બાળકો ખાસ કરીને ઑસ્ટ્રેલિયા, કૅનેડા, ન્યુ ઝીલૅન્ડ, ઇંગ્લૅન્ડ અને અમેરિકા જેવા અલગ-અલગ દેશોનાં બાળકો સાથે કરવામાં આવી હતી. ભારતમાં બાળકો ઍવરેજ રાત્રે દસ વાગ્યે સૂએ છે, જ્યારે બીજા દેશોમાં બાળકો ઍવરેજ રાત્રે ૮ વાગ્યે સૂઈ જતાં હોય છે. અહીંનાં બાળકો રાત્રે ઍવરેજ બે વાર જાગી જતાં હોય છે, જ્યારે બીજા દેશોમાં બાળકો રાત્રે ઍવરેજ એક જ વાર જાગે છે. એની પાછળનું એક ખૂબ મહkવનું કારણ સંશોધકોને એ લાગે છે કે ભારતીય બાળકો મમ્મી-પપ્પાની સાથે જ સૂએ છે. ભારતીય મમ્મી-પપ્પા મોડે સુધી કામ કરે છે એટલે એ લોકો મોડાં સૂએ છે અને તેમના ચક્કરમાં બાળકો પણ મોડાં સૂએ છે. આ રિસર્ચમાં સંશોધકોએ ૧-૩ વર્ષનાં કુલ ૧૦,૬૬૬ બાળકોને સામેલ કર્યા હતાં જેમાંથી ભારતીય બાળકો ૩૦૦૦ જેટલાં હતાં. સંશોધકોનું કહેવું છે કે આ એક બેઝિક સ્ટડી છે, પરંતુ ભારતીય બાળકોની ઊંઘ પર આ પહેલાં કોઈ પણ પ્રકારનો સ્ટડી થયો જ નથી એ પ્રમાણે આ એક મહkવનો સ્ટડી છે. આજે સમજીએ નાનાં બાળકોમાં અપૂરતી ઊંઘના પ્રૉબ્લેમ પાછળ જવાબદાર કારણો, એને લીધે ઊભી થતી તકલીફો, એનાં લક્ષણો અને એના ઉપાય વિશે.
કારણો ભારતીય બાળકો તેમનાં મમ્મી-પપ્પાની સાથે જ સૂએ છે અને જે મમ્મી-પપ્પા મોડાં સૂએ તો તે પણ મોડાં જ સૂએ. આ તો એક કારણ થયું, પરંતુ મુંબઈ જેવા શહેરમાં બીજાં પણ કેટલાંક કારણો છે જેને લીધે અહીં બાળકો તેમને સૂવું જોઈએ એ સમય પર નહીં અને એના કરતાં ઘણાં મોડાં સૂએ છે. એ વિશે વાત કરતાં સ્લીપ ડિસઑર્ડર ક્લિનિક, બાંદરાનાં સ્લીપ ડિસઑર્ડર સ્પેશ્યલિસ્ટ અને ન્યુરોલૉજિસ્ટ ડૉ. પ્રીતિ દેવનાણી કહે છે, 'ભારતીય બાળકો પર અપૂરતી ઊંઘનું રિસ્ક ઘણું વધતું જઈ રહ્યું છે. એની પાછળ અમુક કારણો જેમ કે વાતાવરણમાં વધતું નૉઇઝ-પૉલ્યુશન, શહેરી લોકોમાં વધતું જતું લાઇટ-એક્સપોઝર પણ એટલું જ જવાબદાર હોઈ શકે છે. બાકી હકીકત એ છે કે ફૅમિલીમાં જે આદત હોય એ જ બાળકમાં આવે છે. મુખ્ય કારણ અને બાળકની અપૂરતી ઊંઘ પાછળ જવાબદાર કારણ તો પેરન્ટ્સના સૂવાના ખોટા ટાઇમિંગ જ છે.'
ખબર કેમ પડે? અમુક પ્રકારનાં ચિહ્નો છે જેના દ્વારા ખબર પડી શકે છે કે બાળકને અપૂરતી ઊંઘનો પ્રૉબ્લેમ છે. આ બાબતે સમજાવતાં ડૉ. પ્રીતિ દેવનાણી કહે છે, 'જો બાળકને સૂતાં ખૂબ જ વાર લાગતી હોય કે બાળક સૂએ જ નહીં ને જાગ્યા જ કરે તો તકલીફ હોઈ શકે છે. આ સિવાય જો તે ઊંઘમાં નસકોરાં બોલાવતું હોય કે પછી સૂતા સમયે બીજા પ્રકારનો કોઈ બ્રીધિંગ પ્રૉબ્લેમ હોય, સવારે ઊઠતું જ ન હોય, દિવસ દરમ્યાન સ્કૂલમાં કે ઍક્ટિવ સમય દરમ્યાન પણ સૂઈ જતું હોય, અટેન્શન જાળવી ન શકતું હોય, રમતી વખતે કે ભણતી વખતે એ પ્રવૃત્તિમાં તેનું ધ્યાન જ ન હોય, ખૂબ જ મૂડી હોય, કંઈ પણ સમજ્યા-કર્યા વગર જ વર્તન કરતું હોય, ઓવર-ઇમોશનલ હોય જેમ કે વધારે નખરાં કરતું હોય અને જલદીથી ખોટું લાગી જતું હોય, તેનામાં ધીરજનો અભાવ લાગે, હાયપરઍક્ટિવ હોય, જે કહો એનાથી ઊલટું જ કરે, ખૂબ વધારે થાકી જતું હોય કે પછી તરત જ પથારીમાં પડે એ ભેગું જ સૂઈ જાય, ખૂબ ભૂખ લાગે, અવારનવાર પડતું-આખડતું રહે, ખૂબ વાતો કરે જેમાં ખૂબ જ પ્રશ્નો પૂછ્યા કરે ખાસ કરીને જરૂર ન હોય એવા પ્રશ્નો પણ. તો બને કે બાળકને ઊંઘ સંબંધિત તકલીફ છે.'
શું થાય? જે બાળક પૂરતી ઊંઘ લેતું હોય તેને જોઈને જ ઓળખી શકાય છે. આવાં બાળકો સુવડાવો એના થોડા સમયમાં જ સૂઈ જશે અને રાત્રે ભાગ્યે જ ઊઠશે અને દિવસભર તે ખૂબ જ ખુશ અને એનર્જીવાળાં રહેશે. આવાં બાળકોનો ફેસ સદા હસતો જ હોય છે. સ્વભાવ ખુશમિજાજી હોય છે અને તેમનામાં નૅચરલ એનર્જી રહેલી હોય છે. જ્યારે બાળકો અપૂરતી ઊંઘનો શિકાર બને છે ત્યારે એ અપૂરતી ઊંઘની તેમના પર શું અસર થઈ શકે છે? આ પ્રશ્નનો જવાબ આપતાં ડૉ. પ્રીતિ દેવનાણી કહે છે, 'બાળકમાં ગ્રોથ-હૉર્મોનનો ફક્ત રાત્રે સૂતા સમયે જ સ્રાવ થાય છે એટલે જો તે અપૂરતી ઊંઘનો શિકાર હોય તો બને કે તેનું વજન ખૂબ જ ઓછું હોય. જો આ હૉર્મોનનો અસામાન્ય રીતે સ્રાવ થાય તો એવું ચોક્કસ બની શકે કે બાળકના ગ્રોથ પર એની અસર થાય અને તેની ઇમ્યુનિટી ઘટે. આ સિવાય અપૂરતી ઊંઘને કારણે બાળકની સાઇકોલૉજિકલ ગ્રોથ પર પણ અસર થાય છે. એને લીધે બાળક હાયપરઍક્ટિવ બની જાય છે અને તેની એકાગ્રતામાં ઊણપ આવે છે.'
શું કરવું? બાળકને અપૂરતી ઊંઘની તકલીફ ન થાય એ માટે ડૉ. પ્રીતિ દેવનાણી પાસેથી જાણીએ કેટલીક જરૂરી બાબતો...
૧. બાળક માટે હંમેશાં એક જ સેટ રૂટીન અપનાવો. આજે રાત્રે ૯ વાગ્યે સુવડાવ્યું અને કાલે ૧૧ વાગ્યે એમ નહીં. તેનો સૂવાનો, જાગવાનો, ખાવાનો, પીવાનો બધો સમય એકદમ નિશ્ચિત રાખવો અત્યંત જરૂરી છે. એમાં કોઈ પ્રકારની ગરબડ ન થવી જોઈએ.
૨. સૂવાનું રૂટીન અને જગ્યા બધું એક જ રાખજો. એમાં બદલાવ આવે તો પણ ઊંઘમાં ગરબડ થઈ શકે છે. ઘોડિયાની આદત ન પાડો તો વધુ સારું, કારણ કે એ આદત છોડાવતી વખતે બાળકને ઊંઘમાં તકલીફ શરૂ થઈ શકે છે.
૩. બાળકને પોતાની જાતે જ સૂઈ જવાની આદત પાડો જે લાંબા ગાળે તેને જ મદદરૂપ બનશે. બને તો અલગ રૂમમાં, નહીં તો એમ જ.
૪. સેટિંગ હંમેશાં રિલૅક્સિંગ રાખો; જેમ કે ૭ વાગ્યા આસપાસ જમવાનું, પોણાનવ વાગ્યે દૂધ પીવાનું, નાઇટડ્રેસ પહેરીને એક વાર્તા સાંભળી ૯ વાગ્યા સધીમાં સૂઈ જવાનું. જો આ રીતે દરરોજ થશે તો આપોઆપ રૂટીન સેટ થશે. બાળક રિલૅક્સ થઈ સૂઈ જશે.
૫. સૂવાના સમયે મોબાઇલ, ટીવી કે લૅપટૉપની બ્લુ લાઇટથી બાળકને દૂર જ રાખો. બાળકને સૂવા માટે નૉર્મલ, ઠંડું, શાંત અને એકદમ અંધારું વાતાવરણ આપો જેનાથી તેની ઊંઘ સરસ રહે.
૬. બાળક દૂધની બૉટલ મોઢામાં મૂકે અને સૂઈ જાય એ આદત બિલકુલ સારી નથી. દૂધ પીવાય જાય પછી ઓડકાર લઈને બાળક સૂવે એ જ બરાબર છે.
૭. સૂતાં પહેલાં ચૉકલેટ કે સોડા કે ચા-કૉફી જેવી કૅફીનયુક્ત સ્ટિમ્યુલન્ટ વસ્તુઓ બિલકુલ ન આપવી. આમ પણ આ વસ્તુઓ બાળક માટે હેલ્ધી નથી. રાત્રે તો એ ઊંઘને રોકનારી છે એટલે એ ન જ આપવી.
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ot11X8y7JbacDtYX-VWe9Rfpmb80M7H6LjbEPCW-_LL3A%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment