અમેરિકન ચેસ ગ્રાન્ડમાસ્ટર અને ૧૧મા વર્લ્ડ ચેસ ચૅમ્પિયન રૉબર્ટ જેમ્સ ફિશર ઉર્ફ બૉબી ફિશરને એના સમયનો ગ્રેટેસ્ટ ચેસ પ્લેયર કહેવામાં આવ્યો છે. બૉબી ફિશરે કહ્યું છે, "ચેસ એ બૉર્ડ પર ખેલાતું યુદ્ધ છે, એનો ઉદ્દેશ હરીફના દિમાગને કચડી નાખવાનો છે. વાત તો ખરી કારણ કે બલેઝ પાસ્કલ જેવા ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી, ભૌતિકશાસ્ત્રી, લેખક અને સંશોધકે કહ્યું છે, "ચેસ એ મગજની વ્યાયામશાળા છે. દિમાગને થકવી નાખતી રમત એટલે આ ચોસઠ ચોકઠાના દિમાગી આટાપાટા! આવા દિમાગી આટાપાટાના કેટલાંક એવા 'ઉસ્તાદો કે ઉસ્તાદ' છે, જેઓ નાની વયમાં એટલે કે કિશોર વયમાં જ ચોસઠ ચોકઠાના 'પાટવીકુંવર' બની ગયા હતા. હજી હાલની જ વાત છે, આ જ મહિનાની ૧૪મી તારીખના મંગળવારે ૧૪ વર્ષની વયનો નિહાલ સરીન અબુધાબીમાં ખેલાયેલી અબુધાબી માસ્ટર્સ સ્પર્ધામાં ૫૩મો ગ્રાન્ડમાસ્ટર બન્યો. એવી જ રીતે રમેશબાબુ પ્રજ્ઞાનંદા વિશ્ર્વનો બીજો સૌથી નાની વયનો ગ્રાન્ડ ચૅમ્પિયન બન્યો હતો. ભારતે ઈટાલીમાં જૂન ૨૦૧૮માં ગ્રેન્ડાઇન ઑપનની ફાઈનલમાં પહોંચેલા રમેશબાબુની સફળતા જોઈ ત્યારે એ ૧૨ વર્ષ, ૧૦ મહિના અને ૧૩ દિવસનો હતો. નજીકના લોકો એને 'પ્રગ્ગુ' કહીને બોલાવે છે. એણે ગ્રાન્ડમાસ્ટર લુકા જુનિયરને પરાજય આપ્યો હતો. વર્ષ ૨૦૧૬માં પ્રગ્ગુ ચેસના ઈતિહાસમાં યન્ગેસ્ટ ઈન્ટરનેશનલ માસ્ટર બન્યો હતો. એની સફળતાનું ગાન હજી સહેજ લંબાય છે, પણ એ વિશે પછી. ગમ્મતની વાત છે કે, આ રમેશબાબુ પ્રજ્ઞાનંદા અને નિહાલ સરીન પાછા મિત્રો છે અને પ્રતિભાસંપન્ન ચેસ, ખેલાડીઓ છે. વધુ ખુશ કરે એવી બીજી મહત્ત્વની બાબત છે કે તેમની વચ્ચે હરીફાઈ, ચડસાસડસી કે અદેખાઈ નથી, જેને આપણે અંગ્રેજીમાં રાઈવલરી કહીએ છીએ. હા, અન્ય ભારતીય ગ્રાન્ડમાસ્ટરો વચ્ચે હોય છે તેવી તંદુરસ્ત સ્પર્ધા છે ખરી! "આટલી નાની વયે ગ્રાન્ડ માસ્ટર બનવું એ કંઈ નાનીસૂની વાત નથી. એ ભારતીય ચેસ ક્ષેત્ર માટે સારી નિશાની છે, એમ પ્રજ્ઞાનંદાના કોચ આર. બી. રમેશે કહ્યું હતું. પ્રગ્ગુ ૧૦ ઑગસ્ટ, ૨૦૦૫ના તામિળનાડુમાં ચેન્નઈ ખાતે જનમ્યો છે તો નિહાલ સરીન ૧૩ જુલાઈ, ૨૦૦૪ના કેરળના ત્રિશૂરમાં જનમ્યો છે. એ નાનપણથી જ અત્યંત પ્રતિભાશાળી રહ્યો છે. નાના પાસે ચેસના ખેલના આટાપાટા શીખી લઈને આઠ વર્ષની વયે એણે સ્થાનિક સ્પર્ધામાં લગભગ દરેક ખેલાડીને હરાવ્યા છે. એના કુટુંબમાં ચેસની રમત એમ ઝાઝી ખેલાતી નથી, પણ માતામહ-નાનાજીએ એને ચેસની રમતનો ચસકો લગાડ્યો હતો, એમ એના પિતા અબ્દુસ સરીને કહ્યું હતું. આજે એ છઠ્ઠા ધોરણમાં છે અને ગ્રાન્ડ માસ્ટર (જી.એમ.) છે. આ જી. એમ. ખિતાબ વિશે પૂછતાં નિહાલે કહ્યું હતું કે, "ખરેખર તો આવું ટાઈટલ એ પ્રોત્સાહક બનવાને બદલે દિમાગને ભટકતું કરે છે, લક્ષ્યમાંથી લપસાવે એવું છે. પહેલા તો હું જાતજાતના, જુદા જુદા ઑપનિંગ વારંવાર રમતો હતો. અલગ પોઝિશન લેતો હતો. (ગેમની પ્રારંભિક જુદી જુદી ચાલ ખેલતા રહેવાની વાત). એનાથી હું ચેસના ખેલને બહેતર રીતે સમજવા પ્રયાસ કરતો હતો. હવે સાલું જી.એમ. ટાઈટલની આભામાં મને તો નવા નવા પ્રયોગો કરવાની ગભરામણ થાય છે. હવે તો એને માટે સતત એની પાસેથી હાઈ સ્ટાન્ડર્ડની જ અપેક્ષા રાખવામાં આવશે. એ કહે છે, "હું એ બધી અપેક્ષાઓ સુધી પહોંચવા પ્રયાસ કરતો રહીશ, પણ એ એટલું સહેલું તો નથી જને! લોકો માને છે કે ચેસ રમવું બહુ સહેલું છે, પણ વિદેશમાં જઈને રમવું, સારામાં સારા કોચને રોકવા વગેરે પાછો બહુ મોંઘી બાબત છે. આજે ભારતમાં ચેસના ખેલના ક્ષેત્રમાં તેજીનો તિખારો અનુભવાઈ રહ્યો છે. છ વર્ષ અગાઉ દેશમાં ૨૭ ગ્રાન્ડ માસ્ટર્સ હતા, આજે એ આંકડો ૫૧ ગ્રાન્ડ માસ્ટર્સ પર પહોંચ્યો છે. ગ્રાન્ડમાસ્ટર્સ બન્યા ત્યારે આમાંનાં ઘણાં તો ટીનએજર હતા. આજે પણ એમાંનાં કેટલાંક હજીય કિશોરવયના જ હશે! આટલા ટીનએજરો ચેસ પ્રત્યે ખેંચાઈને ગ્રાન્ડ માસ્ટર બને છે એ જ દર્શાવે છે કે ભારતમાં કિશોરો અને એમનાં માતાપિતાઓમાં ચેસની લોકપ્રિયતા કેટલી બધી છે. મોટાં શહેરોમાં અને ખાસ કરીને દક્ષિણ ભારતમાં અકૅડેમીઓમાં ચેસના પાઠ ભણવાની માગણી બહુ મોટી છે. મોટા ભાગનાં માતાપિતા તેમનાં સંતાનોને ચેસ ખેલવા બાબતે ખાસ્સું પ્રોત્સાહન આપે છે, કારણ એમનું માનવું છે કે ચેસ રમવાથી બાળકની પૃથક્કરણ કરવાની , વિશ્ર્વેષણ કરવાની ક્ષમતાને ખાસ્સી એવી ધાર ચડે છે અને ક્ષમતા તેજ બને છે જેનું ગજબનું શૈક્ષણિક મૂલ્ય છે. ભારતના ચેસ ક્ષેત્રમાં આવેલી આવી જબ્બર તેજીની પાછળ ભૂતપૂર્વ વર્લ્ડ ચેસ ચૅમ્પિયન વિશ્ર્વનાથન આનંદ છે એ ૪૮ વર્ષનો છે અને ૧૯૮૮માં ભારતનો પહેલો ગ્રાન્ડમાસ્ટર બન્યો ત્યારે ૧૮ વર્ષનો હતો. વિશ્ર્વમાં ૧૪મી રેન્ક ધરાવે છે. ટીનએજર ગ્રાન્ડમાસ્ટરોમાં ધરખમ વધારો થવા છતાં આનંદ ૩૨ વર્ષ ભારતનો નંબર વન ખેલાડી રહ્યો છે, જોકે ૨૦૧૬માં પી. હરિકૃષ્ણે બહુ ટૂંકા સમય માટે આનંદને ખસેડી મૂક્યો હતો. ટોચ પર રહેવાનો આનંદનો લાંબો સમયગાળો એની રમતની શ્રેષ્ઠ ગુણવત્તા દર્શાવે છે, સાથે એ પણ જણાવે કે ભારતીય ટીન જિનિયસો સિનિયર લેવલે પહોંચીને ફીકાં પડે છે કે લોપ પામે છે.વૈશ્ર્વિક સ્તરે મોખરાના ૧૦૦ ચેસ ખેલાડીઓમાં ફક્ત સાત ભારતીયોનું સ્થાન છે, એમાં ફક્ત આનંદ જ ટોચના ખેલાડીઓમાં બેઠક ધરાવે છે. આપણા આ પ્રજ્ઞાનંદામાં એ સ્થાને પહોંચવાની ક્ષમતા હોવાનું નિષ્ણાતોનું માનવું છે. ભારતમાં કિશોરવયનાં બાળકો કેમ ચેસમાં નિપુણ બને છે, એવો સવાલ થવો સ્વાભાવિક છે. વિશ્ર્વનાથન આનંદની સફળતા જ દેશમાં ચેસની વધેલી લોકપ્રિયતાના કારણમાં હોવાનું વ્યાપકપણે બોલાય છે. ભારત દેશે વિશ્ર્વને ચેસની રમત આપ્યાનું પણ કહેવામાં, માનવામાં આવે છે. કેટલાકો તો વળી આનંદને ચેસનો સચિન તેંડુલકર કહેતા હતા, એમાં હાસ્યાસ્પદ કશું નથી! સચિન તેંડુલકર પણ હજારો શાળાકીય બાળકોનો આદર્શ હતો ત્યારે અને આજે પણ છે, ગમે તેમ તોયે એ દેશનો સૌથી વધુ સફળ ખેલાડી તો ખરો જને! એવી જ રીતે ૪૨ વર્ષનો વિશ્ર્વનાથ આનંદ ભારતનો સૌથી મોટો સ્ટાર છે અને ગ્રાન્ડ માસ્ટર બનીને આ ખેલનું સૌથી ઊંચું સન્માન મેળવનારો પહેલો ખેલાડી છે. આનંદે વર્લ્ડ ચેસ ચૅમ્પિયન બનીને ૨૦૦૭માં આંતરરષ્ટ્રીય ખ્યાતિ મેળવી હતી અને આ ટાઈટલ એ ત્રણ વાર જીત્યો હતો. વિશ્ર્વનાથન આનંદ જ્યારે જ્યારે મોટી ટુર્નામેન્ટ રમે છે ત્યારે એની એક એક ચાલનું ભારતમાં ચેસના રસિયાઓ ઝીણવટભરી નજરે નિરીક્ષણ કરે છે, તેનો ખેલ નેશનલ સ્પોર્ટ્સ ચૅનલ પર મોટા પ્રમાણમાં રજૂ કરવામાં આવે છે. ભારતમાં ચેસ ખાસ કરીને દિલ્હી, કોલકતા અને દક્ષિણ ભારતમાં લગભગ ઘણાં સ્થળોએ રમવામાં આવે છે. ઓલ ઈન્ડિયા ચેસ ફાઉન્ડેશનના સેક્રેટરી ભરતસિંહ કહે છે કે આનંદના પહેલા વિજયને પગલે ચેસના ખેલની લોકપ્રિયતા વધવા માંડી. "ખાસ કરીને છેલ્લાં છ કે સાત વર્ષમાં જ ચેસની રમત રમવામાં અને એની લોકપ્રિયતામાં વૃદ્ધિ થઈ છે, એમ સિંહ કહે છે. એ સાથે સિંહ એ બાબતે પણ આંગળી ચીંધે છે કે, એ સમયગાળામાં ભારતમાં ગ્રાન્ડમાસ્ટર્સની સંખ્યા ત્રણ ગણી થઈ હતી. આજે ૨૭ જી.એમ. છે. એ જ સમયમાં ભારતમાં ઈન્ટરનેશનલ ચેસ માસ્ટર્સની સંખ્યા પણત્રણ ગણી એટલે કે ૭૬ની થઈ હતી અને રેન્કિંગમાં ભારત ટોપ-૧૦માં છે. નજીકના ભૂતકાળમાં નોંધપાત્ર પ્રમાણમાં ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય ચેસમાં સિદ્ધિ મેળવી છે, તેમાં ભારતમાં પુરુષ અને મહિલા ખેલાડીને સરખે ભાગે સિદ્ધિ આવી છે. કોનેરુ હમ્પી દેશના સૌથી વધુ કુશળ મહિલા ચેસ ખેલાડી છે. એ વર્લ્ડ નંબર ચારનું સ્થાન ધરાવે છે. "વળી, ચેસના ખેલમાં ભારત કેમ આટલી ઝડપથી આટલા બધાં પગથિયાં ચડી શક્યું અને આનંદ તેમ જ એની પેઢીના અન્ય યુવાન ખેલાડીઓ કેમ અવરોધ વળોટી શક્યા એના જવાબમાં કહી શકાય કે એમાં ઈન્ટરનેટનો વપરાશ પણ કારણભૂત છે. '૯૦ના દાયકાના આરંભથી જ તમારી પાસે એટલી બધી માહિતી-ડાટાબેઝ છે કે તે મેળવવા માટે તેમણે ફકત માઉસના એક ક્લિકનો સહારો લેવાનો છે. એ ક્લિક કર્યું કે ચેસની હજારો રમત તમારી સામે હાજર થાય છે, એમ સિંહે કહ્યું છે. ચેસની રમત પાયાના સ્તરે પણ વિકસી રહી છે અને હવે તો એ તામિળનાડુ અને ગુજરાત જેવા રાજ્યોમાં વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં સમાવિષ્ટ છે. એમ તો દેશભરમાં શાળાઓમાં ચેસ રમતાં શીખવવામાં આવે છે. તાજેતરમાં એવો એક અહેવાલ આવ્યો છે કે કે.જી.ના (ક્ધિડર ગાર્ટન)ના વિદ્યાર્થીઓને ચેસ શીખવવામાં આવે છે. મુંબઈમાં તો કેટલાંક ચેસ કોચ તો સાડાત્રણ વર્ષનાં બાળકોને ચેસ શીખવવા લાગ્યા છે, અગાઉ બાળક પાંચ વર્ષનું થાય પછી જ શીખવવાની શરૂઆત કરવામાં આવતી હતી. ભારતમાંથી અંગ્રેજો જતાં રહ્યાં ખરા, પણ આજે ચેસ બૉર્ડ પર આ ભૂલકાંઓને ક્વીન કેમ બચાવવી તેની મથામણમાં મૂકવામાં આવે છે! આવી જ એક મથામણમાં ચાર વર્ષની અનન્યાએ એની ક્વીનને ઉગારી લીધી એ વિશે હોંશે હોંશે તમને કહેશે. આ બાળકોને ચેસમાં સિસિલિયન ડિફેન્સમાં ડ્રેગન વેરિયેશન-પ્રકાર શીખતાં-ખેલતાં જોઈને ચકિત થઈ જવાય એવું છે! ક્રિકેટની રમત માટે બાહોશ ખેલાડી તૈયાર કરવાના આશયે એક સમયે 'કૅચ ધેમ યંગ' એવું સૂત્ર અમલમાં મુકાયું હતું અને એમાંથી જ અનેક નામવંત ખેલાડીઓ ભારતીય ક્રિકેટને મળ્યા હતા, કદાચ એવું જ ભારતીય ચેસના ક્ષેત્રમાં થઈ રહ્યું છે. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvM3ymqBaNqibiEcYKbbMu%3DirfHBvBeROwSf54V-_pe4Q%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment