ત્યાગ, બલિદાન અને કુરબાનીનો તહેવાર એટલે ઈદુઝ ઝોહા. જેને આપણે બકરી ઈદ તરીકે પણ સંબોધીએ છીએ. આ ઈદ વિશેની સાચી માહિતી બિનમુસ્લિમોને તો ઠીક પણ મુસલમાન સમાજમાંની નવી પેઢીમાંથી પણ કદાચ ઘણાને ખબર નથી કે આ ઈદ પાછળનો અસલ હેતુ શો છે? બકરી ઈદમાં બકરા કાપવામાં આવે છે તેથી જ એ ઈદનું નામ બકરી ઈદ રાખવામાં આવ્યું છે એવું નથી. બકાર કાપવાનું તો એક પ્રતીક છે અને ઈદનું સાચું નામ ઈદુઝ ઝોહા છે. કેટલાક તેને ઈદુદહોદા તરીકે પણ સંબોધે છે. આ 'ઝોહા' શબ્દમાંનો મૂળાક્ષર જે 'ઝુવાડ' છે તેને સમજાવવા અથવા તેના જેવો ઉચ્ચાર થાય એવો કોઈ અક્ષર આપણી ગુજરાતી ભાષામાં નથી એટલે કોઈ 'ઈદુઝ ઝોહા' કહે છે તો કોઈ 'ઈદુદ દોહા' કહે છે. અને એ પાછળનો ઈતિહાસ ઘણો લાંબો છે. ઈસ્લામ ધર્મને અનુસરનારા મુસ્લિમ બંધુઓ સામાન્ય રીતે ત્રણ ઈદ ઊજવતા હોય છે. એક તો રમઝાન ઈદ જેને કહેવામાં આવે છે તેનું મૂળ નામ છે ઈદુલ ફિત્ર અને આપણે સૌ જેને બકરી ઈદ કહીએ છીએ તે છે ઈદુઝ ઝોહા અને ત્રીજી ઈદ છે જેને ઈદે મિલાહ કહેવામાં આવે છે, જે દર વર્ષે ઈસ્લામી કેલેન્ડર અનુસાર ૧૨મી રબીઉલ અવ્વલ, (અંગ્રેજી તારીખ પ્રમાણે આ વર્ષે નવેમ્બરની ૨૧મી)ના રોજ આવે છે તે છે. પવિત્ર કુરાનમાં અનેક પયગંબરો વિશેના પ્રસંગો, કથાઓ અને કિસ્સાઓ છે. ઉર્દૂમાં 'કિસસુલ અંબિયા' નામની એક કિતાબ છે, જેમાં કુરાન મજીદમાં રજૂ થયેલા તમામ પયગંબરો વિશેની કથાઓને વર્ણવવામાં આવી છે. આમાં એક કિસ્સો પયગંબર હઝરત ઈબ્રાહિમ અલૈયહિ સલ્લામ (અ. સ.)નો પણ છે. હઝરત ઈબ્રાહિમ (અ.સ.)નો ઈલ્કાબ છે 'ખલ્લીલુલ્લાહ' એટલે કે અલ્લાહના દોસ્ત. પયગંબર હઝરત ઈબ્રાહિમને એક રાત્રે એવું સપનું આવ્યું કે તેઓને કહેવામાં આવી રહ્યું છે કે, હે ઈબ્રાહિમ! અલ્લાહ તમારી પાસેથી તમારી જે કોઈ પ્યારામાં પ્યારી વસ્તુ હોય તેની કુરબાની ઈચ્છે છે. પરવરદિગારે આલમના પ્રિય પયગંબર મનોમન વિચારમાં તો પડ્યા હતા પણ જ્યારે બીજી રાત્રે અને ત્રીજી વખત પણ રાતના સમયે તેમને એ જ શબ્દો સપનામાં કહેવામાં આવ્યા કે અલ્લાહ પાક તમારી સૌથી પ્રિય વસ્તુની કુરબાની ઈચ્છે છે ત્યારે તેઓએ મનોમન કહ્યું મારી સૌથી પ્રિય વસ્તુ તો મારો પુત્ર ઈસ્માઈલ (અ. સ.) છે, તો શું આ અલ્લાહ પાક મારી પાસેથી તેની કુરબાની ઈચ્છે છે? અને તે પછીની કથાનો ટૂંકસાર એ છે કે અલ્લાહની કસોટીમાં પાર ઊતરવા પિતા હઝરત ઈબ્રાહિમ (અ.સ.)ને આજ્ઞાંકિત, ફરમાબરદાર પુત્ર હઝરત ઈસ્માઈલે પ્રાણ આપવા તૈયારી દાખવી અને એક દિવસ બપોરને સમયે પિતાએ નક્કી કર્યું કે અલ્લાહના હુકમ અનુસાર પુત્રની ગરદન પર છરી ફેરવી દેવી અને એ રીતે અલ્લાહે આપેલ હુકમને વફાદારીપૂર્વક પરિપૂર્ણ કરી દેવોે. આ પરથી જ કદાચ 'ઝોહા' શબ્દ જેનો અર્થ થાય છે 'બપોર' એ પ્રસંગને ઈદુઝ ઝોહા તરીકે કહેવામાં આવે છે. સગા બેટાની સગો બાપ પોતાના હાથમાંની છરી વડે ગરદન કાપવા તૈયાર તો થઈ ગયો હતો પણ તેમના હાથ જાણે કંપવા લાગી ગયા હતા. પયયંબર હઝરત ઈબ્રાહિમ (અ.સ.)એ પોતાની આંખો મીંચી લીધી. આંખો બંધ કરી લીધા પછી બરાબર ગરદન પર છરી ધરી. પછી તેમને એવું લાગ્યું કે જાણે તેઓના હાથ પર કોઈ બીજાનો હાથ મુકાઈ રહ્યો છે. પિતા હઝરત ઈબ્રાહિમ (અ.સ.)ના હાથ પર બીજા કોઈ હાથનો સ્પર્શ થવો અને પુત્ર હઝરત ઈસ્માઈલ (અ.સ.)ની ગરદન પર છરી ફરી જવી આ બધું અચાનક એવું બની ગયું કે હઝરત ઈબ્રાહિમ (અ.સ.)ને પોતાની બંધ આંખો ખોલી નાખવી પડી. જ્યારે તેઓની આંખ ઊઘડી તો તેઓએ જોયું કે તેમના વહાલા ફરજંદની જગ્યા પર એક દુમ્બો, એક ઘેટું ઝબેહ થઈને પડ્યું હતું. અલ્લાહતઆલાએ પોતાના તરફથી ફરિશ્તાઓ મોકલ્યા હતા અને તેઓએ આવીને અલ્લાહના પયગંબરને કહ્યું કે હે ખલીલુલ્લાહ! અલ્લાહ પાકે આપની કુરબાનીને કબૂલ કરી લીધી છે. તમે ઈલાહી પરીક્ષામાં પાસ થયા છો, તમારી કસોટી થઈ ગઈ છે, તમે અલ્લાહની ખુશનુદગી પ્રાપ્ત કરી લીધી છે અને અલ્લાહે તમામ ફરજંદ હઝરત ઈસ્માઈલ (અ. સ.)ને બદલે એક દુમ્બો કુરબાની માટે મોકલાવ્યો છે. આ કુરબાની એટલે બકરી ઈદ. ઈસ્લામ ધર્મ કુરબાની, બલિદાન, સચ્ચાઈ, સ્વાર્પણના પાઠ આપનારો મઝહબ છે. મહાકવિ ઈકબાલ સા'બે બે પંક્તિઓમાં મહાન ધર્મ ઈસ્લામનુું વિશ્ર્લેષણ આ પ્રમાણે કર્યું છે: અર્થ: પયગંબર હઝરત ઈબ્રાહિમ (અ. સ.) એટલે મહાન કા'બા એટલે અલ્લાહનું ઘર. જ્યાં હજ કરવા માટે દર વર્ષે લાખો મુસલમાનો જતા હોય છે તેનો પાયો, એ મૂળ ઈમારત હઝરત ઈબ્રાહિમ (અ. સ.)એ તૈયાર કરી હતી. ઈસ્લામ ધર્મની શરૂઆત ખરું જોતાં હઝરત ઈબ્રાહિમ (અ. સ.)થી શરૂ થાય છે. કવિ કહે છે કે ઈસ્લામે માનવીને બલિદાનના પાઠ શીખવ્યા છે. ત્યાગની તાલીમ આપી છે. સૌપ્રથમ બલિદાન હઝરત ઈબ્રાહિમ (અ. સ.) અલ્લાહના મિત્ર ખલીલુલ્લાહના પુત્ર હઝરત ઈસ્માઈલ (અ. સ.) ઝબીહુલ્લાહથી થાય છે અને તેની ઈન્તેહા અંતિમ લક્ષ્ય, તેની પરિપૂર્ણતા અંતિમ પયગંબર હુઝૂરે અનવર હઝરત મુહંંમદ (સ. અ. વ.)ના નવાસા, હઝરત અલી (અ. સ.) તેના ફાતેમા (અ. સ.)ના નૂરે ચશ્મ, શહીદે આઝમ હઝરત ઈમામ હુસૈન (અ. સ.) સુધી પહોંચે છે. સમસ્ત ઈસ્લામ આલમને હજ અને બકરી ઈદની મુબારકબાદ. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtwyV-ofLCj%2BEMz_%3D1fi6U7atn2Yx5SuC_GtDaQnMvKsQ%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment