Sunday, 26 August 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ જોમો’ એટલે છોડવાનો આનંદ (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



'જોમો' એટલે છોડવાનો આનંદ!
પુરુષ વાત- પુરુષ જાત-પરેશ શાહ

મોબાઈલ-કમ્પ્યૂટર નહોતાં ત્યારે એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે સંપર્કમાં રહેવા માટે પત્રાચાર કે રૂબરૂ મળવાનો શિષ્ટાચાર જાળવતી. એ મળવું સભ્યતાનું-સંસ્કારનું એક અંગ જ હતું, સામે ચાલીને ઓળખીતાપાળખીતાઓને મળવા જવાનું... સાદી ભાષામાં 'ખબર કાઢવા જવાનું' એમ કહેવાતું. ઈન્ટરનેટના આવિષ્કારે આ હળવા-મળવામાં ગજબની ક્રાંતિ આણી. પત્રાચાર અને રૂબરૂ મળવાનો શિષ્ટાચાર ઈતિહાસના પાનાંઓમાં દફન થઈ ગયો અને લોકો ઈન્ટરનેટના માધ્યમથી સતત એકબીજા સાથે સોશિયલ મીડિયા પર કનેક્ટ રહેવા લાગ્યા... સતત વાતચીત અને જાણકારી-માહિતીની આપ-લે કરવા લાગ્યા, પણ સતત કનેક્ટ રહેવાનો કંટાળો પણ ઓછો ખતરનાક નથી. હા, આ મામલો ઉખળ્યો પેલા ચંદુ ચિંદીના ભાઈની વિચિત્ર વર્તણૂકમાંથી... (બાય ધ વે ચિંદીનો ધંધો કરે છે એટલે એને બજારમાં લોકો એને ચંદુ ચિંદીના નામે વધારે ઓળખે છે.)

વાત જાણે કે એમ છે કે એ ચંદુનો ભાઈ ચિરાગ પરીક્ષા પતી ગયા પછીની રજામાં સતત સોશિયલ મીડિયાની સાઈટો પર ધડાધડ પોસ્ટ કરતો, લાઈક્સ-કમેન્ટ્સ જોયા કરતો, ચેટિંગ તો બંધ જ ન થાય. ચંદુ તો એમ કહે છે કે, એના હાથમાંથી મોબાઈલ લઈ લોને તો ય અભાનપણે કિ-ઈન કર્યા જ કરે. એનાં આંગળાં હવામાં ટાઈપિંગ કરે. ઊંઘમાં પણ અને ખાતા પણ આંગળાં ચાલ્યા જ કરે. (કદાચ ચંદુની આ વાત અતિશયોક્તિ હોઈ શકે). હવે સતત કનેક્ટ રહેવાનું વ્યસન થઈ ગયું. ચિરાગ પાસ થઈને ડિગ્રી મળતાં ચંદુ સાથે ધંધે લાગી જવાનો હતો પણ એ રાતના મોડે સુધી, ક્યારેક તો પરોઢનો અજવાસ થાય ત્યાં સુધી જાગતો રહેતો અને ઓનલાઈન રહેતો. ચિરાગની આ ટેવની તકલીફ એને પોતાને જ થવા લાગી ને સાથે ઘરના અન્યોને પણ વસમું પડવા લાગ્યું. આવા જ બીજા પણ બે કિસ્સા જાણમાં આવેલા. સોશિયલ મીડિયાના અતિ વપરાશને કારણે ચિરાગની તબિયત પર અસર પડવા લાગી હતી.

આખરે એક પરિસ્થિતિ એવી આવી કે ચિરાગને અને મોબાઈલને જુદા પાડી ન શકાય એવું થયું એટલે તબીબી સલાહ લેવી પડી. જોકે, કોઈ પણ ડાહ્યો માણસ ડૉક્ટરે સૂચવ્યું એ સૂચવી શકે એવી એ પરિસ્થિતિ હતી. એને ડૉક્ટરે દિવસના કેટલાક કલાકો કમ્પલસરી મોબાઈલ નહીં વાપરવાનો નિયમ આપ્યો. આ નિયમ માટે પણ ચિરાગને ઘરના મંદિરમાં બેસાડીને સંકલ્પ કરાવવો પડ્યો એમ ચંદુએ કહ્યું, પણ મિત્રમંડળીમાં કોઈને એ માનવા જેવું ન લાગ્યું, એ ચંદુની અતિશયોક્તિ હોઈ શકે! દિવસના ચોક્કસ કલાકો મોબાઈલથી દૂર રહીને કરવાનું શું? ચિરાગ તો ત્રાસી જતો મોબાઈલથી દૂર રહીને. જોકે એક દિવસ ચંદુની પત્નીએ માળિયા પર ચડાવી દીધેલું વાયોલિન ઉતારી, સાફ કરી, એના તૂટેલા બ્રિજને નવેસરથી બેસાડાવીને દિયરના હાથમાં આપ્યું. "લ્યો હવે આ વગાડો, બાને સાંભળવાની મજા આવશે, એમ કહીને ચિરાગના જૂના શોખને અને કસબને સંકોર્યો. ચિરાગ તો શરૂમાં વાયોલિનથી દૂર રહ્યો. એ ભાડાંની સાઈકલ લઈ રખડવા જવા લાગ્યો, લાઈબ્રેરીમાંથી પુસ્તકો લાવીને વાંચવાનો ઉદ્યમ કરવા લાગ્યો, પણ વાયોલિનને અડ્યો નહીં. સાઈકલની રખડપટ્ટી અને પુસ્તકના વાંચનનો કંટાળો આવતા ચિરાગે વાયોલિન ઉપાડ્યું... ને જીવનનો ખેલ બદલાઈ ગયો. કલાકોના કલાકો વાયોલિન વગાડતો. એને પગલે અન્ય બજવૈયા મિત્રો ફરી મળવા લાગ્યા અને તેમનું બૅન્ડ બન્યું. ચિરાગને સલામ એટલે કરવી પડે કે મોબાઈલ નહીં વાપરવાના સમયગાળામાં સોશિયલ મીડિયામાં શું ચાલી રહ્યું છે? કોણે શું પોસ્ટ મૂકી છે? એના ફોટો પર કોણે શું કમેન્ટ કરી છે? તેને કેટલા લાઈક્સ મળ્યા છે? એ તમામ બાબતોને એણે કશું જ મહત્ત્વ નહીં આપવાના એના નિર્ણયને મક્કમતાથી વળગી રહ્યો હતો.

આગળ જતાં અન્ય મિત્રો પાસેથી ચિરાગને ખબર પડી કે યુવાનોમાં સોશિયલ મીડિયાથી ચોક્કસ સમય દૂર રહેવાનું ચલણ વધ્યું છે. એને એ પણ ખબર પડી કે કેટલાકો તો આ માટે રીતસરનું પ્લાનિંગ કરે છે અને આ ટ્રેન્ડને એ લોકો 'જોય ઑફ મિસિંગ આઉટ' કહે છે. ટૂંકમાં ઠરાવીને ઠરાવિક સમય માટે સોશિયલ મીડિયાનો સંપર્ક છોડવાનો, ત્યજવાનો, એનાથી સંપૂર્ણપણે આઘા રહેવાનું... આ 'મિસિંગ આઉટ' દરેકે અને ખાસ કરીને પુરુષોએ અજમાવવા જેવું છે. 'ત્યાગીને ભોગવો' એવું આપણાં શાસ્ત્રો અને શાસ્ત્રકારો તો પહેલેથી જ કહે છે, એ સાથે તેમણે ત્યજવાના આનંદ વિશે પણ પેટભરીને વાતો કરી છે.

આજકાલ તરુણો તો ઠીક પણ પ્રૌઢો અને કેટલાક વૃદ્ધો પણ સતત ઓનલાઈન રહેતા હોવાનું જણાયું છે. એમાં પણ તરુણોનું જીવન જ લાઈક્સ-કમેન્ટ્સ પર અવલંબિત થઈ ગયું છે. દરેક પોસ્ટ જોવાની રહી જવાની ચિંતા અને તરત લાઈક નહીં કરતાં સંબંધ લફડામાં આવવાનો ભય એમને બીજું કશું વિચારવા દેતો નહીં હોવાનું લગભગ માતાપિતા અનુભવતા હોય છે. આ ભય લગભગ તરુણોને અને કેટલાક પુખ્ત પુરુષોને લાગતો હોય છે... આ વાત એ લોકો ખુલ્લેઆમ કબૂલ નહીં કરે! આ સ્થિતિને 'ફિઅર ઑફ મિસિંગ આઉટ કહે છે. બરાબર આની વિરુદ્ધનો ટ્રેન્ડ એટલે 'જોય ઑફ મિસિંગ આઉટ' એટલે કે 'જોમો'. સોશિયલ મીડિયાથી દૂર રહીને પોતાની જાતને કેટલોક સમય આપવામાં આવે છે, આ ટ્રેન્ડમાં અને આ ટ્રેન્ડ ફૉલો કરવાનું પ્રમાણ વધતું જાય છે. (ઓશોએ પણ ક્યાંક કહ્યું છે કે ભય છે એટલે આનંદ છે અને સુખ છે એટલે જ તો દુ:ખ છે અને જીવન છે માટે મૃત્યુ છે.)

-----------------------------

આમાં શું કરવામાં આવે?

૧ અમુક ઠરાવિક દિવસો માટે સોશિયલ મીડિયાની ઍપ્સ મોબાઈલમાંથી કાઢી નાખવામાં આવે છે.

૨ ચોક્કસ દિવસો માટે ઈન્ટરનેટ અને વાઈફાઈ બંધ કરી દેવામાં આવે છે.

૩ નિર્ધારિત દિવસો સુધી મોબાઈલ, લૅપટૉપ અથવા અન્યો કોઈ પણ ગેઝેટ્સ વાપરવામાં આવતા નથી.

૪ કેટલાય જણા સોશિયલ મીડિયા પરના પોતાના અકાઉન્ટ્સ એ ચોક્કસ સમય માટે બંધ કરે છે.

આનો ફાયદો શો?

૧ પોતાના કેટલાક શોખ જાગૃત કરવામાં અને એ શોખને પોષણ આપવાનો, તેનું સંવર્ધન કરવાનો સમય મળે છે.

૨ તાણ-તંગદિલી હળવી થાય છે.

૩ સર્જનશીલતા-કલ્પકતામાં વધારો થાય છે.

૪ પોતાને માટે ફાજલ સમય મળે છે, જેમાં જાતને મળવાનું મહત્ત્વનું બની જાય છે.

૫ કુટુંબીજનો સાથે સમય ગાળવા મળતો હોઈને સંબંધ ઘટ્ટ થાય છે.

૬ માનસિક અને શારીરિક આરોગ્ય સુધરે છે.

એક માનસોપચારતજ્જ્ઞે આ વિશે સરસ વાત કહી છે. તેમનું કહેવું છે કે, "સોશિયલ મીડિયાના અતિ વપરાશને કારણે આપણું જીવન અધિક જ સોશિયલ થઈ ગયું છે. આપણું વ્યક્તિગત કશું રહ્યું જ નથી એટલે સોશિયલ મીડિયાના વપરાશ પર કડક નિયંત્રણ રાખવું બહુ જરૂરી છે. આ માટે આપણે પોતાની જાતને સમય આપવો જોઈએ. આપણે આપણી અંદરનો અવાજ સાંભળવો જોઈએ. 'જોમો'ંમાં ખરેખર આમ જ કરવામાં આવે છે. માનસિક આરોગ્ય સુધારવાના અભિગમથી એ ખુબ ઉત્તમ એક્સરસાઈઝછે. સોશિયલ મીડિયા સાથે સતત કનેક્ટ રહેનારા સૌને 'ઑલ ધ બેસ્ટ'.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvuayfeF%3DKoYFh4EUKciMOCyBbnTfCJOPRM50tK6Nxjbg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment