Sunday, 26 August 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ન્યુ ઇંડિયા સક્સેસ ફોર્મ્યુલા (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ન્યુ ઇંડિયા સક્સેસ ફોર્મ્યુલા: શહેરો-રસ્તાનાં નામ બદલો, દેશની કિસ્મત બદલો!
મિજાજ મસ્તી-સંજય છેલ

ટાઇટલ્સ: મુંબઇ ઊંધી રકાબી જેવું છે એટલે મ્યુિ'દોનસિપાલીટીએ કામ ના કરવું! (મૂર્ખ ભક્તવચનાવલી)

બીઘા ઝમીન', 'ગર્મ હવા' અને 'વક્ત' જેવી અનેક ફિલ્મોના સફળ અને મહાન અભિનેતા બલરાજ સહાનીના દીકરા અજય સહાનીએ ૭૦ના દાયકામાં હીરો તરીકે ૩-૪ ફ્લોપ ફિલ્મો આપી અને પછી પોતાનું નામ 'પરિક્ષીત સહાની' એમ બદલીને જોયું પણ તોયે એની ફિલ્મો ના જ ચાલી ત્યારે ફિલ્મ લાઇનમાં એક જોક ફેમસ હતો કે બલરાજના બેટાએ માત્ર એનું નામ નહીં પણ પોતાનો ચહેરો જ બદલવો જોઇએ અને શક્ય હોય તો એક્ટિંગની લાઇન પણ બદલી નાખવી જોઇએ! પણ નામ બદલીને હરખાવું એ દેશની જૂની આદત છે. હમણાં યુ.પી.ના અલાહાબાદ કે ઇલાહાબાદ શહેરનું નામ 'પ્રયાગ' કરવામાં આવશે એવી ચળવળ શરૂ થઇ છે! ૨૦૧૯ની ચૂંટણી આવતા સુધી હજુ ઘણું બદલાશે.હા,માત્ર નહિ બદલાય,આપણી તકદીર.મોંઘવારી ચાલ્યા કરશે,બેકારી એમની એમ રહેશે માત્ર શહેરો-રસ્તાઓના નામ બદલાશે.વ્યંગકાર શરદ જોશીએ છેક ૧૯૯૦માં લખેલું,ભારતમાં રડવાવાળાંઓની ત્રણ જાતિ છે.કેટલાંક વર્તમાન પર રડે છે,કોઇક ભવિષ્ય પર રડે છે તો કોઇ ભૂતકાળ પર રડે છે.જેવી જેની ઔકાત,એવું એનું રડવું. આપણી સરકારો અને સમાજ અગાઉ અને આજેય ભૂતકાળ પર રડવામાં જ બિઝી રહે છે.

૨૦૧૪માં સરકાર બનતાં વેંત જ દિલ્હીનાં ઔરંગઝેબ રોડનું નામરાષ્ટ્રપતિ એ.પી.જે.અબ્દુલ કલામ રોડ થઇ ગયેલું. એમાં અમને જરાયે વાંધો નથી કારણકે ઔરંગઝેબ,અમારાં કાકા-મામાના સગામાં નથી.એક તો એ ઘાતકી-ધર્માંધ,બાપને જેલમાં નાખનારો હતો અને પાછો 'સંગીત'નો વિરોધ કરનારો હતો એટલે ઇનશોર્ટ એક મહાબોર માણસ હતો પણ શહેરો-રસ્તાઓ,સંસ્થાઓના નામ બદલવાની,સરકારી કવાયતો હજમ થતી નથી. રસ્તાનું નામ બદલવાનો રસ્તો સીધો વોટબૅંક તરફ જાય છે કારણ કે અબ્દુલ કલામને જો માન આપવું જ હતું તો એક રોડ શું એમના નામે આખો હાઇ-વે બનાવી શકાય. એ માટે ઔરંગઝેબ રોડની જ પસંદગી કેમ કરી? ભટીંડા,ભીંડ કે ઝુમરીતલૈયા જેવા વિચિત્ર નામવાળાં શહેરો નહીં પણ અલાહાબાદનું નામ જ કેમ બદલવાનો વિચાર સરકારને આજે આવે છે? પેલા ઔરંગઝેબે શહેનશાહ હોવાં છતાંયે,ટોપીઓ સીવીને જીવન ગુજારેલું.એને તો સપનેય ખ્યાલ નહીં હોય કે સદીઓ પછી એના રોડને બદલીને એક સરકાર, પબ્લિકને જ 'ટોપી' પહેરાવશે!!

રોડનાં નામ બદલવાથી શું ફાયદો? રોડનાં નામ બદલાવાથી કોઇ રોડની સાઇઝ કે એનાં પરના ખાડાની સંખ્યા આજ લગી બદલાઇ નથી.નામ બદલવાથી રોડ પર ચાલવામાં આપણો ટાઇમ પણ આપોઆપ બચી જતો નથી.નામ બદલાવાથી રોડ પર ટ્રાફિક ઓછો નથી થતો!નવા નામથી રોડ પર છોકરીઓની છેડતી નથી અટકતી. અરે,રોડનાં નવા નામથી એ રોડનાં જાલીમ કૂતરાંઓ પણ આપની પાછળ ભાગવાનું બંધ નથી કરતાં. વળી, જો અલાહાબાદમાંથી 'પ્રયાગ' નામ થઇ જશે તો શું ત્યાં પ્રદૂષણ ઓછું થઇ જશે? વરસો અગાઉ મુંબઇમાં 'ફ્લોરા ફાઉન્ટન'નું નામ 'હુતાત્મા ચૌક' કરવામાં આવેલું તો શું થઇ ગયું? અનેક રસ્તાનાં નામ બદલાયા પણ મુંબઇ જરાયે નથી બદલાયું.અગાઉની જેમ જ વરસાદમાં ખાડાવાળા રોડમાં ગબડીને લોકો મરતાં રહેશે છે પણ તોયે નામ તો બદલાતા જ રહેશે!

લગ્ન પછી ઘણા પતિઓ,પત્નીનું નામ બદલી નાખે છે.પરણીને 'ચંપા' અચાનક 'ચિન્મયી' બની જાય છે.એનાથી ચંપાનું ફીગર કે રસોઇ નથી બદલાતી પણ પતિનો ઇગો સંતોષાય છે કે જોયું? મેં બૈરીને મારી બનાવી દીધી!સરકારોનું પણ એવું જ છે કે -જુઓ, અમે અમારી છાપ પાડીને? વરસો અગાઉ સાંભળેલું કે અમદાવાદનું નામ કર્ણાવતી થશે.અમને ગમેલું કે કર્ણાવતી સરસ કર્ણપ્રિય નામ છે.એ સાંભળવા અમારાં કર્ણ આજ લગી તરસી રહ્યાં છે.કદાચ આ જન્મે બુઢાપામાં અમારાં કર્ણ સાંભળવાની શક્તિ ગુમાવી બેસશે ત્યારે બદલાશે?

ઇન્ટરવલ:

એક રસ્તા,આહા આહા,દો રાહી,આહા આહા

એક ચોર,દો સિપાહી,આહા આહા (આનંદ બક્ષી)

બીજેપી સરકાર છોડો, કૉંગ્રેસે તો દેશનો એકપણ ખૂણો, નહેરુ-ઇંદિરા-મોતીલાલ-સંજય-રાજીવ ગાંધીનાં નામ આપવામાંથી નથી બાકી રાખ્યો. જ્યાં જ્યાં એમની નજર પડી,ત્યાં ત્યાં રાજીવ ગાંધી માર્ગ કે ઍરપોર્ટ કે ઇંદિરા ગાંધી યુનિવર્સિટી બનાવી નાખ્યાં.નવાઇ લાગે છે કે આજ સુધી કૉંગ્રેસને અસંખ્ય પાનની દુકાનો પર નહેરુ-ગાંધી પરિવારનાં બોર્ડ મૂકવાનો આઇડિયા કેમ નથી સૂઝ્યો?તમે રાજીવ ગાંધી પાનભંડાર શોપ પર પાન ચાવતાં ચાવતાં દેશની ચિંતા કરતાં હોત અથવા મોતીલાલ પાન-બીડી શોપ નીચે મોતી છાપ બીડી ફૂંકતા ફુંકતા ભવિષ્યનાં શમણાં જોતાં હોત! એજ રીતે ઇટાલિયન ફૂડની હોટલો પર 'સોનિયા ગાંધીનાં ફૂડકોર્ટ' બોર્ડ મારી શકાય અથવા બધાં મેરેજ બ્યૂરોને 'રોબર્ટ વાઢેરા બહુ-દામાદ કેંદ્ર' બનાવી શકાય!

જોકે આજની બીજેપી સરકાર પણ બહુ ટુંકા સમયમાં કૉંગ્રેસથી આગળ નીકળી શકી છે.આ સરકારે ચંદીગઢ ઍરપોર્ટનું નામ શહીદે આઝમ ભગતસિંહ હજુ સુધી નથી કર્યું પણ વારાણસી પાસેના મુઘલસરાય સ્ટેશનનું નામ દીનદયાલ ઉપાધ્યાય સ્ટેશન તરત જ કરી નાખ્યું!ભગત સિંહ ફાંસી પર ચઢી ગયા તો શું થયું? હવે સરકારે દિલ્હીનું નામ 'ઇન્દ્રપ્રસ્થ' કે હસ્તિનાપુર કરી જ નાખવું જોઇએ. સરકાર બનતાં વેંત જ 'પ્લાનિંગ કમીશન'ને 'નીતિ-આયોગ' નામ આપીને નવીનતા પણ આણેલીને?હવે સરકારે રાતોરાત બધાં જ શહેર,રોડ અને સંસ્થાઓનાં નામ બદલી

નાખવા જોઇએ જેથી આપણને લાગે કે 'હા,યાર..સરકાર કામ તો કરી રહી છે!' સરકારો, ગરીબી-કોમવાદ-મોંઘવારી વગેરે ભલે ના રોકી શકે પણ શહેર-રોડનાં પાટિયાં તો બદલી જ શકેને?

જોજોને, અલાહાબાદમાંથી પ્રયાગ થશે તો આપણો દેશ પણ બદલાવા માંડશે.ડૉલર સામે રૂપિયાની કિંમત વધશે.ક્ધયા ભ્રૂણ હત્યાઓ, બળાત્કારો તરત જ અટકી જશે! ફિલ્મસ્ટારનાં નામ અને સ્પેલિંગ બદલાતા જ કિસ્મત બદલાતી હોય છે જેમ કે યુસુફ ખાનમાંથી દિલીપકુમાર, જતીન ખન્નામાંથી રાજેશ ખન્ના અને હરી જરીવાલામાંથી સંજીવકુમાર..તો એ જ રીતે શકય છે કે દિલ્હીનાં ઔરંગઝેબ રોડના નામ બદલાવાથી હવે દિલ્હીની પણ તકદીર બદલાશે અને દિલ્હીનું ભાગ્ય બદલે તો દેશની કિસ્મત ચમકી જ ઉઠેને? જુઓ ને ગુડગાંવનું નામ ગુરૂગ્રામ કરવાથી ત્યાં ગુનાખોરી કેટલી ઘટી ગઈને? અરે, હવે મુંબઇના ગેટ-વે ઓફ ઇંડિયાને 'હિંદ પ્રવેશદ્વાર' કહેવું જોઇએ.દરેક મુગલ કે અંગ્રેજ સલ્તનતનાં નામો-નિશાનોને ભૂંસી નાખવાના!દિલ્હીનાં 'ચાંદની ચૌક'ને 'ચામુંડા ચૌક' અને મુંબઇના સાંતાક્રુઝને 'સંત નગર' કરી દો! પોરબંદરને 'ગાંધીબંદર' કે 'ચતુર બનિયા નગર' કરી નાખો! નહીં? ઓકે, ચાલો 'ગોડસે ગ્રામ' કરી નાખોને!હવે ખુશ?દેશનું ભવિષ્ય બદલી ન શકીએ તો ભૂતકાળ તો બદલી જ શકીએ ને?

અમને ડર લાગે છે કે ઔરંગઝેબની જેમ અમારું નામ 'સંજય' પણ ખરાબ છે?સંજયે મહાભારતમાં અધર્મી કૌરવનાં પપ્પા ધૃતરાષ્ટ્રને યુદ્ધનું લાઇવ-ટેલીકાસ્ટ બોલીને મદદ કરેલી..એ હિસાબે 'સંજય' પણ ઔરંગઝેબની જેમ વિલન જ કહેવાયને?તો શું આ સરકાર અમારૂં નામ 'સંજય'માંથી 'ભક્ત નરસિંહ' વગેરે કરી નાખશે ?નરસિંહ મહેતાની જેમ સવારે વહેલાં ઉઠીને અમારે પણ પ્રભાતિયા ગાવા પડશે?બાપ રે..,અમે સરકારને બે હાથ જોડીને કહીએ છીએ કે અમારૂં નામ 'સંજય'માંથી બદલાવવું જ હોય તો 'મુકેશ અંબાણી' કે 'ગૌતમ અદાણી' કરી નાખજો!ભલે અદાણી-અંબાણી જેટલી દૌલત ના મળે પણ કમસેકમ માર્કેટમાં વટ તો પડશે.

શહેર કે રસ્તાનાં નામ બદલવાથી દેશ બદલાતો હોય તો સરકાર ચલાવવાનો આ રસ્તો જરાયે ખોટો નથી.રસ્તામાંથી જ રસ્તો નીકળે!ડામરનાં ડૂચાંથી પાટિયાંઓ પણ કાલિખ લગાવવાથી દેશનું કપાળ ચમકતું હોય તો કરો શહેર- રસ્તાનાં નામ ચેંજ..કમસેકમ આ દેશમાં કઇંક તો ચેંજ થાય!

(તા.ક.: 'સંજય છેલ વાયડા' માંથી અમારું નામ 'સંજય છેલ' ઓફિશિયલી કરી નાખ્યું છે,એ વાત કોઇને પણ અને ખાસ કરીને સરકારને કરવી નહીં! નવા નામે સરકાર ભક્તોથી ગાળો ખાવાની તાકાત હવે નથી રહી)


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Oucm-ps%3Dvq6cBXtF%2B8FYTax05U67A26y60Sk5Ta8sCZKw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment