મારા બાપા અને હું દર રવિવારે જાણીતા બધાંય ગુજરાતી દૈનિકોની ટચૂકડી જાહેરખબર શેરલોક હોમ્સ અને આસિસ્ટન્ટ વોટસનની અદાથી વિપુલદર્શક- કાચની મદદથી 'લગ્ન-સંબંધી' કોલમ આખ્ખો દિવસ માળિયું સાફ કરવાની વરસો જૂની પ્રેક્ટિસને લીધે ફેંદી વળતા આજે અમારી બંનેની નજર એક ખાસ બોર્ડરવાળી કલાત્મક જાહેરખબર પર અટકી... ખટકી અને પછી કાતરના એક જ ઝાટકે ઝટકી.
રૂપાળી, દેખાવડી, ઉંમરલાયક, સુશીલ, ગુણિયલ, સંસ્કારપ્રેમી, ધાર્મિક ઘરરખ્ખુ, અનુભવી સુક્ધયા માટે ઠરેલ, દૂરંદેશી, સ્વમાની જીવનસાથીની હુંફ માટે સમર્પિત ઠાવકા ઉમેદવારને પ્રથમ પસંદગી (મર્યાદિત જવાબદારી સાથે). 'વિનિયા, કાં તો તારા શનિવાર ફળ્યા છે સાથે સાથેે મારા ડાકોરના પગપાળા યાત્રાસંઘના પ્રવાસનો આ પ્રસાદ લાગે છે. ચાલ જલદી તૈયાર થઇ જઇએ. ત્રણ વરસ પહેલાં માપ આપીને પડી રહેલો સૂટ પહેરતાં (અણવર વગર) મને વાર તો લાગી પણ મારા તરવરાટી બાપે એમનું સફારી ફરી ઇસ્ત્રી કરી પહેરી લીધું. બંને કાનમાં અત્તરનાં પૂમડાં ઠાંસી દીધા જેથી ડોકિયાં કરી ઊંચા તથા 'લાલુપ્રસાદ બ્રાન્ડ' વાળ બળવો ના પોકારે. અમે બંનેએ વાંકાવળી એકબીજાના બૂટને જૂનાં મસોતાથી સાફ કરી 'મૂરતિયા' છાપ કરી દીધાં. જૂના વેસ્પા સ્કૂટરને એમણે વરસો જૂની ટેવ પ્રમાણે પીઝાના ટાવરની જેમ બે ત્રણ વાર વાંકું વાળ્યું. (એક વાર તો પડતાં પડતાં બચી ગયા) પછી એમણે કીકો મારવા માંડી ને મેં ગણવા માંડી. રોજની જેમ ૧૩મી કીકે એમણે કીકના કેસરિયાં કરવાનો અહેવાલ મને સોંપ્યો. બરોબર મારી ૧૮મી કીકે પડોશમાં રહેતા બાબુ બાંડાએ બરાડો પાડીને કહ્યું... 'એ લોરેલ-હાર્ડીના વારસો... આ ઓટલા પર ચાવી કોની પડી છે?' જરાય છોભીલા પડયા વગર ચાવી વટથી ટપલી મારતા કહ્યું. 'બાબુ અંકલ, ગેરેજમાં બાઇક રિપેરિંગનો ડિપ્લોમા કર્યો છે. અમે તો વગર ચાવીએ સેલ્ફ-સ્ટાર્ટ પણ કરી લઇએ.' વેસ્પા જૂનું હતું પણ બાપાએ પહેરેલી હેલ્મેટ નવીનકોર હતી. (મંદિરના ઓટલે ગઇ અગિયારસે જડી હતી.) સામે ગાય મળી એટલે તોરમાં આવી મને કહ્યું: 'વિનિયા, આજે બેડો પાર... ઉતરી જશે ભાર બર હવે થઇ જઇએ તૈયાર... ભારોભાર... લગાતાર... બારબાર.' આનંદના અતિરેકમાં મારા બાપાને જોડકણાનું ઝનૂન ચડતું એ લગભગ મારી હાજરમા જ ઉતરતું. ચાર રસ્તે પીળી લાઇટ જોઇ બાપાએ બ્રેકને બદલે એકસીલેટરની મૂઠને મચડ મચ કરી. ડાબી બાજુએથી આવેલો સાઇકલ સવાર અથડાયો. એનું ટિફિન, એના ડબલા રાહદારીઓ ભેગા કરતા હતાં એ તકનો લાભ લઇ અમે નક્કી કરલા સરનામે વગર એપોઇન્ટમેન્ટે પહોંચી ગયા. બારમા માળે જવાનું હતું. લીફટમેનનો લંચ અવર હતો. સ્વયમ સંચાલનના આદર્શ સાથે અમે અંદર ઘૂસ્યા. બારણું બંધ કર્યું. અંદર એક યુવતી અને નાનો ટેણિયો ઉભો હતો. મારા બાપાએ સ્ત્રી-દાક્ષિણ્યથી પૂછયું 'પહેલો કે બીજો?' યુવતીએ પિત્તો ગુમાવ્યો 'કાકા, શરમ નથી આવતી? આ ટેણિયો મારો નથી.. બારમા માળવાળીનો રખડેલ છે. ઇડીયટ. 'સોરી... બેન સોરી પપ્પા વતી સોરી. તમારે પહેલો કે બીજો કયા માળે ઉતરવાનું છે. એ માટે પપ્પા પૂછતા હતા.. સોરી.' બારમા માળવાળીનો રખડેલ... ઇડિયટ આ નવી ઓળખ અને વિશેષણો અમારી અવલોકન- નોંધમાં ટેન્શન સાથે લીધાં પણ હાશ! અમે ૧૨એની ઘંટડી દબાવતા હતા ત્યાં ૧૨-બી (બોલીએ તો બાર્બી ડોલ લાગે) ના મેડમે પેલા ટેણિયાને ધમકાવીને પૂછયું. 'પેલી ચીબાવલી આંટીની સ્કૂટીની ડીકી પર પીપી કોણે કરી હતી. ૧૨-એનું બારણું ઉઘડયું. બોબ્ડ હેર, ઘેરાવદાર સ્કર્ટ અને હોઠ ઉપર મારકણું સ્મિત. અમે બાપ-બેટા લોટરીના ઇનામના નંબર તપાસતાં હોઇ એમ એ ષોડશીને જોઇ રહ્યા. 'ટેઇક યોર સીટ. બી કમ્ફરર્ટબલ. આઇ એમ જસ્ટ કમિંગ.' વીજળીની જેમ ષોડશીની વિદાય. બાપ-બેટા એકબીજાના હાથ દબાવી સોફા પરથી દીવાલ પરનાં મોર્ડન- આર્ટના ચિત્રો જોતા હતાં. પેલી ષોડશી યેરાના ગ્લાસમાં મિનરલ વોટરનું પાણી છાલવતા બોલી, શું લેશો? ચા કે ઠંડું.? 'ચા બને ત્યાં સુધી ઠંડું ચાલશે' એવું કહેવાને બદલે મેં કહ્યું, નો ફોર્માલીટી તમારે હવે અંદર જવાનું નથી. અમારી સામે બેસો. લેટ'સ ટોક.' ... અરે! હજી મારે લોન્ડ્રી બાકી છે. મેડમ અંદર પૂજાપાઠ કરીને આવશે.' ષોડશી ગઇ. અમને બંનેને થયું નમૂનાનું સેમ્પલ આવું સરસ હોય તો ગોડાઉનનો માલ તો કેવો ય હશે! થોડીવાર પછી જાજરમાન બાનુએ બેઠક લીધી. જાહેરખબરમાં બધાંય વિશેષણો રૂપાળી, દેખાવડી, ઉંમરલાયક નજર સામે જ સાક્ષી પુરાવતાં હતાં. ધાર્મિક, સંસ્કારપ્રેમી... નો પડઘો પૂજાપાઠમાંથી ડ્રોઇંગરૂમની એન્ટ્રીથી પડતો હતો. વાર્તાલાપ શરૂ થયો. 'તમારી આવક કેટલી?' 'પચાસ હજાર' 'માસિક કે વાર્ષિક?' 'અમારા બંનેની સંયુકત.' 'ઘર ભાડાનું છે કે વડીલો-પાર્જિત?' 'બેન... દસ્તાવેજો જૂના મળી જાય પછી તમને જણાવીએ.' 'ડોન્ટ વરી.. તમારા બંનેમાંથી રાંધવાનું કોણ જાણે છે? 'બેન એક ટિફિનથી ચાલી જાય છે. હવે પછી દોઢ કરીશું.' '૨ બીએચકેના ફલેટમાં આપણે ચાર કેવી રીતે સમાઇશું'? 'વડીલબાનુ.. 'ચાર' કેવી રીતે?' 'કેમ? જાહેરખબર ધ્યાનથી પૂરી નથી વાંચી.. આંશિક જવાબદારી સાથે.' 'એટલ કે બેન તમારું જૂનું દેવું... હપ્તા... પ્રિમિયમ ભરવાના બાકી છે?' 'ના ભાઇ ના... આ આંશિક જવાબદારી મારી દીકરી જેને તમે કદાચ બીજે માળે ઉતારી તે... કોલેજિયન છે.. ટયુશન કરવા નીચે ગઇ લાગે છે. 'મને કાંઇ વાંધો નથી.' મારા બાપાએ ધડાકો કર્યો. પપ્પા, પણ મારા માટે છોકરી જોવા આવ્યા છે ને તમે તમારું સેટિંગ કરો છો.. આ ઉંમર? દીકરા... આપણો ધંધો છે. ધીરદારનો. મને તો જેટલું મુદ્દલ વહાલું એટલુ જ વહાલું છે વ્યાજ. વડીલબાનુ આપણા તરફથી પાક્કી હા... મને પત્ની મળશે... દીકરાને બહેન.' ... વડીલ, તમારી બધ્ધી વાત સો ટચના સોના જેવી. પણ મારો હસબન્ડ છૂટાછેડા આપવાની ધરાર ના પાડે તો? |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvdBosHEcMeT7V5cip1e_8KZor3BikojtQDhbRZhDhyEQ%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment