Friday, 3 August 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ વિવિધા (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



વિવિધા!
ભવેન કચ્છી

 

 

વાત ક્રિકેટર ઇમરાન ખાનના ભૂતકાળની અને વડાપ્રધાન તરીકેના ભાવિની પાકિસ્તાનનો ક્રિકેટ કોહિનુર હવે 'વઝીર 'તાલિબાન ખાન' તરીકે તેના વિરોધીઓ તેને ઓળખે છે... પાકિસ્તાનની સેનાનાં આ 'પપેટ શો' પર ક્યારે પડદો પડશે તેના પર વિશ્વની નજર 'પ્લે બોય'ની ઇમેજ સાથે આવેલા ઇમરાનની કેપ્ટન્સી હેઠળ પાકિસ્તાન ૧૯૮૭માં અમદાવાદમાં ટેસ્ટ રમ્યું હતું ઈમરાન ખાનની કેપ્ટન્સી હેઠળ ૧૯૮૬- ૮૭માં ભારતના પ્રવાસે આવેલી પાકિસ્તાનની ટીમ પાંચ ટેસ્ટની શ્રેણી ૧-૦થી જીત્યું હતું.

 

તે અરસામાં સ્વાભાવિક પણે ભારત કે પાકિસ્તાન  વચ્ચેના તનાવભર્યા રાજકીય સંબંધો જોતાં બંને દેશોના ક્રિકેટ ચાહકો એકબીજા સામેની હાર પચાવી નહોતા શકતા. બંને ટીમોના ક્રિકેટરોને પણ પરાજ્ય પામીશું તો તેમના દેશના વિલન બની જઈશું તેવી ફડક રહેતી.

 

આ જ કારણે ટોસ ઉછળે તે પહેલાં જ મેચ ડ્રોમાં ખેંચવાની રણનીતિ રહેતી.

 

મદ્રાસ, કલકત્તા, જયપુરની ડ્રો ટેસ્ટ બાદ શ્રેણીની ચોથી ટેસ્ટમેચ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ૪ થી ૯ માર્ચ ૧૯૮૭ દરમિયાન રમાઈ હતી.

 

અમદાવાદના ક્રિકેટ ચાહકોને તો મનોરંજન જોઈએ. નકારાત્મક ક્રિકેટ રમો તો ભલભલાનો હુરિયો બોલાવી દે. તે વખતે સિક્યોરિટી એટલે શું તે કોઈને ખબર નહોતી. પ્રેક્ષકો વોટરબેગ અને ટિફિન પણ સ્ટેડિયમમાં લઈ જઈ શકતા.

 

તે દાયકામાં ઈમરાન ખાનની પ્લેબોય ઇમેજ એ હદે જામી ગયેલી કે તેની શર્ટ વગરની ખુલ્લી છાતી બતાવતી બ્લોઅપ તસ્વીરો ફેશન અને ગ્લેમર મેગેઝીનોમાં વધુ પ્રકાશિત થતી.

 

ઈમરાન ખાનને તે વખતે નવાસવા પત્રકાર તરીકે તેને મળવાની તક અમદાવાદમાં પ્રાપ્ત થઇ હતી. પેકર ક્રિકેટ ક્લબ દ્વારા આપેલું ટી-શર્ટ જેમાં આગળના ભાગે પ્રિન્ટ થયેલું સૂત્ર હતું કે, 'બિગ બોય્સ ઓલવેઝ પ્લે એટ નાઇટ' એ પહેરીને મોટેરા સ્ટેડિયમના ડ્રેસિંગ રૃમમાં તેણે એન્ટ્રી કરી હતી.

 

કેરી પેકરે ક્રિકેટમાં ક્રાંતિ લાવતા ડે-નાઇટ ક્રિકેટ શરૃ કર્યું હતું 'ખરા મર્દો રાત્રે જ (ક્રિકેટ) રમે છે' તેમ તેના ટી-શર્ટ સ્લોગનનો અર્થ થતો હતો પણ ઈમરાન ખાનની ઇમેજ પ્લે બોય અને 'વુમનાઇઝર'ની હતી તેને જોતા જ આપણે એટલું કહી શકીએ કે એક લેડી કિલરમાં હોવું જોઈએ તે બધું જ તેનામાં ઠસોઠસ ભરેેલું હતું.

 

રેહામ ખાને તેના આત્મ ચરિત્ર પુસ્તકમાં ઈમરાન ખાનની કામુકતાની ભારે ટીકા કરી છે. મહિલાઓને તે ઉપભોગનું રમકડું માને છે અને તેનું ભરપૂર પાશવી શોષણ કરે છે તેમ લખ્યું છે.

 

ઈમરાન ખાને રેહામ ખાન સમક્ષ કબૂલાત કરી હતી કે મારા પાંચેક ગેરકાયદેસર સંતાનો છે જેમાં કેટલાક ભારતીય છે. જેમાંનું એક તો લગભગ ૩૪ વર્ષની વયનું હશે તેમ ઇમરાન ખાન નફ્ફટાઇથી રેહામ ખાનને જણાવે છે.

 

જો કે, દોષ ઈમરાન ખાનનો નથી ભારતની એવી ચારિત્ર્યભ્રષ્ટ અને રાષ્ટ્ર ગૌરવ તેમજ સંસ્કૃતિને વેચતી એ જમાનાની યુવતીઓ હતી જેઓને ભારતમાંથી કોઇ પુરુષ ન મળ્યો કે ઈમરાન ખાનને કહેતી કે અમારે તારા દ્વારા થયેલ સંતાનની માતા બનવું છે ? ઇમરાન ખાન રેહામ ખાનને નિર્લજ્જતાથી કહે છે કે, 'મેં આ છોકરીને ચાંદ દેખાડી દીધો હતો.'

 

ભારતે 'અમન કી શાંતિ'ના નામે પાકિસ્તાનના કલાકારો, ક્રિકેટરોને માટે દિલ અને દરવાજા મોકળા મને ખુલ્લા રાખ્યા અને ઇમરાન ખાન પછી પણ પાકિસ્તાની કલાકારો, ક્રિકેટરો હોટેલમાં શૈય્યા સુખ પામતા જ રહ્યા છે. શેઇમ ઓન ઇન્ડિયન ગર્લ્સ.


ફરી ૧૯૮૭ની મોટેરા સ્ટેડિયમની ટેસ્ટની યાદો તાજી કરીએ.  અમદાવાદના પ્રેક્ષકોએ મોટેરા સ્ટેડિયમમાં ભારે નિરાશાજનક રમત રમવા બદલ બંને ટીમના ખેલાડીઓનો હુરિયો બોલાવ્યો હતો.

 

પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી. પૂરા બે દિવસ અને એક કલાકની ગોકળગાય જેવી બેટિંગ કરીને પાકિસ્તાને ૧૮૭.૩ ઓવરો રમીને ૩૯૫ રન કર્યા હતા. ૧૨૬ રનમાં પાકિસ્તાનની છ વિકેટો પડી ગઈ હતી પણ ઇજાજ ફકીએ આઠમા ક્રમે આવી ૩૩૨ મિનિટ ક્રીઝ પર રહી ૧૦૫  રન તેમજ  કાદિરે ૮૯ બોલ ૧૨૮ મિનિટમાં ૨૫ રન ઉમેરતા એ હદે કંટાળાજનક બેટિંગ કરી કે પ્રેક્ષકોએ પેવેલિયનમાં પરત આવતા પાકિસ્તાનો ખેલાડીઓનો હુરિયો બોલાવ્યો હતો.

 

હવે ભારતની બેટિંગ આવી. ભારતે ૧૧૧.૫ ઓવરોમાં ૩૨૩ રન નોંધાવ્યા ગાવાસ્કરે ૬૩ રનની ઇનિંગ દરમ્યાન ૫૭ થી ૫૮મો રન ઇઝાઝ ફકીની બોલિંગમાં  કરવા સાથે ૧૦,૦૦૦ ટેસ્ટ રનની સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. ઈમરાન ખાને તેને લેગબિફોર કર્યો હતો. વેંગસરકરે ૧૦૯ રનની ક્લાસિક બેટિંગ બતાવી હતી. ઇમરાને બે અને અક્રમે ચાર વિકેટો ઝડપી હતી.

 

પાકિસ્તાન ૭૨ રનની સરસાઈ ધરાવતું હતું તો પણ તેઓએ આશ્ચર્યજનક રીતે ભારે ડરપોક અને રક્ષણાત્મક બેટિંગ બતાવી હતી. બીજી ઇનિંગમાં પાકિસ્તાને ૯૯ ઓવરો રમીને ઓવરદીઠ ૧.૩૬ રનના સ્ટ્રાઇક રેટથી ૨ વિકેટે ૧૩૫ રનનો સ્કોર જ ખડો કર્યો આ વખતે પ્રેક્ષકોના હુરિયાનો શિકાર ઓપનર રિઝવાન ઉઝ ઝમાન અને યુનુસ અહેમદ બન્યા.

 

અમદાવાદના પ્રેક્ષકો માટે  સહાનુભૂતિ થાય તેનું કારણ એ હતું કે રિઝવાનર ૨૫૨ બોલમા ૫૮ તો યુનુસ અહેમદે ૨૨૬ બોલમાં ૩૪ રન ગોકળગાયની ગતિએ નોંધાવ્યા. પ્રેક્ષકોએ મેદાન પર બોટલો, પ્યાલા  ફેંક્યા હતા. જો કે પ્રેક્ષકોનું આ વર્તન શોભનીય તો નહોતું જ. ઈમરાન ખાને તેના ખેલાડીઓને પ્રેક્ષકોએ ઈજા પહોંચાડી છે તેવી ફરિયાદ સાથે ટીમને એક તબક્કે ડ્રેસિંગ રૃમમા લઈ લઈ જવાનો વિકલ્પ પસંદ કર્યો.

 

તે શ્રેણીમાં રવિ શાસ્ત્રી પણ ભારે કંટાળાજનક રમતો હોઈ પ્રેક્ષકોએ તેના નામે પણ સૂત્રો પોકાર્યા હતા. પાકિસ્તાન સામેની અગાઉની જયપુરમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં શાસ્ત્રીએ ૪૨૦ બોલમાં ૧૨૫ રન કર્યા હતા.

 

અમદાવાદ ટેસ્ટમાં પાંચ દિવસની મેચમાં ૩૯૭ ઓવરોમાં ૮૫૧ રન અને ૨૨ વિકેટો જ પડી. ઇમરાનખાને પ્રથમ ઇનિંગમાં ૭૨ રન બનાવ્યા હતા. તેણે ૪૧ રન આપી ૨ વિકેટ ઝડપી હતી. ઇમરાનખાન અને કપિલ દેવ વચ્ચે તે જમાનામાં તુલના થાય તે સ્વાભાવિક છે પણ કપિલદેવ ચોક્કસપણે વધુ ચઢિયાતો ઓલરાઉન્ડર પુરવાર થયો હતો. અમદાવાદ ટેસ્ટમાં કપિલ દેવે ૪૬ રનમાં ૩ અને ૫૨ બોલમાં અણનમ ૫૦ રનની ઇનિંગ રમી હતી.

 

કપિલ દેવની કેપ્ટન્સી હેઠળ ભારતે ૧૯૮૩માં વર્લ્ડ કપ જીત્યો તે પછી ઇમરાન ખાનને પણ કપિલ દેવની તુલનામાં તે પાકિસ્તાનના ચાહકો સમક્ષ ઉભો રહી શકે તે માટે વર્લ્ડ કપ જીતવાની તમન્ના હતી. ભારત-પાકિસ્તાનમાં સંયુક્ત રીતે  રમાયેલા ૧૯૮૭ના વર્લ્ડકપમાં ઇમરાન ખાન પણ વર્લ્ડ કપ જીતવાના ભરપૂર મનસુબા સાથે આવેલો. પણ સેમિ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને લાહોરમાં જ શિકસ્ત આપી તો ડિફેન્ડિંગ વર્લ્ડ ચેમ્પિયન ભારતને મુંબઇમાં ઇંગ્લેન્ડે પરાસ્ત કર્યું.

 

જો આમ ના  થયું હોત તો ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૯૮૭ના વર્લ્ડ કપની ફાઇનલ રમાઇ હોત. કપિલ દેવ વિરૃધ્ધ ઇમરાન.... જરા રોમાંચક કલ્પના કરો.

 

ઇમરાન ખાન હવે ૩૫ વર્ષનો થયો હતો. ૧૯૯૨ના વર્લ્ડ કપ સુધી ઇંતેજાર કરી શકે તેમ નહતો. ૧૯૮૭ના પરાજય પછી ચાહકો પણ ખાસ તેની કેપ્ટન્સી જારી રહે તેની માંગ ન હતા કરતા. તે નિવૃત્ત થયો પણ તેના ગણતરીના મહિના પછી જ પાકિસ્તાનના ક્રિકેટ ચાહક પ્રમુખ જનરલ ઝિયા ઉલ હકે ઇમરાન ખાનને ક્રિકેટ કેપ્ટન બનીને પુનરાગમનનો આદેશ આપ્યો. (ઇમરાન ખાન વડાપ્રધાન પણ પાકિસ્તાનની સેનાની કૃપા દ્રષ્ટિથી બન્યો છે. તેને લશ્કરના સેનાની જોડે ઋણાનુબંધ લાગે છે.) ઇમરાન ખાને ૧૯૯૨માં પાકિસ્તાનને વર્લ્ડ ચેમ્પિયન બનાવીને તેનું અને તેના દેશનું સપનું સાકાર કર્યું.

 

પાંચ-છ વર્ષ સિનિયર જુનિયર એવા ક્રિકેટ ઇતિહાસના સમકાલિન ચાર મહાન ઓલરાઉન્ડરો પૈકી રીચાર્ડ હેડલી ૬૭, ઇમરાન ખાન ૬૬, બોથમ ૬૩ અને કપિલ દેવ ૬૦ વર્ષની વય હાલ ધરાવે છે.

 

આમ જોવા જઈએ તો પાકિસ્તાનની જોડે તુલના જ ના થઇ શકે તેવી ઉન્નત અને ઉજ્જવળ લોકશાહી પરંપરા ભારતમાં પ્રવર્તે છે. ભારતમાં લશ્કરી શાસન કે પીઠબળ સાથેની સરકારની કલ્પના જ થઈ શકે તેમ નથી. તેની તુલનામાં પાકિસ્તાનમાં ૧૯૫૮ થી ૧૯૭૧ દરમ્યાન મેજર જનરલ આઈ. મિર્ઝા, જનરલ અયુબ ખાન અને જનરલ યાહયા ખાનનું શાસન રહ્યું તે પછી ફરી ૧૯૭૭ થી ૧૯૮૮ જનરલ ઝિયા ઉલ હકના લશ્કરી શાસને સત્તાની લગામ સંભાળી હતી.

 

૧૯૯૯ થી ૨૦૦૮ જનરલ પરવેઝ મુશર્રફનો લશ્કરી સિતારો જામ્યો હતો. ભારતનું બધારણ આઝાદીના ત્રણ જ વર્ષમાં ૧૯૫૦થી અમલમાં મુકાઈ ગયુ હતું. તેની સામે પાકિસ્તાનનું બંધારણ ૧૯૫૮મા બન્યું અને તે સાથે જ સેનાએ બંધારણની જ ઐસી તૈસી કરતા લશ્કરી ધૂરા સંભાળી હતી. પાકિસ્તાન ૧૯૪૭ થી ૧૯૭૩ બંધારણ વિના જ રહ્યું. એટલે તે વર્ષો પણ લશ્કરનો જ ખોફ રહ્યો હતો.

 

ભલે એમ કહેવાતુ હોય કે પાકિસ્તાનમાં બે ટર્મથી લોકશાહીની વસંત જામતી જાય છે પણ આ ભ્રામિક સત્ય છે. ચૂંટાયેલા વડાપ્રધાનને પાકિસ્તાન સેનાના એજન્ડા પ્રમાણે જ શાસન વ્યવસ્થા તેમજ કાશ્મીર, અમેરિકા અને ચીનની નીતિ જાળવવી પડે છે. જો તે તેમની રીતે વર્તન કરે કે એક લોકશાહી નેતાની જેમ નાગરિકોમાં પ્રિય થવા જાય કે તેવી નીતિ ઘડે તો લશ્કર આવા વડાપ્રધાનોને ઘરભેગા કે જેલભેગા કરી દે છે. હત્યા પણ થઇ શકે. બેનઝીર ભુટ્ટોની હત્યા પાછળ સેનાની જનરલ મુશર્રફનો હાથ હોવાનું મનાય છે.

 

લશ્કરના સેનાનીઓ સામે કેસ કરો તો વળતી જેલ વડાપ્રધાનને મળે છે તેવો તો પાકિસ્તાન લશ્કરનો સંપ છે.

 

નવાઝ શરીફે લશ્કરની નિશ્રા બાજુમાં મુકીને લોકપ્રિય નેતા તરીકે મજબુત થવા ભણી શરૃઆત ૨૦૧૮ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરી હતી. મુશર્રફને જેલ વાસ કરાવાતો ગાળિયો નવાઝ શરીફે કસ્યો હતો અને પાક. સેનાએ પનામાની ફાઇલો ખોલાવી નવાઝને જેલભેગો કર્યો.

 

યુનાઇટેડ નેશનથી માંડી અમેરિકા સહિત ગુ્રપ-૨૦, બ્રિક્સ બધા જ પાકિસ્તાનમાં લોકશાહી પ્રવર્તે તો જ તેમની જોડે સંબંધ રાખવા તૈયાર છે. પાક. સેનાને આથી એક લોકશાહીની પપેટ રાખવી જરૃરી હતી. તે માટે ઇમરાન ખાન બંધ બેસતો ચહેરો છે. ઇમરાન ખાન પાકિસ્તાન લશ્કરને જોઈએ છે તેવો કટ્ટરપંથી છે. તે અમેરિકા જ નહીં ચીનનો પણ વિરોધી છે.

 

અફઘાનિસ્તાનમાં તાલિબાનો પર નિયંત્રણ લાવવા અમેરિકાની સૈન્યની દરમ્યાનગીરી અને પડાવની તે વૈશ્વિક મંચ પર ટીકા કરતો રહ્યો છે. તે તાલિબાનોનો સમર્થક રહ્યો હોઇ 'તાલિબાન ખાન' તરીકે પણ તેના વિરોધીઓ દ્વારા ઓળખાય છે.

 

ઇમરાન ભલે ઓક્સફર્ડમાં અભ્યાસ કરી ચૂકયો હોઇ બ્રિટિશ તૌરતરિકા પ્રમાણે જ જીવન વ્યતીત કરતો હોય પણ પાકિસ્તાનીઓ માટે તે કટ્ટરપંથી ચહેરા સાથે ઇસ્લામીકરણની એ હદે અપેક્ષા રાખે છે કે શરિયતનો ભંગ કરનારને ફાંસીએ ચઢાવવા જોઈએ તેની જાહેરમાં હિમાયત કરી ચૂક્યો છે.

 

પાકિસ્તાનની મહિલાઓ માટે પણ આવા જ કાયદાની તે સિફારીશ કરે છે. તેની ત્રણેય ભુતપુર્વ પત્ની મીડિયાને જણાવી ચૂકી છે કે પતિ તરીકે ઇમરાન જૂનવાણી, બેરહમ અને શોષણકર્તા છે. મહિલાને સ્હેજ પણ આત્મ સન્માન નથી આપતો. પત્નીને ઘરમાં જ કેદ રહેવું જોઈએ તેમ માને છે.

 

ઇમરાન ખાન કાશ્મીર મુદ્દે લશ્કરી ચશ્મા પહેરીને જ નિવેદનો કરે છે. ભારતીય સેના પર તેણે કાશ્મીરીઓ પર હ્યુમન રાઇટસના ભંગના ધોરણે સિતમ ગુજારાય છે તેમ આવત સાથે જ કોમેન્ટ કરી છે. પાકિસ્તાન હાલ દેવાળિયો દેશ છે. ચીનથી માંડી વિશ્વને ખરીદી કે પ્રોજેક્ટ પેટે આપેલા અબજો રૃપિયાના ચેક બાઉન્સ થાય છે.

 

અમેરિકાએ મદદ બંધ કરી હોઈ પાકિસ્તાન વધુ ગુંગળાયું છે. ઇમરાન ખાનની તાલિબાની ઇમેજ અને લશ્કરી પપેટ તરીકેનું લોંચ પાકિસ્તાન માટે આંતરરાષ્ટ્રીય સ્તરે શુભ નથી મનાતુ. નવાઝ શરીફને ભારતના વડાપ્રધાન મોદીના પીઠ્ઠુ તરીકે ઓળખાવીને ઇમરાને મતો મેળવ્યા છે.

 

મોદીને પાકિસ્તાન અને પાકિસ્તાની સેનાના દુશ્મન પણ જનમેદની સમક્ષ કહ્યા. ભારત કરતા પણ આપણે પ્રગતિ કરી શકીએ તેમ પણ ઇમરાને ગેલેરી ગજવી. અંદરખાનેથી એવું કહેવાય છે કે ઇમરાન મોદીથી તે હદે પ્રભાવિત છે કે તેને પાકિસ્તાનના મોદી બનવું છે અને તેનું ચૂંટણી સૂત્ર પણ નયા પાકિસ્તાન રાખેલું હતું.

 

પાકિસ્તાનનું ભાવિ હતાશાજનક લાગે છે તેનું એક કારણ એ પણ છે કે ઇમરાને પાકિસ્તાનને વર્ષો જૂની માનસિકતામાં ઢસડતી તાલિબાની માનસિકતા વ્યક્ત કરીને જે મતો મેળવ્યા છે પાકિસ્તાનની ૬૫ ટકા મહત્તમ યુવાનોની વસ્તીના છે.

 

શું ૨૧મી સદીના પાકિસ્તાનના યુવાનો પણ આવું જ પાકિસ્તાન ઇચ્છે છે ? હંમેશ બને છે તેમ ઇમરાન આધુનિક બનવા જશે અને સ્વતંત્ર આગવી ઘરેલું કે વિદેશ નીતિ ઘડશે તો પાકિસ્તાનની સેના ઇમરાનના 'પપેટ શો' પર પડદો પાડી દેશે.

 

બાય ધ વે અમેરિકાના એક ડોલર બરાબર હાલ પાકિસ્તાનના રૃ. ૧૨૯નો ભાવ ચાલે છે! ઇમરાન ખાન મર્દાના ક્રિકેટરની લોકપ્રિયતા અને પ્રદાનની મદદથી રાજકારણની સીડી ચઢ્યો છે.... રાજકારણ એ 'ડિફરન્ટ બોલ ગેમ' છે. રાજકારણમાં મેચ ડ્રો નથી ખેંચી શકાતી. ઇમરાન ખાનની મહત્વાકાંક્ષાની આવરદાનો શ્વાસ લશ્કરની મુઠ્ઠીમાં છે.


કાશ્મીર સરહદના આતંકીઓને પાકિસ્તાનના પહેરેદારો તરીકે સલામ કરતા  વડાપ્રધાન ઇમરાન ખાનને દિર્ધાયુ.... દિર્ધશાસન અને વિશ્વ તેને પાકિસ્તાનની પ્રગતિ માટે સાથ આપે તેવી શાસન વ્યવસ્થાની દિર્ધ દ્રષ્ટિ માટે શુભેચ્છા જરૃર આપી શકાય.




--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsO_u_Tgg8JyrHHY9Cen6Sx7m9azEo_V2OEncc7fUhHWQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment