Sunday, 26 August 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ફિનિશિંગ લાઈન પર પહોંચી જવાની ઉતાવળ (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



શોર્ટ કટ લઈને ફિનિશિંગ લાઈન પર પહોંચી જવાની ઉતાવળ!
તડકભડકઃ સૌરભ શાહ
 

 

તેજ રફતારના આ જમાનામાં આપણે શોર્ટ કટ્સ શોધતા થઈ ગયા છીએ. કંઈપણ મેળવવા માટે શોર્ટ કટ અને આપત્તિમાંથી બહાર આવવા માટે પણ શોર્ટ કટ. માથાના દુખાવાની એક ટેબ્લેટ ગળી જાઓ અને દર્દ ગાયબ જેવી માનસિકતા આપણા સૌના જીવનમાં ડગલે ને પગલે જોવા મળે છે. કોઈ ઠહરાવ નથી, કોઈ ધીરજ નથી. બીજ વાવીને કૂંપળ ઊગી ન ઊગી ત્યાં જ એને ખેંચીને લાંબો છોડ બનાવી દેવાની મૂર્ખાઈ કરીએ છીએ. છોડવાને રાતોરાત ઘટાદાર વૃક્ષ બનાવી દેવાની અધીરાઈમાં કુદરતના ટાઈમટેબલને ખોરવી નાખીએ છીએ.

પ્રોપર્લી ચાવ્યા વિના સીધે સીધું પેટમાં પધરાવી દીધેલું અધકચરું અન્ન જેમ પચતું નથી એમ શોર્ટ કટથી મેળવેલાં સુખ, શાંતિ કે દર્દમુક્તિ ઝાઝાં ટકતાં નથી. રાતોરાત મેળવેલું કશું ય લાંબા સમય માટે ટકતું નથી. શોર્ટ કટથી મળેલી સફળતા સાથેના વન નાઈટ સ્ટેન્ડને જીવનસાથીનો દરજજો મળતો નથી.

જૂનું ડહાપણ કહે છે કે પાયો જેટલો ઊંડો હશે એટલી જ ઈમારત ઊંચી બની શકશે. છીછરા પાયા પરનું બાંધકામ તકલાદી રહેવાનું. પૂર્વજો હજારો વર્ષથી આ સિમ્પલ સત્ય કહેતા આવ્યા છે. આમ છતાં આપણને જે કંઈ જોઈએ છે તે રાતોરાત જોઈએ છે. પાયો ઊંડો નાખવાની તો શું, ઘણીવાર પાયો ખોદવાની પણ ધીરજ રાખતા નથી. સીધેસીધી ઈમારત ચણવા બેસી જઈએ છીએ. આવી ઈમારતો ધ્વસ્ત થઈ જાય ત્યારે આપણે પવનનો વાંક કાઢીએ છીએ, બાંધનારનો નહીં. તમે ઈમારત બાંધતી વખતે પૂરતો ઊંડો પાયો નાખ્યો નહોતો એ કબૂલ કરતાં શરમ આવે છે. ભૂલ કબૂલ નથી કરતા એટલે ભૂલો ઢંકાઈ જાય છે. એમાંથી કશું શીખવા નથી મળતું.

જમાનો ઝડપથી આગળ વધી રહ્યો છે એ વાત સાચી. આપણે જમાના સાથે ચાલવું જોઈએ એ વાત પણ સાચી. પણ આપણી ઝડપ વધારવા માટે શોર્ટ કટ્સ લેવાની જરૂર નથી, આપણી કાબેલિયત વધારવાની જરૂર છે, આપણી હેસિયત વધારવાની જરૂર છે. મેરેથોનમાં ભાગ લેવા જઈએ છીએ ત્યારે જે રૂટ પર દોડવાનું છે એમાં શોર્ટ કટના રસ્તાઓ પણ હોવાના જ છે. છતાં શા માટે આપણે એ રસ્તાઓ લેતા નથી? કારણ કે આપણને ખબર છે કે નિશ્ચિત માઈલસ્ટોન્સ વટાવ્યા વિના, શોર્ટ કટ્સ લઈને ગમે એટલા વહેલા ફિનિશિંગ લાઈન પર પહોંચી જઈશું તોય મેડલ મળવાનો નથી. એટલું જ નથી ડિસ્કવોલિફાય થઈ જવાના છીએ.

સફળતા કે સુખની કે સગવડો મેળવવાની રેસમાં શોર્ટ કટ્સ લેતી વખતે આપણને અંદાજ નથી હોતો કે આ બધું મેળવવા માટે જે જે માઈલસ્ટોન્સ પસાર કરવાના છે, તે વટાવ્યા વિના જો ફિનિશિંગ લાઈન પર પહોંચી જઈશું તો લાઈફમાંથી ડિસ્કવોલિફાય થઈ જઈશું.

સુખ જેવું જ દુઃખનું છે, દર્દનું છે. આપત્તિમાંથી બહાર આવવા માટે કોઈ શોર્ટ કટ નથી. માથે પડેલી મુસીબતોનું પરિણામ ભોગવ્યે જ છૂટકો હોય છે. આવા સંજોગોમાં સર્જાતો સ્ટ્રેસ, ડિપ્રેશન કે પછી ઉદ્વેગ સહન કરવાનો જ છે. એમાંથી બહાર આવવા માટેના ફાંફારૂપે સાઈકિયેટ્રિસ્ટે આપેલાં પ્રિસ્ક્રિપ્શનોમાંની દવાઓ ફાર્માસ્યુટિક્લ કંપનીઓને ફાયદો કરાવવાની છે, આપણને નહીં. જેમ ચરસ-ગાંજા. જેવી ડ્રગ્સ લેવાથી થોડા કલાકો માટે તમે પલાયનવાદમાં રાચીને આહ્લાદક અનુભૂતિ કરી શકો છો એવું જ આ પ્રિસ્ક્રિપ્શનવાળી ડ્રગ્સનું છે. તમને લાગે કે તમે હતાશા-નિરાશામાંથી બહાર આવી ગયા પણ એય તમારો એસ્કેપ જ છે. આ દવાઓના પણ તમે કાયમી બંધાણી બની જવાના.

કપરી પરિસ્થિતિઓ જીવનમાં આવતી રહેવાની. તડકી-છાંયડીવાળી કુદરતની ફોર્મ્યુલા બેજોડ છે. એને કારણે જ વૃક્ષનું થડ મજબૂત બને છે, તમામ મોસમમાં ટક્કર ઝીલી શકે એવું બને છે. એને કારણે જ આપણું વ્યક્તિત્વ પણ વૃક્ષના એ થડ જેવું બને છે. જીવનમાં  'તડકીછાંયડી ન હોત તો આપણું વ્યક્તિત્વ તમામ પરિસ્થિતિઓમાં ટકી રહે એવું ન બનતું હોત.

દરેક મોસમની સાથે ઝીંક ઝીલવાની શક્તિ કુદરતે જેમ દરેક વૃક્ષને આપી છે એમ દરેક માનવીમાં પણ ઠાંસી ઠાંસીને ભરી છે. પણ આપણે કયાં તો બહુ જલદી નાચવા માંડીએ છીએ કયાં તરત જ ભાંગી પડીને બેસી જઈએ છીએ. જે કંઈ પરિસ્થિતિ સર્જાતી રહે એના આવેશમાં તણાઈ જવાને બદલે એને ઠરવા દઈએ, પાકવા દઈએ, મેચ્યોર થવા દઈએ. સુખને મેચ્યોર થવા દઈએ અને દુઃખને પણ મેચ્યોર થવા દઈએ. એ પછી સુખને માણવાનું શરૂ કરીએ. એ પછી દુઃખમાંથી બહાર આવવાના રસ્તાઓ શોધીએ.



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OugSH4DgYgys6uj-V%2BWkysNNSTLDdRDY30xTFVZdBXw_Q%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment