શુક્રવારે ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે ઘણાં વિદ્યાર્થીઓએ તેમના ગુરુનું સ્મરણ કર્યું હશે. એમને મળીને અહોભાવ પ્રગટ કર્યો હશે. ન મળી શકાય એમ હોય તો મનોમન વંદન કરીને કૃતજ્ઞતા પ્રગટ કરી હશે. તો વળી બીજા કોઇએ શૈક્ષણિક ક્ષેત્રની પ્રવૃત્તિ કરવાને પ્રાધાન્ય આપ્યું હશે. ટૂંકમાં દરેક વિદ્યાપ્રેમી વ્યક્તિએ પોતાની રીતે ગુરુ પ્રત્યેનો અહોભાવ પ્રગટ કર્યો હશે. હિંદુ મંદિરોના શહેર તરીકે જાણીતા કર્ણાટકના ઉડુપી શહેરના રાજારામ નામના એક શિક્ષકે બાળકોના ભણતર માટે એક એવો સ્તુત્ય પ્રયાસ કર્યો છે જે જાણીને તમને પણ એના માટે આદર થઇ આવશે. આવા ગુરુ હોય તો વિદ્યાર્થીના ઉજ્જવળ ભાવિ વિશે કોઇ શંકા ન રહે એવી તમારી માન્યતા બંધાઇ જશે. તસ્મૈ શ્રી ગુરુવે નમ:નો સાચો અર્થ પણ સમજાઇ જશે. મુંબઇના રહેવાસીઓ માટે ઉડુપીનું નામ ખૂબ જાણીતું છે. સાઉથ ઇન્ડિયન ફૂડના શોખીનોએ આ નામ ધરાવતી રેસ્ટોરાંની મુલાકાત અવશ્ય લીધી હોય. કર્ણાટકમાં ઉડુપી જિલ્લો છે જેમાં ઉડુપી નામનું શહેર આવેલું છે. આ જિલ્લાના બ્રહ્માવર નામના તાલુકાના બારેલી નામના ગામની આ કથા પ્રેરણાદાયક છે. આ ગામની શાળામાં રાજારામ નામના શિક્ષક વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ગણિત શીખવે છે. વિદ્યાર્થીઓને તેમને શીખવવાની શૈલી ખૂબ જ પસંદ પડી ગઈ છે. જોકે, આ શાળાના વિદ્યાર્થીઓ ભણતર સિવાયની એક સમસ્યાથી પરેશાન રહેતા હતા જેને કારણે દિવસે દિવસે શાળામાં ભણવા આવતા વિદ્યાર્થીઓની સંખ્યા દિવસે દિવસે ઘટી રહી હતી. બાળકો ભણવાનું અધવચ્ચે છોડી રહ્યા હતા. રાજારામ સરના ધ્યાનમાં આ વાત આવી. તેમણે સમસ્યાનું કારણ શોધીને એનું નિવારણ કરવાનું નક્કી કર્યું. તપાસ કરતા ખબર પડી કે બારેલીની સરકારી હાયર પ્રાઇમરી સ્કૂલ સુધી પહોંચવા માટે આસપાસના ગામડાના બાળકોએ જંગલમાંથી ત્રણ કિલોમીટરનો રસ્તો કાપીને આવવું પડતું હતું. રાજારામ સરે આપેલી માહિતી પ્રમાણે 'બાળકોના ઘરથી શાળા સુધી પહોંચવા માટે સારા રસ્તાઓ નથી. જંગલમાંથી પસાર થતો રસ્તો કાદવવાળો હોય છે. કૉંક્રિટના રસ્તા તો દૂરની વાત રહી, પાકા કહી શકાય એવા રસ્તાઓ પણ નથી. આવે રસ્તે આવવા જવા માટે થઇને ઘરની દીકરીઓ રોજના છ કિલોમીટરનું અંતર કાપે એ બાબત વડીલોને ચિંતાજનક લાગતી હતી. પરિણામે મોટા ભાગની તરુણીઓ શાળાનો અભ્યાસ છોડી રહી હતી.' આ હકીકત, આ પરિસ્થિતિ રાજારામ સરને કોરી ખાતી હતી. શું કરવાથી બાળકોની શાળાએ આવવા જવાની સમસ્યાનો ઉકેલ આવી શકે એનો વિચાર સતત એમને આવ્યા કરતો હતો. વિચાર કરતા કરતા એક ઉકેલ સૂઝ્યો. તેમણે બૅન્ગલુરુમાં પ્રોપર્ટી મૅનેજમેન્ટ કંપની ચલાવતા શાળાના વિજય હેગડે નામના એક ભૂતપૂર્વ વિદ્યાર્થીનો સંપર્ક કરવાનું નક્કી કર્યું. પોતાની વ્યથા વ્યક્ત કરીને રાજારામ સરે કહ્યું કે 'શાળામાંથી વિદ્યાર્થીઓની સંખ્યા ઝડપભેર ઓછી થઇ રહી હતી. આ સિલસિલો જો આવી જ રીતે આગળ ચાલતો રહ્યો તો એક દિવસ સ્કૂલ બંધ કરીને એને તાળાં વાસી દેવા પડશે એવા વિચારે હું અસ્વસ્થ થઇ ગયો. એક દિવસ સાંજે શાળા છૂટ્યા પછી એક મહિનામાં કેટલા બાળકોએ સ્કૂલે આવવાનું બંધ કરી દીધું એની હું ગણતરી કરી રહ્યો હતો અને આંકડો જોઇને હું અપસેટ થઇ ગયો. રજિસ્ટર જોતા ખ્યાલ આવ્યો કે દર અઠવાડિયે ઓછામાં ઓછા પાંચથી છ વિદ્યાર્થીઓ શાળાએ આવવાનું બંધ કરી રહ્યા હતા. મેં અમારી સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી વિજય હેગડેને ફોન કર્યો. મારી સમસ્યા વિગતવાર જણાવી અને પછી બાળકોને એમના ઘરેથી સ્કૂલ લઇ આવવા તેમ જ શાળાએથી પાછા ઘરે મૂકી આવવા માટે બસની વ્યવસ્થા શરૂ કરી શકાય એ હેતુથી બસ ખરીદવાનો વિચાર રજૂ કર્યો.' વિજય હેગડે કેટલાંક વર્ષોથી બૅન્ગલુરુ શિફ્ટ થઇ ગયો હતો, પણ પોતાના ગામ પ્રત્યેની પ્રીતિ એના મનમાંથી સહેજ પણ ઓછી નહોતી થઇ. તેણે રાજારામ સરની દરખાસ્ત પર ગંભીરતાથી વિચાર કર્યો. આ વાત તેને અમલમાં મૂકવા જેવી લાગી એટલે તેણે શાળાના અન્ય ભૂતપૂર્વ વિદ્યાર્થી ગણેશ શેટ્ટીનો સંપર્ક કર્યો અને આખીય બાબતથી એને વાકેફ કર્યો. સદ્નસીબે શેટ્ટીને પણ આ વાત ગળે ઊતરી ગઇ. પોતે આમાં સહભાગી થવા તૈયાર છે એની તેણે ખાતરી આપી. રાજારામ સર, વિજય હેગડે અને ગણેશ શેટ્ટીએ પોતપોતાની ક્ષમતા અનુસાર ભંડોળ ઊભું કર્યું અને શાળા માટે એક બસ ખરીદવાનો નિર્ણય લીધો. બસ આવી ગઇ. પ્રાથમિક ઉકેલ તો આવી ગયો, પણ પછી સવાલ ઊભો થયો બસના ડ્રાઇવરનો. રોજેરોજ બાળકોને લાવવા અને ઘરે મૂકી આવવા માટે તો કોઇ ડ્રાઈવરને નોકરી પર જ રાખવો પડે. નોકરીએ રાખવો હોય તો મહિનેદાડે પગાર પણ ચૂકવવો પડે. તપાસ કરતા ખબર પડી કે ડ્રાઈવર રાખવો હોય તો એને દર મહિને ઓછામાં ઓછા સાત હજાર રૂપિયા આપવા પડે જે રાજારામ સરને પોસાય એવું નહોતું. એટલે 'અપના હાથ જગન્નાથ'ની નીતિ અપનાવીને તેમણે જાતે જ બસ ચલાવવાનું નક્કી કર્યું. આ સમસ્યાનો ઉલ્લેખ કરીને સરે જણાવ્યું કે 'મારો નિર્વાહ સરકારી શાળાના મામૂલી પગાર પર થાય છે. મહિનાનો ખર્ચ માંડ માંડ પૂરો થતો હોય ત્યાં બસ માટે ડ્રાઈવરને નોકરીએ રાખીને એને પગાર આપવાનું તો મારા માટે અશક્ય જ હતું. એટલે મેં નક્કી કર્યું કે હું બસ ચલાવતા શીખી લઈશ અને પછી જાતે જ બસ ચલાવીને બાળકોને લેવા-મૂકવાની જવાબદારી પાર પાડીશ.' પાકો નિર્ધાર કરવો એક વાત છે અને એને અમલમાં મૂકવો એ બીજી વાત છે. ઘણી વખત એવું બનતું હોય છે કે કાગળ પર સરસ મજાની અને આંખોને આંજી દેનારી યોજનાઓ તો આકાર લે છે, પણ એ અમલમાં મૂકવા વિશે ધકેલ પંચા દોઢસો થતા હોવાથી એ સમસ્યાઓ કાગળ પર જ રહી જાય છે. અમલમાં મુકાતી નથી. જોકે, રાજારામ સર દૃઢ નિશ્ર્ચયી હતા. અલગ માટીના હતા. તેમણે પોતાનો નિશ્ર્ચય અમલમાં આવે એ માટે સૌ પ્રથમ તો બસ ડ્રાઇવિંગ શીખવાનું શરૂ કર્યું. વાહન ચલાવવા પર પકડ આવી ગયા પછી તેમણે પાકું લાઇસંસ લઇ લીધું. ત્યાર બાદ બાળકોને ઘરેથી શાળાએ અને શાળાએથી ઘરે લઇ જવાની કામગીરી શરૂ કરી દીધી. આ સર્વિસ શરૂ થતા અધવચ્ચેથી ભણતર છોડી જનારા વિદ્યાર્થીઓએ ઘરના વડીલો સમક્ષ ફરી ભણવાનું શરૂ કરવાનો આગ્રહ કર્યો. વાલીઓને પણ હાશકારો થયો અને તેમણે પણ બાળકોને ફરી શાળાએ જવાની અનુમતિ આપી દીધી. પરિણામે થયું એવું કે થોડા જ વખતમાં શાળામાં આવતા બાળકોની સંખ્યા જે એક સમયે ઘટીને ૫૦ પર પહોંચી ગઇ હતી એ ફરી વધીને ૯૦ પર પહોંચી ગઇ. આના પરથી જ સ્પષ્ટ થાય છે કે બાળકોને ભણવાની તો તીવ્ર ઈચ્છા હતી, પણ આવનજાવનની સમસ્યાને કારણે તેમનામાં ભણવા વિશે ઉદાસીનતા જોવા મળી હતી. રાજારામ સરના દૃઢ નિશ્ર્ચયને સલામ મારવી પડે. દરરોજ સૂરજ ઊગ્યા પહેલા તેમની સવાર પડી જાય છે. વહેલા ઊઠે વીર એ રૂઢિ પ્રયોગને સાર્થક કરતા હોય એમ ઘડિયાળના કાંટા સવારના ૯.૨૦નો સમય બતાવે ત્યાં સુધીમાં બાળકોને તેમના ઘરેથી લાવવાના ચાર ફેરા તેઓ પૂરા કરી ચૂક્યા હોય છે. દિનચર્યાની વિગતો આપતા આ અનોખા ગુરુજી જણાવે છે કે 'અમારી આ સરકારી શાળા સવારે ૯.૩૦ વાગ્યે શરૂ થઇ જતી હોય છે. બધા જ બાળકો શાળામાં સમયસર હાજર થઇ જવા જોઇએ એવો મારો આગ્રહ કાયમ રહ્યો છે. આ આગ્રહ અમલમાં પણ મુકાય એની હું કાળજી રાખું છું. અમારી આ શાળામાં મારા સહિત ત્રણ શિક્ષકો છે. એ સિવાય એક પ્રિન્સિપાલ પણ ખરા. બાળકોને તેમના ઘરેથી લાવવાનો પહેલો ફેરો પૂરો થાય ત્યાં સુધીમાં એક શિક્ષક શાળામાં હાજર થઇ જાય છે. ત્યારબાદ નક્કી કરેલા સમયે બીજા શિક્ષક આવે છે. શાળાનો સમય પૂરો થઈ ગયા પછી શિક્ષકો ઘરે નથી જતા રહેતા. બધા વિદ્યાર્થીઓને હું તેમના ઘરે પહોંચાડીને સ્કૂલે બસ પાર્ક કરવા પાછો ફરું ત્યાં સુધી એ શિક્ષકો હાજર રહે છે.' રાજારામ સરનાં પ્રયત્નો માત્ર બાળકોને ભણાવવા કે તેમને લાવવા-મૂકી આવવા સુધી સીમિત નથી. ડીઝલ પર ચાલતી બસના ઇંઘણનો ખર્ચ તેઓ તેમના ખિસ્સામાંથી કરે છે. આ ઉપરાંત વાહનના ઇન્શ્યોરન્સનું પ્રીમિયમ પણ તેમના વૉલેટમાંથી જ ભરાય છે. જાણવા જેવી વાત એ છે કે આ શિક્ષકના અરમાનો પ્રાથમિક સ્તરના નથી. બાળકોના વિદ્યાભ્યાસ ઉપરાંત તેમને એમની ઇતર કેળવણીમાં પણ રુચિ છે. એટલે ખાસ તેમના માટે ૧૦૦ મીટર અને ૨૦૦ મીટરના ટૅ્રક તૈયાર કરવાની તેમની ઈચ્છા છે જેના પર બાળકો પ્રૅક્ટિસ કરીને સ્પર્ધા માટે તૈયાર થઇ શકે. રાજારામ સર એ વિશે માહિતી આપતા કહે છે કે 'મારે સ્કૂલની ફરતે એક વાડ ઊભી કરવી છે અને ખેલકૂદમાં સહભાગી થવા ઇચ્છતા બાળકો તાલીમ લઈ શકે એ હેતુથી ટ્રૅક્સ પણ બનાવવા છે. જોકે, સમસ્યા એ છે કે મારી પાસે પૂરતા પૈસા નથી. મેં શાળાનાં કેટલાંક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સંપર્ક કરીને તેમની સહાય માગી છે. આજની તારીખમાં શાળાને આર્થિક સમસ્યાઓ નડી રહી છે, પણ મને વિશ્ર્વાસ છે કે આ તકલીફ દૂર થઇ જશે. વાતાવરણ વધુ અનુકૂળ બનશે તો વિદ્યાર્થીઓમાં શિક્ષણ માટેનો લગાવ વધશે.' હૅટ્સ ઑફ ટુ રાજારામ સર. જ્યાં સુધી આવા ગુરુ છે ત્યાં સુધી દેશનું ભવિષ્ય ગણાતા વિદ્યાર્થી કેવા પાકશે એની ચિંતા કરવાની બહુ જરૂર નથી. ખરું ને? |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsqUjVvsaNd_wzW9LXu%2BWWA8v91vF-QBnQLGWNNvViGug%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment