મદ્રાસ કહેવાતું પહેલા તો. હવે 'ચૅન્નઇ' કહેવાય છે. કામ કર્યું હોત તો 'કર્ણાવતી' માટે પણ આવું જ કહેવાત કે, પહેલા 'અમદાવાદ' કહેવાતું. ને એટલે જ, હજી મારા મોંઢે ચૅન્નઇ નહિ, મદ્રાસ જ નીકળે છે. છેલ્લે તો હું ૧૨મી જાન્યુઆરી- ૧૯૮૨માં ગયો ત્યારે ચોખ્ખુંચટ્ટ મદ્રાસ કહેવાતું. કીથ ફ્લૅચરની ઇંગ્લિશ ટીમ સામેની ટેસ્ટ-સીરિઝમાં ભારતનો કૅપ્ટન સુનિલ મનોહર ગાવસકર આપણા 'ગુજરાત સમાચાર'માં ટેસ્ટ મૅચનો રોજેરોજનો રીપૉર્ટ મને લખાવે. હું ગુજરાતીમાં અનુવાદ કરીને અમદાવાદ મોકલાવું. અગાઉની કોલકાતા...(સૉરી, એ વખતે તો એ કલકત્તા જ કહેવાતું!) ટેસ્ટથી હું એની સાથે. હ્યૂમરથી તો એ કેવો ભરેલો હતો અને આજે ય છે કે, એક જ દાખલો કાફી છે, આ લૅજન્ડની હાસ્ય ઉપરની પક્કડ બતાવવા માટે. વાતવાતમાં અમે બન્ને મજાકો ખૂબ કરતા, પણ મેં એને કહ્યું, ''સુનિલ, તારી હ્યૂમર જોયા પછી મને ચિંતા મારી 'બુધવારની બપોરે'ની થાય છે...'' ''અશોક...ક્રિકેટ વિશે તારૂં નૉલેજ જોયા પછી મને ચિંતા દેશના ક્રિકેટની થાય છે...!... અને અમારામાં તો રીટાયર થવાનું ય હોય..!'' ૩૩ વર્ષ પછી હવે ચૅન્નઇ જતો હતો. બધું બદલાઇ ગયું છે. સિવાય લૂંગી. અફ કૉર્સ, જે લોકોને મેં ૩૩ વર્ષો પહેલા લૂંગીમાં જોયા હતા, એ પછી એ લોકોએ એની એ લૂંગીઓ નહોતી પહેરી... વચમાં હજારો લૂંગીઓ બદલાવી હશે. પણ ન બદલાઇ લૂંગી ઊંચે લેવાની ફૅશન. એ જ, નીચે લટકતી લૂંગી પલભરમાં ઢીંચણ સુધી ઉપર ખેંચી લઇને ગાંઠ મારી દેવાની. મને ત્યારે પણ એ સવાલ થતો કે, દરજીઓ પહેલેથી જ ઢીંચણ સુધીની લૂંગી કેમ સિવતા નહિ હોય? એવું નથી કે, માત્ર ગરીબ વર્ગના મદ્રાસીઓ લૂંગી પહેરે... શિક્ષિતો પણ પહેરે. ઉપર પાછું દસ હજારનું બ્લૅઝર કે બ્રાન્ડેડ-શર્ટ પહેર્યું હોય! આપણા ચિદમ્બરમ પાર્લામૅન્ટમાં પણ લૂંગી પહેરીને આવે છે... એ વાત જુદી છે કે, મોદી એને ખેંચ ખેંચ કરીને ચિદુને પજવે છે. એવું નથી કે, સામાન્ય મદ્રાસીઓ જ લૂંગી પહેરે ને ઊંચી ચઢાવે. ત્યાં તો કરોડપતિ પણ આમ જ હોય, છતાં એ લોકોની બાઓ ના ખીજાતી હોય! ફ્લાઇટમાં મારી બાજુમાં ઢીંચણ સુધીની લૂંગી બેઠી હતી. જો કે, એમાં મારા બાપનું શું જતું'તું...પણ આપણને ડર રહે કે, આપણે આવું પાટલૂન ઊંચુ કરી શકતા નથી ને આને કોઇ રોકતું નથી. ઍર હૉસ્ટેસો તો આપણી મા. બહેન કહેવાય ને એ આવું જુએ તો એને તો એવું જ લાગે ને કે, અમે બન્ને સગામાં હોઇશું? આ તો એક વાત થાય છે! યૂ સી...એ લોકો લૂંગી પહેરે, એ તો એમનો પોષાક છે, આપણો સવાલ લૂંગીના ઉપર જવા સુધીનો છે. એ શું કામ? ગુજરાતમાં આપણા કાકાઓ પણ ધોતીયાધારીઓ હતા.. એ કોઇ 'દિ અડધું ધોતીયું ઊંચુ લેતા'તા? (જવાબ: નહોતા લેતા. જવાબ પૂરો) મારી સીટ વિન્ડો પાસે હતી, એટલે મેં ઘણું જોર કરી કરીને પણ, મારૂં ૩૦ સેકન્ડમાં પતે એવું સપનું પતાવીને પાછા આવવાનું ય માંડી વાળ્યું.. એમાં તો એને પગ વધારે ઊંચા લેવા પડે! આપણો પહેલેથી સ્વભાવ. સહન થાય એટલું કરી લેવાનું, પણ રાજ્યમાં બળવો ફાટવા નહિ દેવાનો! સુઉં કિયો છો? હશે એ તો... આપણે ક્યાં કોઇનામાં ઊંડા ઉતરવું હોય, એટલે પ્લેનમાં બેઠા બેઠા મેં પૅન્ટની બાંયો ઉપર વાળે રાખી... ન વળાઇ! જગતમાં હરકોઇની ઉન્નતિ મળતી નથી, પણ ઇર્ષા કરવાનો આપણો સ્વભાવ એ તો! મારે લૂંગીનું નામ પૂછવું હતું. એની સાથે સુખ દુઃખની વાતો કરવી હતી. પણ ફ્લાઇટોમાં તમને ય ખબર છે કે, કોઇ કોઇની સાથે બોલતું નથી. આજુબાજુની સીટની આ જ બેઠક- વ્યવસ્થા હૅર-કટિંગ સલૂનોમાં ય હોય છે. પણ જરીક પેલાનો અસ્ત્રો આઘો થયો કે, બે અજાણ્યા ગ્રાહકો એકબીજાને પૂછી લે છે, ''શું લાગે છે મોદીનું?'' જવાબમાં પેલો નમ્રતાપૂર્વક કહે પણ ખરો, ''ના... મોદીને આપણા જેટલો દાઢીનો ખર્ચો નહિ આવતો હોય!'' લૂંગી સાડા છ ફૂટ ઊંચો થાંભલો હતો. સાયન્સ વચમાં ન આવ્યું હોત તો, એ જન્મ્યો ત્યારે પણ આટલો લાંબો હોત! તેલ નાંખેલા વાંકડીયા કાળા-ધોળા વાળમાં વચ્ચે પાંથી પાડી હતી. સફેદ કાચના કાળી ફ્રેમના ચશ્માની પાછળ સામાન્ય રીતે ગાયને હોય, એટલી મોટી આંખો હતી. કપાળ ઉપર પવિત્ર તિલક કર્યું હતું! પરમેશ્વર ચામડીના રંગની વહેંચણી કરતી વખતે આને કૂપન આલવાનું ભૂલી ગયો હશે, નહિ તો આવો કલર પકડાય નહિ! એ તો પાછો કાનના વાળ માટે ય કાંસકો ફેરવતો હતો. સાઉથ ઇન્ડિયામાં મૂછો ઉપર પેટ્રોલ મળતું હોય, એમ મોટા ભાગના બધા મૂછો રાખે છે- સ્ત્રીઓ સિવાય! આણે મૂછો રાખી છે, એમ કહેવાને બદલે ગમે ત્યાંથી આને મૂછો ચીપકી ગઇ હશે, એવું વાચકોએ માનવું. મૂછો ઉપર એનો ગજબનો કન્ટ્રોલ હતો, મૂછનો એક દોરો ય વેડફાયો નહતો કે વપરાયા વગરનો પડી રહ્યો ન હતો. કારણ કે, ઊગી ત્યારથી મૂછો વાપરવા કાઢયા પછી સલૂનમાં કપાયેલા મૂછના વાળ પાછા ચોંટાડી દેતો હશે, નહિ તો આવો જથ્થો ના આવે, ભ'ઇ! એ મારી સામે જોતો જ નહતો. વાસ્તવિકતા ઊલટી હોવી જોઇએ, પણ મને એવા ગૂમાન નહિ. મેં એને સ્માઇલ સાથે કહ્યું, 'હેલ્લો'. જડબું ખુલ્યું. એ પછી એ જે કાંઇ બોલ્યો, એને તમિલ કહેવાતી હશે, એમ માનીને મેં એક ગોખેલું વાક્ય બોલી દીધું, ''યૅન્નકે તમિલ તેરીયાદુ''...એટલે કે, મને તમિલ આવડતું નથી. એ બીજુ કાંઇ બોલ્યો એના જવાબમાં. હું ઇંગ્લિશમાં એક જ શબ્દ વિનમ્રતાથી બોલ્યો, ''ગુજરાત''. એને મારા ઇંગ્લિશ ઉપર માન ઉપજ્યું હશે, એટલે સંબંધ વધારવા એણે તમિલ ચાલુ કર્યું, ''ગુજરાત..? આશા પારેખ તેરી મા?''સીટ-બૅલ્ટ બાંધ્યો હોવા છતાં હું ઊંચો થઇ ગયો. મને સમજાયું નહિ, કે ક્યા ઍન્ગલથી હું આને આશા પારેખના બાબા જેવો લાગતો હોઇશ? વળી એની ઇન્કવાયરીમાં ટૅકનિકલ ભૂલ હતી કે, આશા પારેખ તો ફૂલટાઇમ કૂંવારી હીરોઇન છે, તો એ મારા 'મૉમ' કેવી રીતે થાય? વળી, મારા પોતાના ઘરે તો એક માં પડી જ છે. મેં... હું કાંઇ સમજ્યો નથી, એવા ઇશારે મોંઢુ મચડયું. એણે ફરીથી પૂછે રાખ્યું, ''આશા પારેખ તેરી મા..?'' છેવટે ચીડાઇને મેં કહી દીધું, ''આશા પારેખ મેરી માં, તો માયાવતિ તેરી માં...!'' તુ સમજે છે શું, એનો મને તમિલ કે ઇંગ્લિશ અનુવાદ આવડતો નહતો, એટલે બોલ્યો નહિ. એ ભોળો તમિલમાં મને એટલું જ પૂછતો હતો કે, 'તમે આશા પારેખને ઓળખો છો?' પણ આ તો શું કે, આમ આપણને કોઇના પર્સનલ રીલેશનમાં જવાની ટેવ નહિ!... કોઇ પંખો ચાલુ કરો.. બે મહિનાથી બંધ જ રાખ્યો છે તે..! ઇન ફૅક્ટ, સંબંધોમાં ઉષ્મા ભરવાનું કારણ એ હતું કે, જો એને હું સમજાવી શકું તો મારે એની લૂંગી નીચે લેવડાવવી હતી. ન લે તો ભલે ન લે, પણ લૂંગી ઊંચી રાખવાનું કારણ પણ મળી જાય તો આપણે ગંગા નહાયા. મને ટૅન્શન થયે જતું હતું. પણ પૂછવું કઇ રીતે? ફ્લાઇટમાં બધાની વચ્ચે મને મારે તો? એક વિચાર આવ્યો કે, કોઇ સારા માયલી ઍર હૉસ્ટેલ પાસે પાણી માંગવાના બહાને જઇને એની પાસે ફરિયાદ કરવી કે, મારાથી આ ઊંચી લૂંગી જોવાતી નથી. પાસે બોલાવીએ તો લૂંગી સાંભળી જાય. જો કે, આવું તો એને ય મારાથી કેમ કહેવાય? આમ પાછો હું સ્ત્રી-દાક્ષિણ્યનો સમર્થક ખરો. ના પૂછ્યું. કોઇને ના પૂછ્યું. ચૅન્નઇ આવ્યું. ફ્લાઇટોમાં આપણી એસ.ટી.ની બસો કરતા વધુ શિસ્ત હોતી નથી. કેમ જાણે પ્લેન ઊભુ રહેતા જ નીચે ભૂસકો મારવાનો હોય, એમ બધા દરવાજા પાસે લાઇનમાં ઊભા રહી જાય છે. એમને એ ભાન પણ ન હોય કે, આટલી બધી ઉતાવળ કર્યા પછી, સામાન લેવા માટે કન્વેયર- બૅલ્ટ પાસે તો અડધો કલાક ઊભા રહેવું પડે છે..! લૂંગી પણ મારી જેમ બેસી રહી... મેં એને સ્માઇલ આપ્યું. આ વખતે પહેલી વાર એ ચોખ્ખા ઇંગ્લિશમાં જે કાંઇ બોલ્યો, એનો અર્થ એટલો થતો હતો કે, મારે પોતાને કાચી સેકન્ડમાં ગભરાઇને નીચે જોવું પડયું... હું બહુ મોટી ભૂલ સાથે ફ્લાઇટમાં ચઢ્યો હતો...! અશોક કુમાર... 'અન્યનું તો એક વાંકું, આપણા અઢાર છે!' |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuQq5GcQPpoZHzqa9_HEZfXwEMb-9g4LLS52h9oy6bqhA%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment