Wednesday, 1 August 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ચલો અયોધ્યા - ચલો વારાણસી (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



શિવસેનાનું ચલો અયોધ્યા - ચલો વારાણસી! મુંબઈનું શું?
તંત્રીલેખ

 


૨૦૧૪ની લોકસભાની ચૂંટણી પછી સમગ્ર દેશમાં હિન્દુત્વના મતનું મહત્ત્વ ખૂબ જ વધી ગયું છે. એટલી હદ સુધી વધી ગયું છે કે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ તો ગુજરાતની ચૂંટણી વખતે જાહેર કરવું પડ્યું હતું કે પોતે પણ હિન્દુ છે અને તે પણ જનોઈધારી હિન્દુ. અનેક મંદિરોમાં જઈને રાહુલે માથું ટેક્યું, સંસદમાં પણ રાહુલે કબૂલ્યું હતું કે ભાજપ અને સંઘના કારણે જ મને હિન્દુત્વ વિશે જાણકારી મળી છે. આમ ૨૦૧૯માં હિન્દુ મત એ બહુ મોટી ભૂમિકા ભજવશે એ નક્કી છે. મુંબઈમાં ભાજપના ટેકે મહાનગરપાલિકામાં સત્તા ભોગવતી અને રાજ્ય સરકારમાં હોવા છતાં તમામ મુદ્દે સતત ભાજપનો વિરોધ કરતી શિવસેનાને પણ હવે હિન્દુત્વના મત અંકે કરવાનું સૂઝ્યું છે.

 

શિવસેનાની છબી પ્રખર હિન્દુવાદી પક્ષની છે અને સ્વ. બાળાસાહેબ ઠાકરે હતા ત્યારે કોઈની પણ શેહશરમ રાખ્યા વિના બેરોકટોક, મતની પરવા કર્યા વિના હિન્દુત્વ વિશે બોલવું એ તેમની એક ઓળખ હતી. ત્યાર બાદ ઉદ્ધવ ઠાકરે એક સોફ્ટસ્પોકન નેતા તરીકે ઊભરી આવ્યા છે, પરંતુ જે રીતે શિવસેનાના સંબંધ ભાજપ સાથે ખરડાઈ રહ્યા છે તેમ તેમ શિવસેના એકલા હાથે સમગ્ર દેશમાં હિન્દુત્વના મત અંકે કરવા નીકળી પડી હોય તેમ લાગે છે. તાજેતરમાં શિવસેના દ્વારા ચલો અયોધ્યા- ચલો વારાણસી જેવાં બેનરો સમગ્ર મુંબઈ શહેરમાં લાગ્યાં છે. ઉદ્ધવ ઠાકરે પોતે વારાણસી અને અયોધ્યાની મુલાકાત લેવાના છે તેવી જાહેરાત બાદ આ બેનરો લાગ્યાં છે.

 

આ બેનરો લગાવવાનું મુખ્ય કારણ શિવસેના ભારતીય જનતા પાર્ટી પર દબાણ આણવાનો એક પણ મોકો જતો કરવા નથી ઈચ્છતી એ પણ હોઈ શકે છેે, કેમ કે મહારાષ્ટ્રની બહાર શિવસેનાનું કંઈ પણ ઊપજી શકે તેમ નથી. પ્રખર હિન્દુવાદી ગણાતા ગુજરાતની વિધાનસભાની ગત ચૂંટણીમાં શિવસેનાએ ઊભા રાખેલા તમામ ઉમેદવારોની ડિપોઝિટ સુદ્ધાં જપ્ત થઈ ગઈ હતી.

 

એવામાં ઉત્તર પ્રદેશ કે મધ્ય પ્રદેશમાં તેમનું કંઈ આવી શકે તેમ નથી. તેમ છતાં શિવસેના આ સાહસ કરી રહી છે. પરંતુ તેમણે વિચારવાનું એ છે કે વારાણસીમાં ગંગાની સફાઈ કેટલી થઈ એ તપાસવા કરતાં આટલા વર્ષોથી મુંબઈ મહાનગરપાલિકા પર રાજ કરવા છતાં શિવસેના મીઠી નદી પણ સાફ કરી શકી નથી. દર વર્ષે થોડો વરસાદ થાય અને મુંબઈ પાણીમાં ગરકાવ થાય અને મુંબઈગરાને બાનમાં રાખ્યા હોય તેવી પરિસ્થિતિ પેદા થાય છે. આ વર્ષે તો મુંબઈના રસ્તાઓ પરના ખાડાએ એટલા લોકોનો ભોગ લીધો છે કે કોર્ટે સુધ્ધાં દખલ લેવી પડી છે. દર વર્ષે થતાં રસ્તાના સમારકામ થોડા વરસાદમાં ધોવાઈ જાય છે.

 

ભાજપને માત્ર હિન્દુત્વના કારણે સફળતા મળી છે તેવું નથી, આની પાછળ ગુજરાતમાં મોદીના કાળમાં થયેલો વિકાસ પણ છે. શિવસેના માત્ર હિન્દુત્વના મુદ્દે આગળ વધવા માગે છે, પરંતુ એ શક્ય નથી. કેમ કે શિવસેનાની છબી હિન્દુવાદી પક્ષની છે જ. હાલમાં પણ તે આ જ કારણસર સત્તામાં છે. મહારાષ્ટ્રમાં એકલા હાથે સત્તા પર આવવા માટે એકલું હિન્દુત્વ નહીં ચાલે, વળી શિવસેનાનું હિન્દુત્વ મહારાષ્ટ્રમાં અલગ છે. અહીં તે પહેલાં મરાઠીઓની વાત કરે છે. નોનમરાઠીઓ માટે તેમને સૂગ છે. જો રાજ્યમાં એકલા હાથે સત્તા પર આવવું હોય તો તેમણે મરાઠી સહિતની બીજી પ્રજાને પણ સાથે લઈને ચાલવું પડે તેમ છે, પરંતુ તે શક્ય નથી. આથી જ તે માત્ર હિન્દુત્વવાદી પક્ષનું લેબલ લગાડીને ચાલવા માગે છે. આમ કરીને તે ભાજપની વોટબૅન્કમાં ગાબડું પાડવા ઈચ્છે છે જેથી ભાજપ પાસે પોતાના મનનું ધાર્યું કરાવી શકાય. પરંતુ શિવસેનાએ આમ કરવું હોય તો વારાણસી કે અયોધ્યા જવાને બદલે પહેલાં મુંબઈગરાઓમાં વિશ્ર્વાસ જગાવવાની જરૂર છે. જો એમ થશે તો શિવસેના માટે અહીં જ અયોધ્યા અને અહીં જ વારાણસી છે.



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Osq%2BLf%2BWLfFXmOf6BXPWLCpTgthcqMV3CK%3DbNrA8L-4Xw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment