Friday 1 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ સારું કે નરસું... પણ આપણને શીખવે છે કોણ? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સારું કે નરસું... પણ આપણને શીખવે છે કોણ?
ભદ્રાયુ વછરાજાની
 

 

 


નાનપણની વાત છે. જે એ સાબિત કરે છે કે મનુષ્યે બાલ્યાવસ્થામાં પ્રાપ્ત કરેલ સંસ્કાર તેને સમગ્ર જીવન સાથે આપે છે... એક દિવસે મારા એક મિત્રે મારી પાસે સો રૂપિયાની માગણી કરી. એ દિવસોમાં સો રૂપિયા બહુ મોટી રકમ હતી. મારે માબાપ ન હતાં. મારે એ રકમ આપવા અમારા કુટુંબના એક વૃદ્ધ વડીલની પરવાનગી લેવી પડે તેમ હતી. તે વિના રકમ અપાય તેમ ન હતી. બેએક દિવસ મેં અવઢવમાં પસાર કર્યા... છેવટે હું કુટુંબના વડીલ પાસે પહોંચી ગયો અને તેમને મારા મિત્રે માગેલ રકમની વાત કરી. તેમની પરવાનગી માગી.


'વર્ગભેદનો તેના જીવનનો
પ્રથમ પાઠ રંજના તે દિવસે
મારી પાસેથી જ શીખેલી!'


તેઓ બોલ્યા, 'તારા મિત્રને સો રૂપિયાની જરૂર છે અને તેણે એ રકમ તારી પાસે માગી છે-તારે પૈસાની કમી નથી. તું એને સો રૂપિયા ચોક્કસ આપી શકે. શરત ફક્ત એટલી કે આપીને પછી એ રકમ ભૂલી જવાની.' મેં કહ્યું, 'એવું તો કેમ ચાલે? આટલી મોટી રકમ ભૂલી જવાની?' અનુભવી વડીલ બોલ્યા, 'તો પછી એટલી જ રકમ આપ જેટલી તું ભુલાવી શકે અને ક્યારેય પાછી મેળવવાની અપેક્ષા ન રાખે, કેમ કે ઉધારી પરસ્પરના પ્રેમમાં કાતરનું કામ કરે છે. 'કર્જ મિકરજે મોહબ્બત અસ્ત' એટલે કે કર્જાની રકમ પાછી માંગતા પ્રેમ અસ્ત થઇ જાય છે.'


મેં મારા વડીલની એ શિખામણ જીવનભર માટે અપનાવી લીધી. જ્યારે પણ કોઇને ઉધાર આપવાનું બન્યું ત્યારે એટલું જ આપ્યું કે જેને હું માફ કરી શકું!


તે મિત્રને તે વખતે પચાસ રૂપિયા આપ્યા અને આપીને ભૂલી ગયો...'


વાત જૂની છે, પણ ખૂબ અસરકારક છે. એ દિવસોમાં હું એમ.એસ. યુનિવર્સિટીમાં અધ્યાપક હતો અને ત્યારે મારી દીકરી પ્રાથિમક શાળામાં ભણતી. એક વાર અમે બધાં બરોડા સ્ટેશન પર ગાડીની રાહ જોતાં ઊભાં હતાં. અચાનક દીકરીની દૃષ્ટિ ડબ્બાના દરવાજા પાસે લખેલ III પર પડી. થોડો વખત વિચાર્યા બાદ તે બોલી: પપ્પાજી, આપણે જ્યારે પણ ગાડીથી મુસાફરી કરીએ છીએ ત્યારે આપણા ડબાનો નંબર 111 જ કેમ હોય છે?'


પ્રશ્ન સાંભળીને હું હસી પડ્યો. જવાબ આપતાં ક્ષોભ થયો. હું એ નાનકડી છોકરીને કઇ રીતે કહું કે ટ્રેનના ડબાઓ પ્રથમ, દ્વિતીય તથા તૃતીય વર્ગ એ આપણા વર્ગભેદગ્રસ્ત સમાજવ્યવસ્થાનાં પ્રતીક છે! છેવટે મેં તેને કહ્યું: 'બેટા, 111 નંબરનો નહીં પણ આ થર્ડ ક્લાસ (III)નો ડબ્બો છે. પૈસાપાત્ર લોકો ફર્સ્ટ તથા સેકન્ડ ક્લાસમાં મુસાફરી કરે. આપણા જેવા, જેને ન પોસાય તે, થર્ડ ક્લાસમાં મુસાફરી કરતાં હોય છે. થર્ડ ક્લાસનું ભાડું ઓછું હોય છે. જે જેટલો વધુ પૈસો ખર્ચે તે તેટલા પ્રમાણમાં સગવડભરી મુસાફરી કરે!' વર્ગભેદનો તેના જીવનનો પ્રથમ પાઠ રંજના કદાચ તે દિવસે મારી પાસેથી જ શીખેલી!!'


'એક દિવસ મારા ફોનની ઘંટડી વાગી ને મેં ફોન ઉપાડી કહ્યું: 'બોલો.' સામે છેડેથી જવાબ મળ્યો, 'પ્રો. ઉપાધ્યાય બોલું છું. નમસ્કાર.' મેં કહ્યું: 'બોલો ઉપાધ્યાયજી, શા સમાચાર? કેમ યાદ કર્યો?' ઉપાધ્યાયજી બોલ્યા, 'પહેલા મેં કરેલા નમસ્કારનો જવાબ આપો.' એ દિવસે હું એક નવી વાત શીખ્યો. કોઇનાય નમસ્કાર પણ ઉધાર ના રહી જાય તે પ્રત્યે સજાગ રહેવું! તરત જ ભૂલ સુધારી મેં કહ્યું: નમસ્કાર, નમસ્કાર ઉપાધ્યાયજી, બોલો મને કેમ યાદ કર્યો?'


આ ત્રણ નાના છતાં મૂલ્યવાન પ્રસંગો હિન્દી સાહિત્યના દિગ્ગજ પ્રાધ્યાપક અંબાશંકર નાગરનાં સંસ્મરણો વર્ણવતાં 'જીવન-લેખનપુસ્તક'માંથી ટાંક્યા છે. આ પુસ્તકમાં સંગ્રહિત બધી ઘટનાઓ સત્ય છે અને ઘણીવાર સત્ય અવિશ્વસનીય લાગતું હોય છે. તેથી જ તો કહેવાયું છે કે 'ટ્રુથ ઇઝ સ્ટ્રેન્જર ધેન ફિક્શન.' આ કથન અંબાશંકર નાગરજીના પુસ્તક 'કેવા એ દિવસો અને કેવા કેવા લોકો!'ના સંદર્ભે અત્યંત ઉપર્યુક્ત છે. 'ટ્રુથ અને ફિક્શન'ના બે આત્યંતિક બિંદુઓ વચ્ચે આકાર લેતું જીવનલેખન વાચક માટે વધુ રસપ્રદ સિદ્ધ થાય છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીના 'સેન્ટર ફોર લાઇફ રાઇટિંગ'ના પ્રોફેસર શ્રીમતી ફિલોમેન પ્રોબર્ટનું એક તારણ છે: 'એકવીસમી સદીનો સૌથી લોકપ્રિય સાહિત્યકાર એટલે 'લાઇફ રાઇટિંગ' (જીવન-લેખન)!'


અંબાશંકર નાગરજી ખાદીધારી હોવા છતાં પ્રભાવશાળી અને આકર્ષક વ્યક્તિત્વ ધરાવતા પ્રોફેર હતા. તેમની જીવન જીવવાની કળા અદ્્ભુત હતી. તેઓ પોતાના સેન્ડલ પોતે જ પોલિશ કરતા. ઘરની બહાર પગ મૂકતાં પહેલાં તે પોતાનાં સેન્ડલ ચમકાવતા અને કહેતા, 'જો ખુદકા જૂતાં નહીં ચમકા પાયા, વો અપની કિસ્મત ક્યા ચમકાયેગા?'... આવા વ્યક્તિત્વની સાથે કે પાસે ઊછરનાર માટે તો આ Rearning journey બની શકે. કારણ સારું કે નરસું, આપણને શીખવે છે કોણ? કહેલું વર્તનમાં ન પણ ઊતરે પણ જોયેલું ને અનુભવેલું અજાણતાં ય આચરણમાં આવી જવા ટેવાયેલું છે. આપણે ક્યાંથી શીખીએ? આપણી સ્થિતિ-આપણો માહોલ-આપણો ઉછેર-આપણો અનુભવ એ જ આપણા જીવનગુરુ...


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsUmCnF4AswfseSJ0wqPYGfLyNxvKKK4o9i2QKzF_OURg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment