રાષ્ટ્રપતિને લખેલા પત્રમાં સુબ્રમણ્યમ સ્વામીએ અબ્દુલ કલામસાહેબનું ધ્યાન દોર્યું હતું કે ભારતના કાયદા મુજબ વિદેશમાં જન્મેલી વ્યક્તિ ભારતીય નાગરિકત્વ સ્વીકારી લે તો પણ એને ભારતમાં એટલા જ હક્ક મળે જેટલા હક્ક પેલો ભારતમાં જન્મેલી વ્યક્તિને એ દેશનું નાગરિકત્વ સ્વીકાર્યા પછી આપતો હોય. ઈટલીના કાયદા મુજબ ભારતમાં જન્મેલી વ્યક્તિ ઈટલીની સિટીઝનશિપ સ્વીકારી લે તો પણ એ ઈટલીની વડા પ્રધાન બની શકે નહીં. વાત પૂરી થઈ ગઈ. સ્વામીના કહેવા મુજબ એ કાયદો પાછળથી રદ થયો હતો છતાં બંધારણીય રીતે એના રદબાદતલપણાને પણ પડકારી શકાય એમ છે. સ્વામીનો પત્ર મળતાં જ રાષ્ટ્રપતિ ભવનમાં ભૂકંપ આવ્યો. રાષ્ટ્રપતિએ સ્વામીને મળવા બોલાવ્યા. આ મુલાકાત પછી સાંજે રાષ્ટ્રપતિએ સોનિયાને સરકાર રચવા માટેનું આમંત્રણ આપવા બોલાવ્યાં હતાં તે મુલાકાત રદ કરતો પત્ર રાષ્ટ્રપતિએ તાબડતોબ સોનિયાના ઘરે મોકલી આપ્યો. આ દરમ્યાન રાષ્ટ્રપતિએ સોનિયા સુધી સ્વામીના પત્રની ક્ધટેન્ટ વિશે જાણકારી આપી દીધી હોવી જોઈએ અને દેશમાં બંધારણીય કટોકટી ન સર્જાય તે માટે પોતે સોનિયા ગાંધીને વડા પ્રધાનપદના શપથ દેવડાવી નહીં શકે એવું પણ સમજાવ્યું હોવું જોઈએ, કારણ કે બીજે દિવસે સવારે સોનિયા જ્યારે રાષ્ટ્રપતિને મળ્યાં ત્યારે એ મુલાકાત પછી સોનિયાએ પોતાના 'ત્યાગ'ની વાત મીડિયા સમક્ષ મૂકી. રાજમાતાએ કરેલા આ ત્યાગને કૉન્ગ્રેસી નેતાઓની ટોળકીએ ખૂબ ઉછાળીને પોતાની વફાદારીનું પ્રદર્શન કર્યું. કૉન્ગ્રેસી કાર્યકરો પણ છાતી કૂટવા લાગ્યા, આત્મહત્યા કરવાના પ્રયાસો સુધ્ધાં થયા. કૉન્ગ્રેસ કલ્ચરમાં ઘૂસી ગયેલા ગુલામ-માનસનું આ વરવું પ્રદર્શન હતું.
સ્ત્રૈણ અદાઓ, સ્ત્રૈણ અવાજ અને સ્ત્રૈણ મિજાજ ધરાવતા ડૉ. મનમોહનસિંહે વડા પ્રધાનપદ પર ચિટકી રહેવા માટે સોનિયા ગાંધીએ કરેલાં પોતાનાં તમામ અપમાનો સહન કર્યાં, દેશને થતું નુકસાન નજરઅંદાજ કરીને પણ એકાદબે બાબતો સિવાય અઠ્ઠાણું ટકા બાબતોમાં સોનિયાની હામાં હા પુરાવ્યા કરી. આ દસ વર્ષ દરમ્યાન પોતાનો કોઈ વાંક આવે નહીં એ રીતે, દોષનો ટોપલો વડા પ્રધાન પર ઢોળાય એ રીતે, સોનિયા અને એમનાં કુટુંબીઓએ, સોનિયા અને એમના કૉન્ગ્રેસી ચમચાઓએ તેમ જ સરકારની બ્યૂરોક્રસીમાં છેક ઉપરથી નીચલા સ્તરના અધિકારી-કર્મચારીઓએ આ દેશને બોડી બામણીના ખેતરની જેમ ચૂંથી નાખ્યો. જગતના કોઈ પણ દેશમાં વડા પ્રધાન તરીકે કોઈ કઠપૂતળીને બેસાડીને પૂરા એક દાયકા સુધી અમુક લોકોએ ઑફિશિયલી દેશનું શોષણ કર્યું હોય એવો દાખલો તમને નહીં મળે.
ડૉ. મનમોહનસિંહ જાણતા હશે કે પોતાનામાં પી.એમ. બનવાની લાયકાત નથી. તેઓ એ પણ જાણતા હશે કે પોતે કૉન્ગ્રેસના પાવરફૂલ નેતા હોત તો એમને સોનિયાએ આ પદ પર બેસાડ્યા જ ન હોત. સોનિયાને કહ્યાગરા માણસની જરૂર હતી. ઊઠ કહે તો ઊઠી જાય અને બેસ કહે તો બેસી જાય અને ચૂપ કહે તો ચૂપ થઈ જાય એવા કર્મચારીની જરૂર હતી. 2004માં કૉન્ગ્રેસના પાવરફૂલ નેતાઓમાં પ્રણવકુમાર મુખર્જીનું નામ સૌથી પહેલું આવે. નરેન્દ્ર મોદીએ જેમને ભારતરત્નથી નવાજયા છે એ પ્રણવ મુખર્જીને છેક 1969માં ઈન્દિરા ગાંધીએ રાજ્યસભામાં મોકલ્યા હતા. ઈંદિરા ગાંધીના સૌથી વફાદાર સાથીઓમાંના એક એવા પ્રણવકુમાર મુખર્જી 1982માં સૌપ્રથમ વાર દેશના નાણામંત્રી બન્યા હતા. ઈન્દિરા ગાંધીની હત્યા પછી પ્રણવકુમાર મુખર્જી જ દેશના વડા પ્રધાન બનશે એવો માહોલ હતો, પણ 'ઈન્દિરા ગાંધી કહેશે તો હું ઝાડુ મારવા પણ તૈયાર છું' એવું કહેનાર રાષ્ટ્રપતિ ઝૈલ સિંહે નીતિમત્તાને કોરાણે મૂકીને અને કાયદાનિયમોની ઐસીતૈસી કરીને તાબડતોબ રાજીવ ગાંધીને વડા પ્રધાનપદના સોગંદ આપી દીધા. 1985થી 1989ના ગાળામાં પ્રણવકુમારે રિસાઈને પોતાની દુકાન 'રાષ્ટ્રીય સમાજવાદી કૉન્ગ્રેસ' નામે શરૂ કરી. પછી રાજીવ ગાંધી સાથે હાથ મિલાવી દીધા.
પ્રણવકુમાર મુખર્જી ઉપરાંત અર્જુન સિંહ પણ કૉન્ગ્રેસમાં વડા પ્રધાનપદના દાવેદાર ગણાતા, પણ પક્ષનો શક્તિશાળી નેતા જો વડા પ્રધાન બનશે તો એ પોતાનું કહ્યું નહીં માને એવી સોનિયાને ભીતિ હતી, સાચી ભીતિ હતી. એટલે જ એમણે ન ભણાવે અને ન મારે એવા માસ્તરને ક્લાસમાં મોકલી આપ્યા. મનમોહનસિંહે એક વાર વાજબી રીતે જ કહેલું કે પોતે તો અકસ્માતે પીએમ બની ગયા છે, આય એમ એન એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર.
સંજય બારુએ આ સચોટ શબ્દપ્રયોગ પકડી લઈને પી.એમ.ઓ.માંથી નિવૃત્ત થયાના પાંચેક વર્ષ બાદ 'ધ ઍક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર' નામની કિતાબ લખી જેના પ્રકાશનના પાંચ વર્ષ બાદ આ જ નામની અફ્લાતૂન ફિલ્મ બની જેમાં અનુપમ ખેરે હુબહુ મનમોહનસિંહને સિલ્વર સ્ક્રીન પર જીવંત કર્યા છે. જે લોકો અનુપમ ખેરે એક્સ-પી-એમની મિમિક્રી કરી છે. એવું કહીને આ સુંદર ફિલ્મની તથા અનુપમ ખેર જેવા અનુભવી અને ટોચના ફિલ્મ કલાકારની ટીકા કરતા હોય એમણે યુ ટ્યુબ પર જઈને મનમોહનસિંહ વિશેની વીડિયો જોઈ લેવી. બરાક ઓબામા ઈન્ડિયા આવ્યા ત્યારે મોદીજીએ એમના સન્માનમાં યોજેલા સમારંભમાં યુપીના તે વખતના સીએમ અખિલેશ યાદવ પણ હાજર હતા. અખિલેશ જેવા ગલીના મવાલી કક્ષાના રાજકારણીને પ્રોજેક્ટ કરવા કોઈએ દોઢ મિનિટની એક ક્લિપ અપલોડ કરી છે. રાઈટ શબ્દો નાખીને સર્ચ કરશો તો મળી જશે. એમાં મનમોહનસિંહની એન્ટ્રી થાય છે ત્યારે તમને અદ્દલોદલ 'ટીએમપીએમ'માં અનુપમ ખેર જે રીતે બે હાથ આગળ રાખીને જપાની મહિલા કિમોનો પહેરીને સરકતી ચાલે ચાલતી દેખાય એવી રીતે ચાલે છે તે યાદ આવે. અનુપમ ખેરે મનમોહન સિંહની સ્ત્રૈણ અદાઓને આબાદ પકડી છે. ક્યાં એ પીએમની આ ચાલ અને ક્યાં આજના પીએમની સિંહ જેવી મર્દાનગીભરી ચાલ.
ધ ઍક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર'માં પત્રકાર સંજય બારુુ લખે છે કે 2004ની 22 મેના રોજ ડૉય. મનમોહન સિંહે વડા પ્રધાન તરીકે સોગંધ લીધા એ પછી બારુને નવી દિલ્હીથી પી.એમ.ના પ્રિન્સિપલ સેક્રેટરીનો ફોન આવ્યો. એ દિવસે સંજય બારુ દિલ્હીમાં નહોતા, હૈદરાબાદમાં એમના પેરેન્ટ્સના ઘરે હતા. એ દિવસે સંજય બારુની 50મી વર્ષગાંઠ હતી. શુક્રવાર, 28મીએ ફોન આવ્યો: 'પી.એમ. આજે સાંજે તમને મળવા માગે છે.' પણ એ શક્ય નહોતું. સોમવારે સવારે સંજય બારુ નવી દિલ્હીમાં 7, રેસકોર્સ રોડ પરના વડા પ્રધાનના નિવાસસ્થાને પહોંચ્યા. લ્યુટેન્સ દિલ્હી અને ડિપ્લોમેટિક એન્ક્લેવને અડીને આવેલા 'સેવન આરસીઆર' તરીકે ઓળખાતું વડા પ્રધાનનું 'ઘર' એક વિશાળ જગ્યા છે.
લ્યુટેન્સ દિલ્હી વિશે તમારે થોડું જાણી લેવું જોઈએ, કારણ કે આજકાલ 'લ્યુટેન્સ મીડિયા' શબ્દપ્રયોગ બહુ પ્રચલિત થવા લાગ્યો છે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ વાપરતા થઈ ગયા છે. બ્રિટિશ રાજ વખતે સર ઍડ્વિન લ્યુટેન્સ નામના આર્કિટેક્ટે નવી દિલ્હીનો વિસ્તાર ડિઝાઈન કર્યો, ઘણાં બધાં સ્ટ્રક્ચર્સનું આર્કિટેક્ચર એનું છે. ઍડ્વિન લ્યુટેન્સ અને એના સાથી આર્કિટેક્ટ હર્બર્ટ બેકર તેમ જ એમની ટીમે દિલ્હીના સંસદભવનની ડિઝાઈન બનાવી છે. નવી દિલ્હીના ઈન્ડિયા ગેટ, રાષ્ટ્રપતિભવન (ઓરિજિનલી વાઈસરોય હાઉસ) તથા હૈદરાબાદ હાઉસ જેવાં લૅન્ડમાકર્સ પણ લ્યુટેન્સ તથા એની ટીમની ડિઝાઈનની નીપજ છે. નવી દિલ્હીનો સૌથી પૉશ વિસ્તાર લ્યુટેન્સ બંગલો ઝોન (એલ.બી.ઝેડ.) છે. લગભગ 25 કે 26 ચોરસ કિલોમીટરના એ વિસ્તારમાં કુલ એકાદ હજાર જેટલા વિશાળ-ભવ્ય બંગલોઝ છે, બાકીની હરિયાળી છે - ગાર્ડન્સ અને પાકર્સ અને પહોળા રસ્તાઓ છે. આ બધું લ્યુટેન્સ તથા એની ટીમે ડિઝાઈન કર્યું છે. આ આખા વિસ્તારની 90 ટકા જમીન સરકારી માલિકીની છે, બાકીની દસેક ટકા જમીન પ્રાઈવેટ માલિકીની છે. 12 એકરમાં પથરાયેલું વડા પ્રધાનનું નિવાસસ્થાન પણ અહીં જ છે. (રેસકોર્સ રોડ 2016થી લોક કલ્યાણ માર્ગના નામે ઓળખાય છે). લાલ બહાદુર શાસ્ત્રી વડા પ્રધાન હતા ત્યારે 10, જનપથ પર રહેતા. એમનું અકાળે અવસાન થયા પછી કૉન્ગ્રેસ પાર્ટીએ એને હડપ કરીને પક્ષનું હેડક્વાર્ટર બનાવી દીધું અને એક નાનકડા હિસ્સામાં કહેવા ખાતરનું શાસ્ત્રીજીનું મ્યુઝિયમ બનાવ્યું. અત્યારે 10, જનપથમાં રાજમાતા સોનિયા બિરાજે છે. એમનાં કુંવર કોઈ બીજા સરકારી બંગલામાં રહે છે. એમના જમાઈ-પુત્રી પણ ત્રીજા-ચોથા સરકારી બંગલાઓમાં રહે છે.
વાત નીકળી જ છે તો જાણી લઈએ કે 'સેવન આરસીઆર'નો પી.એમ.નો બંગલો એક બંગલો નથી, 1, 3, 5, 7 અને 9 એમ પાંચ બંગલોનો સમૂહ છે. 1 નંબર પર હેલિપેડ છે. 3માં મનમોહન સિંહ પીએમ હતા ત્યારે રહેતા હતા, હવે પીએમનું ગેસ્ટહાઉસ છે. 5 અને 7 વર્તમાન વડા પ્રધાનના નિવાસસ્થાન તેમ જ એમની અનૌપચારિક ઑફિસ તરીકે ઉપયોગમાં લેવાય છે. 9 નંબરમાં સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપ (એસ.પી.જી.)ના ગાડર્સ માટે અનામત છે. 2010માં આ 'સેવન આરસીઆર'ના પંચવટી કૉમ્પ્લેક્સથી દિલ્હીના સફદરજંગ ઍરપોર્ટ સુધીની દોઢ કિલોમીટર લાંબી ટનલ બનાવવાનું કામ શરૂ થયું જે 2014માં પૂરું થયું. આ ભૂગર્ભ માર્ગ સૌથી પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વાપર્યો.
લ્યુટેન્સ ઝોનમાં મોટા મોટા પ્રધાનો, વગદારોના બંગલોઝ છે. આ સત્તાધારી લોકોની ચાપલૂસી કરીને જે પ્રિન્ટ તથા ઈલેક્ટ્રોનિક મીડિયા 2004થી 2014 દરમ્યાનના દાયકામાં તગડું થયું તે સેક્યુલર, સામ્યવાદી મીડિયાને હવે લ્યુટેન્સ મીડિયાની તિરસ્કૃત ઓળખાણ આપવામાં આવી છે.
વડા પ્રધાનના નિવાસની એક તરફ લ્યુટેન્સ ઝોન છે, બીજી તરફ દુનિયાભરના દેશોના ડિપ્લોમેટ્સનાં ઘરો-ઑફિસો છે જે ડિપ્લોમેટિક એન્કલેવ તરીકે ઓળખાય છે. લ્યુટેન્સ મીડિયા તે વખતના સત્તાધારી પક્ષના ખોળામાં ગલૂડિયાની જેમ રમતું અને રાડિયા ટેપ્સનું કૌભાંડ બહાર આવ્યું ત્યારે પુરવાર થયું કે આ મીડિયા સત્તાધારીઓ માટે લૉબીઈંગ કરતું, એમના વતી દલાલી કરતું અને બદલામાં જે બિસ્કુટના ટુકડા ફેંકાતા તેને હોંશેહોંશે આરોગીને જે ઓડકાર ખાતું તે આપણને એમના છાપાના ફ્રન્ટ પેજ પર તથા એની ટીવી ચેનલોના પ્રાઈમ ટાઈમની ચર્ચાઓ દરમ્યાન સાંભળવા મળતા. ભલું થજો વર્ષ 2014નું કે નવી સરકાર આવ્યા પછી કેટલાક મીડિયા એવા ઊભર્યા છે જેઓના હૈયે દેશહિત વસે છે અને જેઓ લ્યુટેન્સ મીડિયાની હરકતોને ઉઘાડી પાડીને આપણી આંખોમાં નખાતી ધૂળને સાફ કરે છે.
સંજય બારુ સોમવાર, 31 મેના રોજ સવારે 'સેવન આરસીઆર' પર વડા પ્રધાનને મળવા ગયાં. સ્વાભાવિક રીતે જ અહીં સિક્યોરિટી એકદમ સખ્ત હોવાની. બારુએ પોતાના પુસ્તકમાં એનું વર્ણન કર્યું છે. પીએમના પર્સનલ સેક્રેટરી દ્વારા જે નામો એસ.પી.જી.ને મળ્યાં હોય એમને જ પ્રવેશ મળે. બહારના પ્રથમ ગેટમાંથી તમે તમારી કારમાંથી અંદર બીજા ગેટ સુધી પહોંચો એટલે ત્યાં તમારી ગાડી છોડી દેવાની. માત્ર પ્રધાનો, વિદેશી મહાનુભાવો તેમ જ બીજા કેટલાક ઉચ્ચ અધિકારીઓને જ બીજા ગેટમાંથી ગાડી આગળ લઈ જવાની પરવાનગી મળે. ત્યાંથી પછી એમણે પણ એસ.પી.જી.ના વેહિકલમાં પી.એમ. હાઉસ સુધી પહોંચવાનું હોય. બાકીનાઓએ ચાલીને વિઝિટર્સ રૂમ સુધી જવાનું અને ત્યાં પોતાનો મોબાઈલ ફોન ડિપોઝિટ કરાવી દેવાનો. પછી એમનું સ્ક્રીનિંગ થાય. એ પછી એમને પણ એસ.પી.જી.ની મારુતિ કાર્સના કાફલામાં પી.એમ.ના ઘર સુધી લઈ જવામાં આવે.
એસ.પી.જી.ના આ નિયમો નૅશનલ સિક્યુરિટી ઍડવાઈઝરથી માંડીને પી.એમ.નાં સગાંવહાલાં-મિત્રોને પણ લાગુ પડે. માત્ર તદ્દન નિકટના કુટુંબીઓ આમાંથી બાકાત રહે. અર્થાત્ મનમોહન સિંહ વડા પ્રધાન હતા ત્યારે એમના પત્ની-પુત્રીને આમાંથી બાકાત રાખવામાં આવે. નરેન્દ્ર મોદીને તો એવી કોઈ જફા છે જ નહીં. પી.એમ. હાઉસના એક બંગલોમાંથી બીજા બંગલો સુધી જવાની કોરિડોર પણ બુલેટ-પ્રૂફ ગ્લાસથી ઢાંકી દેવાઈ છે. એ આખો વિસ્તાર નો-ફ્લાય ઝોન તો છે જ. ઉપરાંત, મેઈન રોડની સરહદે મોટી કોન્ક્રીટ વૉલ બાંધી દેવામાં આવી છે જેથી કોઈ સ્યુસાઈડ ટ્રક-કાર બૉમ્બર ઘૂસી ના જાય. પી.એમ.ના ઘરની આસપાસ સમ્રાટ હૉટેલ વગેરેનાં ઊંચા મકાનો છે, જેમાંથી જે રૂમ્સમાંથી પી.એમ. હાઉસ દેખાતું હોય તે ઈન્ટેલિજન્સ બ્યુરોએ લઈ લીધાં છે અને ત્યાં ચોવીસે કલાકનો પહેરો કરતા ચોકિયાતો તહેનાત હોય છે. દિલ્હી જિમખાના પણ બાજુમાં જ છે જ્યાં વૉચ ટાવર્સ ઊભા કરી દેવામાં આવ્યા છે.
આ પંચવટી કૉમ્પ્લેક્સમાં એનું પોતાનું પાવર સ્ટેશન છે અને ઑલ ઈન્ડિયા ઈન્સ્ટિટયૂટ ઑફ મેડિકલ સાયન્સીઝ (એઈમ્સ)ના ડૉક્ટરો-નર્સોની ફોજ પણ ટ્વેન્ટી ફોર બાય સેવન હાજર હોય છે. ઍમ્બ્લ્યુલન્સ હંમેશાં પી.એમ. જ્યાં જાય ત્યાં પાછળ પાછળ સાથે જ ફરતી રહે છે. વડા પ્રધાન નિવાસમાં વેલ મેઈન્ટેઈન્ડ ગાર્ડન્સ લૉન્સ છે જ્યાં ગુલમહોર, અર્જુન વૃક્ષ અને બીજાં અનેક વૃક્ષો છે. ઘણાં પંખીઓ આવે છે, મોર તો ખાસ. આખા નિવાસ સંકુલની જાળવણી માટે માળીઓ, પટાવાળાઓ, ઈલેક્ટ્રિશ્યનો, પ્લમરો વગેરેનો 200નો સ્ટાફ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની સાદી રસોઈ બનાવવા માટે ગાંધીનગરના સી.એમ. હાઉસમાં જે બદરી નામનો રસોઈયો હતો તેને જ દિલ્હીમાં પોતાને ત્યાં બોલાવી લીધો છે. બદરીનો પગાર તેમ પોતાના ખાવાપીવાનો ખર્ચો વડા પ્રધાન પોતાના પગારમાંથી સરકારને ચૂકવી દે છે. ગુજરાતમાં સીએમ તરીકે એમણે પોતાના પગારમાંથી જે કંઈ આવો ખર્ચો કર્યો તે પછી જે બચત હતી તે તમામ બચત ગાંધીનગર છોડતી વખતે સચિવાલયના ચોથા વર્ગના કર્મચારીઓની દીકરીઓના શિક્ષણ માટે આપી દીધી હતી.
સંજય બારુને મળવાંવેંત વડા પ્રધાન મનમોહન સિંહે કહ્યું,
'સંજયા, આય વૉઝ નૉટ પ્રીપેર્ડ ફોર ધિસ રોલ. આ તદ્દન નવો અનુભવ છે અને કામ સહેલું નથી. ગઠબંધન સરકાર પાસે પૂર્ણ બહુમત નથી એટલે લેફ્ટ (સામ્યવાદી) પાર્ટીઓ પાસેથી ટેકો લેવો અનિવાર્ય હતું પણ તેઓ બહારથી જ ટેકો આપવાના છે, સરકારમાં જોડાયા વિના. કૉન્ગ્રેસે ક્યારેય ગઠબંધન સરકાર ચલાવી નથી. મારે એની સફળતા માટે કામ કરવાનું છે. મને એક પ્રેસ સેક્રેટરીની જરૂર પડવાની. હું તમને જાણું છું. તમે મારી સાથે કામ કરશો તો મને ખુશી થશે. હું જાણું છું કે તમને આર્થિક દૃષ્ટિએ અહીં આવવાથી નુકસાન થશે પણ આ તકને તમે દેશની સેવાના રૂપમાં જુઓ.'
મનમોહન સિંહે સંજય બારુને આ ઑફર કરી તે સારું કામ કર્યું કે ખરાબ એની તે વખતે ન તો એમને ખબર હતી, ન સંજય બારુને.
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvVPAh2tshdn64WdjerzmfdvuJGDqZb3ftaoYPjLAnXXw%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment