આ ચિહ્નો મોટા ભાગના દરદીઓમાં ખૂબ જ શરૂઆતી સ્ટેજમાં હોય છે, પરંતુ આ ચિહ્નો એટલાં સામાન્ય છે કે કોઈ બીજા રોગમાં પણ ઉદ્ભવી શકે છે. માટે આ ચિહ્નો બાબતે જાગ્રત રહેવું જરૂરી છે. બાકી પાર્કિન્સન્સ જેવા અસાધ્ય રોગને કાબૂમાં લાવવા માટે દુનિયાભરમાં ચાલી રહેલાં રિસર્ચ અમુક પ્રકારની આશા આપણને આપી રહ્યાં છે જે વિશે પણ આપણે જાણીએ. ગઈ કાલે આપણે વર્લ્ડ પાર્કિન્સન્સ ડેના દિવસે આ રોગ અને એનાં ચિહ્નો વિશે વિસ્તારમાં સમજ્યા. આપણે એ પણ જોયું કે આ રોગમાં ઇલાજ દ્વારા એનાં ચિહ્નો પર કાબૂ લઈ શકાય છે અને એનો પ્રોગ્રેસ ઘટાડી શકાય છે, પરંતુ સંપૂર્ણપણે આ રોગની નાબૂદી શક્ય નથી. પાર્કિન્સન્સ પર દુનિયાભરમાં ઘણાં રિસર્ચ ચાલી રહ્યાં છે અને એક થિયરી જે હાલમાં નવી ગણી શકાય અને જેના પર સમગ્ર દુનિયામાં અલગ-અલગ જગ્યાએ કામ ચાલી રહ્યું છે એ વિશે આજે જાણીએ. મહત્વની વાત એ છે કે આ થિયરી પર થઈ રહેલું કામ જો સફળ થાય તો આપણી પાસે પાર્કિન્સન્સને રોકવાનો ઉપાય આપણી પાસે હશે અને જો એવું થઈ શકે તો એનાથી મોટી કોઈ ઉપલબ્ધિ નહીં હોય. આજ સુધી મેડિકલ સાયન્સ પાર્કિન્સન્સ થવા પાછળનાં કારણોને જાણી શક્યું નહોતું, પરંતુ આ બાબતે થતાં સંશોધન પરથી આ થિયરી મળી આવી છે.
નવી થિયરી આ થિયરી મુજબ પાર્કિન્સન્સ ગૅસ્ટ્રોઇન્ટેસ્ટિનલ ટ્રૅક જેને આપણે પાચનતંત્ર પણ કહી શકાય એમાંથી આગળ સ્પ્રેડ થતું હોય છે. આ થિયરી શું છે એ વિશે સમજાવતાં કોકિલાબેન અંબાણી હૉસ્પિટલના ન્યુરોસાયન્સ ડિપાર્ટમેન્ટના હેડ અને મૂવમેન્ટ ડિસઑર્ડર એક્સપર્ટ ડૉ. મોહિત ભટ્ટ કહે છે, 'આ થિયરી માને છે કે આપના પેટમાં એક પ્રકારનું પ્રોટીન હોય છે. જો એ પ્રોટીન ભેગું થઈ જાય તો એ આંતરડા પર અસર કરે છે. આ પ્રોટીન ભેગું કયાં કારણોસર થાય છે એ તો જાણી શકાયું નથી, પરંતુ મહત્વની વાત એ છે કે આ એક ધીમી પ્રોસેસ છે. સમજો કે પ્રોટીન ભેગું થઈને આંતરડાને અસર કરે એ પ્રોસેસને દસેક વર્ષ લાગી જાય છે. હવે આંતરડામાંથી એક નસ છે જેને વેગસ નર્વ કહે છે જે સીધી મગજ સાથે જોડાયેલી છે અને એ મગજને અસર કરે છે. આમ પાર્કિન્સન્સ શરીરમાં ચાલુ થાય છે.'
રિસર્ચ ઘણાંબધાં રિસર્ચ આ થિયરીને સપોર્ટ કરે છે. 'ઍનલ્સ ઑફ ન્યુરોલૉજી જર્નલ'માં છપાયેલું એક બહોળું ડેનિશ રિસર્ચ એ સાબિત કરી ચૂક્યું છે કે જે વ્યક્તિમાં ઑપરેશન દ્વારા આ વેગસ નર્વ કાઢી નાખવામાં આવી છે એ લોકોમાં પાર્કિન્સન્સ ડિસીઝનું રિસ્ક ઘણું ઓછું દેખાય છે. જે લોકોમાં આ નર્વનો થોડો પણ ભાગ જોવા મળ્યો હતો તેમનામાં આ રિસ્ક ઓછું થયું નહોતું. જેનો અર્થ પણ એ જ થાય કે આ નર્વ પાર્કિન્સન્સ ડિસીઝ સાથે સંકળાયેલી છે. આવા એક નહીં ઘણાં જુદાં-જુદાં રિસર્ચ છે જે વેગસ નર્વ અને પાર્કિન્સન્સ વચ્ચેનો સંબંધ સાબિત કરી ચૂક્યાં હોય. આ ડેનિશ રિસર્ચમાં પણ લગભગ કુલ ૬૦,૦૦૦ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેમાં ૧૦,૦૦૦થી પણ વધુ વેગોટોમી સર્જરી કરાવેલા દરદીઓ પણ હતા. આ રિસર્ચ ઘણું વ્યાપક છે માટે પાર્કિન્સન્સને સમજવા માટે એનું મહત્વ વધારે દર્શાવવામાં આવ્યું હતું. આ સર્જરી વિશે વાત કરતાં ડૉ. મોહિત ભટ્ટ કહે છે, 'આજથી ૨૦-૩૦ વર્ષ પહેલાં પેપ્ટિક અલ્સર માટે વેગોટોમી નામની સર્જરી કરવામાં આવતી જેમાં આંતરડામાંથી વેગસ નવર્નેહ કાઢી નાખવામાં આવતી. આજે આ સર્જરી કોઈ કરતું નથી, પરંતુ આ દરદીઓ જેમના પર આ ઑપરેશન થયું હતું તેમના પર અઢળક રિસર્ચ થયાં છે જે સાબિત કરી ચૂક્યાં છે કે આ દરદીઓ પર પાર્કિન્સન્સનું રિસ્ક ખૂબ જ ઓછું છે.'
આશાનું કિરણ આ થિયરી પર વિશ્વમાં ઘણું કામ થઈ રહ્યું છે અને આશા છે કે નજીકના ભવિષ્યમાં એ સાબિત થઈ જાય કે પાર્કિન્સન્સનું રિસ્ક ઘટાડવા કે એને થતો અટકાવવા માટે આ પ્રકારની સર્જરી ઘણી ઉપયોગી બનશે અને આ સામાન્ય સર્જરી વડે આપણે આ રોગને માત આપી શકીએ એનાથી સારું કઈ ન હોઈ શકે. અત્યાર પૂરતું જોઈએ તો આપણને એક આશાનું કિરણ મળ્યું છે. એની સાથે-સાથે આપણને પાર્કિન્સન્સને વધુ સમજવાનો મોકો પણ મળ્યો છે. અમુક ચિહ્નો છે જેને લીધે આ રોગને આપણે એના પ્રી-સ્ટેજમાં જ ઓળખી શકીએ જે વિશે આગળ જાણીએ.
મગજનો નીચેનો ભાગ આ વેગસ નર્વ અને મગજનું અનુસંધાન સમજાવતાં ડૉ. મોહિત ભટ્ટ કહે છે, 'આ નર્વ મગજના નીચેના ભાગ સાથે સીધી જોડાયેલી છે. મગજનો આ નીચેનો ભાગ માણસની ઊંઘ, તેને થતું પેઇન, યુરિન અને મળનું સંચાલન વગેરે સાથે જોડાયેલો ભાગ છે. એનો અર્થ એમ કે જેવા પેટમાં ભેગાં થઈ ગયેલાં પ્રોટીન એ આંતરડા પર અસર કરે અને આંતરડાથી વેગસ નર્વ દ્વારા એ મગજને અસર પહોંચાડે તો પહેલાં મગજનો આ નીચેનો ભાગ અસરગ્રસ્ત થાય. નીચેનો ભાગ અસરગ્રસ્ત થાય એટલે અમુક પ્રકારનાં ચિહ્નો દેખાય જે ઊંઘ અને પેઇન સંબંધિત હોય છે અથવા યુરિન અને મળ સંબંધિત હોય છે. વર્ષોની પ્રૅક્ટિસમાં અમે એ નોંધ્યું છે કે પાર્કિન્સન્સના દરદીઓ અમારી પાસે આવે ત્યારે અમે તેમની હિસ્ટરી તપાસીએ તો આ પ્રકારનાં ચિહ્નો તેમને ઘણાં વર્ષોથી હોય છે, પરંતુ એ સામાન્ય હોવાથી એ બાબતે ધ્યાન જતું નથી કે આનું કારણ પાર્કિન્સન્સ હોઈ શકે છે. આજે જરૂર છે આ ચિહ્નોને ઓળખવાની. આ ચિહ્નોને નૉન-મોટર ચિહ્નો કહે છે, જેના વિશે સજાગ રહેવાથી પાર્કિન્સન્સને આપણે પ્રી-સ્ટેજમાં જ પકડી શકીએ છીએ, જેનાથી ઇલાજમાં લાંબા ગાળે ઘણો ફાયદો થાય છે.'
નૉન-મોટર ચિહ્નો પાર્કિન્સન્સને મોટા ભાગે મૂવમેન્ટ ડિસઑર્ડર તરીકે જ ઓળખવામાં આવે છે, પરંતુ ધીમા પડી જવું, ધ્રુજારી આવવી કે સ્ટિફનેસ સિવાય પણ અમુક પ્રકારના હેલ્થ-પ્રૉબ્લેમ્સ પાર્કિન્સન્સના દરદીઓને થાય છે અને મોટા ભાગે આ પ્રૉબ્લેમ્સ ઘણા વહેલા શરૂ થઈ જાય છે એટલે કે ધ્રુજારી. સ્ટિફનેસ જેવા દેખીતાં અને જાણીતાં ચિહ્નો પહેલાં જ આ ચિહ્નો ડેવલપ થવા માંડે છે. જો એ ઓળખાઈ જાય તો આપણે પાર્કિન્સન્સને પ્રી-સ્ટેજમાં જ જાણી શકીએ છીએ. ડૉ. મોહિત ભટ્ટ પાસેથી જાણીએ આ ચિહ્નો વિશે.
૧. ડિપ્રેશન, ઍન્ગ્ઝાયટી કે ચીડિયો સ્વભાવ જેવા મૂડ ડિસઑર્ડર
૨. માનસિક બદલાવ જેમ કે અટેન્શન કે ફોકસ જતું રહે, પ્લાનિંગ કરવામાં પ્રૉબ્લેમ આવે, વિચારોની ગતિ ધીમી થાય, ભાષા અને મેમરીમાં પ્રૉબ્લેમ થાય, ભ્રમ જન્મ્યા કરે, પર્સનાલિટી બદલે ૩. જ્યારે માણસ વધુ સમય માટે ઊભું રહે ત્યારે એકદમ જ બ્લડપ્રેશર નીચે જતું રહે. માથું હળવું થઈ જાય. ૪. ઊંઘમાં તકલીફ થાય. અપૂરતી ઊંઘ, દિવસે વધુ સમયની ઊંઘ, વિચિત્ર સપનાંઓ, ઊંઘમાં વાતો કરવી કે ચાલવા લાગવું, રેસ્ટલેસ લેગ સિન્ડ્રૉમ, પિરિયોડિક લેગ મૂવમેન્ટ ડિસઑર્ડર જેવી તકલીફો સર્જાઈ શકે છે. ૫. કબજિયાત અને ખૂબ થોડું ખાઓ ત્યાં જ પેટ ભરાઈ જાય એ અવસ્થા ૬. દુખાવો-ખાસ કરીને પીઠ, કમર, હાથ અને પગમાં એકદમ વધી જતો અને અચાનક જ જતો રહેતો દુખાવો ૭. સતત લાગતો થાક અને આંખને લગતા પ્રૉબ્લેમ્સ. ૮. હાથ અને પગના તળિયે થોડુંક કામ કે સાવ કામ કર્યા વગર પણ વળતો પરસેવો ૯. સ્કિન એકદમ સૂકી કે એકદમ ઑઇલી થઈ જવી. ૧૦. યુરિન પર કન્ટ્રોલ ઓછો થવો કે જતો રહેવો. એકદમ જ યુરિન માટે ભાગવું પડે, રાત્રે વારંવાર જવું પડે વગેરે પ્રૉબ્લેમ્સ. ૧૧. ગંધ પારખવાની સેન્સ જતી રહેવી. જેને લીધે ખોરાક પ્રત્યે અરુચિ અને એને કારણે વજન ઊતરી જવું. જો તમને ૩-૪ આ પ્રકારનાં ચિહ્નો હોય તો એક વખત ન્યુરોલૉજિસ્ટની મુલાકાત ચોક્કસ લેવી જેનાથી પ્રી-સ્ટેજમાં રોગનું ચોક્કસ નિદાન થઈ શકે અને આ રોગના પ્રોગ્રેસને ધીમું પાડી શકાય.
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtNoGPSziq44NcgVXfc2hcwMNPnZi3vG%2B8B8xRmJGKH9Q%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment