જાણકારો જણાવે છે કે છઠ્ઠા નંબરના હથિયારમાંથી બ્રિટનમાં સૌથી વધુ ગોળીઓ છોડવામાં આવી છે અને સૌથી વધુ હત્યા પણ કરવામાં આવી છે. ગોળી છોડવામાં આવ્યા બાદ કોઈ પિસ્તોલ કે બંદૂક સાથે શું થતું હોય છે? બ્રિટનમાં એ યા તો ગુમ થઈ જાય છે અથવા ક્યારેક કરજના કારણસર કે ક્યારેક ભાડા પર અથવા ફરી એકવાર હાથબદલાના નામ પર એક હાથમાંથી બીજા હાથમાંથી થઈને એ પિસ્તોલ કે બંદૂકની કદી ખતમ ન થાય એવી સફરનો એ હિસ્સો બની જાય છે. આ વાર્તા એક એવા હથિયારની છે જેને પોલીસ 'ગન નંબર ૬' તરીકે જ જાણે છે. કોઈ હથિયારના ઉપયોગ પર નજર રાખવા માટે એને એક સ્પેશિયલ નંબર આપવામાં આવતો હોય છે. 'ગન નંબર ૬' એટલે કે 'સીઝેડ ૭૫' એવી સેમી ઑટોમેટિક પિસ્તોલ છે જે 'મેડ ઇન ચેક રિપબ્લિક' છે. પોલીસના રેકૉર્ડ્સ મુજબ આ હથિયારનો ઉપયોગ એવા અનેક અપરાધોમાં થયો છે જેની ગૂંચ આજ સુધી વણઉકેલાયેલી રહી છે.
આ પિસ્તોલ સાથે જોડાયેલા કિસ્સાના તાર આપસમાં કોઈ રીતે જોડાયેલા નથી અને કેટલાક બનાવોમાં તો ગુનેગારો પકડાઈ પણ નથી શક્યા. આ 'ગન નંબર ૬' છેલ્લા એક દાયકાથી 'ખામોશ' હતી, પરંતુ તાજેતરમાં જ બીબીસીની એક તપાસમાં આ પિસ્તોલની જન્મકુંડળી કાઢવામાં આવી હતી. ફિલ્મનિર્માતા જૅક બૅટી, જૉર્જિના કૅમાલેરી અને જેમ્સ ન્યૂટને નેશનલ બૅલિસ્ટિક ઇન્ટેલિજન્સ સર્વિસ (જે નાબિસ તરીકે ઓળખાય છે)ની મદદથી 'ગન નંબર ૬' પર એક દસ્તાવેજી ફિલ્મ બનાવી છે.
નેશનલ બૅલિસ્ટિક ઇન્ટેલિજન્સ સર્વિસના નિષ્ણાતોનું કહેવું છે કે બ્રિટનમાં આટલી બધી ગોળીઓ બીજા કોઈ હથિયારથી નથી છૂટી કે આટલી બધી હત્યાઓ બીજા કોઈ શસ્ત્રથી નથી થઈ.
'ગન નંબર ૬' ખતરનાક હથિયાર છે. એમાંની ૯એમએમની ગોળી લશ્કરી જવાનો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી હોવાથી એ રીતે એની ડિઝાઇન તૈયાર કરાતી હોય છે. એમાંથી ગોળી છોડવામાં આવતાં જ ગોળ-ગોળ ફરીને ટાર્ગેટમાં ખૂંપી જાય છે જેનાથી ભોગ બનનાર વ્યક્તિને અત્યંત ગંભીર જખમ થાય છે.
બર્મિંગહમથી શરૂઆત
એ ૨૩ ફેબ્રુઆરી, ૨૦૦૩ની રાત હતી. મધરાત પછી ૩.૦૦ વાગી રહ્યા હતા અને ત્યારે પોલીસ સ્ટેશનમાં ફોનની રિંગ વાગી. બર્મિંગહમની એક નાઇટક્લબની બહાર ગોળીઓ છૂટી હતી. ફોન કરવાવાળાએ એટલી જ માહિતી આપી હતી. પોલીસ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ જ્યાંથી એને બે ખાલી કારતૂસો મળી હતી, પરંતુ કોઈ કડી નહોતી મળી શકી અને શોધખોળ તથા પૂછપરછ ત્યાં જ અટકી ગઈ હતી. ઍન્ડી હૉગ એ સમયે વેસ્ટ મિડલૅન્ડ્સ પોલીસના ડિટેક્ટિવ ચીફ ઇન્સ્પેક્ટર હતા. તેમણે કહ્યું કે ન તો કોઈ સાક્ષી સામે આવ્યો હતો અને ન એ શખસ જેના પર ગોળીઓ છૂટી હતી એ જોવા મળ્યો હતો. 'ગન નંબર ૬'ની સ્ટોરી બર્મિંગહમની એ જ ગલીથી શરૂ થાય છે. 'વર્ષ ૨૦૦૦ પછી અમે જોયું કે ગોળી છોડીને કતલ કરવાના કિસ્સા વધી રહ્યા છે અને અમારી સામે એ લોકો હતા જેઓ કોઈ પ્રકારના ડરના કારણે આ બાબતમાં વાત નથી કરવા માગતા.' 'અમારી પાસે એવી કોઈ વ્યક્તિ પણ નહોતી કે જેણે આ ઘટનાને સગી આંખે જોઈ હોય. ખાલી કારતૂસો સિવાય એક પણ એવું નિશાન નહોતું જેનું કોઈ વૈજ્ઞાનિક મહત્ત્વ હોય. કોઈ સીસીટીવી ફૂટેજ પણ નહોતું.'
'ફોન કરવાવાળા શખસનો કોઈ પત્તો પણ નહોતો. સૌથી મોટી વાત એ છે કે કોઈ એવું કહેવા આગળ પણ નહોતું આવ્યું કે એ રાતે કોઈએ મારા પર ગોળી છોડીને મને મારી નાખવાની કોશિશ કરી હતી.' 'ફક્ત એક વ્યક્તિ એવી હતી કે જે જાણતી હતી કે ત્યાં શું થયું હતું અને શા માટે થયું હતું...નવાઈની વાત એ છે કે એ એ જ શખસ હતો જેણે પિસ્તોલની ટ્રિગર દબાવી હતી.'
'જેણે પણ એ પિસ્તોલથી ગોળી ચલાવેલી તેણે ક્યારેય પણ પોલીસને એ પિસ્તોલ ક્યાં સંતાડવામાં આવી છે એના વિશે નહોતું જણાવ્યું. આ પિસ્તોલનો ઉપયોગ કરવાવાળા ઘણા લોકો વિશે આજ સુધી કોઈ ભાળ નથી મળી અને કેટલાક તો હત્યાના ગુના સંબંધમાં જનમટીમની સજા કાપી ચૂક્યા છે. આ પિસ્તોલથી થયેલા ગોળીબારના મોટા ભાગના કિસ્સા બર્મિંગહમના વિસ્તારોમાં જ થયા છે.
...એ ગુના જેનાથી કહાણી બદલાઈ ગઈ!
હકીકતમાં બ્રિટનમાં ગેરકાનૂની હથિયારોનું એક જ કેન્દ્ર રહ્યું છે અને એ છે છોટા સ્કૉટિશ ટાઉન ડનબ્લેન. આ ૧૩ માર્ચ ૧૯૯૬ની વાત છે. થૉમસ હૅમિલ્ટન ડનબ્લેન એલિમેન્ટ્રી સ્કૂલમાં અચાનક જ ફિઝિકલ એજ્યૂકેશન (પી.ઇ.)ના ક્લાસમાં ગોળીઓ છૂટવાની શરૂ થઈ હતી. માત્ર ત્રણ મિનિટમાં થૉમસ હૅમિલ્ટને એક શિક્ષક અને ૧૬ વિદ્યાર્થીઓનો જીવ લઈ લીધો હતો. મૃતકોમાં મોટા ભાગે પાંચથી છ વર્ષના બાળકો હતા. એ નરસંહાર પછી હૅમિલ્ટને પોતાના ચાર હથિયારોમાંના એક હથિયારથી આત્મહત્યા કરી હતી. બ્રિટિશ ઇતિહાસમાં ગોળીબારના સૌથી અધમ એવા આ ડનબ્લેન નરસંહારે આખું ચિત્ર જ બદલી નાખ્યું હતું.
બે વર્ષની અંદર બ્રિટન સરકારે અંગત ઉપયોગ માટે નાના હથિયારો રાખવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. દુનિયાભરમાં હથિયારોના સંબંધમાં બ્રિટન જેટલા કડક કાયદા-કાનૂન ભાગ્યે જ કોઈ દેશમાં હશે. હથિયારો રાખવા કે ખરીદવા-વેચવા માટે બ્રિટનમાં એક આકરી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. એવામાં સવાલ એ જાગે છે કે 'ગન નંબર ૬' જેવા હથિયારો બ્રિટનના રસ્તાઓ પર આખરે આવે છે ક્યાંથી?
નૉર્ધમ્પ્ટન યુનિવર્સિટી સાથે સંકળાયેલા હથિયારોને લગતા નિષ્ણાત હેલેન પુલેનો મત છે કે એક રસ્તો એવો છે જેમાં હથિયારોના કાયદેસરના માલિકો અથવા વેચનારાઓ પાસેથી ચોરી કરીને એનો ઉપયોગ થયો હોઈ શકે. ક્યારેક તો હથિયારો વેચનારાઓ જૂની બંદૂકોનો સંગ્રહ કરનારાઓ માટે પણ કામ કરતા હોય છે. એનો અર્થ એ છે કે એવા શસ્ત્રોને વેચતા પહેલાં નિષ્ક્રિય કરી દેવામાં આવતા હોય છે. જોકે, એ જ હથિયારો જો ખોટા હાથોમાં જતા રહે તો એને ફરી ઉપયોગમાં લેવાલાયક બનાવી દેવામાં આવે છે અને એ હથિયાર ફરી એકવાર જીવલેણ સાબિત થઈ શકે.
ઇંગ્લૅન્ડ તથા વેલ્સમાં હાલમાં અંદાજે ૫,૮૬,૦૦૦ હથિયારો એવા છે જે સરકારી રેકૉર્ડમાં વપરાશને લાયક બંદૂક તરીકે નોંધાયા છે. એક અનુમાન મુજબ એમાંથી ૬૦૦ હથિયાર દર વર્ષે ચોરવામાં આવે છે અને એ ચોરી એવા લોકો પાસેથી થતી હોય છે જેમણે એ હથિયારો કાનૂની રીતે ખરીદેલા હોય છે. ચોરી કરાયેલા હથિયારો કાળા બજારમાં વેચવા માટે આવતા હોય છે. ક્યારેક વિદેશથી બ્રિટન આવતા હથિયારો પર ધાડ પાડીને એને ચોરો દ્વારા પોતાના કબજામાં લઈ લેવામાં આવતા હોય છે. જાણકારો બતાવે છે કે આ હથિયારો ઘણી વાર યુદ્ધ કે આંતર-વિગ્રહથી પ્રભાવિત થયેલા સર્બિયા, ક્રોએશિયા, યુક્રેન, તુર્કી, બોસ્નિયા, સ્લોવેનિયા, ગ્રીસ અને બલ્ગેરિયા જેવા દેશોમાંથી આવતા હોય છે.
એમાંથી નકામા હથિયારોને ફરી વાપરવાલાયક બનાવી દેવામાં આવે છે. એ હથિયારો લશ્કરી કક્ષાના હોય છે અને અપરાધીઓના મોટા સંગઠનો ચોરીછૂપીથી એ મગાવતા હોય છે. હથિયારો તૈયાર કરવાનો આખરી રસ્તો એ હોય છે કે એના છૂટા ભાગો ઇન્ટરનેટ મારફત મળી જતા હોય છે અને પછી એને અસૅમ્બલ કરવામાં આવે છે. હેલેન પુલે ડીએનએ (ડાયોક્સાયરિબો ન્યૂક્લેઇક ઍસિડ) તથા ફિંગરપ્રિન્ટ્સ જેવા મહત્ત્વના વિષય પર કામ કરી ચૂક્યાં છે.
તેઓ કહે છે કે 'એક સમયે સામૂહિક કાર્યો માટે વપરાતા વાહનોનો અપરાધ માટે ઉપયોગ કરાતો હતો એવી જ રીતે કમ્યુનિટી વેપનની કૅટેગરીમાં આવતા હથિયારો પણ હોય છે જેના ખરીદ-વેચાણ નથી થતા, પરંતુ ભેગા મળીને એનો ઉપયોગ કરવામાં આવે છે. એ સમૂહમાંની કોઈ એક વ્યક્તિને એના આખરી ઉપયોગની જાણ હોય છે.'
અહમદને જે ગોળીઓ વાગી હતી એમાંની એક ગોળી 'ગન નંબર ૬'માંથી છૂટી હતી.
૨૦ નવેમ્બર, ૨૦૦૪ની એક શીતળ રાત
જ્યારે પણ ગન કે પિસ્તોલમાંથી ફાયર કરવામાં આવે ત્યારે એની ગોળી પર એવા નિશાન પડી જાય છે જેના પરથી ખબર પડી જાય છે કે એ ગોળી કયા હથિયારમાંથી છોડવામાં આવી હતી. એક રીતે એ ફિંગરપ્રિન્ટ કહેવાય છે. એ જ નિશાન પરથી તપાસ અધિકારીઓએ પાછલા બે વર્ષમાં 'ગન નંબર ૬'માંથી સાત ગોળી છૂટી એ જાણ્યું હતું. એમાં કોઈનું મોત નહોતું થયું, પણ એ બનાવ હજી પણ વણઉકેલાયેલો રહ્યો છે. જોકે, નવમા ગોળીબારે ફરી એકવાર 'ગન નંબર ૬'ને ચર્ચાસ્પદ બનાવી દીધી છે.
એ ૨૦ નવેમ્બર, ૨૦૦૪ની ઠંડીવાળી રાત હતી. ત્યારે બર્મિંગહમની નાઇટક્લબ 'પ્રિમૉનિશંસ'નો સુરક્ષા કર્મચારી ઇશફાક અહમદ ડ્યૂટી પર હતો. પરોઢિયે સાડાત્રણ વાગ્યે જૉન્સન ક્રૂ ગૅન્ગના લોકોએ 'એન્ટ્રી કર્યા વગર જ' આ ક્લબમાં પ્રવેશવાની કોશિશ કરી હતી.
'ઉન્નાવ, અલીગઢ, લખનઊ' યુપી પોલીસ માટે કલંક
અહમદે તેમને રોકવાની ઘણી કોશિશ કરી હતી જેના બદલામાં તેણે ત્રણ ગોળીઓ ખાવી પડી હતી. અહમદને વાગેલી ગોળીઓમાંથી એક ગોળી 'ગન નંબર ૬'માંથી છૂટી હતી. અહમદની ઉંમર એ સમયે ૨૪ વર્ષ હતી. પછીના વર્ષે એ હત્યા માટે છ લોકોને જનમટીપની સજા સંભળાવવામાં આવી હતી. એ હત્યારાઓ ઓછામાં ઓછા ૩૦ વર્ષ સુધી જેલના સળિયા પાછળ રહેવાના છે. જોકે, અહમદની હત્યામાં વપરાયેલી 'ગન નંબર ૬'ની પણ કોઈ કડી નથી મળી.
'ગન નંબર ૬'નો શિકાર બન્યો
ઍન્ડ્રયુ હંટલી
આઠ મહિના પછી ૨૩ જુલાઈ, ૨૦૦૫ના દિવસે 'ગન નંબર ૬' વિશેની જાહેરાત ફરી એકવાર કરાઈ હતી. એ વખતે એ ગન કેમાર વ્હિટેકરના હાથમાં ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. એ ૨૩ વર્ષનો ડ્રગ્સનો ડીલર હતો. આ વખતે એ ગનના શિકાર બનેલા શખસનું નામ ઍન્ડ્રયુ હંટલી હતું. હંટલીએ ભાગવાની કોશિશ કરી હતી, પણ કેમારથી તે બચી નહોતો શક્યો. કેમારે તેના માથામાં બે ગોળી ધરબી દીધી હતી. ખટલો ચાલ્યો હતો અને કેમારને પણ અહમદના હત્યારાઓ જેટલી સજા સંભળાવવામાં આવી હતી. જોકે, 'ગન નંબર ૬' ફરી એકવાર ગાયબ હતી.
આ વખતે એ ગન ચાર વર્ષ માટે ગુમ થઈ ગઈ હતી. ઍન્ડી હૉગ પાસે 'ગન નંબર ૬' વારંવાર ગુમ થઈ જવા વિશેનો એક જવાબ છે. તે કહે છે, 'જ્યારે પણ કોઈ હથિયારનો હત્યા માટે ઉપયોગ થાય ત્યારે એ હથિયાર એવી ચીજ બની જાય છે જેની સૌ કોઈને તલાશ હોય છે. એટલે જ કોઈ પણ વ્યક્તિ એને પોતાની પાસે રાખવાનું નથી ઇચ્છતી. એને કબ્રસ્તાનમાં કે બગીચામાં દાટી દેવામાં આવે છે અથવા પોતે જેને જાણતા હોય એવા બીજા કોઈ દેશના શખસ પાસે મોકલી દેવામાં આવે છે.'
જોકે, આ કથામાં નવાઈ એ વાતની છે કે 'ગન નંબર ૬' વારંવાર બ્રિટનના રસ્તાઓ પર પાછી આવી જાય છે. હંટલીના મોતના ચાર વર્ષ બાદ 'ગન નંબર ૬'માંથી ફરી એકવાર ગોળી છૂટી હતી અને આ વખતે આ પિસ્તોલ કુખ્યાત ગુનેગાર એન્સેલ્મ રિબેરાના હાથમાં હતી.
સેન્ટ્રલ બર્મિગહમથી ૪૫ મિનિટ દૂર ફેયરફીલ્ડ નામના શાંત ગામમાં રિબેરાએ પોતાની ટોળકી સાથે મળીને પોસ્ટ ઑફિસ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. એમાં ઑફિસના ઇન્ચાર્જ કેન હડસનના ૨૯ વર્ષીય પુત્ર ક્રેગને ગોળી વાગી હતી. ક્રેગને છાતીમાં અને તેના પિતા કેનને ઘૂંટણમાં ગોળી વાગી હતી. ક્રેગની હત્યા બદલ ત્રણ જણ સામે ખટલો ચાલ્યો હતો જેમાંનો એક આરોપી રિબેરા પણ હતો. ત્રણેયને જનમટીપની સજા થઈ હતી. વાસ્તવમાં રિબેરા એ પહેલાં પણ થોડા વર્ષો સુધી કારાવાસ ભોગવી ચૂક્યો હતો. તે ગુનાની દુનિયામાં બહુ વ્યસ્ત નહોતો બન્યો એ દરમિયાન તેણે ગર્લફ્રેન્ડ એલીસનને વર્ષો સુધી પાર્ટનર બનાવી હતી અને રિબેરાથી એલીસનને પુત્ર થયો હતો જેનું નામ જોશુઆ હતું. તે મોટો થયો ત્યારે તેને મમ્મી પાસેથી ખબર પડી કે તેના પિતા એક હત્યારા છે અને જનમટીમની સજા ભોગવી રહ્યા છે. જોશુઆ સમય જતાં રૅપ મ્યૂઝિકનો સફળ રૅપર બન્યો હતો અને તેના એક પછી એક આલ્બમ વેચાવા લાગ્યા હતા. જોકે, વર્ષ ૨૦૧૩ની એક રાતે એક મિત્રની યાદમાં આયોજિત કૉન્સર્ટમાં કોઈએ જોશુઆની છાતીમાં ખંજર ભોંકી દીધું હતું. જોશુઆ જે ફ્રેન્ડની યાદમાં રખાયેલા કૉન્સર્ટમાં આવ્યો હતો એ મિત્રને એક વર્ષ પહેલાં કોઈએ ચાકૂના વારથી મોતને ઘાટ ઉતાર્યો હતો. જોશુઆની હત્યાથી સ્તબ્ધ તેની મમ્મી એલીસન હવે જૂની યાદોના સહારે જીવન વીતાવી રહી છે. તે નવી પેઢીના બાળકોને હિંસાથી દૂર રહેવાની સલાહ આપે છે.
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsJzYNsGPw7EBVo6mguw1pHWRd8SzyozzLCcYmSwFG27g%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment