Monday, 18 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ બંદિની-બંદિવાન... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



બંદિની-બંદિવાન!
ખોબામાં દરિયો : રેખાબા સરવૈયા

 

 

 


જેલનાં સળિયા પાછળ આવીને એ તરત સમજી ગઈ કે અહીંની દરેક વ્યક્તિની નજરમાં એ ગુનેગાર જ છે. પોતાના અલગ વ્યક્તિત્વ કે નામની ઓળખ તો આ જેલની બહારની દુનિયામાં જ રહી ગઈ હતી જાણે…! અહીંયા તો એ હતી માત્ર બે કે ત્રણ આંકડાનો એક નંબર!!


પોતાની નજરોમાં જોઈને ખુદ પોતે પણ પોતાને ગુનેગાર કે આરોપી તરીકે તો ન જ જોઈ શકે…પણ એવું સમજે કોણ? એવું માને કોણ?


હા….પોતાને જેના પર જાતથીય વધુ વિશ્વાસ છે એ જરૂરથી પોતાની આ કરમપીડા સમજી શકશે. પોતાની ધરપકડ થતાંની સાથે જ ઘરમાંથી પોતાના પરદેશ ગયેલા પતિને આ ખબર આપી દેવામાં આવ્યા હતા. એ સાંભળીને તરત જ પતિ અહીં દોડી આવવાની તજવીજમાં ફસાયા હોવા જોઈએ.


બિઝનેસ ટૂર આમ પણ હવે પૂર્ણ થવામાં જ હતી. બે-ચાર દિવસ વહેલો આ બનાવ બન્યો એટલે એમણે વ્હેલું આવવું પડશે…બસ…એટલું જ.


સારા ઘરની વહુ તરીકે સૌ પહેલાં તો એને પોતાના હાથે થયેલા, પતિના મિત્રના ખૂન બદલ ખૂબ જ ક્ષોભ અને શરમ ઉપજ્યાં. જેલની બધી મહિલા કેદીઓ વચ્ચે આવતાંની સાથે જ એણે કેટકેટલા સવાલોનાં ભાલા ઝીલ્યો પોતાની છાતી પર! ઓહ!


બધાનાં જંપી ગયા પછી એ જાગી રહી હતી. અકળામણ અને ગૂંગળામણની આગોશમાં એ ભીંસાતી ચાલી – ભીંસાતી ચાલી….


પતિની ગેરહાજરીમાં એનો મિત્ર ખૂબ વિવેકપૂર્વક વર્તી રહ્યો હતો. એ જ સલૂકાઈથી એણે રાત્રે પોતાના ફ્લેટ પર ડિનર માટે આમંત્રણ આપ્યું હતું. એનો બહુ સહજતાથી સ્વીકાર કરીને નિયત સમયે જ્યારે એ એના ફ્લેટ પર પહોંચી ત્યારે એણે હાથમાં શરાબનાં ગ્લાસ સાથે દરવાજો ખોલ્યો. પોતે થોડી ખચકાઈને આઘી-પાછી થઈને એની પત્નીની હાજરી માટે નજરોથી રૂમમાં તપાસ કરે ન કરે ત્યાં તો…


પતિના મિત્રે એકદમ જ આવેગથી પોતાને ખેંચી છાતી-સરસી ચાંપીને ઉત્તેજિત સ્વરે વિવેકહીન બકવાસ શરૂ કર્યો. એ એકદમ જ ગભરાઈ ગઈ. એની જીભ તાળવે ચોંટી ગઈ અને આખું શરીર ધ્રુજવા માંડયું. એની પ્રતિકાર કરવાની ક્ષમતા બહુ જ કમજોર સાબિત થઈ રહી હતી. સામે કામાતુર, મદમસ્ત આખલા જેવો પુરુષ એની ઉપર ઝળૂંખી રહ્યો હતો…એ પુરુષની પકડમાંથી છૂટવા રીતસર છટપટાતી હતી.


અને પછી?  શું બન્યું? કેમ બન્યું?


એને કંઈ ખબર નહોતી. શરાબની તૂટેલી બોટલ પુરુષનાં પેટમાં ખોસી દેવાનું બળ એનામાં ક્યાંથી આવ્યું હશે! એ સવાલ હજીય એને પીડી રહ્યો હતો.


ચિત્તાના પંજામાંથી જેમ હરણી બચી નીકળે એવી કંઈક વાત બની એણે પોતાના કઝીન એડવોકેટ મારફતે બધં કબૂલ કરી લીધું હતું. બસ, હવે એ અધ્ધરશ્વાસે પતિની રાહ જોઈ રહી હતી.


એ આવે તો દોડીને એની છાતીમાં મોં ઘાલીને નાના બાળકની જેમ ચોંટી પડે, રોઈ પડે. એનાં આઘાતથી મૂઢ થયેલા હૃદયને પતિ પંપાળે, તંગ થયેલી પીઠને સહેલાવે અને ફાટ-ફાટ થતાં મગજને પોતાનાં પ્રેમાળ શબ્દોથી સાંત્વન આપે…


બસ એકવાર પતિ આવી જાય…


ને પતિ એરપોર્ટથી સીધો જ જેલમાં આવ્યો.


અત્યાર સુધીની સઘળી ચિંતાઓ એક કોરે ફગાળી દઈને એ વળગી પડી પતિને…! 'વ્હોટ અ હોપલેસ જોબ…! તને કંઈ વિચાર ન આવ્યો? મારી પોઝિશન…મારું પ્રમોશન! સોસાયટીની મારી પ્રેસ્ટિજ!' હૂંફ અને ઉષ્માની જગ્યાએ એને મળ્યાં…અકળામણ અને અણગમો…


પતિના સપાટ સ્વરથી છોભીલી પડેલી એ એકદમ જ એના શરીરથી અલગ થઈ ગઈ. મનોમન એ પોતાનાં ઉપર ભોંઠપ અનુભવી કે પતિએ તો નિસહાય બાળકની જેમ પોતાને વળગી પડેલી પત્નીની ધબકતી છાતીને પોતાની બાંહોમાં ભરી લઈ પૌરૂષીય હૂંફથી આવરિત કરીને, લાગણીભીના બે બોલ કહેવાનું પણ કયાં યાદ આવ્યું અને એક પોતે હતી કે…બનાવ બની ગયો ત્યારથી પીપળનાં કોઈ એકાકી પાન જેવી ખખડતી-ફફડતી…ધ્રુજતી હતી. તે શું આવું-આવું સાંભળવા માટે?


પોતાના શિયળની લાજ બચાવવા સારું થઈને સ્વબચાવમાં આ કૃત્ય આચરી બેઠા પછી પોતાની હિંમતને હોંશથી વધાવી લેવા, પતિ દોડીને આવશે એવી પોતાની આશા કેવી વાંઝણી નીવડી!


પતિની પ્રતિક્રિયા એનો ચહેરો, એનો ઉષ્માહિન સ્વર


ઓહ…આ ક્ષણ આમ તો સ્ત્રી માટે સત્ય સમક્ષ રૂબરૂ થવાની ક્ષણ હતી…સંબંધોનું ખોખલાપણું-રીતિ-રિવાજ-દંભ-દેખાડો-આડંબર-જેવી બેડીઓમાં જકડાયેલો સમગ્ર સમાજ એક જેલ નહોતી શું? આ લોખંડી સળિયા પાછળ આવીને તો એ આ બેડીઓથી મુક્તિ પામી હતી ને! આ આરોપમાંથી પતિ ગમે તે ભોગે પોતાને બચાવશે…એવી છેલ્લી બેડી જેવી આશામાંથી પણ તે મુક્ત થઈ ગઈ. સળિયાની પેલી તરફના બંદીવાન એવા પતિને એ દયાની નજરે જોઈ રહી.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ovqw7bKPKqQ53VA1tqzhNaJ7apP2z060sbm2ezBB3JPag%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment