Saturday, 2 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ભીડમાં એકલી બેઠેલી વ્યક્તિની તમને દયા આવે છે? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ભીડમાં એકલી બેઠેલી વ્યક્તિની તમને દયા આવે છે?
વર્ષા પાઠક

 

 

 


ગુરુવારની રાતે પણ એ જગ્યાએ ખાસ્સી ભીડ હતી. લગભગ આઠ વાગ્યા સુધી ત્યાં અમારા જેવા છૂટાછવાયા લોકો બેઠા હતા, પણ નવ વાગ્યા પછી કીડિયારું ઉભરાવા લાગ્યું અને અગિયાર સુધીમાં તો એ વિશાળ બાર-રેસ્ટોરાંમાં એકેય ટેબલ ખાલી નહોતું. એમાંથી કદાચ નવ્વાણુ ટકા જેટલી ભીડ ત્રીસ વર્ષથી ઓછી, બીજા શબ્દોમાં કહીએ તો અમને આન્ટી અને અંકલ કહી શકે એ ઉંમરની હતી. ડ્રિંક્સ એન્ડ ફૂડનો ઑર્ડર લઈ રહેલા સ્ટાફ મેમ્બર્સની વય પણ લગભગ એટલી જ હતી.


મ્યુઝિક લાઉડ હતું, પણ ત્યાં બેઠેલા યંગસ્ટર્સની વાતચીતનો, હસવાનો અવાજ એનાથીયે મોટો હતો. બધા પોતાની મોજમાં મસ્ત હતા. એવામાં અમારી પાછળના ટેબલ પર લગભગ સત્તાવીસ અઠ્ઠાવીસની લાગતી એક યુવતી એકલી બેઠી હતી. અમારા મિત્રનું ધ્યાન એના તરફ ગયું. એમણે સહેજ ધીમા અવાજે કહ્યું કે, 'પેલી છોકરી ક્યારની એકલી બેઠી છે.' મેં કહ્યું, 'હં તો?'


આનંદ બીજાની સાથે વહેંચવાથી બમણો થાય એવું કહેવાય છે, પણ કોઈવાર એકલા એકલા માત્ર પોતાની જાત સાથે આનંદ માણવાની ઇચ્છા થાય કે નહીં?


મિત્રએ એમનું નિરીક્ષણ રજૂ કરતાં કહ્યું, 'પહેલાં મને લાગ્યું કે એ કોઈની રાહ જોતી બેઠી હશે, પણ એણે પોતાના માટે ડ્રિંકનો ઑર્ડર આપ્યો. એ પૂરું કરીને પછી બીજું મંગાવ્યું. હવે નિરાંતે ડ્રિંક લેતી, સ્મોક કરતી એકલી બેઠી છે.' આટલું સાંભળીને મને ખાસ નવાઈ ન લાગી, પણ પછી અમારા એ મિત્ર જે બોલ્યા, એ સાંભળીને જરૂર થોડું વિચિત્ર લાગ્યું. એમણે કહ્યું, 'આવા કોઈપણ બાર કે રેસ્ટોરાંમાં હું કોઈને એકલા બેસીને ખાતાપીતા જોઉં તો મને એમના માટે સહાનુભૂતિ ઉપજે.' એમને લાગતું હતું કે જેને કોઈ મિત્ર કે સગુંવહાલું ન હોય એવી જ વ્યક્તિ, નછૂટકે આમ એકલી લંચ, ડિનર કે ડ્રિંક માટે નીકળતી હશે અને એને દયાપાત્ર ગણવી જોઈએ.


આ સાંભળીને મને વિચાર આવ્યો કે પેલી યુવતીની જેમ હું પણ વર્ષોથી ઘણીવાર આમ એકલી બહાર જાઉં છું, ડિનર કે શોપિંગ માટે જાઉં છું, એકલી મૂવિ જોવા પણ જાઉં છું, વિદેશમાં તો મોટેભાગે એકલી જ જવાનું પસંદ કરું છું. તો આ મિત્ર અને એમના જેવા લોકો મને સહાનુભૂતિની નજરે જોતાં હશે? એ લોકોને કેમ સમજાતું નહીં હોય કે આ દુનિયામાં એવા લોકો પણ વસે છે જેમને ઘણીવાર પોતાની જ સાથે રહેવાની ઇચ્છા થતી હોય છે?


એવું નથી કે એકલા ફરતા લોકોને પોતાનું કહેવાય એવું કોઈ નથી હોતું કે બહાર જવા માટે કોઈ સારી કંપની નથી મળતી અને એટલે પરાણે મન મારીને એકલા જવું પડે છે. નો સર, એમને ઘણા મિત્રો, પ્રિયજનો હોય છે. અરે! લોકો સાથે મળીને ધમાલ કરવામાં પણ એમને મજા આવે છે, પરંતુ ક્યારેક એમને બસ સોલો ટ્રીપ મારવાની ઇચ્છા થાય છે, પછી એ વિદેશ હોય કે નજીકમાં આવેલી રેસ્ટોરાંની.


હા, એવું બને કે કોઈવાર અચાનક બહાર જવાનો મૂડ આવી જાય, પણ છેલ્લી ઘડીએ ઇચ્છા હોય તોયે મિત્રની કંપની ન મળે. આવા સંજોગોમાં વ્યક્તિ સામે બે રસ્તા હોય, કાં બહાર જવાનું માંડી વાળે અને કાં તો પછી સારા મૂડને અકબંધ રાખીને એકલા જ બહાર નીકળી પડે. ઘણા લોકો જરાય ખચકાયા વિના આ બીજો રસ્તો અપનાવી શકે છે અને ખાસ્સા ખુશ પણ રહે છે, કારણ કે એમની ખુશી હંમેશાં બીજાની કંપની પર આધાર નથી રાખતી.


એમને કદાચ એ નથી સમજાતું કે ખુશ રહેવા, બહાર જવા, ખુદને મનગમતી પ્રવૃત્તિ કરવા માટે હંમેશાં કોઈને ગ્રૂપ કે જોડીદારની જરૂર શું કામ પડતી હશે? એકલા એકલા આનંદ કરવાનું એમને આવડતું જ નહીં હોય? ઘણા લોકો મોર્નિંગ કે ઇવનિંગ વોક માટે પણ એકલા નથી જઈ શકતા. કોઈ ઓળખીતાંપાળખીતાંએ પાર્ટી કે નાનું-મોટું ફંક્શન રાખ્યું હોય એમાં આમંત્રણ ન મળે તોયે આ લોકો અંદરખાને દુઃખી થઈ જાય છે, કારણ કે એમને ભય લાગે છે કે એમનું મહત્ત્વ અને લોકપ્રિયતા ઘટી રહ્યાં છે અને ધીમેધીમે એ એકલા પડી જશે. વળી, કયા વર્ગના લોકો બોલાવે છે, એના પર એ પોતાની કિંમત નક્કી કરે છે. આવા લોકોને જોઈને શંકા ઉપજે કે કદાચ એમને પોતાની જાત ખાસ ગમતી નથી કે શું?


જોકે, દર વખતે આ બધા લોકોનો વાંક નથી હોતો. અમુક લોકો નાનપણથી ઘરની અંદર ઘણા બધા લોકો સાથે ઉછર્યા હોય છે, દરેક સુખદુઃખનો અવસર બીજા સાથે જ માણવાની આદત એમને પડી ગઈ હોય છે. એમના માટે એકલા આનંદ કરવાનો વિચાર સુધ્ધાં ભયાનક હોય છે. છેવટે વાસ્તવિક જીવનમાં કોઈ ન મળે તો સોશિયલ મીડિયા પર એ વર્ચ્યુઅલ ફ્રેન્ડ્સની કંપની શોધે છે. બીજી તરફ અમુક લોકો માટે પોતાની જ કંપનીમાં ખુશ રહેવાનું સહજ હોય છે, ઊલટું ક્યારેક તો એમને ખરેખર ગમતા, બહુ પ્રિય લોકોની કંપનીમાં પણ નથી રહેવું હોતું. પોતાને ગમતી પ્રવૃત્તિમાં એમને કોઈ ખલેલ નથી જોઈતી.


દુનિયામાં બંને પ્રકારના લોકો હોય છે અને પોતપોતાની રીતે સુખી અને દુઃખી હોય છે. કહેવાનો અર્થ એટલો જ કે ખાલીપીલી કોઈ પ્રત્યે દયા કે સહાનુભૂતિ દાખવતા પહેલાં વિચાર કરજો. શક્ય છે કે એને આવી જરૂર જ ન હોય. ઊલટું એને કદાચ તમારા માટે સહાનુભૂતિ ઊપજી જાય.

--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuUeiCGXfekwgsBBvBoTtooEVdfU0MhSGqq8L6KvR1uvg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment