Friday, 15 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ફ્રીડમની ફરજ, આઝાદીનું ઓબ્લિગેશન... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ફ્રીડમની ફરજ, આઝાદીનું ઓબ્લિગેશન: 'સ્વ' ઉપરનું સ્વયંશિસ્તનું શાસન એટલે સ્વતંત્રતા!
જય વસાવડા

 

 

 


'અભી તો મૈં જવાન હૂં' જેવી ક્લાસિક રચનાના જૂની પેઢીના શાયર હાફિઝ જલંધરીની ઉઘાડી તલવાર જેવા નગ્ન સત્યનો જખમ કરતી આ રચના અમુક ઉર્દૂ શબ્દો છતાં ય સમજાઈ જાય એવી છે. વધુ એક સ્વતંત્રતા દિને જાગૃત નાગરિક બનવા જરાક કોશિશ કરીને ય સમજવા જેવી છે.


જંગલમાં કોઈ ઈન્ડીપેન્ડન્સ કે રિપબ્લિક ડેઝ મનાવતા નથી હોતા. કારણ કે બધા પ્રાણીઓ જન્મજાત આઝાદ છે. કોઈ કાયદા કે ન્યાયના, ધર્મ કે સમાજના કે આદર અને શરમના બંધન એમને કદી લાગુ પડતા નથી. અને તો પછી જંગલ કા કાનૂન મુજબ કાયમ બળિયાના બે ભાગ હોય છે. સસલું ય આઝાદ ને સિંહ પણ આઝાદ. આમ તો સમાનતા જ લાગે,પણ મનફાવે ત્યારે એ આઝાદીનો લાભ લેવાનો આવે ત્યારે સિંહનો જ હાથ ઉપર રહેવાનો!


જગતભરમાં આઝાદી માટે સંઘર્ષ થયા છે, ક્રાંતિઓ થઇ છે. લોહી રેડાયા છે, શહીદો પૂજાયા છે. લોકોએ ઉત્સવ મનાવ્યા છે. અને આપણા આ આઝાદી દિનની જેમ રજાઓ રાખીને ધ્વજવંદનના ઉત્સવો ઉજવ્યા છે. પણ એ આઝાદી મળ્યા પછી એનો વધુમાં વધુ ફાયદો કોને થાય છે ?


હાફિઝસાહેબ આ મુદ્દો દાયકાઓ પહેલા આ કૃતિમાં છેડેલો. કાયમ કોઈ પણ આંદોલન કે ક્રાંતિની લડતમાં લોકોના ટોળા ભેગા થાય, જનસમૂહનું સમર્થન મળે એ અનિવાર્ય છે. સત્તા ઉપરના શાસકો એમ જ સ્વતંત્રતા સામે ચાલીને પ્રજાને આપતા નથી. આ જનાધાર માટે કાયમ સર્વોદય અને સમાનતાના,સુખ અને સમૃદ્ધિના સપના જોવામાં આવે છે. પણ એક વાર આઝાદી પ્રાપ્ત થાય પછી મોટે ભાગે વિશ્વભરમાં એનો મેક્ઝીમમ બેનિફિટ પાવરફૂલ લોકો જ લે છે. જે વધુ લોકોનો શિકાર કરી શકે, એ જ જંગલ પર રાજ કરે. વધુ લાલચ અને વધુ ડર પેદા કરનારા જ મોટા ભાગે ટોચ પર પહોંચી અને ટકી શકે. રાજાશાહી હોય કે લોકશાહી, આદર્શવાદી દારા સામે ઔરંગઝેબ જ ફાવી જતા હોય છે બહુધા. આજે વિશ્વભરમાં એવો દૌર છે, કે આઝાદી પછી જે તે દેશોના ઇતિહાસમાં શોષણ અને ગરીબી ઘટયા નહિ, પણ વધ્યા.


રશિયા જુઓ કે ચીન. ગરીબોનો ઉદ્ધાર કરવાના નામે નેતાઓના ખાનદાનોનો ઉદ્ધાર થતો ગયો. ભારત અને પાકિસ્તાનમાં ય આ કરમકઠણાઈ શરુ થઇ સ્વતંત્રતા મળ્યાના થોડા જ વર્ષોમાં. પાવર શિફ્ટ થયો, ગુલામી તો એવી જ રહી. બડા સાહેબોની. કોર્પોરેટ કિંગ્સ એન્ડ ક્વીન્સની. સીસ્ટમ અને એના પાલન કરાવતા વર્દીઘારીઓની.


કારણ કે, જયારે જયારે આઝાદી મળે છે ત્યારે સંખ્યા ઘેટાંઓની વધુ હોય છે, પણ ખૌફ વરુઓનો વધુ હોય છે. શાહીન યાને બાજને ઉડવાની આઝાદી છે, એટલી નાનકડી પાંખોવાળા ચકલાંને મુક્ત ગગન હોવા છતાં નથી જ. એક્ચ્યુઅલી, પાણીના મગર કે ધરતીના વાઘવરુ આઝાદ છે, ત્યાં સુધી બાકીના અસલી અર્થમાં આઝાદ થઇ શકતા નથી. પંદર જણના પરિવારની બેઠકમાં એક સાપ નીકળે તો પંદરેપંદર ભાગી જાય. આઝાદ તો બધા છે જ. પરિવાર બેસવા માટે અને સાપ ( કરંડિયે પુરાયેલો ન હોય તો ) નીકળવા માટે. પણ તો ય સાપને એનો એડવાન્ટેજ વધુ મળ્યો. એને જવું ત્યાં જઈ શક્યો, પણ પંદર ભીરુ અને સરળ મનુષ્યો એને જોયા પછી બેસવું હોય ત્યાં બેસી ન શક્યા! આઈ બાત સમજ મેં ? આ સિમ્બોલિક છે. એક્ચ્યુઅલી તો સજીવસૃષ્ટિ જ આખી માણસજાતની દયા પર જીવે છે! કોઈ સામર્થ્યવાન ગુંડામવાલીને મધરાતે મનફાવે એમ રખડવાની જેટલી આઝાદી હોય, એટલી એની શેરીની કોઈ વધુ ભણેલી ને સુશીલ એવી શિક્ષિકાને પ્રેક્ટિકલી હોય છે ?


તો માત્ર આઝાદી હોવી એ પુરતી નથી. એનું મેનેજમેન્ટ કરવું પડે. સ્વતંત્રતા જેટલું મહત્વનું સ્વરાજ છે. સ્વરાજ એટલે સ્વનું રાજ એ અધૂરી વ્યાખ્યા છે. સ્વરાજ એટલે સ્વ ઉપરનું પણ રાજ, એ શિક્ષણ અને સંસ્કારની વ્યાખ્યા છે. આઝાદ ભારતમાં આસપાસ વધતા ક્રાઈમ, લૂંટ-બળાત્કારમાં આ મુદ્દો અગત્યનો છે. બધું જ કોર્ટ કે પોલીસથી, સીસીટીવી કે ટીવી ચેનલથી ના અટકે. ક્યાંક તો 'સ્વતંત્ર' એટલે શું એની સાચી સમજણ આપણે કેળવવી પડે. એના માટે થોડું પાઠયક્રમમાં હોવું જોઈએ પણ છે નહિ, એવું આઝાદીચિંતન કરીએ.


ફ્રીડમ બધાને વહાલી છે. કોઈને બંધન ગમતા નથી. મૃત્યુ પણ અલ્ટીમેટ ફ્રીડમ છે. પંખીડાને આ પિંજરું જૂનું જૂનું લાગે, યુ નો ! પણ એ ય ખબર હશે કે પાલતું પંખીને સીધું જંગલમાં છોડી દો તો એ મરી જાય! બ્રાઝિલિયન પોપટની વાત કહેતી મજાની એનિમેશન ફિલ્મ 'રિયો'ની તો આ થીમ હતી! કારણ કે,પિંજરના પંખીનેસુરક્ષિત માહોલમાં રેડીમેઈડ ખાવાસૂવાની ટેવ છે. જંગલમાં આઝાદી છે, તો એનું જોખમ પણ વધુ છે. ગમે ત્યારે હુમલો થાય, ખોરાક મેળવવા માટે સ્પર્ધા અને સંઘર્ષ કરવો પડે. એ માટેની તાલીમ ન હોય તો ફેંકાઈ જાવ. ઘણી અકળાતી ગૃહિણીઓ કે એમના સ્વામીઓ આ પરસ્પરની સલામતી કે ભોજનની જરૃરિયાતો પર આધારિત રહેતા હોઈને જ ભળતું ના હોય તો ય  છૂટાછેડા લઇ સ્વતંત્ર જીવવાનું ટાળતા હોય છે!


જસ્ટ થિંક, વિરાટ કોહલી સુપરટેલેન્ટેડ છે. પણ પ્રકૃતિએ ધોની કે સચિન જેવો શાંત નથી. ફ્લેમબોયન્ટ છે. છેલબટાઉ. મિજાજમાં ઉગ્ર પણ ખરો. પણ એ ગમે તેટલો તેજમિજાજ હોય, કેપ્ટન થયા બાદ એની ઉપર કોઈ નથી. કોચ મેદાન બહાર હોય અને ટેસ્ટ ટીમમાં તો સિનીયર ધોની પણ નથી.


ત્યારે એણે ફરજીયાત સ્વભાવ વિરુદ્ધ જઈને ય થોડા ગંભીર કે ઠાવકા થવું જ પડે. જો ઉપર કોઈ બોસ હોત તો હજુ ય વધુ તોફાની હોત. પણ નથી એટલે હવે વર્તન જાતે જ અંકુશમાં રાખતા એણે શીખવું પડે. સેટ પર મોડો આવતો એક્ટર પોતે પ્રોડયુસર-ડાયરેકટર થાય તો બીજાને વહેલા આવવાના ફોન કરતો થઇ જાય! તોફાની છોકરાને ઘૂંંસરી નાખવા મોનિટરનો સ્વતંત્ર કારભાર આપવાની ટ્રિકનું આ જ સિક્રેટ હતું. જુઓ ને, આમ બેફામ નિવેદનો કરી ચર્ચામાં રહેતા યોગીજી ઉત્તર પ્રદેશના સી.એમ. થયા પછી એટલા આગઝરતા ભાષણો કરતા નથી.


અર્થાત, સ્વતંત્રતા માત્ર મનફાવે એમ વર્તવાનું કે આડેધડ કોઈને નડવાનું લાયસન્સ નથી. એક જવાબદારી છે. જાતે જ નિર્ણયો લેતા શીખવાની. અને આપણી સ્વતંત્રતા તો જ સચવાય તો આપણે બીજાની સ્વતંત્રતાનો ય આદર કરતા શીખીએ. ખુદની ચોઈસ પર મક્કમ રહીએ, પણ પરાણે પોતાની ચોઈસ એમના પર ઠૂંસી ન દઈએ.


જેમ કે, આપણે કશુંક ભાવતું ખાવું હોય તો બેશક, એ ખાવા માટે સમયસંજોગો ધ્યાનમાં રાખીને એને વળગી રહીએ. પણ બીજાએ એ જ ખાવું એવી ધરાર ફરજ એટલે ન પાડી શકાય, કે આપણને કોઈ એવી રીતે દબાવે એ આપણે સ્વીકારી શકતા નથી.


ઘણા મૂઢમતિ મેઢકો એવું માણી લે છે કે સ્વતંત્રતા એટલે સ્વનું જ શાસન. બાકીની દુનિયા જાય તેલ લેવા. આપણા દેશમાં સહેલાઇથી મળી ગયેલી આઝાદીનો મોટા ભાગે આ જ અર્થ કાઢવામાં આવે છે. આપણે એવું જ માન્યું કે લોકશાહી એટલે લોકોનું રાજ. મતલબ, ટોળાશાહી. એમાં જ મોબ લીન્ચિંગ સુધી વાત આઉટ ઓફ કન્ટ્રોલ થઇને પહોંચી ગઈ.


ટોળું ભેગું થાય પછી મનફાવે એમ જ વર્તે. પોતાના જ સભ્યોને અસભ્ય બનીને કચડી નાખે. વાસ્તવમાં લોકશાહી એટલે લોકોનું નહિ, પણ લોકોની ઉપર કાયદાઓનું રાજ! મુક્ત, ન્યાયી, આધુનિક અને પ્રગતિશીલ સંવિધાનના અધિકારો અને ફરજોના સંતુલનનું રાજ. વ્યક્તિ કરતા વ્યવસ્થા મહાન છે. પણ એ સ્વીકારવા માટે અહંકાર છોડવો પડે. અને એ ઈગોને લેટ ગો નથી કહેવાતું, એટલે આપણે આજે ય અલગ અલગ વર્ગ કે જ્ઞાાતિ કે વિસ્તાર કે ભાષા કે ખોરાક્પોશાકની ઓળખ ને લેબલમાં કેદ ટોળું છીએ પણ ટીમ ઇન્ડિયા નથી.

 

આઝાદી મળી એને ઘણા લોકોએ પોતપોતાની સંકુચિત સાંસ્કૃતિક કે ધામક ઓળખનું પ્રદર્શન કરી એની ધોંસ બીજા પર જમાવવાની આઝાદી માની લીધી. એટલે આપણું નેશનલ કેરેક્ટર બનતું નથી. દ્રવિડથી બંગાળ સુધીની, દલિતથી બ્રાહ્મણ સુધીની , મરાઠાથી શીખ સુધીની અસંખ્ય અસ્મિતાઓ અંદરોઅંદર એકબીજાથી ડરતી ય રહે છે અને પોતાનો હાથ ઉપર રાખવા ઝગડતી ય રહે છે.


ધર્મમાં ય આ જ બાબત છે. હરીફરીને આઈ ઓગાળવાને બદલે માય રિલીજીયન ઈઝ બેસ્ટ વાળો કોમ્પ્લેક્સ આવી જાય છે. કોઈ અમુક બાબતમાં બેસ્ટ હોય ને અમુકમાં વર્સ્ટ હોય ને અમુકમાં એવરેજ પણ હોય, એ સાદી વાસ્તવિકતા સ્વીકારી શકાતી નથી. જે સારું છે, એ વખાણો ને અપનાવો. ખરાબ છે, એ વખોડો ને પડતું મુકો. સરેરાશ છે,


એ સુધારી બહેતર કરો. આટલી ક્લીઅર ફોર્મ્યુલા છે. પણ અવનવા બાયસીઝને લીધે એનો અમલ થઇ શકતો નથી. વાહવાહી ને ગાળાગાળી થાય છે. ગપગોળાને માન્યતાઓ પોંખાય છે. નવા સાચા અવાજો ગૂંગળાય ને પીડાય છે. સતત આ પુનરાવર્તન થયા કરે છે.


એટલે આઝાદીનો અસલી અહેસાસ થતો નથી. પોતાની વાત પરાણે બીજા પર ફોર્સથી લાદવાની વૃત્તિ ધામક આદેશોમાથી આવી છે, એમાંથી આઝાદી મળે તો જ રાષ્ટ્રીય આઝાદીમાં નવી ચેતના આવે, એ વિકસે અને એનું રક્ષણ થાય!


માટે, દેશ આઝાદ થયો પરદેશી શાસકોમાંથી. પણ માનસિક ગુલામીમાંથી આઝાદી મળવાની બાકી છે. આપણે જરૃરથી વધુ સામાજિક છીએ. સતત બીજાઓની સ્વતંત્રતા ઉપર નજર રાખવા ને નજર પાડવા ઝૂમ લેન્સવાળું ટેલીસ્કોપ લઈને બેઠાં હોઈએ છીએ.


કોણે શું ખાવુંપીવું , શું પહેરવું, કેવા ફોટા પડાવવા, કેવા કપડાં પહેરવા, કેવું વાંચવું, કેવી ફિલ્મો જોવી,  ક્યારે સૂવું, કોની સાથે સૂવું...બધી બાબતોમાં બીજાઓ માટેના મોરલ સ્ટાન્ડર્ડસની ફૂટપટ્ટીઓ સજાવીને બેઠાં છીએ. એટલે આપણી લાગણીઓ વારંવાર અન્યોની હરકતો કે શબ્દો કે ઇવન પોસ્ટર કે જોક પર પણ દુભાઈ જાય છે. પણ ખુદના અધિકાર માટે દુભાતી નથી.


! સરકારે ખુદ નીમેલી સહાયમ બેનેગલ સમિતિએ સેન્સર બોર્ડની કાપકૂપ કાઢવા વધુ એક વાર ભલામણ કરી, પણ એનો અમલ એટ્રોસિટી એક્ટ બાબતે શાહબાનોની જેમ યુ ટર્ન મારીને ઝપાટાબંધ કર્યો, એમ થતો નથી. સેન્સરક્રેઝી પ્રજા હંમેશા ધર્મઝનૂની અને ડરપોક વધુ હોવાની.


પણ જો દરેક બાબતોમાં સેન્સર કાઢી નાખો તો સ્વતંત્રતાનું રૃપાંતર સ્વચ્છંદતામાં ન થાય ? આ ક્લાસિક ક્વેશ્ચન છે. ને એટલે જ આઝાદી બાબતે આપણે ઘડતરની પ્રક્રિયા પૂરી નથી કરી એની સાબિતી છે. જ્યાં દારૃ શું ગાંજાની ને દેહવ્યાપારની છૂટ છે, એવા એમ્સ્ટરડેમમાં મધરાતે બહારની છોકરીઓ મનફાવતાં વોમાં ફરી શકે છે.


ખાલી ગુજરાતમાં જ દારુબંધીને લીધે ફરે છે એવું નથી. પણ આપણને બંધનની આદત છે, એટલે મુક્તિની બીક લાગે છે. પરીક્ષાની સારી તૈયારી કરેલ વિદ્યાર્થી  કોન્ફિડન્ટ હોય. પણ ઠોઠ ગભરાતા હોય. આપણે આઝાદીનો અભ્યાસક્રમ પાક્કો નથી કર્યો એટલે કાલ્પનિક ભયો વધુ સતાવે છે.


અભિવ્યક્તિ સ્વાતંત્ર્યકળામાં અને વ્યક્તિસ્વાતંત્ર્ય સમાજમાં હોય એટલે સાવ નિયમ જ ના હોય, એમ ન હોય. દરેક બાબતના અમુક નિયમ તો હોય જ. મનફાવે એ ચિતરવાની છૂટ લેનારને ય પીંછીની સાઈઝ કે રંગોના સાયન્સના રૃલ્સ ફોલો કરવા જ પડે છે.


ન્યુડ બીચ પર સનબાથ લઈને કોઈ યુવતી સામેની હોટલમાં જ સીધી દિગંબર પ્રવેશ નથી કરતી. કોઈ નિયમો લખ્યા ન હોવા છતાં આ પાયાના વિવેકની કેળવણી છે જ. શોકસભામાં ગિટાર પર અભિ તો પાર્ટી શરુ હુઈ હૈ લલકારવાનું ના હોય ને લગ્નમાં હે રામ હે રામની પોક મુકવાની ન હોય એ ખબર સ્વવિવેકથી ગમે તેવા ગમારને ય પડે જ છે.


બસ, એને વધુ કેળવવાનો છે. કાયદાઓ અને સજાઓ વધારવા કરતા શિક્ષણ અને સમજદારી વધારવાની જરૃર છે. પતંગને ઉંચે ઉડવું હોય તો દોરીનું બંધન જોઈએ. સાવ છોડી દો તો ઉપર ના જાય, નીચે આવે.


એમ સ્વતંત્રતા માટેની પૂર્વશરત છે : સ્વયંશિસ્ત. એડિટર ના હોય તો રાઈટર લેખમાં ગાળો લખી નાખે ? ના ઉલટું વધુ ધ્યાન રાખે કે બીજું કોઈ તપાસી ધ્યાન દોરવાવાળું નથી તો આપણે બે વાર ચોકસાઈથી જાતે વાંચી પછી જ છાપવા માટે કોપી મોકલાવીએ! હનીમૂનના પિક્સ અપલોડ થાય, સુહાગરાતના વિડિયોઝ નહિ - એ લિમિટ પ્રશાસને નહિ આપણે નક્કી કરવાની હોય.


ગલઢેરાં કહેતા એમ પારકું જમવાનું મફત હોય તો પેટ તો આપણું છે ને! એક બાજુથી દુનિયાને વધુમાં વધુ ઇઝી કનેક્ટિવિટી જોઈએ છે, બીજી બાજુ વધુમાં વધુ સ્ટ્રીક્ટ પ્રાઈવસી જોઈએ છે! આમાં ક્યાંક તડજોડ સ્વાધીનતા સાથે થવાની. એક ગેજેટ પણ લીધું એટલે ડિજીટલ ગુલામી શરુ થઇ જ જાય છે. હવે અમુક દેશોમાં એડિકશનને ધ્યાનમાં રાખી સોશ્યલ નેટવર્ક પર ટેક્સ કે અમુક કલાક જ ટાઈમ આપવાની લિમિટ એપ ખુદ સેટ કરે એવી શરૃઆત થઇ છે.


આ કંટ્રોલ આપણામાં ન હોય ? પોર્ન ફિલ્મોની છૂટ ધરાવતા દેશોમાં ય કોઈ ટોયલેટની ફિલ્મ બનાવે છે ? ને બનાવે તો કોઈ જોવાનું છે ? ખબર જ છે, માણસને ક્યાં અટકવું તે.


પણ અંતરાત્માનો અવાજ સંભળાય નહી એટલો ઘોંઘાટ આપણે આસપાસ મચાવી દીધો છે. તુષાર શુક્લ કહે છે એમ 'સ્વતંત્ર શબ્દમાં ય તંત્ર તો છે જ. સ્વાધીનમાં ય બીજાને નહિ તો પોતાના વિવેકને આધીન રહેવાની વાત છે જ.' સૌંદર્ય તરફનું આકર્ષણ એ માનવસહજ કુદરતી વૃત્તિ છે. પણ એટલે છેડતી કે રેપ કે ચીટિંગથી  કે પુરુષનો ભોગવટો કરવો એ જગતના ગમે તેવા આધુનિક અને સ્વાધીન સમાજમાં ય ગુનો જ છે. બગીચાના બધા ખીલેલા ફૂલો હોય તો જ બાગ સુશોભિત લાગે, પણ એટલે એમાં આખલાની જેમ એ ફૂલો ચોંટવા કે રગદોળવા મંડી પડવાનું ન હોય. પારકી ગાડી કે લાડી ગમી જાય એટલે ઉઠાવી લેવાની ન હોય.


આ જ સેલ્ફ કંટ્રોલ છે, જેની ક્વોલિટી પર જ ફ્રીડમની ઈલાસ્ટીસિટી નક્કી થાય છે. ડાન્સ શોમાં હવામાં ઉડતા આર્ટીસ્ટસ તદ્દન આઝાદ ઉડાન ભરતા હોય એમ લાગે પણ એક અદ્રશ્ય તાર એમને બાંધેલો હોય છે. છબી દેખાય ત્યારે એ જેના પર ખોદેલી હોય એ ખીંટી નથી દેખાતી પણ એ હોય તો છે જ.


માટે, સંપૂર્ણ સ્વતંત્રતા એ સંપૂર્ણ જવાબદારી છે.


કોઈ ટોકવારોકવા જોવાવાળું ન હોય માટે ગમે ત્યાં કચરો નાખવો એ એક છેડો છે. અને આવું કોઈ નથી માટે તો ગમે ત્યાં કચરો ન જ નખાય. કારણ કે એ રખેવાળનું કામ આપણે ખુદ કરવાનું છે એ બીજો છેડો થયો. આઝાદ અને આધુનિક થવા માટે થનગનતા ભારતનું ભવિષ્ય આ બે છેડા વચ્ચે ઝૂલે છે. સ્વમાં જ સર્વસ્વ નહિ, પણ સર્વમાં સ્વ દેખાય તો આઝાદી અકળામણ ન બને, આનંદ બને!


હેવ ધ રિસ્પોન્સીબલ ઈન્ડીપેન્ડન્સ, એન્ડ ચીઅરફૂલ ડેઝ!

 

ઝિંગ થિંગ
પ્યાર સાબિત કૈસે કિયે જાતા હૈ ? પ્યાર કર કે હી ન! હમ ઔર વોનો ફરક બેલેન્સ્ડ અને બારીક રીતે સમજાવતી ફિલ્મ 'મુલ્ક' હિન્દુસ્તાનની આઝાદી પાકિસ્તાનની બરબાદી જેવી ન થાય એ માટે અચૂક જોવા જેવી અફલાતૂન ફિલ્મ!


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ou_f01Hr03KiRHmpc4Dm48dET%3DRn3%3D-cruEPk6V8%3DaEtg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment