Sunday, 3 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ રેલ્વે નું એન્જિન જોય લોકો ને તાવ આવી જતો... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



રેલ્વે નું એન્જિન જોય લોકો ને તાવ આવી જતો!
દેવેન્દ્ર પટેલ

 

 


રેલવે ભારતીય જનજીવનનો મહત્ત્વપૂર્ણ હિસ્સો છે.


ગરીબથી માંડીને સામાન્ય વર્ગને અને ધનવાનોને  રેલવે એક સ્થળેથી બીજા સ્થળે લઇ જાય છે. એક જમાનામાં ટ્રેનને ગામડાના લોકો આગગાડી કહેતા હતા. બાળકો માટે તે છુકછુક ગાડી છે. સામાનની હેરાફેરી કરતી ટ્રેનો ભારખાના તરીકે પ્રચલિત હતી.


ટ્રેન સાથે સંકળાયેલી વાતોને લઇને અનેક કથાઓ લખાઇ છે. 'બર્નિંગ ટ્રેન' જેવી ફિલ્મો પણ બની છે. રેલવેના ડબ્બામાં મળતાં બે પાત્રો વચ્ચેની પ્રણયકથાઓ પણ લખાઇ છે. ટ્રેનના અકસ્માત બાદ છૂટા પડતાં બે બાળકો મોટા થાય છે તો એક ચોર બને છે ને બીજો પોલીસ બને છે. કોઇ નાટયાત્મક પ્રસંગે તેમનું મિલન થાય છે તેવી કથા આધારિત ફિલ્મો પણ બની છે. રેલવે પહેલાં કોલસાથી ચાલતી હતી ત્યારે તેની વ્હિસલ લોકોને ઝંકૃત કરી દેતી. ફિલ્મ 'પાકિઝા'માં 'સરેરાહ ચલતે ચલતે' ગીતમાં તો ટ્રેનની વ્હિસલ એક ખૂબસુરત ગીતનો સુમધુર હિસ્સો છે. 'ફ્રંટિયર મેલ'ના નામે પણ એક ફિલ્મ બની હતી.


ઘણાં ઓછા લોકોને એ વાતની ખબર છે કે આજથી ૧૬૦ કરતાં વધુ વર્ષો પૂર્વે દેશમાં અંગ્રેજોએ રેલવેના પાટા નાંખી તેની પર ટ્રેન દોડાવી ત્યારે રેલવેનું ધસમસતું એન્જિન જોઇ કેટલાક ગ્રામ્ય વિસ્તારના લોકો ડરી ગયા હતા. તેમને તાવ આવી ગયો હતો. કેટલાક લોકોએ તેને એક ભયાનક શેતાની સ્વરૂપ સમજીને ટ્રેનના એન્જિનને નાળિયેર વધેરીને વધાવ્યું હતું. જેથી તેમનો ભ્રમ ઓછો થાય, અમદાવાદથી પ્રાંતિજ લાઇન એ.પી. રેલવે તરીકે ઓળખાતી. આ રૂટ પર આવી ઘટનાઓ ઘટી હતી.


પરંતુ ધીમે ધીમે લોકો રેલવેને પરિવહનનું મુખ્ય સાધન સમજતા થયા હતા. દાર્જિલિંગથી નાનકડી ટ્રેન આજે પણ લોકોને યાદ છે. એક જમાનાના મશહૂર રોમેન્ટિક એક્ટર્સ દેવઆનંદ અને શમ્મીકપૂરના કેટલાંયે ગીતો રેલવેની આસપાસ શૂટ થયા હતા.


કોલસાથી પેદા થતી વરાળથી ચાલતાં રેલવેના એન્જિનોએ ડીઝલ અને ઇલેક્ટ્રિકથી ચાલતાં એન્જિનો સુધીની એક લાંબી સફર તય કરી છે.


રેલવે એ બ્રિટિશરો દ્વારા ભારતને અપાયેલી એક શ્રેષ્ઠ ભેટ છે.


ભારતીય રેલવેનો ઇતિહાસ ૧૬૮ વર્ષ જૂનો છે. આની શરૂઆત ભારતમાં અંગ્રેજોના શાસન દરમિયાન થઇ હતી. ભારતીય રેલવેની સૌથી પ્રથમ ટ્રેન ૧૮મી સદીમાં ચલાવાઇ હતી. દેશમાં પ્રથમ રેલવે ૧૬ એપ્રિલ ૧૮૫૩ના રોજ મુંબઇના બોરી બંદર સ્ટેશન (જે અત્યારે છત્રપતિ શિવાજી ટર્મનિલ) થી થાણેની વચ્ચે ચલાવવામાં આવી હતી. આ ટ્રેનમાં લગભગ ૪૦૦ યાત્રિકોએ સફર કરી હતી. પહેલી ટ્રેન લગભગ ૩૪ કિ.મી. લાંબા રેલવે ટ્રેક ઉપર ચાલી હતી. ભારતમાં એ સમયે ટ્રેનની શરૂઆત દેશ માટે એક મોટી ઉપલબ્ધિ હતી. પહેલી ટ્રેન વરાળથી ચાલતા એન્જિન દ્વારા ચલાવાઇ હતી.


ઇ.સ. ૧૮૮૧માં  પૂર્વોત્તરમાં આધિકારિક રીતે 'ટ્રોય ટ્રેન ચાલી' હતી. આ ટ્રેન બે ફૂટ પહોળા નેરોગેજ ટ્રેક ઉપર ચાલતી હતી. અને આની સ્પીડ બહુ જ ઓછી હતી. આ  ટ્રેને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલ છે. આ રમકડાં જેવી ટ્રેન ભારતના સૌથી ઊંચા રેલવે સ્ટેશન સુધી જાય છે.


હિંદુસ્તાનની આઝાદી પછી ભારત અને પાકિસ્તાનના ભાગલાં પડયા. જેમાં ૧૪ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ રેલવે નેટવર્ક થકી બંને દેશો વચ્ચે વહેંચાઇ ગયો. આઝાદીના ચાર વર્ષ પછી ૧૯૫૧માં રેલવેનું રાષ્ટ્રીકરણ કરી દેવામાં આવ્યું. હાલમાં ભારતીય રેલવે લગભગ ૧૪ લાખ કર્મચારીઓની સાથે  દુનિયામાં સૌથી વધારે રોજગાર આાપતું વિભાગ છે.


ઇ.સ. ૧૯૦૯માં  ટ્રેનોમાં મુસાફરો માટે ટોઇલેટની સુવિધા શરૂ કરવામાં આવી. પશ્ચિમ બંગાળના એક મુસાફર ઓખિલચંદ્ર સેનએ રેલવે સ્ટેશનને એક ચિઠ્ઠી લખીને  ફરિયાદ કરી કે તેઓ લઘુશંકા માટે ગયા  હતા અને તેજ વખતે તેમની ટ્રેન તેમને મૂકીને જતી રહી. રેલવેએ તેમની ફરિયાદને ધ્યાનમાં લઇને બધા જ ડબ્બામાં મુસાફરો માટે ટોઇલેટની સુવિધા શરૂ કરાવી. એ પહેલાં ટ્રેનોમાં ટોઇલેટની વ્યવસ્થા ન હતી. અને વર્ષ ૧૮૯૧માં ફક્ત પ્રથમ શ્રેણીના ડબ્બાઓમાં આ સુવિધા પૂરી પાડવામાં આવી હતી.


ભારતીય રેલવેના નામે કેટલાક વર્લ્ડ રેકોર્ડ પણ નોંધાયેલા છે. આજના સમયે વિશ્વના સૌથી ઊંચો રેલવે બ્રિજ  ભારતની ચિનાબ નદી ઉપર બની રહ્યો છે. સિવિલ એન્જિનિયરિંગનું આશ્ચર્ય એ છે કે આ બ્રિજ આખો બન્યા પછી પેરિસના એફિલ ટાવરને પણ ઊંચાઇના મામલે પાછળ  છોડી દેશે. અત્યારના સમયે લગભગ ૧,૧૫,૦૦૦ કિ.મી.  લાંબો રેલવે ટ્રેકની જાળ ફેલાયેલી છે. ભારતીય રેલવે અમેરિકા, ચીન અને રશિયા પછી દુનિયાનું  ચોથું સૌથી મોટું નેટવર્ક છે. ભારતીય રેલવેમાં લગભગ ૧૪ લાખ લોકો કામ કરી રહ્યા છે. આ રીતે જોઇએ તો આ દુનિયાનું ૯મું સૌથી વધારે નોકરી આપતો વિભાગ છે.


ભારતીય ટ્રેનોમાં લગભગ દરરોજ ૨.૫ કરોડ લોકો મુસાફરી કરે છે. ભારતમાં નાના- મોટા મળીને ૭,૫૦૦ રેલવે સ્ટેશન છે. ઉત્તર પ્રદેશના લખનૌના ચાર બાગ સ્ટેશન અન્ય સ્ટેશનોથી અલગ પોતાની ખૂબસુરતી માટે ઓળખાય છે. તે ઉપરાંત નવી દિલ્હીનું મુખ્ય સ્ટેશનનું નામ દુનિયામાં સૌથી વધારે  લાંબા રૂટ રિલે ઇન્ટરલોકિંગ સિસ્ટમ માટે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્ઝમાં સ્થાન પામ્યું છે. વિશ્વમાં સૌથી લાંબા પ્લેટફોર્મનો રેકોર્ડ પણ ભારતીય રેલવેના નામે છે. ઉત્તર પ્રદેશના ગોરખપુર સ્થિત સ્ટેશન પ્લેટફોર્મની લંબાઇ ૧૩૬૬.૩૩ મિ. છે. ભારતીય રેલવેનો માસ્કોટ ભોલુ નામનો હાથી છે.


દેશની ઔદ્યોગિક અને કૃષિક્ષેત્રની ત્વરિત પ્રગતિ એ રેલવેની પરિવહનની ઉચ્ચ સ્તરીય માગનું સર્જન કર્યું છે, વિશેષ કરીને મુખ્ય ક્ષેત્રોમાં  જેમ કે લોખંડ, કોલસો, પેટ્રોલિયમ, પ્રોડકટ્સ, અનિવાર્યવસ્તુઓ, સિમેન્ટ, ખાંડ, મીઠું, ખાદ્યતેલ વગેરે તે ઉપરાંત ભારતીય રેલ પ્રૌઔદ્યોગિકની પ્રગતિને આત્મસાત કરવા માટે વારંવાર  પ્રયત્નો કરવામાં આવે છે. નવી ડિઝાઇનના ઉચ્ચ હોર્સપાવરવાળા એન્જિન, ઉચ્ચ ગતિના ડબ્બા અને માલસામાન માટે આધુનિક બોગિઓને કાર્યમાં લાવવાની પ્રક્રિયા કરી રહી છે. આધુનિક સિગ્નલિંગ જેમ કે પેનલ- ઇન્ટર લોકિંગ, રૂટ રિલે ઇન્ટર લોકિંગ, કેન્દ્રીકૃત મુસાફરી નિયંત્રણ, સ્વતઃ સિગ્નલિંગ અને રંગીન પ્રકાશ સિગ્નલિંગની પણ શરૂઆત કરવામાં આવી રહી છે.


આવા નેટવર્કને આધુનિક બનાવવા, સુગ્ઢ કરાયા અને  તેનો વિસ્તાર કરવા માટે ભારત સરકાર  પ્રયત્ન કરી રહી છે. તે ઉપરાંત સરકારે દિલ્હી, મુંબઇ, ચેન્નઇ, બેંગ્લુરુ, હૈદરાબાદ અને કોલકત્તા જેવા મેટ્રોપોલિટન શહેરોમાં રેલવે આધારિત માસ રેપિડ ટ્રાંઝિટ પ્રણાલી શરૂ કરી છે. પરિયોજનાનું લક્ષ્ય, શહેરોના મુસાફરોને વિશ્વસનીય સુરક્ષિત અને પ્રદૂષણ રહિત મુસાફરી પ્રદાન કરવા ઇચ્છે છે. આ પરિવહનનું સૌથી ઝડપી સાધન સુનિશ્ચિત કરે છે, સમયની બચત કરે છે અને દુર્ઘટનાઓ ઓછી કરે છે. આ પરિયોજનાએ ઉલ્લેખનીય પ્રગતિ કરી છે. વિશેષ રીતે દિલ્હી મેટ્રોરેલ પરિયોજનાનું કાર્ય સ્મરણીય છે.


ભારતીય રેલવે અત્યારના સમયે સેમી બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ ઉપર કામ કરી રહી છે. જેની શરૂઆત જલદીથી થવાની સંભાવના છે. સેમી બુલેટ ટ્રેન ૧૬૦ કિ.મી. કલાકની ઝડપથી દોડશે. આમ તો વર્ષ ૧૯૮૮માં દિલ્હી અને ભોપાલ વચ્ચે ચાલતી શતાબ્દી એક્સ્પ્રેસ શરૂ કરવામાં આવી હતી. અને તેની ઝડપ ૧૫૦ કિ.મી. કલાક હતી.


૩ ઓગસ્ટ ૨૦૦૨ના રોજ પહેલી વાર ભારતીય રેલવેએ ઘરે બેસીને ઇન્ટરનેટ દ્વારા ટિકિટ બુક કરાવવાની સુવિધા શરૂ કરી. ભારતીય રેલવે સ્ટેશનમાં સૌથી નાનું ઓરિસ્સાનું એક ગામ ઇબ રેલવે સ્ટેશન છે જે ફ્કત બે શબ્દનું છે. જ્યારે સૌથી મોટા રેલવે સ્ટેશનનું નામ વેંકટનરસિંહરાજુવારિપટા છે. (venkatanarasimharauvaripeta) આ નામમાં કુલ ૨૯ અક્ષરો છે. ભારતીય રેલવેની સહયોગી સંસ્થા 'ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) ને એક મિનિટમાં ૧૨ લાખ હિટ્સ મળી હતી. એ ઉપરાંત ૧ એપ્રિલ ૨૦૧૫ના ઓનલાઇન ટ્રેન બુકિંગ દરમિયાન આ સંખ્યા લગભગ ૧૩.૪૫ લાખ પ્રતિ મિનિટ સુધી પહોંચી ગઇ હતી. યુનેસ્કોએ ભારતીય રેલવેની ૪ સાઇટને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ કરેલ છે. યુનેસ્કોના લિસ્ટમાં દાર્જિલિંગ હિમાલયન રેલવે ૧૯૯૯માં, મુંબઈ સી.એસ.ટી બિલ્ડિંગને ૨૦૦૪માં અને મિલગીરી માઉન્ટેન રેલવેને ૨૦૦૫માં અને કાલકા સિમલા રેલવેને ૨૦૦૮માં સામેલ કરી હતી.


આમ ભારતીય રેલવેનો ઇતિહાસ અને વર્તમાન બહુ જ રોચક છે..

--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OskqebLrxyTyAiVF-0ijDip3K-hDr2s5d0UKRQbCS_qYw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment